You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : બદરૂદ્દીન શેખે કહ્યું હતું કે હૉસ્પિટલેથી સાજો થઈને ફરી હું અનાજ વિતરણ માટે આવીશ
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં જાહેરજીવનની કોઈ જાણીતી વ્યક્તિનો કોરોનાને કારણે જીવ ગયો હોય એવી પહેલી ઘટના અમદાવાદમાં બની છે.
કૉંગ્રેસના નેતા તેમજ અમદાવાદના બહેરામપુરા વૉર્ડના નગરસેવક બદરૂદ્દીન શેખનું કોરોના વાઇરસને લીધે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં અવસાન થયું છે.
કોરોના વાઇરસને લીધે મૃત્યુ થયું હોય એવો ગુજરાતનો આ પહેલો હાઈપ્રોફાઈલ કેસ છે. રાહુલ ગાંધીથી લઈને અહેમદ પટેલ સુધીના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
બદરૂદ્દીન શેખ બહેરામપુરા વિસ્તારના નગરસેવક હતા. બહેરામપુરામાં જંગી સંખ્યામાં કોરોનાના પૉઝિટિવ દર્દીઓ નોંધાયેલા છે. કોરોના પર કાબૂ મેળવવા એ વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ કરવો પડ્યો હતો.
પાંચ વર્ષની બાળકીથી લઈને 70 વર્ષના વડીલો બહેરામપુરામાં કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે. બદરૂદ્દીનભાઈએ ત્યાં કોરોના સામે લોકોને જાગૃત કરવાનો અને મદદરૂપ થવાનું કામ કર્યું હતું અને અંતે કોરોનામાં જ તેમણે જીવ ગુમાવ્યો.
કદી ભલામણનો ફોન નહોતો કર્યો
વિદ્યાર્થીનેતા તરીકે બદરૂદ્દીન શેખ 1979-80માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટસભ્ય રહ્યા હતા.
ચાર દાયકા સુધી તેઓ કૉંગ્રેસમાં રાજકીય નેતા તરીકે સક્રિય રહ્યા.
2000થી 2003 સુધી તેઓ અમદાવાદ સુધરાઈની સ્ટેન્ડીંગ કમિટીના ચૅરમૅન હતા. 2010માં તેઓ અમદાવાદ સુધરાઈના વિપક્ષના નેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બદરૂદ્દીન શેખ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રવક્તા રહી ચૂક્યા હતા તેમજ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ હતા.
બદરૂદ્દીન શેખ સાથે દાયકાથી સંકળાયેલા ઝફર શેખે બીબીસીને જણાવ્યું હતું કે "બદરૂદ્દીન શેખે બહેરામપુરા વિસ્તારમાં લોકોને મદદરૂપ થવા 20 લાખ રૂપિયા એકઠા કરીને તેમણે કરિયાણાની કિટ તૈયાર કરાવડાવી હતી અને લોકોમાં વહેંચી હતી."
"એક લોકનેતા તરીકે બદરૂદ્દીન શેખ કોરોનાની મહામારીના સમયે લોકો વચ્ચે જઈને મદદરૂપ થતા હતા. આ દરમિયાન તેમને કોરોનાનો ચેપ કઈ રીતે લાગ્યો તે કહેવું મુશ્કેલ છે."
"6 એપ્રિલ પછી બદરૂદ્દીન શેખને ઉધરસ અને થોડો તાવ હતા. એક સપ્તાહ સુધી તેમણે એ સમસ્યાને અવગણી હતી. આટલા સમજદાર આગેવાને એ ઉધરસ અને ઝીણા તાવની કેમ અવગણના કરી એ સમજાતું નથી. બદરૂદીનભાઈની શાખ બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાં એવી હતી કે લોકો પોતાની કોઈ પણ સમસ્યા હોય એમની પાસે આવતા."
કોરોનાને લીધે કામધંધાને અસર પડી હોય તેવા લોકોને મદદરૂપ થવાં અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન સાથે મળીને બદરૂદ્દીન શેખે અનાજ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો.
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.આર. વસાવાએ બીબીસીને કહ્યું હતું કે "બદરૂદ્દીન શેખ સેવાભાવી માણસ હતા. મદદરૂપ થતી વખતે તેમણે ક્યારેય વર્ગ કે વર્ણ જોયા નથી. તેમણે ક્યારેય કોઈની ભલામણના ફોન અમને નથી કર્યા."
મૃત્યુનાં છેલ્લા એકાદ અઠવાડિયાથી તેઓ વૅન્ટિલેટર પર હતા. બદરૂદીન શેખને ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર વગેરે સમસ્યા પણ હતી.
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ અવારનવાર પ્રેસ કૉન્ફરન્સમાં કહે છે કે જેમને ડાયાબિટીસ કે હાઈબ્લડપ્રેશરવગેરે સમસ્યા હોય તો એવા લોકોને જો કોરોનાનો ચેપ લાગે તો તેમની સ્થિતિ ગંભીર થઈ જતી હોય છે અને બદરૂદ્દીન શેખનાં કિસ્સામાં એવું જ બન્યું હતું.
અમદાવાદના બહેરામપુરાને બીજા બદરૂદ્દીન નહીં મળે
બહેરામપુરા વિસ્તારમાં રહેતા અને કીટ વિતરણમાં તેમની સાથે સંકળાયેલાં હંસાબહેન ચાવડાએ બીબીસીને જણાવ્યું હતું કે "કોરોનાને લીધે જેમના કામધંધા અટકી ગયા હોય તેમને કરિયાણાનું વિતરણ કર્યા પછી તેઓ કહેતા કે હજી જરૂર પડે તો મને કહેજો.
હૉસ્પિટલમાં દાખલ થયા અગાઉ બદરૂદ્દીન શેખે અમને કહ્યું હતું કે, સાજો થઈને ફરી વિતરણ કરવા આવી જઈશ પરંતુ તેઓ હૉસ્પિટલથી પાછા ન ફર્યા. બહેરામપુરા વિસ્તારમાં તેમની ખોટ પુરાય એવી નથી. બહેરામપુરાને બીજા બદરૂદ્દીન નહીં મળે."
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
કોમીસૌહાર્દના પ્રતિનિધિ
ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે "બદરૂદ્દીનભાઈ સાથે હું વીસ વર્ષથી સંકળાયેલો હતો. સરળ સ્વભાવ અને દરેક ઉંમરના લોકોને મિત્ર બનાવવા એ તેમની આગવી ઓળખ હતી. અમદાવાદ શહેરમાં કોમી એકતા માટે તેઓ વર્ષોથી કાર્યરત હતા. તમામ સમાજના લોકો સાથે તેમને નિકટનો નાતો હતો."
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે "એક સાચો જનસેવક કેવો હોવો જોઈએ એ સમજવું હોય તો બદરૂદ્દીન શેખની રાજકીય કારકીર્દી નિહાળવી પડે. મેં ખૂબ નજીકથી તેમનું રાજકીય જીવન નિહાળ્યું છે."
"કોરોના વાઇરસના સંક્રમણને લીધે ઘણા નેતાઓ જનતા સાથે સંપર્ક તોડીને ઘરમાં બેસી ગયા ત્યારે બદરૂદ્દીનભાઈએ એવું નહોતું કર્યું. લોકોની વચ્ચે જવાના કારણે તેમને કોરોનાનો ચેપ લાગ્યો. બદરૂદ્દીનભાઈના નિધનથી અમદાવાદ શહેરે એક સાચો જનસેવક ગુમાવ્યો છે."
ભારતીય જનતા પક્ષના મુખ્ય પ્રવક્તા ભરત પંડ્યાએ બદરૂદ્દીન શેખને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ભાજપના આગેવાન તેમજ અમદાવાદના જમાલપુર-ખાડિયા વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કહ્યું હતું કે "બહેરામપુરામાં પાંચ ટર્મથી જનસેવક તરીકે કામ કરતાં બદરૂદ્દીનભાઈનો મંત્ર હતો કે સકારાત્મક વિચાર સાથે આગળ વધવું."
"બદરૂદ્દીનભાઈના અવસાનથી એક સાચો લોકસેવક ગુમાવ્યાની લાગણી થાય છે. તેઓ જાહેરજીવનના સૈનિક હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો