You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાંધલ જાડેજાની ફરિયાદ કમિટીમાં નિયુક્તિથી પોલીસનું મનોબળ ઘટશે?
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાત સરકારે પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની જિલ્લા પોલીસ ફરિયાદ કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરી છે.
પોરબંદરના ધારાસભ્ય અને માજી મંત્રી બાબુ બોખીરિયાને પણ આ કમિટીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબાર મુજબ ગુજરાત પોલીસ અધિનિયમ 2007 અંર્તગત રાજ્ય સરકારે બંનેની નિમણૂક કરી છે.
કાંધલ જાડેજા સહિત 46 ધારાસભ્યોની રાજ્યના 26 જિલ્લામાં કાર્યરત પોલીસ ફરિયાદ કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે. પરંતુ સૌથી વધુ ચર્ચા કાંધલ જાડેજાની નિમણૂકને લઈને થઈ રહી છે.
કાંધલ જાડેજાની ચર્ચા કેમ?
કાંધલ જાડેજા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની પોલીસ ફરિયાદ કમિટીમાં નિમણૂક કરાઈ છે.
ગુજરાતના નિવૃત્ત ડીજીપી આર. બી. શ્રીકુમાર કાંધલ જાડેજાની નિમણૂકને જનરલ ગાઇડલાઇન્સની વિરુદ્ધ ગણાવે છે.
બીબીસી સાથે વાત કરતાં આર. બી. શ્રીકુમારે કહ્યું, "જાડેજાની નિમણૂક જનરલ ગાઇડલાઇન્સની વિરુદ્ધ છે. જે લોકો ગુનાહિત છબી ધરાવે છે, તેમની નિમણૂક જિલ્લા પોલીસ ફરિયાદ કમિટીમાં કરવી જોઈએ નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સ્વાભાવિક છે કે કમિટીમાં નિયુક્ત થતાં પોલીસ અધિકારીઓ પણ કાંધલ જાડેજા સામે કોઈ પગલાં લેતા પહેલાં વિચાર કરશે. જાડેજા સામે જો કોઈ તપાસ ચાલતી હશે તો એ હવે ધીમી ગતિએ આગળ વધશે."
શ્રીકુમાર જણાવ્યા અનુસાર, "લૉ કમિશનની સ્પષ્ટ ગાઇડલાઇન છે કે પોલીસ વિભાગના કામકાજમાં રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારે દખલગીરી કરવી નહીં. પોલીસ વિભાગ સ્વતંત્ર રીતે કામ કરે તેની તકેદારી રાજ્ય સરકારે રાખવાની હોય છે, પરંતુ અહીં તો રાજ્ય સરકાર જ ગાઇડલાઇન્સનું ભંગ કરી રહી છે."
પોલીસના મનોબળ પર અસર થશે?
શું આ નિમણૂકથી પોલીસ કર્મચારીઓના મનોબળ પર અસર થશે?
આ સવાલના જવાબમાં પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્મા કહે છે, "ચોક્કસ આનાથી અસર થશે. તેમની કામ કરવાની ક્ષમતા પર પણ અસર પડશે."
તેઓ વધુમાં કહે છે, "જેની સામે પોલીસે કેસ નોંધ્યા હોય, તે વ્યક્તિની જો જિલ્લા પોલીસ ફરિયાદ કમિટીમાં નિમણૂક કરવામા આવે તો સ્વાભાવિક છે કે પોલીસનું મનોબળ ઘટશે. આ વ્યક્તિ પદનો દુરુપયોગ કરે તો શું રાજ્ય સરકાર જવાબદારી લેશે?"
તેઓ જણાવે છે કે કમિટીમાં કોઈ પણ વ્યક્તિની નિયુક્તિ કરતાં પહેલાં રાજ્ય સરકારે બધી બાબતોનો વિચાર કરવો જોઈએ.
"પબ્લિક પૉલિસી મુજબ સમાજમાં સારી છાપ હોય તેવી વ્યક્તિની કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરવી જોઈએ, પરતું ઘણી વાર આવું થતું નથી. કમિટીમાં નિયુક્તિ માટે કોઈ ચોક્કસ કાયદા નથી અને એટલા માટે રાજ્ય સરકાર પોતાની અનુકૂળતા પ્રમાણે નિમણૂક કરી છે."
ગુજરાત પોલીસ વિભાગમાં કાર્યરત એક ઉચ્ચ પોલીસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ભાજપને ટેકો આપ્યો હતો. રાજ્ય સરકાર જાડેજાને કોઈ ઇનામ આપે એ સ્વાભિવક હતું.
તો ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે કાંધલ જાડેજાની નિમણૂક કાયદા અનુસાર કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે "જિલ્લા પોલીસ ફરિયાદ કમિટીમાં બે ધારાસભ્યોની નિમણૂક કરવાની હોય છે અને એટલે અમે કાંધલ જાડેજાની નિમણૂક કરી છે."
કઈ રીતે કામ કરે છે જિલ્લા પોલીસ ફરિયાદ કમિટી?
ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ જો કોઈ પોલીસ કર્મચારી સામે ફરજચૂક, ગેરવર્તન, સત્તાનો દુરુપયોગ અથવા અન્ય કોઈ ફરિયાદ થઈ હોય તો જિલ્લા પોલીસ ફરિયાદ કમિટી તેની તપાસ કરે છે.
રાજ્ય સરકાર કોઈ પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલાં લેવાનો આદેશ કરે ત્યારે એની તપાસ પણ આ કમિટી કરે છે.
જો તપાસમાં પોલીસ કર્મચારી સામેના આરોપ સાચા સાબિત થાય તો કમિટી તેમની વિરુદ્ધ પગલાં લેવાં માટે ભલામણ કરી શકે છે.
દરેક જિલ્લામાં પોલીસ ફરીયાદ કમિટી હોય છે, જેમાં જિલ્લાના બે ધારાસભ્યોની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે છે.
જિલ્લા પોલીસ અધીક્ષક આ કમિટીના ચૅરમેન હોય છે અને નાયબ પોલીસ અધીક્ષક કમિટીના મેમ્બર સેક્રેટરી તરીકે કાર્ય કરે છે.
શ્રીકુમાર વધુમાં કહે છે, "આ કમિટીમાં કોઈ પણ વ્યક્તિ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ અધિકારી સામે ફરિયાદ નોંધાવી શકે છે. કમિટી ફરિયાદની તપાસ કરે છે અને જો કોઈ કાર્યવાહી કરવાની હોય તો તેની ભલામણ પણ કરે છે."
રાહુલ શર્મા મુજબ કમિટી જે ભલામણો કરે છે, તેમના ઉપર રાજ્ય સરકાર અમલ પણ કરે છે અને એટલા માટે એ જરુરી છે કે કમિટીમાં સારી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવે.
કોણ છે કાંધલ જાડેજા?
'ગોડમધર' તરીકે જાણીતાં સંતોકબહેન જાડેજાના ચાર પુત્રો પૈકી કાંધલ સૌથી મોટા છે.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર, કાંધલ જાડેજા સામે ખંડણી, હુમલો, હુલ્લડ, હથિયાર રાખવાં, ધાકધમકી વગેરેના 15 જેટલા કેસ નોંધાયા છે. પોરબંદરમાં તેમની સામે 10 પોલીસ કેસ થયા છે.
રાજકોટમાં તેમના વિરુદ્ધ ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે અને અમદાવાદમાં તેમની સામે 2 કેસ નોંધાયા છે.
1994માં કાંધલ જાડેજા ચર્ચામાં આવ્યા જ્યારે તેમની પાસેથી પોરબંદર પોલીસે એક વિદેશી રિવૉલ્વર, બે દેશી તમંચા, એક રાઇફલ અને એક ગોળી કબજે લીધી હતી.
1995માં કુતિયાણા પોલીસે તેમની પાસેથી રિવૉલ્વર અને ગોળીઓ કબજે કરી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, 1995માં કાંધલ જાડેજાને પોરબંદરમાં પ્રકાશ મોઢા હત્યાકેસ અને 2005માં પોરબંદરમાં ભાજપના કાઉન્સિલર કેશુ ઓડેદરાના હત્યાકેસનો સામનો કરવો પડ્યો હતો.
2012માં કાંધલ જાડેજા કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીતી ગયા.
2017માં પણ તેઓ આ બેઠક પરથી ફરીથી ચૂંટાયા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો