You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમરેલીમાં સ્વામીનારાયણ સંપ્રદાયના બે સાધુની બળાત્કારના આરોપસર ધરપકડ
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમરેલીના દામનગરમાં એક મહિલાની બળાત્કારની ફરિયાદથી ચકચાર મચી છે. આ કેસમાં અમરેલી પોલીસે સ્વામીનારાયણ સંપ્રદાયના બે સાધુ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આ કેસમાં બે સાધુ સહિત ત્રણ વ્યક્તિઓ દ્વારા એક મજૂર મહિલા પર અનેક વખત બળાત્કાર કરી તેમને પોલીસ ફરિયાદ નહીં કરવા માટે ધમકી આપવામાં આવી હતી તેમ પોલીસનું કહેવું છે.
એફઆઈઆર મુજબ આ બે સાધુ અને અન્ય એક વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી મહિલા પર દુષ્કર્મ કરી રહ્યા હતા.
ઘટનાની વિગતો
અમરેલી જિલ્લાના દામનગર પોલીસ સ્ટેશનમાં 21મી જૂને આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદમાં રઘુરામ ભગત, જગદીશ ભગત અને ભાવેશ ભગત એમ ત્રણ લોકોએ અનેક વાર બળાત્કાર કર્યો હોવાનો મહિલાનો આરોપ છે.
વિગતો પ્રમાણે આ ત્રણે લોકોએ મહિલાને અમરેલીના નારાયણનગર ગામે મજૂરીકામે બોલાવતા હતા અને એ દરમિયાન એમણે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દામનગર પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્પેક્ટર અને તપાસ અધિકારી વી. એલ, પરમાર કહે છે કે, "છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલાને નારાયણનગર ગામે સંત દેવીદાસના આશ્રમમાં મજૂરીકામ માટે બોલાવવામાં આવતી હતી અને રૂમમાં ગેરકાયદે ગોંધી રાખી તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવતો હતો."
ફરિયાદી મહિલાને અમરેલીના નારણપુરા ગામના એક બીજા મંદિર સંત દેવીદાસ આશ્રમમાં વાસણ ધોવા, રસોઈ કરવા જેવાં કામ કરવા માટે બોલાવવામાં આવતાં હતાં. આ મંદિરના જ એક રૂમમાં ભાવેશ ભગત નામની વ્યક્તિ રહેતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તપાસ અધિકારી વી. એલ. પરમાર કહે છે કે "આ આશ્રમમાં ગઢડા સ્વામીનારાયણ મંદિરના સંતો પણ આવતા હતા અને આ ત્રણેય ઇસમોએ સાથે મળીને આ ગુનો આચર્યો છે."
આ વિશેની ફરિયાદ 21મી જૂનના રોજ કરવામાં આવી અને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે.
કૉલ ડિટેઇલને આધારે થશે તપાસ
મહિલાની ફરિયાદ છે કે તેમના પર લાંબા સમયથી દુષ્કર્મ આચરવામાં આવતું હતું તો આટલા લાંબા સમય સુધી એમણે કોઈને વાત કેમ ન કરી કે ફરિયાદ કેમ ન કરી?
એ સવાલના જવાબમાં વી. એલ. પરમારે કહ્યું કે, "મહિલાનો આરોપ છે કે ત્રણેય લોકોએ એમને ધમકી આપી હતી. મહિલાનું કહેવું છે કે આ ત્રણેય લોકોએ એક કાવતરું રચ્યું હતું. ત્રણે આરોપીઓએ મહિલાને મંદિરમાં ચોરી કરવાની ખોટી ફરિયાદમાં ફસાવી દેવાશે એવી ધમકી આપી હતી અને તેની બીકને કારણે તેમણે કોઈની સાથે બનાવ વિશે વાત ન કરી."
બીબીસી ગુજરાતીએ ફરિયાદી મહિલા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.
આ વિશે અમરેલીના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "આરોપીઓની પોલીસ રિમાન્ડ દરમિયાન વધારે તપાસ કરીશું. એમની તેમના કૉલ રેકર્ડ ડિટેઇલ મારફતે વધુ તપાસ આદરીશું."
તો શું આ બાબતે પોલીસ મંદિરના ટ્રસ્ટીઓ કે સંચાલકોનું પણ નિવેદન લઈ રહી છે એ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે હજી સુધી આ આખી ઘટનામાં મંદિરોના ટ્રસ્ટી કે સંચાલકોનું નિવેદન લેવાની જરૂર નથી.
તપાસ અધિકારી વી. એલ. પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે હાલમાં આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં અમે ગુનાને લગતી બીજી વિગતો જાણીશું.
મંદિર પોતે પણ તપાસ કરશે
આ ઘટનાના સંદર્ભે બીબીસી ગુજરાતીએ ગઢડા સ્વામીનારાયણ મંદિરના સ્વામી હરિપ્રસાદજી સાથે પણ વાત કરી.
ગઢડા સ્વામીનારાયણ મંદિરના સ્વામી હરિપ્રસાદજીએ આ ઘટનાની નિંદા કરતા બીબીસી ગુજરાતીને કહ્યું કે, "આ પ્રકારની ઘટના ઘટવી જ નહોતી જોઈતી હતી, પરંતુ હવે જ્યારે આ ઘટના બની ગઈ છે ત્યારે અમે અમારા ચૅરમૅન સ્વામી અને બીજા ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરીને આગળનાં પગલાં લઈશું."
તેમણે કહ્યું કે હજી સુધી મંદિર તરફથી આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
અગાઉ સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામી ઉપર 2019ના ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદ થઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ પ્રમાણે, ફેબ્રુઆરી 2019માં આનંદસ્વરૂપ દાસજી નામના એક સ્વામી પર એક મહિલાએ ચાલતી કારમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ અંગેની ફરિયાદ તેમણે જૂનાગઢમાં નોધાવી હતી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો