You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કંગના રનૌતની ઑફિસે પહોંચી BMCની ટીમ, ટ્વીટ કરીને કહ્યું 'તોડી શકે છે પ્રૉપર્ટી'
અભિનેત્રી કંગના રનૌતના મુંબઈના પાલી હિલસ્થિત ઑફિસ પર બીએમસીની એક ટીમ સોમવારે પહોંચી હતી.
કંગનાએ ટ્વીટ કરીને જણાવ્યું, "આ મુંબઈમાં મણિકર્ણિકા ફિલ્મ્ઝની ઑફિસ છે, જે મેં 15 વર્ષની મહેતન કરીને કમાઈ છે, મારા જીવનનું એક સપનું હતું કે હું જ્યારે ફિલ્મનિર્માતા બનું ત્યારે પોતાની ઑફિસ હોય, પણ લાગે છે કે આ સપનું તૂટવાનો સમય આવી ગયો છે."
"આજે ત્યાં અચાનક બીએમસીના કેટલાક લોકો આવ્યા છે. તેઓ જબરજસ્તી મારી ઑફિસમાં આવ્યા અને બધું માપવા લાગ્યા. તેઓએ પડોશીઓને પણ પરેશાન કર્યા અને કહ્યું કે 'તે જે મેડમ છે, તેની કરતૂતનું પરિણામ બધાએ ભોગવવું પડશે.' મને જાણકારી મળી છે કે એ લોકો કાલે મારી સંપત્તિ તોડી પાડશે."
બીબીસીએ બીએમસીના એક વરિષ્ઠ અધિકારી સાથે વાત કરી, જેઓએ પોતાનું ન છાપવાની શરતે કહ્યું, "બીએમસીની ટીમ કંગનાની ઑફિસે પહોંચી હતી. પણ તે મુલાકાત કેમ લેવામાં આવી તેને લઈને કોઈ જાણકારી નથી. વૉર્ડ ઑફિસર જ બતાવી શકશે કે આખરે બીએમસીની ટીમ કેમ ગઈ હતી."
આ સિવાય અમે બીએમસીના અન્ય એક વરિષ્ઠ અધિકારી સાથે પણ વાત કરી.
તેઓએ પણ નામ ન છાપવાની શરતે કહ્યું, "વીડિયોમાં તો બીએમસીના લોકો નજરે આવી રહ્યા છે, પરંતુ તેઓ કેમ ગયા હતા એની સત્તાવાર જાણકારી અમારી પાસે નથી."
કંગનાએ તાજેતરમાં કહ્યું હતું કે તેઓ મુંબઈમાં પોતાને સુરક્ષિત માનતા નથી.
કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર સાથે કરી હતી, બાદમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખથી લઈને શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કંગના પર નિશાન સાધ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા
કૅન્દ્ર સરકારે બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતને વાય લેવલની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.
કેટલાક દિવસો પહેલાં જ સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ કંગનાએ કહ્યું હતું કે મુંબઈમાં તે ખુદ સુરક્ષિત મહેસૂસ કરતાં નથી.
કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા આપવા મામલેનો રિપોર્ટ સામે આવ્યા બાદ કંગના રનૌતે ટ્વિટર પર દેશના ગૃહમંત્રી અમિત શાહને ધન્યવાદ આપ્યા હતા.
કંગનાએ કહ્યું, "આ પ્રમાણે છે કે હવે કોઈ દેશભક્ત અવાજને કોઈ ફાસીવાદી કચડી નહીં શકે. હું અમિત શાહની આભારી છું. તેઓ ઇચ્છતા તો મને થોડા દિવસો બાદ મુંબઈ જવાની સલાહ આપતા પરંતુ તેમણે ભારતની એક પુત્રીના વચનનું માન રાખ્યું, અમારા સ્વાભિમાન અને આત્મસમ્માનની લાજ રાખી. જય હિંદ."
કેન્દ્ર સરકારનો આ નિર્ણય શિવસેના સાંસદ સંજય રાઉત અને કંગના વચ્ચે ચાલી રહેલી કડવાશ ભરી નિવેદનબાજી વચ્ચે આવ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે રવિવારે કંગનાના પિતાએ સંજય રાઉત સાથે ચાલી રહેલા વિવાદને જોતાં હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જય રામ ઠાકુરને ચિઠ્ટી લખીને તેમની પુત્રીને સુરક્ષા પૂરી પાડવાની માગ કરી હતી.
સંજય રાઉતે ગુજરાતનું અપમાન કર્યું છે, તેઓ માફી માગે : ગુજરાત ભાજપ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સંજય રાઉતે 'મિનિ પાકિસ્તાન' મામલે અમદાવાદનો સંદર્ભ ટાંકતા ગુજરાત ભાજપે સંજય રાઉતને માફી માગવા કહ્યું છે.
શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉત અને બોલીવૂડ સ્ટાર કંગના રનૌત વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સંજય રાઉતે અમદાવાદનો સંદર્ભ ટાંક્યો હતો.
ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું, "રાઉતે શહેરની 'મિનિ પાકિસ્તાન' સાથે સરખામણી કરીને ગુજરાત, અમદાવાદ અને અમદાવાદના લોકોનું અપામન કર્યું છે, તેમણે માફી માગવી જોઈએ."
તેમણે વધુમાં કહ્યું, "હું શિવસેનાને વિનંતી કરું છું કે ગુજરાત, ગુજરાતી અને ગુજરાતના રાજકીય નેતાઓને બદનામ ન કરવા જોઈએ."
સંજય રાઉત અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સંજય રાઉતે કહ્યું હતું કે, "જો છોકરી (કંગના) પહેલાં મહારાષ્ટ્રની માફી માગશે ત્યારપછી હું માફી માટે વિચારીશ. તેણે મુંબઈને 'મિનિ પાકિસ્તાન' કહ્યું છે, શું અમદાવાદ માટે આવું કહેવાની તેની હિંમત છે?
ઍમ્બુલન્સ ડ્રાઇવરે કોરોનાના દર્દી સાથે દુષ્કર્મ કર્યુ
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર કેરળના પથાનામથિટ્ટામાં ઍમ્બુલન્સ ડ્રાઇવરે કોરોના સંક્રમિત મહિલાને હૉસ્પિટલ લઈ જતી વખતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં ઍમ્બુલન્સ ડ્રાઇવરની ધરપકડ કરાઈ છે.
પંડાલમ પોલીસમાં નોંધાયેલી એફઆઇઆર મુજબ બે અલગ-અલગ હૉસ્પિટલના બે અલગ-અલગ દર્દી હતાં.
જેમાંથી એક મહિલાને એક હૉસ્પિટલે છોડ્યા પછી બીજી 19 વર્ષની મહિલાને બીજી હૉસ્પિટલે પહોંચાડવા ડ્રાઇવર નીકળ્યો હતો.
ડ્રાઇવરે ઍમ્બુલન્સ હૉસ્પિટલની જગ્યાએ એક ખુલ્લા મેદાનમાં લઈ જઈ ત્યાં દુષ્કર્મ કર્યું હતું.
પીડિતાએ જણાવ્યા પ્રમાણે આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી.
આરોપીની ઉંમર 25 વર્ષની છે અને તેમને 108 ઍમ્બુલન્સમાંથી બરતરફ કરાયા છે અને તેમની સામે આઇપીસીની કલમ 376 હેઠળ દુષ્કર્મનો કેસ કરવામાં આવ્યો છે.
પોલીસ કેસની તપાસ કરી રહી છે. કેરળના આરોગ્ય મંત્રી કે કે શૈલજાએ પણ પોલીસને આકરી કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
લૉકડાઉન સમયે રદ્દ થયેલી ફ્લાઇટની ટિકિટ રિફંડ મળશે
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ ઍવિએશન(ડીજીસીએ) દ્વારા સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી છે કે પહેલાં બે લૉકડાઉન દરમિયાન એટલે કે 25 માર્ચથી 3 મે સુધી જે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે તે સંપૂર્ણપણે રિફંડ કરાશે.
ડીજીસીએ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી ઍફિડેવિટમાં કહેવામાં આવ્યું છે, "જો પહેલાં લૉકડાઉન અને બીજા લૉકડાઉનના સમયગાળા દરમિયાન ટિકિટ બુક કરાવવામાં આવી હોય તો તેવા તમામ કિસ્સાઓમાં, સંપૂર્ણપણે ઍરલાઇન્સ દ્વારા રૂપિયા તરત રિફંડ આપવામાં આવશે."
વધુ કહેવામાં આવ્યું છે, "બીજા તમામ કેસમાં ઍરલાઇન્સ પ્રયાસ કરશે કે તેણે ભેગા કરેલાં નાણાંને પંદર દિવસની અંદર મુસાફરોને પરત કરી દેશે"
લૉકડાઉનના સમયગાળામાં ફ્લાઇટ્સ કૅન્સલ થયા પછી રીફન્ડને લઈને અનેક અરજી સુપ્રીમ કોર્ટમાં આવી હતી ત્યારબાદ સરકારે આ ઍફિડેવિટ રજૂ કરી હતી.
નોવાક જોકોવિચ લાઇન જજને બૉલ મારતાં યુએસ ઓપનમાંથી બહાર
ટેનિસમાં વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચને એક લાઇન જજને બૉલ મારવાના કારણે યૂએસ ઓપનમાંથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે.
સ્પેનના પાબ્લો કાર્રેનો બુસ્ટા સામે 6-5થી પાછળ રહી ગયા બાદ જોકોવિચ હતાશ હતા. હતાશામાં તેમણે પોતાના ખિસ્સામાંથી એક બૉલ કાઢ્યો અને તેને ટેનિસ રૅકેટથી માર્યો. આ બૉલ સીધો લાઇન જજને વાગ્યો.
એક લાંબી ચર્ચા બાદ તેમને ટૂર્નામેન્ટના અધિકારીઓ દ્વારા અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા હતા.
યુનાઇટેડ સ્ટેટ ટેનિસ ઍસોસિયેશને પોતાના એક નિવેદનમાં કહ્યું, "ગ્રાન્ડ સ્લામ નિમય પુસ્તિકા અનુસાર, જાણીજોઈને કોઈને બૉલ કે કોઈ રીતે ખતરનાક રીતે મારવું અથવા કોર્ટની અંદર લાપરવાહીથી રમવું અથવા પરિણામોને ગંભીરતાથી નહીં લેવાના કારણે યુએસ ઓપનના રેફરી દ્વારા 2020 યુએસ ઓપનતી તેમને બહાર કરી દેવાયા છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો