You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અર્થતંત્ર : ભારતની મંદી કેટલી ઘેરી અને શું છે ઉકેલ?
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
સળંગ બે ક્વાર્ટર (ત્રૈમાસિક)માં જ્યારે જીડીપીનો વૃદ્ધિદર નકારાત્મક હોય ત્યારે જે તે દેશ મંદીમાં પ્રવેશ્યો છે તેમ કહી શકાય. 2020-21ના પહેલા બે ત્રિમાસિકીમાં વૃદ્ધિદર નકારાત્મક રહ્યો છે એટલે ઇતિહાસમાં પહેલીવાર ભારત મંદીમાં પ્રવેશ્યું છે એમ કહી શકાય. મંદી એ ઘટતા જતા વિકાસદરનો સમય છે.
નવેમ્બરના અંતમાં ભારતના જીડીપીના આંકડા બહાર પડ્યા. તેમાં જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર- 2020ના ત્રૈમાસિક ગાળા દરમિયાન ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.5 ટકા સંકોચાયો છે.
એનો અર્થ એ થાય કે આ સમયગાળા દરમિયાન ભારતમાં 2019-20 નાણાંકીય વરસના આ જ ત્રૈમાસિક ગાળા દરમિયાન ઉત્પન્ન થયેલ ગુડ્સ અને સર્વિસીસમાં 7.5 ટકા ઘટાડો થયો.
પહેલા ક્વાર્ટરમાં 23.9 ટકાનો માઇનસ વૃદ્ધિદર વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ખરાબમાં ખરાબ હતો.
આની સરખામણીમાં બીજા ક્વાર્ટરને જોઈએ તો સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા રિસર્ચ ટીમ દ્વારા 49 દેશોનાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના વૃધ્ધિદરનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ 49 દેશમાં સરેરાશ ઘટાડો 12.4 ટકા છે. જેની સરખામણીમાં ભારતનો માઇનસ 7.5 ટકાનો ઘટાડો સારો કહી શકાય.
આ વિગતો પરથી જોઈએ તો ક્વાર્ટર એકમાં એક જ સૅક્ટર ઍગ્રિકલ્ચર ફૉર્મ અને ફિશિંગમાં હકારાત્મક વૃદ્ધિદર જોવા મળ્યો હતો જેની સરખામણીમાં ક્વાર્ટર બેમાં મૅન્યુફૅક્ચરિંગ જે 2019-20માં માઇનસ 6 ટકા હતું તે 2020-21માં પ્લસ 0.6 ટકા થયું છે.
કૃષિ અને પશુપાલનનો દેખાવ હકારાત્મક
માઇનિંગ અને ક્વૉરીંગ, ટ્રૅડ, હોટેલ, ટ્રાન્સપૉર્ટેશન, સર્વિસીસ રીલેટેડ ટુ બ્રૉડકાસ્ટિંગમાં વૃદ્ધિદર માઇનસ 47 ટકામાંથી સુધરીને બીજા ક્વાર્ટરમાં માઇનસ 15.6 ટકા અને કન્સ્ટ્રક્શનમાં માઇનસ 50.3 ટકાથી સુધરીને માઇનસ 8.6 ટકા રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં ક્વાર્ટરની સરખામણીમાં વૃદ્ધિદર ફાઇનાન્સિસ, રિયલ એસ્ટેટ અને પ્રૉફેશનલ સર્વિસીસ માઇનસ 5.3 ટકાથી ઘટીને માઈનસ 8.3 ટકા અને પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન ડિફેન્સ ઍન્ડ અધર સર્વિસીસમાં માઇનસ 10.3 ટકાથી ઘટ્યો છે.
આમ પહેલા ક્વાર્ટરમાં માત્ર એક જ ક્ષેત્ર એટલે કે કૃષિ અને ઍનિમલ હસબન્ડરી હકારાત્મક હતા તેના બદલે કૃષિ, મૅન્યુફેક્ચરિંગ અને યુટીલીટી એવા ત્રણ ક્ષેત્રે હકારાત્મક વિકાસ નોંધાયો છે.
આ ઉપરાંત બાકી રહેતા પાંચ સૅક્ટર એટલે કે માઇનિંગ અને ક્વૉરીંગ, ઇલેક્ટ્રિસિટી, ગૅસ, વૉટર સપ્લાય અને અન્ય યુટિલિટી સેવાઓ, કન્સ્ટ્રકશન, ટ્રૅડ, હૉટેલ, ટ્રાન્સપૉર્ટ, કમ્યૂનિકેશન એન્ડ સર્વિસીસ રિલેટેડ ટુ બ્રૉડકાસ્ટિંગમાં અગાઉના ક્વાર્ટર કરતા નુકસાન ઘટ્યું છે.
