ગુજરાત : ચાર લોકોને ચાર મહિના બાદ ફરીથી કોરોનાનો ચેપ લાગ્યો

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમદાવાદમાં ચાર મહિના બાદ ચાર લોકો ફરીથી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

ચાર લોકોમાં એક ગુજરાત કૅન્સર રસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર છે, જ્યારે બે એલજી હૉસ્પિટલના ડૉક્ટર છે અને એક 60 વર્ષનાં ગૃહિણી છે.

આ તમામ લોકો અગાઉ એપ્રિલ 13 થી એપ્રિલ 21ની વચ્ચે કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારબાદ હાલ ઑગસ્ટ 18થી સપ્ટેમ્બર 6ની વચ્ચે ફરીથી સંક્રમિત થયા છે.

હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવેલા સીરો પૉઝિટિવિટી સર્વેમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઈને સાજા થયેલાં 40 ટકા લોકોમાં કોરોના વાઇરસના ઍન્ટિબૉડી ગાયબ થયાનું જાણવા મળ્યું હતું.

આ ચાર લોકોમાંથી એક 60 વર્ષીય ગૃહિણીમાં જ ઍન્ટિબૉડી જોવા મળ્યાં છે. જ્યારે બાકીના ત્રણ ડૉક્ટરમાં ઍન્ટિબૉડી જોવા મળ્યાં નથી.

ડિસઇન્ફેકટન્ટ ટનલ શારીરિક અને માનસિક રીતે હાનિકારક છે : સરકાર

ધ વાયરના અહેવાલ અનુસાર સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડિસઇન્ફેક્ટન્ટ ટનલ આરોગ્ય માટે શારીરિક અને માનસિક એમ બંને રીતે હાનિકારક છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે સરકારને પ્રશ્ન પૂછયો હતો કે કોરોના વાઇરસને ધ્યાનમાં લઈને કિટાણુને દૂર કરવા ડિસઇન્ફેક્ટન્ટ ટનલના ઉપયોગ કરવા પર પ્રતિબંધ કેમ નથી મૂક્યો?

આ સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે સરકાર દ્વારા ડિસઇન્ફેકટન્ટ ટનલના ઉપયોગની ભલામણ કરવામાં નથી આવી અને તે માણસો માટે શારીરિક અને માનસિક રીતે હાનિકારક છે.

સુપ્રીમ કોર્ટે સરકાર કેમ પ્રતિબંધ નથી મૂકી રહી તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકાર યોગ્ય આદેશ જાહેર કરશે.

સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારના ગૂંગળામણથી મૃત્યુ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરતના નાનપુરા વિસ્તારમાં સ્ટ્રોમ વોટરની ગટરમાં ઉતરનાર બે વ્યક્તિઓનાં ગૂંગળામણના કારણે મોત થયાં છે.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જણાવેલી માહિતી પ્રમાણે બંને લોકો ખાનગી કોન્ટ્રાક્ટરના માણસો હતા.

જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોએ ગટરમાં આ બે માણસને પડેલા જોયા ત્યારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હાજર લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો.

બાદમાં ફાયર બ્રિગેડે ઘટનાસ્થલે પહોંચી બંનેને બહાર કાઢ્યા હતા અને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ કહ્યું, "સ્ટ્રોમ વોટર લાઇનનું કામ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું હતું. તેમના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે તપાસ સોંપવામાં આવી છે. જ્યારે આ ઘટના ઘટી ત્યારે તેઓ વાલ્વ ચૅમ્બરમાં હતા."

શિક્ષકને મારી નાખનાર આરોપીની ભીડે પોલીસ સામે હત્યા કરી નાખી

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક શિક્ષકની હત્યાના આરોપીની ભીડે પોલીસની સામે માર મારીને હત્યા કરી નાખી છે.

કુશીનગરમાં એક શિક્ષક સુધીર સિંહની હત્યા તેમના ઘરમાં કરી દેવામાં આવી હતી. હત્યા કરનાર વ્યક્તિ ભીડ એકઠી થઈ જતા આત્મસમર્પણ કરવા માગતી હતી.

હાજર લોકોનો ગુસ્સો બેકાબૂ હતો અને પોલીસની સામે જ ભીડ યુવાન પર તૂટી પડી હતી. પોલીસે લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ તે ભીડને રોકવામાં નિષ્ફળ રહી.

આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે. પોલીસના કહેવા પ્રમાણે વ્યક્તિ ગોરખપુરની હતી અને તેણે તેના પિતાની બંદૂકથી શિક્ષકની હત્યા કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો