You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સરકાર ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડી શકશે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
તાજેતરમાં જ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોને ફરીથી પરંપરાગત રીતે શાળામાં શિક્ષણકાર્યની શરૂઆત ન થાય ત્યાં સુધી વાલીઓ પાસેથી ફી વસૂલવાની મનાઈ ફરમાવી દેવાતાં રાજ્ય સરકાર અને શાળાઓ વચ્ચેનો મામલો વધુ ગૂંચવાયો છે.
આ હુકમને પગલે રાજ્યની ઘણી સ્વનિર્ભર ખાનગી શાળાઓ દ્વારા કોરોનાની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને અપાતી ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થા તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે.
ખાનગી શિક્ષણ સંસ્થાઓએ આ હુકમ સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે કરેલા આ નિર્ણય બાદ રાજ્ય સરકારે રાજ્યની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવાનું બીડું ઉઠાવ્યું છે.
આ હેતુ માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરવાનું પણ શરૂ કરી દીધું હોવાનું જણાવાઈ રહ્યું છે ત્યારે અહીં સવાલ ઊઠે છે કે શું ગુજરાત સરકાર ખાનગી શાળામાં ભણતા લાખો વિદ્યાર્થીઓના વાલીઓને આશા-અપેક્ષા પર ખરું ઊતરે એવું જ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકશે?
એ પહેલાં જાણીએ ગુજરાત સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં કઈ કઈ પદ્ધતિઓ દ્વારા શિક્ષણ આપવાનું આયોજન કરાયું છે?
આ માધ્યમો દ્વારા સરકાર વિદ્યાર્થીઓને ભણાવશે
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણથી 12 સુધી ભણતા વિદ્યાર્થીઓ માટે 'ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓઇન્ફર્મેટિક્સ' એટલે કે BISAG વંદે ગુજરાત ચૅનલો, ડીડી ગિરનાર, GCERT અને GHSEBની યૂટ્યૂબ ચૅનલો મારફતે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
BISAG વંદે ગુજરાત ચૅનલ નંબર એકથી 16 ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ થકી ધોરણ ત્રણથી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ચૅનલો પરનાં કાર્યક્રમો આખો દિવસ ચાલશે. આ સિવાય જિઓ સિમ કાર્ડ ધરાવનાર લોકો પણ જિઓ ટીવી એપ્લિકેશન દ્વારા વંદે ગુજરાત ચૅનલ જોઈ શકશે.
છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચશે લાભ?
ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને ભણાવવાના નિર્ણય અંગે મત વ્યક્ત કરતાં રિસર્ચર અને પૉલિસી સ્ટ્રૅટેજિસ્ટ અને ગુજરાતના શાળાકીય શિક્ષણનો એક્સ-રે પુસ્તકના લેખક જયેશ શાહ જણાવે છે, "ગુજરાત સરકાર દ્વારા હાલ સર્જાયેલી મડાગાંઠના ઉકેલ તરીકે ખાનગી શાળાના તમામ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા ભણાવવાનો નિર્ણય આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી."
આ સિવાય સરકારના આ નિર્ણયની મર્યાદાઓ ગણાવતાં તેઓ કહે છે, "માની લઈએ કે સરકારના આ નિર્ણયનો લાભ ગુજરાતના 80 ટકા લોકોને જેમનાં ઘરે ટીવીની સુવિધા ઉપલબ્ધ છે તેમને મળશે, પરંતુ બાકીના 20 ટકા ઘરોનાં બાળકોનું શું?"
"જેમના ઘરે ટીવી ઉપલબ્ધ નથી. તેમજ ઘણા વાલીઓ અને બાળકો એવાં પણ હશે જેમની પાસે સ્માર્ટફોનની વ્યવસ્થા નહીં હોય એ લોકોનું શું થશે?"
તેઓ સરકારના આ નિર્ણયને કારણે સર્જાયેલી સમસ્યાઓ વિશે આગળ વાત કરતાં કહે છે કે, "આ સિવાય ગુજરાતનાં અંતરિયાળ ગામો અને વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે પણ બધા વિદ્યાર્થીઓને ઑનલાઇન માધ્યમ થકી શિક્ષણ આપવાના હેતુમાં સરકારને કેટલી સફળતા મળશે તે જોવું રહ્યું."
સરકાર દ્વારા ઑનલાઇન શિક્ષણ માટે કરાયેલી વ્યવસ્થાઓની ખામીઓ દર્શાવતાં તેઓ કહે છે, "સરકારે સૂચવેલી શિક્ષણપદ્ધતિઓ થકી બધા વિદ્યાર્થીઓ સાથે સરખો ન્યાય ન પણ થાય તેવી પણ બીક રહેલી છે. આ પદ્ધતિઓ પરંપરાગત પદ્ધતિથી અપાતા શિક્ષણનો વિકલ્પ નથી.
"પરંપરાગત શિક્ષણમાં આ શિક્ષકો દરેક વિદ્યાર્થીને તેની ગ્રહણશક્તિ પ્રમાણે તેની પર ધ્યાન આપી શકે છે. જ્યારે આ પદ્ધતિઓમાં આવું નથી થઈ શકતું."
"જો ઑનલાઇન શિક્ષણ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસમાં બાળકોને ભણાવાતાં હોય તો પણ કનેક્ટિવિટીની તકલીફ તો રહેવાની જ છે. આ સમસ્યા માત્ર સરકાર દ્વારા સૂચવાયેલી પદ્ધતિમાં જ નહીં, પરંતુ હાલ સુધી ખાનગી શિક્ષણસંસ્થાઓ દ્વારા જે પદ્ધતિઓ દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું હતું તેમાં પણ હતી."
હાલ વિદ્યાર્થીઓના શિક્ષણ બાબતે ઊભી થયેલી સમસ્યાનો ઉકેલ સૂચવતાં તેઓ કહે છે કે, "અત્યારે કોરોના મહામારી બાદ સર્જાયેલી સ્થિતિમાં સરકારે ઑનલાઇન શિક્ષણને સ્થાને સ્વાધ્યાય આધારિત શિક્ષણપદ્ધતિ અપનાવી જોઈતી હતી. જેથી શિક્ષકો અને બાળકોનો સંપર્ક પણ જળવાઈ રહે અને શિક્ષણકાર્ય એકદમ પાટાથી ઊતરી ન જાય."
આ નિર્ણયથી બાળકોનો શિક્ષણ પ્રત્યેનો રસ ઊડી જશે?
'ઍસોસિયેશન ઑફ પ્રમોશન ઑફ પ્રોમિનન્ટ સ્કૂલ્સ'ના ભૂતપૂર્વ પ્રમુખ અને 'ઉદ્ગમ સ્કૂલ ઑફ ઍજ્યુકેશન'ના કારોબારી નિદેશક મનન ચોકસી ખાનગી સ્વનિર્ભર શાળાનાં બાળકોને પણ ગુજરાત સરકાર દ્વારા ભણાવવાના નિર્ણયને બાળકો માટે નુકસાનકારક ગણાવે છે.
તેઓ કહે છે, "અમારી શાળાઓ દ્વારા અપાતા ઑનલાઇન શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન અપાતું હતું, પરંતુ સરકાર દ્વારા સૂચવાયેલી પદ્ધતિમાં ભણાવતી વખતે કેવી રીતે આ સુવિધા મળશે?"
"બાળકોના સર્વાંગી વિકાસ માટેનાં તમામ પગલાં અમારી સ્કૂલો દ્વારા લેવાય છે, જેમ કે અમે દર મહિને પૅરન્ટ્સ મિટિંગ બોલાવતા અને વિદ્યાર્થાઓની પ્રગતિ વિશે તેમનાં માતા-પિતાને જાણ કરતાં. શું સરકાર આવાં પગલાં લેશે?"
સરકાર દ્વારા ટીવીના માધ્યમથી બાળકોને ભણાવવાની આ પદ્ધતિને તેઓ સમયનો વેડફાટ ગણાવતાં કહે છે કે, "ખાનગી શાળાઓ દ્વારા અપાઈ રહેલા ઑનલાઇન શિક્ષણ ગુણવત્તાસભર હતું. સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં મોટા ભાગનાં બાળકોનો માત્ર સમય વેડફાશે."
"સરકાર દ્વારા સૂચવાયેલી પદ્ધતિમાં અમુક તેજસ્વી બાળકોને કદાચ ફાયદો થાય, પરંતુ શાળા દ્વારા અપાતા શિક્ષણની જેમ બધાં બાળકોને ફાયદો તો નહીં જ થાય."
"આ રીતે માત્ર શિક્ષણની ગુણવત્તા જ નહીં જોખમાય પરંતુ બાળકોનો ભણતરમાંથી રસ ઊડી જાય એવો પણ ભય રહેલો છે."
સરકારનું ઉતાવળભર્યું પગલું?
આ સિવાય ગુજરાત 'સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મૅનેજમેન્ટ ઍસોસિયેશન'ના પ્રમુખ ભરત ગાજીપરા સરકાર દ્વારા ખાનગી આત્મનિર્ભર શાળાઓનાં બાળકોને પણ ભણાવવાના નિર્ણયને ઉતાવળભર્યું પગલું ગણાવે છે. તેઓ કહે છે, "સરકાર દ્વારા ડીડી ગિરનાર અને અન્ય માધ્યમો દ્વારા જૂન મહિનાથી બાળકોને શિક્ષણ પૂરું પાડવાના પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેમને ખૂબ જ મોળો પ્રતિસાદ મળ્યો હતો."
સરકારી માધ્યમોને છોડીને ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પોતાનાં બાળકોને સ્વનિર્ભર શાળઓના ઑનલાઇન શિક્ષણ કાર્યક્રમમાં જોડતા હતા."
"આ વાત જ સરકાર દ્વારા પૂરા પડાતા શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા પૂરા પડાતા શિક્ષણ વચ્ચેનો ફરક કહી આપે છે. સરકારે આયોજન વગર અને ઉતાવળમાં આ પગલું લીધું છે."
ગાજીપરા માને છે કે ટીવી પર પ્રોગ્રામ જોવો એ કોઈ શિક્ષણ ન કહેવાય.
તેઓ આ વિશે વધુ વાત કરતાં જણાવે છે : "ઑનલાઇન શિક્ષણનો અર્થ માત્ર ટીવી કે મોબાઇલમાં વીડિયો કે પ્રોગ્રામ જોવા પૂરતું સિમીત નથી. બાળકોને ઇન્ટરૅક્ટિવ પદ્ધતિથી ભણાવવાનાં હોય છે."
"જેથી તેઓ પોતાને ન સમજાયેલા વિષય પર પ્રશ્નો પૂછી શકે. સાથે જ બાળકને શાળાની જેમ પ્રવૃત્ત રાખવા માટે ઘરકામ પણ આપવાનું હોય છે અને તેની ચકાસણી પણ કરવાની હોય છે. સરકાર દ્વારા સૂચવાયેલી વ્યવસ્થામાં આ બધું શક્ય નહીં હોય. આ વિવાદમાં છેલ્લે તો વિદ્યાર્થીનું જ નુકસાન થશે."
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "અમે સરકારને રજૂઆત પણ કરી હતી કે જે વાલીઓ ફી ભરવા માટે સક્ષમ નથી તેમની પાસેથી અમે ફી નહીં લઈએ તેમ છતાં સરકારે સંપૂર્ણ ફી માફ કરવાનો હુકમ કર્યો જેને લાગુ કરવો અશક્ય હતું."
સરકારી શાળાઓએ દાખલો બેસાડવો જરૂરી
જયેશ શાહ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે સર્જાયેલી આ મુશ્કેલી માટે સરકારી શિક્ષણના કથળેલા સ્તરને જવાબદાર ગણાવે છે.
તેઓ કહે છે, "જો ગુજરાતમાં સરકારી શાળાઓનું સ્તર જળવાયું હોત તો સામાન્ય જનતાના મનમાં સ્વનિર્ભર શાળાઓ તરફ આકર્ષણ પેદા જ ન થયું હોત. જેથી આ ભાંજગડ ઊભી જ ન થઈ હોત."
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ શિક્ષણજગતમાં સર્જાયેલી હાલની મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટેનો ઉપાય સૂચવતાં જણાવે છે :
"વાલીઓનો સરકારી શિક્ષણ પર વિશ્વાસ બેસે તે માટે સરકારી શાળાઓએ દાખલો બેસાડવાની જરૂર છે. બાકી હાલ રાજ્યમાં સરકારી શિક્ષણનું ચિત્ર સારું કહી શકાય એવું નથી."
"સરકારને અત્યારે ઑનલાઇન શિક્ષણ આપવાનું અત્યારે સૂઝે છે, પરંતુ પોતાની જવાબદારી તેમને પહેલાંથી સૂઝવી જોઈતી હતી. રાજ્યમાં ધીકતી કમાણી કરતી શાળાઓ સિવાય પણ સરકારી મદદ પર અવલંબિત શાળાઓ છે, જો તેઓ પણ ફી ન લે તો ઘણા પ્રશ્નો હલ થઈ શકે છે."
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકાર દ્વારા ઑનલાઇન શિક્ષણ આપવાનો નિર્ધાર વ્યક્ત કરતાં બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું :
"હું બધા વાલીઓનો વાલી છું. કોઈ પણ વિદ્યાર્થીનું શિક્ષણ ન બગડે એટલા માટે અમે ખાનગી શાળાના બાળકોને પણ ઑનલાઇન શિક્ષણ આપીશું અને ગુજરાત શિક્ષણ બૉર્ડના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે તે પ્રમાણે અંગ્રેજી માધ્યમમાં પણ ઑનલાઇન શિક્ષણ આપીશું, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો