You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#FamersProtest : ખેડૂતો અને સરકારની વાતચીતમાં ન આવ્યો નીવેડો, 9 ડિસેમ્બરે ફરી વાટાઘાટો
દિલ્હીના વિજ્ઞાનભવનમાં ખેડૂતનેતાઓ અને સરકાર વચ્ચે કૃષિ સુધારા કાયદાને લઈને થયેલી વાતચીત કોઈ નિર્ણય વગર પૂરી થઈ છે.
ખેડૂત યુનિયનો સરકાર ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચે એ વાત પર અગડ છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ આ બેઠકમાં કોઈ નીવેડો આવ્યો નથી અને હવે ફરીથી 9 ડિસેમ્બરે વાતચીત થશે.
સરકારે ખેડૂત યુનિયનો પાસે નક્કર પ્રસ્તાવ માટે સમય માગ્યો હતો.
વિજ્ઞાન ભવનથી બહાર નીકળેલા ખેડૂતનેતાઓ મુજબ કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે 9 ડિસેમ્બરે એમને એક પ્રસ્તાવ મોકલશે અને તેના પર ચર્ચા એ જ દિવસે બેઠકમાં થશે.
આ દરમિયાન અનેક ખેડૂતો વિરોધપ્રદર્શન માટે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હોવાના પણ સમાચારો છે.
ખેડૂતનેતાઓનો મિટિંગમાં 'મૌન વ્રત' વિરોધ
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કૃષિ સુધારા કાયદાઓને લઈને વિરોધ કરે રહેલા ખેડૂતોના નેતાઓ સાથે સરકારની વાતચીત ચાલી રહી છે.
આ દરમિયાન સરકાર સાથે વાતચીત કરી રહેલા ખેડૂત નેતાઓએ બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને કહ્યું કે 'સરકાર જૂની વાતોનું પુનરાવર્તન કરી રહી છે, હવે અમારી તરફથી કોઈ વાત નહીં થાય.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણીતા સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ હરિયાણા-દિલ્હી વચ્ચેની સિંઘુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળવા પહોંચ્યા. દિલજીતે સંબોધન કરતાં કહ્યું કે, ખેડૂતોએ નવો ઇતિહાસ રચ્યો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ વાતચીત કરી રહેલા મંત્રીએ કહ્યું કે 'ખેડૂતોનું ગૂપ મિટિંગમાં મૌન વ્રત લઈને બેઠું છે અને કૃષિ કાયદાઓ રદ કરવાને લઈને સરકાર પાસે હા કે નાનો જવાબ માગ્યો છે.'
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શું છે સ્થિતિ જુઓ વીડિયો
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ દિલજીત દોસાંઝે કહ્યું, 'કેન્દ્ર સરકારને અમારી એક જ વિનંતી છે..પ્લીઝ અમારા ખેડૂતોની માગણીઓ પૂરી કરો. અહીં દરેક શાંતિપૂર્ણ રીતે બેઠું છે અને આખો દેશ ખેડૂતોની પડખે છે.'
સરકાર માગણીઓ પર નિર્ણય આપે - ખેડૂતનેતાઓ
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ સરકાર સાથેની વાતચીત દરમિયાન કડક વલણ અપનાવતા ખેડૂતનેતાઓએ કહ્યું કે, 'સરકારે અમારી માગણીઓ પર નિર્ણય કરવો જોઈએ નહીંતર અમે મિટિંગ છોડી નીકળી જઈશું.'
સરકારે કહ્યું કે તે પંજાબના ખેડૂતોની ભાવના સમજે છે અને તેમની ચિંતા દૂર કરવા તૈયાર છે. જોકે, ખેડૂતોનું કહેવું છે કે એમને ઉકેલ જોઈએ છે.
ખેડૂતોની માગણી છે કે 'ખેડૂતવિરોધી ત્રણ કાળા કાયદાઓ કૃષિ કાયદાઓ' પાછા ખેંચવામાં આવે.
આ અગાઉ ખેડૂતનેતાઓએ અગાઉની વાતચીતની લેખિત મુદ્દાસર વિગતોની માગણી કરી હતી.
ખેડૂતનેતાઓએ સરકાર પાસે મુદ્દાસર લેખિત જવાબ માગ્યો
કૃષિ સુધારા કાયદાને લઈને વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોનાં પ્રતિનિધિઓ સરકાર સાથે વાતચીત માટે વિજ્ઞાનભવન પહોંચ્યાં છે અને પાંચમા તબક્કાની વાતચીત શરૂ થઈ છે.
વાતચીતની શરૂઆત અગાઉ દોઆબા કિસાન સંઘર્ષ સમિતિના હરસુંદર સિંહે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે કાયદો રદ કરવામાં આવે. અમે કાયદામાં સુધારાની સરકારની ઑફરનો સ્વીકાર નહીં કરીએ.
ઉલ્લેખનીય છે કે આ પાંચમા તબક્કાની વાતચીત છે અને અગાઉની વાતચીતમાં કોઈ નિર્ણય પર પહોંચી શકાયું નથી.
અન્ય એક ખેડૂતનેતાએ કહ્યું કે અમારી માગણી સરકાર ત્રણે કાયદાઓ રદ કરે એવી છે અને સરકાર કાયદામાં સુધારાની વાત કરે છે. સહમતી બની નથી રહી તેથી અમે વિરોધ પર અડગ છીએ.
ખેડૂતોની માગણીઓ નહી માની તો તેઓ વિરોધપ્રદર્શનો ઉગ્ર બનાવશે
સરકાર સાથીની વાતચીતમાં ખેડૂતનેતાઓએ મુદ્દા આધારિત લેખિત જવાબની માગ કરી છે.
ખેડૂતસંગઠનોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કરતાં કહ્યું કે જો એ દિવસે તેમની માગણીઓ નહીં માનવામાં આવે તો તેઓ દિલ્હીના તમામ ટૉલ પ્લાઝા ઘેરી લેશે.
એક પત્રકારપરિષદમાં ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામસિંહ ચઢૂનીએ કહ્યું કે જો કેન્દ્ર સરકારે શનિવારની વાતચીતમાં ખેડૂતોની માગણીઓ નહી માની તો તેઓ વિરોધપ્રદર્શનો ઉગ્ર બનાવશે.
બીજી તરફ ખેડૂત આગેવાન હરવિંદરસિંહ લખવાલે કહ્યું કે, "આજની અમારી બેઠકમાં અમે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધની અપીલ કરી છે જે દરમિયાન અમે દિલ્હીના તમામ ટોલ પ્લાઝા ઘેરશે."
"જો નવા કૃષિકાયદા પરત ન લેવાયા તો અમે આવનારા દિવસોમાં દિલ્હી સુધી જનારા તમામ રસ્તા બંધ કરી દઈશું."
પાછલા નવ દિવસથી હરિયાણા, પંજાબ અને અન્ય પ્રદેશોના ખેડૂતો દિલ્હી બૉર્ડરના વિસ્તારો પર પ્રદર્શન કરી રહ્યા છે.
ખેડૂતો અને સરકાર વચ્ચે આજે પાંચમા તબક્કાની વાતચીત
કૃષિકાયદાઓને લઈને ખેડૂતોના વિરોધપ્રદર્શન વચ્ચે આજે ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની બેઠક થશે.
આ પહેલાં ગુરુવારે ખેડૂતો અને સરકાર વચ્ચે દિલ્હીના વિજ્ઞાનભવનમાં ચોથા તબક્કાની વાતચીત પરિણામરહિત નીવડી હતી.
અત્યાર સુધી થયેલી બેઠકોમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ પણ મુદ્દે સહમતિ સાધી શકાઈ નથી, ગુરુવારે થયેલી ચોથા તબક્કાની વાતચીતમાં 40 ખેડૂતોના પ્રતિનિધિમંડળે સરકારને સંસદનો વિશેષ સત્ર આયોજિત કરીને ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાની સલાહ આપી હતી.
બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીને અન્ય રાજ્યો સાથે જોડતી સીમાઓ પર હાજર છે.
ખેડૂતો નવા કૃષિકાયદાને પાછા લેવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નવા કૃષિકાયદા ખેડૂતવિરોધી છે અને તે પાક પર મળતા સરકારના લઘુત્તમ સમર્થન મૂલ્યની વ્યવસ્થાને ખતમ કરી દેશે.
જે કારણે તેમણે મોટી મોટી કંપનીઓને ભરોસે રહેવું પડશે.
બીજી તરફ સરકારનું કહેવું છે કે નવા કાયદાથી ખેડૂતોને સારી તકો અને ખેતી માટે સારી તકનીક મળશે.
ચોથા તબક્કાની વાતચીત બાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સરકારમાં કોઈ અહંકાર નથી અને તેઓ ખેડૂતોના મુદ્દાઓ અંગે ખુલ્લા મગજે વિચાર કરી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે બેઠકમાં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે સરકાર તેના પર ચર્ચા કરશે અને આશા છે કે આગામી બેઠકમાં વાતચીતનું કોઈ પરિણામ આવે.
ખેડૂતોના સમર્થનમાં ઊતર્યા રાજકીય પક્ષો
આઠ વિપક્ષી પાર્ટીઓએ એક સંયુક્ત નિવેદનમાં પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કર્યું હતું.
આ નેતાઓમાં NCP પ્રમુખ શરદ પવાર, TMKના ટી. આર. બાલૂ, CPMના મહાસચિવ સીતારામ યેચૂરી, CPI મહાસચિવ ડી રાજા, RJD સાંસદ મનોજ ઝા, CPI (માલે)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય, AIFBના દેબબ્રત બિસ્વાસ અને RSPના મહાસચિવ મનોજ ભટ્ટાચાર્ય સામેલ છે.
TMC નેતા અને રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન શુક્રવારે ખેડૂતો સાથે મુલાકાત કરવા સિંઘુ બૉર્ડર પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તેમનો પક્ષ 100 ટકા ખેડૂતો સાથે છે. ખેડૂતવિરોધી તમામ કાયદા રદ થવા જોઈએ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો