કોરોનામાં ઑઇલ ક્ષેત્રે આવેલી મંદી ક્લીન એનર્જી ઇન્ડસ્ટ્રીને કેટલી ફળશે?

ઇમેજ સ્રોત, Omer Messinger via Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે ધીરે ધીરે પરંપરાગત ઊર્જા સ્રોતોના સ્થાને રિન્યૂએબલ ઍનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધે તે તરફનું વલણ બનતું જાય છે.
આગામી 20 વર્ષમાં વૈશ્વિક ઊર્જા મિક્સમાં રિન્યૂએબલ ઍનર્જીનો હિસ્સો વધશે.
2010માં રિન્યૂએબલ ઍનર્જીનો કુલ ઍનર્જીમાં માત્ર 8.6 ટકા હિસ્સો હતો.
ગ્લોબલ ડેટા રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2020માં તે વધીને 22.8 ટકા જેટલો થવાની ધારણા છે.
રિન્યૂએબલ ઍનર્જીના વપરાશથી પ્રદૂષણ થતું નથી તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રે આવેલા ટેકનિકલ પરિવર્તનોને કારણે પહેલાં જે ક્ષતિઓ હતી તે હવે નાબૂદ થઈ છે.
વળી, કિંમતોની દૃષ્ટિએ રિન્યૂએબલ ઍનર્જી સસ્તી થઈ છે જેના પરિણામે લોકો તેનો ઉપયોગ કરતા થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રે સારો વિકાસદર હાંસલ કર્યો છે.
કોરોનાને કારણે ક્રૂડ ઑઇલના ભાવોમાં ઐતિહાસિક ઘટાડો થયો છે અને તેથી પ્રદૂષણ ઘટાડો જોવા મળ્યો છે ત્યારે રોયલ ડચ કંપનીએ કાર્બનનું પ્રદૂષણ ઘટાડવા માટે એક રૂપરેખા તૈયાર કરી છે જે સ્વસ્છ ઊર્જા ક્ષેત્રે રોકાણ વધારવામાં મદદરૂપ થશે.

આ વખતનો ઑઇલનો ભાવ ઘટાડો અલગ

ઇમેજ સ્રોત, Christopher Furlong/Getty Images
વિશ્વભરમાં કલાઇમેટ ચેન્જ વિશે મોટી ઑઇલ કંપનીઓનો સહકાર મેળવવાની વાત આવે ત્યારે ઑઇલ કંપનીઓ માટે એક ટેન્શન ઊભું થતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્લીન ઍનર્જી ક્ષેત્રે રોકાણ કરવું વાજબી લાગતું નહીં. ભૂતકાળમાં જ્યારે ક્રૂડ ઑઇલના ભાવો ઘટે ત્યારે રોકાણકારો તેમના સ્વસ્છ ઊર્જા પ્રોગ્રામ થંભાવી દેતા અને તે નાણાંનો ઉપયોગ ક્રૂડ ઑઇલના ઉત્પાદન માટે કરતાં.
પરંતુ હવે સમય બદલાયો છે. કોરોનાને કારણે ક્રૂડ ઑઇલની માગ ઘટી છે ત્યારે રોકાણકારો હવે ક્લીન ઍનર્જી ક્ષેત્રે રોકાણની શક્યતાઓ તપાસી રહ્યા છે.
સોલર કંપની લાઇટસોર્સ બી.પી.ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર નિક બોયલે જણાવ્યું હતું , "પહેલાં કરતાં આ વખતે ઑઇલમાં થયેલો ભાવનો ઘટાડો તદ્દન અલગ છે. 2008-09ની મંદીના સમયે તેલની કિમતો ઘટી ત્યારે રોકાણકારોએ બીજા પર્યાય તરીકે સોલાર જેવી ક્લીન ઍનર્જીનો વપરાશ કરતાં ખચકાતા હતા અને તેનું કારણ સોલર પેનલ્સની ઊંચી કિંમત હતી."
"હવે પરિસ્થિતિ અલગ છે. ક્રૂડની કિમતો ઘટતા લાઇટ સોર્સ બીપીએ એકલા યુ.એસ.માં લગભગ 400 મેગાવોટની ક્ષમતાના સોદાને આખરી ઓપ આપ્યો છે."
હજી પણ પરિવહન ક્ષેત્રે ઈંધણ તરીકે તેલનું પ્રભુત્વ છે, ખાસ કરીને ઉડ્ડયનમાં, જ્યાં બેટરી પાવર અથવા રિન્યૂએબલ ઈંધણની વર્ચ્યુઅલ હાજરી નથી.
તેથી હાઇડ્રોકાર્બન પ્રોજેક્ટમાં આજે કોઈ પણ રોકાણ કરતા રોકાણકર્તાઓ એ વાત માનવી પડશે.
વાઇરસના ફેલાવાને ધીમો કરવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોએ વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર વ્યાપક અસર કરી છે.
ઉદાહરણ તરીકે ફ્રાન્સે કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કર્યું હતું જેને લીધે વીજ માગમાં લગભગ પાંચમા ભાગનો ઘટાડો થયો હતો જ્યારે ગેસોલિન અને ડીઝલનો વપરાશ 70%થી 90% સુધી ઘટ્યો હતો.
આજ રીતે યુરોપના અન્ય દેશોમાં અને યુ.એસ.માં પણ ગેસોલિન અને ડીઝલનો વપરાશ વ્યાપક પ્રમાણમાં ઘટ્યો હતો.

ઑઇલની માગ હજી ઘટશે

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉના ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડો થાય અને એ સમયે લોકો ટ્રાવેલ કરે તેનો ફાયદો લોકો સુધી અને ઍવિએશન કંપનીઓ સુધી પહોંચતો હતો.
ઇન્ટરનેશનલ ઍનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર જો આ વર્ષના બીજા ભાગમાં (H2 2020)મુસાફરી પર પ્રતિબંધ હળવો કરવામાં આવે તો પણ વૈશ્વિક તેલની માગમાં 2020માં સરેરાશ 9.3 મિલિયન બેરલનો ઘટાડો થશે.
કોરોનાને કારણે બિઝનેસ કરતા અધિકારીઓ મુસાફરીને બદલે વીડિયો કૉન્ફરન્સિંગ કરવાનું વધારે પસંદ કરશે.
આમ થવાને કારણે પરિવહન ક્ષેત્રે ઈંધણની ખપત ઓછી થશે. જોકે, માલ પરિવહન ક્ષેત્રે બજારની ગતિવિધિ વધતાં ઈંધણની ખપત થશે તે સ્વાભાવિક છે.
આમ ઊર્જાઉદ્યોગે હજુ કપરો સમય પસાર કરવો પડશે. આ દરમિયાન કોરોનાની વૅક્સિન ક્યારે આવશે તે નક્કી નથી ત્યારે 2021ના મધ્ય ગાળામાં પરિવહન ક્ષેત્રે પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે.
લંડન સ્થિત સલાહકાર ઍનર્જી ઍસ્પેક્ટ્સ લિમિટેડના જણાવ્યા અનુસાર વૈશ્વિક અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને માગમાં ક્રમશ: રીતે વધારો થશે.
ઍનર્જી ઍસ્પેક્ટ્સના લૉન્ગ ટર્મ વિશ્લેષણના વડા મેટ પેરીના જણાવ્યા અનુસાર 2019થી 2025 સુધીમાં ક્રૂડની માગમાં દિવસમાં 5.6 મિલિયન બેરલનો વધારો થશે.
આ વર્ષે તેમણે વિકસાવેલા ફૉરાસ્ટિંગ મૉડલ્સ પ્રમાણે વપરાશમાં ભારે ઘટાડો થવાને કારણે ક્રૂડની માગ દિવસમાં આશરે 3 મિલિયન બેરલ જેટલી રહેશે.
પેરીએ જણાવ્યું હતું કે, વાઇરસના વર્તનમાં ફેરફારો તેલની માગમાં લાંબાગાળાની વૃદ્ધિને અસર કરી શકે છે, તેમ છતાં ઉદય પામી રહેલો મધ્યમવર્ગ અને બજાર 2030ના દાયકામાં ક્રૂડ ઓઇલનો વપરાશને વધારવામાં મદદરૂપ સાબિત થશે.જોકે ક્રૂડના મોટા ઉત્પાદકો હજી પણ અગાઉ થયેલા માગના ઘટાડાની અસર તળે છે. વધી રહેલા દેવાને પહોચી વળવા તેમણે ખર્ચમાં મોટો કાપ મૂક્યો છે અને અખાતી દેશોમાં પરિસ્થિતિ વધુ વણસી છે.

હવામાન પ્રદૂષણ એક મોટો મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
શેલ બીપી અને ટોટલ એસ.એ જેવી કંપનીઓ એ નવા રોકાણમાં લગભગ 20 ટકા જેટલો ઘટાડો કર્યો છે.
શેલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બેન વાન બ્યુર્ડે 2021 સુધીમાં ગ્રીનહાઉસ-ગેસથી થતું પ્રદૂષણ 3% જેટલું ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ તેઓ હાલની ઑઇલ ક્રાઇસિસમાં કોઈ ઍનર્જી ટ્રાન્સઝિશન વિશે વિચારતા નથી, કારણ કે તેમની પ્રથમ પ્રાથમિકતા આ ક્ષેત્રે કામ કરતા તેમના કર્મચારીઓ છે.
બીપી બોસ બર્નાર્ડ લૂની કે જેમણે કાર્બનને કાબૂમાં લેવા એક મોટી યોજના બનાવી છે, તેમણે શેલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બેન વાન બ્યુર્ડને એક સોશિયલ મીડિયામાં લખતાં કહ્યું હતું કે "જે ચાલી રહ્યું તે જોતાં તમારી વાતથી સહમત છું. છતાં આપણે ભવિષ્ય તરફ નજર રાખી પૃથ્વીને બચાવવી જોઈએ "
રોયલ ડચ શેલ પીએલસીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બેન વેન બ્યુર્ડેને ગત વર્ષે લંડનમાં ઑઇલ ઍન્ડ મની કૉન્ફરન્સ વેળાએ બ્લૂમબર્ગ ટેલિવિઝનને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હવામાન પરિવર્તન એક મોટો મુદ્દો બની ગયો છે. તેના ઉકેલ તરીકે તેલ અને ગેસના પુરવઠામાં કાપ મૂકવાને બદલે અન્ય ક્ષેત્રો વચ્ચે સહયોગ વધારવો જોઈએ.
એકવાર ગ્રીન ઊર્જા વિષે પ્રતિબદ્ધતા દર્શાવ્યા પછી પીછેહઠ કરવાથી તેમની પ્રતિષ્ઠા સામે મોટું જોખમ ઊભું થશે તેવું રિસ્પોન્સિબલ ઇન્વેસ્ટમેન્ટના સીઈઓ ફિયોના રેનોલ્ડ્સે જણાવ્યું હતું.
રિસ્પોન્સિબલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ 90 ટ્રિલિયન ડૉલરથી વધુની સંપત્તિ ધરાવતી 3,000 કંપનીઓ છે જેણે ગ્રીન ઊર્જા માટેના સંકલ્પો ઉપર હસ્તાક્ષરો કર્યા હતા.

ભવિષ્ય માટે તૈયારીઓ

ઇમેજ સ્રોત, SOPA Images/Getty
શેલના વેન બ્યુર્ડેન વચન આપ્યું છે કે તેમની કંપની આ વર્ષે નવી ઊર્જા પર 1થી 2 અબજ ડૉલર ખર્ચ કરશે, જે 2021માં વધીને 3 અબજ ડૉલર થઈ જશે.
છતાં શેલ કે બીપી બંનેએ શુદ્ધ ઊર્જામાં કેટલું રોકાણ કરશે તે અંગેની કોઈ બ્લુપ્રિન્ટ આપી નથી.
જોકે, 2050 સુધીમાં તેમના મોટાભાગના ગ્રીન હાઉસ ગેસ એમિશનને દૂર કરવાની પ્રતિબદ્ધતા તેમણે દાખવેલી છે.
બંને તેલ કંપનીઓ આવતા અઠવાડિયે ત્રિમાસિક પરિણામો જાહેર કરશે અને તેમની શુદ્ધ ઊર્જા પ્રત્યેની પ્રતિબદ્ધતાની વિગતવાર યોજના પણ જાહેર કરશે.
સીઈઓ જ્હોન બ્રાઉને બ્લૂમબર્ગ ટેલિવિઝન પરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે "વાઇરસના પરિણામે લોકોની વર્તણૂક બદલાઈ ગઈ છે.
જો તમે તેલની કિંમતો લાંબા સમય સુધી ઘણી ઓછી રહેતી જુઓ તો મને આશ્ચર્ય નહીં થાય."
આમ મોટી ઑઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલમાં આવેલ કડાકાને પગલે ધીરે ધીરે ક્લીન ઍનર્જીના ઉપયોગ તરફ વળી છે અને વિશ્વનું કાર્બન ફૂટપ્રિન્ટ વધારવા તરફનું લક્ષ્ય સેવી રહી છે.
બીજી બાજુ સમય જતાં ક્લીન એનર્જી સ્ત્રોતોમાં આવેલા પરિવર્તનોને પરિણામે રોકાણ ઉપર રિટર્ન મળવાની ધારણાઓ વધતાં અને જરૂરી માળખું જેવી કે વીજ ટ્રાન્સમિશન લાઇનો ઉપલબ્ધ બનતાં આ ક્ષેત્રે રોકાણો વધશે.
જોકે, સાથે-સાથે એ પણ એટલું જ સાચું છે કે ભવિષ્યમાં જ્યાં સુધી નવી શોધો ન થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટથી માંડી હવાઈ પરિવહન ક્ષેત્રે ક્રૂડની માગ રહેશે.
વિશ્વના ઍનર્જીના કુલ વપરાશમાં 2010માં રિન્યુએબલ ઍનર્જીનો હિસ્સો 8.9 ટકા હતો તે હાલ વધીને 22.8 ટકા જેટલો હિસ્સો થયો છે.
આ જોતા ભવિષ્યમાં નવી ટેકનૉલૉજી ઉપલબ્ધ બનતાં તેની ભાગીદારી ત્રણથી ચાર ગણી વધી શકે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















