મહિલાપંચના રેખા શર્મા ‘લવ જેહાદ’ મુદ્દે ઘેરાયાં, હઠાવવાની માગ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

રાષ્ટ્રીય મહિલાપંચનાં પ્રમુખ રેખા શર્મા મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન 'લવ જેહાદ'ના ઉલ્લેખને લઈને વિવાદોમાં ઘેરાઈ ગયાં છે.

તેમના કેટલાંક કથિત જૂનાં ટ્વીટ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે અને તેમને મહિલાપંચમાંથી દૂર કરવાની માગણી ઊઠી છે.

નોંધનીય છે કે તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યાં હતાં.

રાષ્ટ્રીય મહિલાપંચ પ્રમાણે, "આ દરમિયાન તેમણે રાજ્યપાલ સાથે કોવિડ સેન્ટરોમાં મહિલા દર્દીઓ સાથે બળાત્કાર અને છેડતી, વન સ્ટૉપ સેન્ટરની નિષ્ક્રિયતા અને લવ જેહાદના વધી રહેલા મામલાઓ અંગે ચર્ચા કરી હતી."

પંચની એક પત્રકારપરિષદ અને ન્યૂઝ એજન્સી PTI પ્રમાણે, રેખા શર્માએ રાજ્યપાલને કહ્યું કે કે મહારાષ્ટ્રમાં 'લવ જેહાદ'ના મામલા વધી રહ્યા છે.

વાતચીતમાં તેમણે બે જુદાજુદા ધર્મના લોકોનાં લગ્ન અને 'લવ જેહાદ' વચ્ચેના તફાવતને સ્પષ્ટ કર્યો અને કહ્યું કે આ અંગે ધ્યાન આપવાની જરૂર છે.

અહીં વિવાદ એ મુદ્દે થયો છે કે તેમણે 'લવ જેહાદ' શબ્દનો ઉપયોગ કર્યો છે.

નોંધનીય છે કે મોદી સરકાર ફેબ્રુઆરી માસમાં સંસદમાં કહી ચૂકી છે કે વર્તમાન કાયદાઓમાં 'લવ જેહાદ' શબ્દ વ્યાખ્યાયિત નથી અને કોઈ પણ કેન્દ્રીય એજન્સીએ તેને લગતા કેસ રિપોર્ટ કર્યા નથી.

સંસદમાં લેખિતમાં એવો પ્રશ્ન પુછાયો હતો કે શું સરકારને એ વાતની જાણકારી છે કે કે કેમ કે કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે લવ જેહાદનું નામ કોઈ પ્રવૃત્તિને ન આપી શકાય.

આ પ્રશ્નના જવાબમાં 4 ફેબ્રુઆરી, 2020ના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતું કે, "લવ જેહાદ શબ્દને વર્તમાન કાયદાઓ હેઠળ પરિભાષિત નથી કરાયો. 'લવ જેહાદ'નો કોઈ પણ મામલો કોઈ પણ કેન્દ્રીય એજન્સી દ્વારા રિપોર્ટ નથી કરાયો."

આ દરમિયાન સરકાર તરફથી એવું પણ કહેવાયું હતું કે બંધારણે તમામને કોઈ પણ ધર્મને અપનાવવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપી છે.

જોકે, ઘણા દક્ષિણપંથી સમૂહો હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાનાં લગ્ન માટે 'લવ જેહાદ' શબ્દનો ઉપયોગ કરે છે અને આરોપ મૂકે છે કે હિંદુ છોકરીઓને ભોળવીને ધર્માંતરણ કરાવીને લગ્ન કરાય છે.

આ કારણે જ આ વાતને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ કે મહિલાપંચનાં પ્રમુખ કેવી રીતે આ શબ્દનો ઉપયોગ કરી રહ્યાં છે અને કયા આંકડાઓને આધારે 'લવ જેહાદ'ના મામલા વધી રહ્યા હોવાની વાત કરી રહ્યાં છે, જ્યારે કેન્દ્ર સરકાર જાતે આ વાતથી ઇનકાર કરી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર ઘેરાયાં

રાષ્ટ્રીય મહિલાપંચે રેખા શર્મા અને રાજ્યપાલ કોશ્યારીની મુલાકાતની તસવીરો અને જાણકારી ટ્વિટર પર શૅર કરી હતી. થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર રેખા શર્મા સવાલોથી ઘેરાઈ ગયાં.

ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે આ અંગે કઠોર પ્રતિક્રિયા આપી છે.

એક ટ્વિટર યૂઝર દેબિપ્રસાદ મિશ્રાએ પંચના ટ્વીટ પર જવાબ આપતાં લખ્યું :

"શું NCW અને તેમનાં પ્રમુખ એ સ્પષ્ટ કરશે કે 'લવ જેહાદ'નો અર્થ શો છે? શું આપ આ શબ્દનો ઉપયોગ એ જ અર્થમાં કરી રહ્યાં છો, જે કેટલાક અંતિમવાદી સમૂહો દ્વારા કરાય છે? જો હા, તો શું આપ કોઈ પણ જાતના કાયદાકીય આધાર વગર જ તેમની વિચારધારાનું સમર્થન કરી રહ્યાં છો?"

પલ્લવી નામનાં એક યૂઝરે પ્રશ્ન કર્યો કે રાષ્ટ્રીય મહિલાપંચ એવા મામલાઓને ઉઠાવશે જેમાં અન્ય ધર્મમાં લગ્ન કરનારાં મહિલાઓ પર હુમલા કરાય છે અને તેમનો જીવ પણ લઈ લેવાય છે, એ વાતનો શો ભરોસો?

તેમજ એક યૂઝર શાહના યાસ્મીને લખ્યું કે, "NCWને 'લવ જેહાદ'ના કયા મામલા મળ્યા છે. શું રેખા શર્મા આવા પાંચ મામલા ગણાવી શકે?"

અભિનેત્રી ઊર્મિલા મતોંડકરે પણ આ મુદ્દે ટ્વીટ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો.

તેમણે લખ્યું છે કે, "આ દેશમાં મહિલાઓ કેવી રીતે સુરક્ષિત હોઈ શકે, જ્યારે આવો સિલેક્ટિવ ઍજન્ડા ચલાવનારાં મહિલા આવા પંચનું નેતૃત્વ કરી રહ્યાં છે?"

કથિત જૂનાં ટ્વીટોએ મુશ્કેલીમાં કર્યો વધારો

રેખા શર્માની મુશ્કેલીઓ ત્યાર વધી ગઈ જ્યારે કેટલાક સોશિયલ મીડિયા યૂઝરોએ કેટલાંક વિવાદિત ટ્વીટ શૅર કરીને દાવો કર્યો કે તે તેમનાં ઘણાં વર્ષો જૂનાં ટ્વીટ છે.

તે પૈકીનાં કેટલાંક કથિત ટ્વીટ નરેન્દ્ર મોદી કેન્દ્રની સત્તામાં આવ્યા તે પહેલાંનાં એટલે કે 2012, 2014નાં છે.

જેમાં મહિલાઓ, મહિલા નેતાઓ અને અન્ય નેતાઓને લઈને આપત્તિજનક વાતો લખવામાં આવી છે. આ ટ્વીટ શૅર કરીને લોકો તેમની ભાષા અને માનસિકતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

રેખા શર્મા ખરેખર ઑગસ્ટ 2015માં રાષ્ટ્રીય મહિલાપંચ સાથે જોડાયાં હતાં.

પંચની વેબસાઇટ અનુસાર, રેખા શર્માએ 7 ઑગસ્ટ, 2018ના રોજ રાષ્ટ્રીય મહિલાપંચનાં ચૅરપર્સનનો પદભાર સંભાળ્યો હતો.

રાષ્ટ્રીય મહિલાપંચમાં સામેલ થતાં પહેલાં તેઓ ભાજપ સાથે સક્રિયપણે જોડાયેલાં હતાં. તેઓ હરિયાણા ભાજપનાં જિલ્લા સચિવ અને મીડિયા ઇન-ચાર્જ હતાં.

સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થયા બાદ #sackRekhaSharma પણ ટ્વીટર પર ટ્રેંડ કરવા લાગ્યું હતું અને તેમને રાષ્ટ્રીય મહિલાપંચનાં અધ્યક્ષપદેથી હઠાવવાની માગણી ઊઠવા લાગી.

વિપક્ષ કૉંગ્રેસે પણ રેખા શર્માના રાજીનામાની માગી કરી છે.

કૉંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ટ્વીટ કર્યું, "આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે કે નિમ્ન સ્તરના વિચાર ધરાવનાર એક સેક્સિસ્ટ મહિલા રાષ્ટ્રીય મહિલાપંચનાં પ્રમુખ કેવી રીતે હોઈ શકે. પરંતુ નરેન્દ્ર મોદી અને ભાજપને જોતાં એ સમજી શકાય છે કે તેનું કારણ શું છે. તમે જેટલું ઝેર ઓકશો, એટલી જ તમારી આ ઇકૉ-સિસ્ટમમાં પ્રગતિ થશે, શરમજનક."

આ સમાચાર લખાઈ રહ્યા છે એ દરમિયાન રેખા શર્માએ પોતાનો ટ્વિટર એકાઉન્ટ લૉક કરી નાખ્યું છે. તેમના એકાઉન્ટ પર લખેલું આવી રહ્યું કે તેમનાં 'ટ્વીટ પ્રોટેક્ટેડ છે' એટલે કે તેમનાં ટ્વીટ માત્ર એ જ લોકો જોઈ શકશે જેમને તેઓ પરવાનગી આપશે.

બીબીસીએ રેખા શર્માનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમની સાથે વાત નહોતી થઈ શકી.

સમાચારો પ્રમાણે, રેખા શર્માએ આ પહેલાં ટ્વીટ કર્યું હતું કે કોઈએ તેમનો એકાઉન્ટ હૅક કરી લીધું છે અને તેમના એકાઉન્ટથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટ્વીટ કર્યાં છે.

સાથે જે તેમણે લખ્યું, "જ્યારે આ ટ્વીટ થયાં, ત્યારે હું ફ્લાઇટમાં હતી. લોકો કેટલા દુષ્ટ છે. મહારાષ્ટ્રથી આવી રહી છું અને સમજી શકું છું કે આવું કેમ થયું હશે."

મહારાષ્ટ્ર સરકાર પ્રત્યે નારાજગી

રાજ્યપાલ સાથે મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય મહિલાપંચનાં અધ્યક્ષ રેખા શર્માએ મહારાષ્ટ્રમાં મહિલાસુરક્ષાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં રેખા શર્માએ કહ્યું હતું કે પ્રદેશમાં નવી સરકાર બન્યા બાદ રાજ્ય મહિલાપંચ નથી નીમાયું.

તેમણે કહ્યું કે રાજ્ય મહિલાપંચનો અધ્યક્ષપદ ખાલી હોવાને કારણે મહિલાઓની ફરિયાદોને લગતા ચાર હજાર મામલાની સુનાવણી નથી થઈ શકી. તેથી અમે રાજ્યપાલને કહ્યું છે કે જ્યાં સુધી રાજ્ય મહિલાપંચ નહીં નીમાય, ત્યાં સુધી રાષ્ટ્રીય મહિલાપંચનાં એક સભ્ય દર મહિને સુનાવણી માટે મુંબઈ આવશે.

મંગળવારે મુંબઈ આવેલાં રેખા શર્મા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા બાદ દિલ્હી પાછાં ફર્યાં હતાં. પરંતુ રાજ્યનાં મહિલા અને બાળવિકાસમંત્રી યશોમતિ ઠાકુરને નહોતાં મળ્યાં.

આ મુદ્દે યશોમત ઠાકુરે કડક શબ્દોમાં કહ્યું કે મહિલાસુરક્ષા વિશે રેખા શર્માને માત્ર રાજકીય ઍજન્ડા દેખાઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે, "મેં મહિલાપંચનાં અધ્યક્ષની મુલાકાત માટે મંગળવાર સવારે 11 વાગ્યાનો સમય આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ મને મળવા આવશે. પરંતુ હું તો રાહ જોતી જ રહી ગઈ અને તેઓ ન આવ્યાં."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો