IPL 2020 MI vs DC: હાર્દિક પંડ્યાએ ઘડીક માટે શ્વાસ અધ્ધર કરી દીધો પણ છેવટે એળે ગઈ શિખર ધવનની ધમાલ

ઇમેજ સ્રોત, Henry Browne/Getty Images
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં એક તરફ ટીમો ટુર્નામેન્ટમાં આગેકૂચ કરવાનો પ્રયાસ કરતી હોય છે તો બીજી તરફ બે ટીમ એવી છે જે મોખરાના સ્થાને ટકી રહેવા માટે પ્રયાસરત છે.
એવી જ બે ટીમ રવિવારે રાત્રે અબુધાબી ખાતે ટકરાઈ હતી, ભારતના બે મેટ્રો શહેરના નામે રમતી મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સનો ઇરાદો મોખરે રહેવાનો હતો. રવિવારની મૅચ બાદ બંને પાસે સમાન દસ દસ પૉઇન્ટ છે.
મૅચ અગાઉ દિલ્હીની ટીમ આગળ હતી અને મુંબઈએ તેની લગોલગ પહોંચવા માટે આ મૅચમાં જીતવું જરૂરી હતું જે તેણે કરી દેખાડ્યું હતું. જોકે, મુંબઈની ટીમ નેટ રનરેટમાં આગળ છે.
મુંબઈ હાલમાં સાત મૅચમાંથી 10 પૉઇન્ટ સાથે 1.327નો અને દિલ્હી સાત મૅચમાંથી દસ પૉઇન્ટ સાથે 1.038નો નેટ રનરેટ ધરાવે છે.
પ્રથમ બેટિંગ કરતાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 162 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સે ઇનિંગ્સના મધ્ય ભાગમાં વિકેટો ગુમાવી હોવા છતાં, 19.4 ઓવરમાં 166 રન કરી લીધા હતા. આમ મુંબઈનો પાંચ વિકેટથી વિજય થયો હતો.
આઇપીએલમાં જે કરામત થતી હોય છે તે મોટા ભાગે તો મધ્ય ઓવરમાં જ થતી હોય છે. આ મૅચ પણ તેમાંથી બાકાત ન હતી. ઓપનર અને કૅપ્ટન રોહિત શર્મા વહેલા આઉટ થઈ ગયા હતા પરંતુ ક્વિન્ટન ડી કોક અને સૂર્યકુમાર યાદવે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. બંનેએ દસમી ઓવર સુધીમાં સ્કોર 77 સુધી પહોંચાડી દીધો હતો.

ઇમેજ સ્રોત, BCCI/IPL
ડી કોકે શાનદાર બેટિંગ કરીને ત્રણ સિક્સર સાથે 36 બૉલમાં 53 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે પણ એટલા જ રન ફટકાર્યા હતા પરંતુ તેના માટે તેઓ ડી કોક કરતાં ચાર બૉલ ઓછાં રમ્યા હતા.
મૅચની 15મી ઓવર સુધી તો મુંબઈ એકતરફી વિજય તરફ આગળ ધપી રહ્યું હતું પરંતુ 15મી ઓવરના છેલ્લા બોલે સૂર્યકમાર યાદવ આઉટ થયા. અત્યાર સુધી ખૂબ સુંદર બૉલિંગ કરી રહેલા પરંતુ વિકેટથી વંચિત રહેલા સાઉથ આફ્રિકન ઝડપી બૉલરે યાદવને આઉટ કર્યા ત્યાર બાદ મૅચમાં રોમાંચ આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અને હાર્દિક આઉટ..

ઇમેજ સ્રોત, BCCI/IPL
16મી ઓવરના બીજા જ બૉલે હાર્દિક પંડ્યા ખાતું ખોલાવ્યા વિના જ માર્કસ સ્ટોઇનિસની બૉલિંગમાં આઉટ થઈ ગયા હતા. આ તબક્કે મૅચનું પાસું પલટાઈ જશે તેવી અટકળ થતી હતી. તેમાં 18મી ઓવરમાં ઈશાન કિશન પણ આઉટ થઈ ગયા હતા.
ઈશાન કિશને 28 રન ફટકાર્યા હતા. ઈશાને ઝડપી રમત દાખવીને પરિણામમાં ફેરફાર થાય નહીં તેની કાળજી રાખી હતી તથા 15 બૉલની ઇનિંગ્સમાં બે સિક્સર અને બે બાઉન્ડરી ફટકારી હતી. ઈશાન આઉટ થયા ત્યારે ઔપચારિકતા રહી ગઈ હતી.
અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે શિખર ધવને શાનદાર બેટિંગ કરી હતી. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા ધવન જે રીતે ભારત માટે બેટિંગ કરતો હોય છે તેની ઝલક હજી સુધી આ વખતની આઇપીએલમાં દેખાડી શક્યા ન હતા પરંતુ રવિવારનો દિવસ અલગ જ હતો.
એક તરફ દિલ્હી કેપિટલ્સના બેટ્સમૅનને રનરેટ જાળવવામાં તકલીફ પડી રહી હતી કેમ કે સામે છેડે વિશ્વના સર્વશ્રેષ્ઠ બૉલરોની ફોજ રમતી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહ ઉપરાંત મુંબઈ પાસે જેમ્સ પેટિન્સન છે તો કૃણાલ પંડ્યા અને રાહુલ ચહર આ પ્રકારની ટી20 ક્રિકેટ મૅચોમાં તેમની કંજૂસ બૉલિંગ માટે જાણીતા છે.
આ સંજોગોમાં દિલ્હીના આ ડાબોડી બેટ્સમૅન શિખર ધવને 132.69ના સ્ટ્રાઇક રેટથી 52 બૉલમાં 69 રન ફટકાર્યા હતા.
દિલ્હીની ઇનિંગ્સમાં માત્ર એક જ સિક્સર જોવા મળી હતી અને તે શિખર ધવને ફટકારી હતી. આખી ઇનિંગ્સમાં એક જ સિકસર નોંધાય તે બૉલરોનો પ્રભાવ પુરવાર કરે છે. પૃથ્વી શો અને અજિંક્ય રહાણે સસ્તામાં આઉટ થઈ ગયા ત્યારે ટીમની જવાબદારી ધવન અને કૅપ્ટન શ્રેયસ ઐય્યર ઉપર આવી ગઈ હતી.
આ બંને સિનિયર બેટ્સમૅનોએ ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાવી હતી. ઐય્યરે 33 બૉલમાં પાંચ બાઉન્ડરી સાથે 42 રન ફટકાર્યા હતા. એલેક્સ કેરીએ 14 રન કર્યા હતા પરંતુ ટીમનો સ્કોર 150ને પાર કરાવવા માટે ધવને જ મહેનત કરી હતી.
મુંબઈ ઇન્ડિયન્સની બૉલિંગ એકદમ ચુસ્ત રહી હતી. બોલ્ટે ચાર ઓવરમાં નવની સરેરાશથી 36 રન આપ્યા હતા તો બુમરાહે ચાર ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા.
કૃણાલ પંડ્યા અને રાહુલ ચહરે પણ તેમની ઓવરદીઠ રન આપવાની સરેરાશ 7 ઉપર જતી રહે નહીં તેનું ધ્યાન રાખીને બૉલિંગ કરી હતી. કૃણાલે પણ બુમરાહની માફક ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા પરંતુ ફરક એટલો જ હતો કે કૃણાલને બે વિકેટ મળી હતી તો બુમરાહને વિકેટ સાંપડી ન હતી.
રાહુલ ચહર તેમની અનોખી સ્ટાઇલ માટે જાણીતા છે અને તેમણે ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા.
આઇપીએલની વર્તમાન સિઝનમાં હવે દિલ્હીની ટીમ 14મીએ રાજસ્થાન રોયલ્સ સામે રમશે તો મુંબઈ ઇન્ડિયન્સ 16મીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. બંને હાલમાં દસ દસ પૉઇન્ટ ધરાવે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