કર્મચારીઓની છટણી
આ જીડીપીના આંકડાઓમાં સૌથી વધારે આશ્ચર્યજનક બાબત હોય તો તે બીજા ક્વાર્ટરના ડેટામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે ભલે થોડો તો થોડો પણ 0.6 ટકા જેટલો વધારો નોંધાયો છે.
જોકે આમાં મધ્યમ અને નાના તેમજ માઈક્રો ઉદ્યોગના ડેટા આવતા નથી. એટલે મોટા ઉદ્યોગોના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે બહુ હરખાઈ જવા જેવી બાબત નથી. આનો સીધો પુરાવો એ કે ઓદ્યોગિક પ્રોડ્ક્શન ઇન્ડેક્સ આ જ સમયગાળા દરમિયાન 6.5 ટકા ઘટ્યો છે.
એક બીજું પાસું આ બધી કંપનીઓએ પગારો ઘટાડીને કે છટણી કરીને 'એમ્પ્લોઈ કોસ્ટ' 10 થી 12 ટકા ઘટાડી છે તેમ એસબીઆઇનો અહેવાલ કહે છે.
આમ કંપનીઓએ પોતાની આવક વધારે વેચાણ કરીને ઊંચકી પણ સાથે-સાથે નિર્દયી રીતે ઍમ્પ્લૉયી કોસ્ટ ઘટાડી છે એ બાબત ચિંતાજનક છે.
અર્થવ્યવસ્થામાં આવડી મોટી કટોકટી પછી એ સતત વૃદ્ધિ હાંસલ કરે એમ ધારવું જરા વધારે પડતું છે. અર્થવ્યવસ્થાને એની વૃદ્ધિની ગતિ પકડતા વાર લાગે છે..
હવે જો 8 ટકાના બદલે અર્થવ્યવસ્થા સરેરાશ 5 ટકાના દરે વધે તો એને ત્રણ વર્ષ બાદ વધારાના ત્રણ વર્ષ 116.6ના આંકડે પહોંચતા લાગે.
સરેરાશ વૃદ્ધિદર 4.5 ટકા રહેવાનું અનુમાન
ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સનો તાજેતરનો અહેવાલ 2020-25ના ગાળામાં ભારતનો સરેરાશ વૃદ્ધિદર 4.5 ટકા રહેવાનું અનુમાન કરે છે.
અગાઉ આ અનુમાન 6.5 ટકાનું હતું. આ 6.5 ટકા પણ ઉદારીકરણ બાદ 1992માં ભારતે 6.8 ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યો હતો તેના કરતાં નીચા છે. આ વાત સમજવી જોઈએ.
ડૉ. સુબ્રમણ્યમ સ્વામીને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે ભારતની ફિસ્કલ ડેફિસિટ આખા વરસ માટે નાણામંત્રીએ અંદાજી હતી તેના કરતા અત્યારે 119.7 ટકા વધારે થઈ છે અને હજુ અડધું વરસ બાકી છે.
આમાં પહેલું પરિબળ કૃષિ છે જેને સરકારની નીતિઓ સાથે નહીં પણ ચોમાસા સાથે લાગેવળગે છે. આ અંદાજમાં જે પાક ઉત્પાદનની ગણતરી લેવામાં આવી છે તે માત્ર ખરીફ જ છે.
તે જ રીતે ઉદ્યોગોની વાત કરીએ જે ક્ષેત્ર એકાએક હકારાત્મક વૃદ્ધિદર દર્શાવે છે એમાંથી એમએસએમઈ (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ) સંપૂર્ણપણે બહાર છે.
સતત ઘટતા જતા જીડીપી વૃદ્ધિદરવાળો દેશ
આ ખૂબ અગત્યની બાબત છે કારણ કે એમએસએમઈ (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ) માત્ર વરસમાં એક જ વાર એન્યુઅલ સૅમ્પલ સરવેના આધાર પર ચકાસણી હેઠળ આવે છે એ સિવાય એના માટેની વિગતો જાણવાનો કોઈ રસ્તો નથી.
60 ટકા કરતા અથવા એથી વધારે ઔદ્યોગિક ઉત્પાદન સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સેક્ટરમાંથી આવે છે જે બીજા ક્વાર્ટરનો ઔદ્યોગિક વૃદ્ધિ દર ગણવામાં ગણતરીમાં જ નથી લેવાયું.
જ્યાં સુધી એમએમએમઈ અંગેની વિગતો તમારા હાથમાં ન હોય ત્યાં સુધી કુલ ઔદ્યોગિક વૃદ્ધિ દર બાબતે કોઈપણ પ્રકારની કૉમેન્ટ કરવી યોગ્ય નથી.
જ્યારે ઑર્ગેનાઈઝડ ક્ષેત્રના ઉદ્યોગો પહેલા ક્વાર્ટરમાં લૉકડાઉનથી માંડી વિવિધ કારણોસર ખૂબ જ નકારાત્મક વૃદ્ધિદરના સ્તરે પહોંચ્યાં હતાં ત્યારે બીજું ક્વાર્ટર એનાથી વધુ નકારાત્મક ન હોઈ શકે.
એટલે શેરબજારની ભાષામાં કહેવું હોય તો પહેલાં ક્વાર્ટરનો વૃદ્ધિદર એ ઑર્ગેનાઈઝડ ક્ષેત્ર માટેનું બોટમઆઉટ હતું.
2015-16 પછી આપણે સતત ઘટતા જતા જીડીપી વૃદ્ધિદરવાળો દેશ છીએ.
છેલ્લા છ ત્રૈમાસિક ગાળા જીડીપી વૃદ્ધિદર સતત ઘટતો જતો હોય તેવા હતા અને કોવિડ પહેલાંનો વૃદ્ધિ દર માત્ર 3 ટકા હતો જે ભૂતકાળમાં વગોવાયેલા હિંદુ રૅટ ઑફ ગ્રોથ કરતા પણ નીચો હતો, જે આપણે સોવિયત રશિયાની અસર હેઠળના ગાળામાં 'સોવિયેત ઇકૉનૉમી મૉડલ'ને કારણે હાંસલ કર્યો હતો.
ભારતના આર્થિક વિકાસની વાત છેલ્લાં બે વર્ષ એટલે કે 8 ત્રૈમાસિક ગાળામાં જોઈએ તો આપણે 2018ના ચોથા ક્વાર્ટરમાં ક્યાં હતા અને આજે 2020ના બીજા ક્વાર્ટરમાં ક્યાં છીએ?
2018ના ચોથા ક્વાર્ટરમાં ભારત 8.2 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું હતું. 2018ના એ વર્ષ પછી ભારતનો આર્થિક વૃદ્ધ દર સતત નીચે જઈ રહ્યો છે.
આમ કોરોના મહામારી અને એને કારણે માગમાં એકદમ ઘટાડો એ તર્કને આપણે કઈ રીતે જોવો જોઈએ?
કોવિડ પહેલા આપણી અર્થવ્યવસ્થા રોગમાં ફસાયેલી હતી જ કોવિડે પડતાં ઉપર પાટુ મારવાનું કામ કર્યું.
મંદીને દૂર કરવા શું કરવું?
ડૉ. સ્વામી કહે છે કે હિંદુત્ત્વ એ મતોના ધ્રુવીકરણ માટે અત્યંત અસરકારક છે પણ જો અર્થવ્યવસ્થા નબળી પડે તો બિહારમાં તેજસ્વી યાદવે માત્ર યુવાનોની બેરોજગારીના પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તાજેતરની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનાવવાનું શ્રેય હાંસલ કર્યું.
ડૉ. સ્વામી કહે છે કે એમ.એસ.એમ.ઈ. ભાંગીને ભટૂરિયું થઈ ગયું છે જેને અંગ્રેજીમાં 'ટોટલ કૉલપ્સ' કહેવાય છે. એમાં શું સ્થિતિ છે એનો સાચો અંદાજ પણ કોઈ પાસે નથી.
ડૉ. સ્વામી આ માટે ઘણા બધા ઉપાયો સૂચવે છે. એમાંના બે, સરકારી ખર્ચ મોટા પાયે વધારવાનો અને આવકવેરાને નાબુદ કરવાનો છે.
જે પ્રશ્ન ઉભો થયો છે તેમાં એક રીતે કહીએ તો આમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ અતિ આક્રમક વ્યૂહરચના અને બિનપરંપરાગત એટલે કે આઉટ ઑફ ધી બૉક્સ હોવો જોઈએ.
વિખ્યાત અર્થશાસ્ત્રી કેઇન્સે કહ્યું છે કે મંદીને હઠાવવી હોય તો બજારમાં ઘરાકી નીકળે એવા ઉપાયો કરો.
આવા ઉપાયોમાં જીએસટી કે અન્ય કરવેરામાં કાપથી લઈને આવકવેરામાંથી મુક્તિ સુધીના ઉપાયો હોઈ શકે. સરકાર હાલ પૂરતું ફિસ્કલ ડેફિસિટને ખાડામાં નાખીને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના મૂડીગત ખર્ચાઓ વધે તેવું કરી શકે?
કેન્દ્ર સરકાર આ બાબતમાં કોઈ ચોક્કસ આયોજન સાથે ચાલતી હશે તેમાં બેમત નથી પણ એ આયોજન પરિણામલક્ષી બનશે તો જ માંદગીના બિછાને પડેલી અર્થવ્યવસ્થા બેઠી થશે એ સિવાય નહીં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો