IPL 2020 RR vs SRH: તેવટિયાની મૅચ જીતવાની ત્રેવડ વધતી જ જાય છે

ઇમેજ સ્રોત, BCCI/IPL
ઇન્ડિયન પ્રીમિયર લીગ આ વખતે ઘણી બધી રીતે અનોખી પુરવાર થઈ રહી છે. કોરોના વાઇરસ અને લૉકડાઉનને કારણે તેનું સ્થળાંતર કરાયું, સેંકડો નિયમો અને પ્રતિબંધો છતાં આ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અટકી નથી પણ ગમે તે હોય તેનો ચાર્મ એવો ને એવો જ રહ્યો છે.
આઈપીએલ ગમે ત્યાં રમાય પણ તેનો રોમાંચ તો જળવાઈ જ રહે છે.
જે કયાંય જોવા મળે નહીં તે આઇપીએલમાં જોવા મળે એવી જ રીતે આ વખતે કેટલાક યુવાન ખેલાડીઓ તેમની પ્રતિભા દાખવી રહ્યા છે, જેમાંના બે રાહુલ તેવટિયા અને રિયાન પરાગ છે.
આ બંને એક જ ટીમમાંથી રમી રહ્યા છે જે સ્ટિવ સ્મિથની રાજસ્થાન રોયલ્સ માટે આશીર્વાદ સમાન છે કેમ કે રવિવારે તેમણે ટીમનો પરાજય નક્કી જ હતો તેમાંથી ટીમને ઉગારી શાનદાર વિજય અપાવ્યો હતો.
રવિવારે દુબઈ ખાતે રમાયેલી આઈપીએલની મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સનો પાંચ વિકેટે વિજય થયો હતો.
મેચ ઓછા સ્કોરવાળી બની રહી હતી જેમાં 159 રનના ટાર્ગેટ સામે રમી રહેલી રાજસ્થાનની ટીમ 15 ઓવર સુધી તો હારી જાય તેમ લાગતું હતું પરંતુ છેલ્લી પાંચ ઓવરમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને તેણે 19.5 ઓવરમાં પાંચ વિકેટે 163 રન કરીને મૅચ જીતી લીધી.
અગાઉ હૈદરાબાદે 20 ઓવરમાં ચાર વિકેટે 158 રન કર્યા હતા.

ઇમેજ સ્રોત, BCCI/IPL
રાહુલ તેવટિયા અને રિયાન પરાગ ક્રિઝ પર આવ્યા ત્યારે રાજસ્થાનનો સ્કોર 12 ઓવરમાં પાંચ વિકેટે 78 રન હતો. આમ આગામી આઠ ઓવરમાં ટીમને 80 રનની જરૂર હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે એક સમયે તો શક્ય લાગતું ન હતું કેમ કે અગાઉ હૈદરાબાદની ટીમ તથા રોયલ્સના મોખરાના ખેલાડીઓ આક્રમક બેટિંગ કરી શકતા ન હતા તેવી દુબઈની વિકેટ હતી પરંતુ છેલ્લે એમ લાગ્યું કે આ બંને બેટ્સમેનને વિકેટ સાથે કોઈ લેવા દેવા નહીં હોય.
રાહુલ તેવટિયા અડધી સદી કરી શક્યા નહીં જેના તેઓ હકદાર હતા પરંતુ તેમણે 28 બોલમાં બે સિકસર સાથે 45 રન ફટકાર્યા હતા.

રાશિદ ખાન પર તેવટિયા ભારે પડ્યા

ઇમેજ સ્રોત, BCCI/IPL
વર્તમાન ક્રિકેટમાં અને ખાસ કરીને ટી20 ક્રિકેટમાં સૌથી ખતરનાક બૉલર હોય તો તે અફઘાનિસ્તાનના રાશિદ ખાન છે. આ બોલરે આ મૅચ અગાઉ કોઈ મૅચમાં પાંચની સરેરાશથી રન નહીં આપ્યા હોય પણ તેમની ચોથી ઓવર એટલી મોંઘી પુરવાર થઈ કે ખુદ રાશિદ ખાન પણ તેને જલદી ભૂલી નહીં શકે.
તેમની ચોથી ઓવરના પહેલા ત્રણ બૉલમાં રાહુલ તેવટિયાએ સળંગ ત્રણ બાઉન્ડરી ફટકારી હતી.
રાહુલની બેટિંગ જોઈને જોશમાં આવી ગયેલા રિયાન પરાગે પણ એવી જ આક્રમક બેટિંગ કરી હતી અને 26 બોલમાં અણનમ 42 રન ફટકારી દીધા હતા.
છેલ્લી ઓવરના પાંચમા બૉલે એમ લાગતું હતું કે મૅચ ટાઈ થઈ શકે છે પરંતુ રિયાન પરાગે શાનદાર સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
આ બંનેની 85 રનની ભાગીદારી અગાઉ સંજુ સેમસને 26 રનનું યોગદાન આપ્યું હતું પરંતુ તે સિવાય ટીમના માંધાતાઓ નિષ્ફળ રહ્યા હતા.
સિઝનમાં પહેલી વાર રમી રહેલા અને જેમની આતુરતાથી રાહ જોવાતી હતી તે બૅન સ્ટૉક્સ માત્ર પાંચ રન કરી શક્યા હતા તો કૅપ્ટન સ્ટિવ સ્મિથે પણ એટલાં જ રનનું યોગદાન આપ્યું હતું.

ઇમેજ સ્રોત, BCCI/IPL
અંગ્રેજ બેટ્સમૅન જોઝ બટલર 16 અને રોબિન ઉથપ્પા 18 રન કરી શક્યા હતા. આવી બેટિંગ બાદ કોઈ ચમત્કાર જ રાજસ્થાનને બચાવી શકે તેમ હતો અને એ ચમત્કાર તેવટિયા અને પરાગે કર્યો હતો.
અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં માત્ર 158 રન નોંધાવ્યા ત્યારે જ એમ લાગતું હતું કે આ મૅચ ઓછા સ્કોરવાળી બની રહેવાની છે.
મનીષ પાંડેએ મૅચની એકમાત્ર અડધી સદી ફટકારી હતી. તેમણે બે બાઉન્ડરી અને ત્રણ સિક્સર સાથે 44 બૉલમાં 54 રન ફટકાર્યા હતા તો કેપ્ટન ડેવિડ વૉર્નરે ઉમદા યોગદાન આપ્યું હતું અને 38 બોલમાં 48 રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સરનો સમાવેશ થતો હતો.

ઇમેજ સ્રોત, BCCI/IPL
વર્તમાન ટુર્નામૅન્ટમાં બંને ટીમનું પ્રદર્શન સાતત્યવિહોણું રહ્યું છે. એક તરફ રાજસ્થાનની ટીમ પહેલી બે મૅચ જીત્યા બાદ સળંગ ચાર મૅચ હારી ગઈ હતી અને હવે તેણે ફરીથી વિજય હાંસલ કર્યો છે તો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ક્યારેક જીતે છે તો ક્યારેક હારે છે. પ્રારંભમાં બે મૅચ હાર્યા બાદ તેણે બે મૅચ જીતી હાર-જીત-હારનો સિલસિલો જારી રાખ્યો છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















