TOP NEWS : ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને પાંચ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષની ભેટ આપી છે.

સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનાં મોંઘવારી ભથ્થાંમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પાંચ ટકા મોંઘવારી ભથ્થાં (ડીએ)નો લાભ ગુજરાતના નવ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.

ગાંધીનગરમાં મળેલી કૅબિનેટની બેઠક બાદ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારોને કહ્યું કે આ મોંઘવારી ભથ્થાંથી અહીંના કર્મચારીઓનું ભથ્થું પણ કેન્દ્રના કર્મચારીઓની સમકક્ષ 17 ટકા થઈ જશે.

તેમણે કહ્યું કે આ વધારો 1 જુલાઈ, 2019થી લાગુ થયેલો ગણાશે. તેનો ફાયદો 5.11 લાખ કર્મચારીઓ અને 4.5 લાખ પેન્શનરોને થશે.

આ મહિનાનો પગાર નવા મોંઘવારી ભથ્થા સાથે ચૂકવાશે અને ગત મહિનાઓની ચુકવણી તબક્કાવાર કરાશે.

'સેના રાજકારણથી દૂર છે, દૂર રહેશે'

સેનાના નવા પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું કે સેના રાજકારણથી દૂર છે અને દૂર જ રહેશે.

એનડીટીવી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આતંકી ખતરાને પહોંચી વળવા માટે સેના એક ચોક્કસ રણનીતિને આધારે કામ કરે છે.

તેમણે કહ્યું કે જરૂરિયાત પ્રમાણે પ્લાન બનાવાશે. અમને ખબર છે કે સરહદની પેલે પાર આતંકીઓના કૅમ્પ છે. તેની પર અમારી નજર છે. તેને નષ્ટ કરવાની અમારી કોશિશ રહેશે.

જેમ-જેમ ખબરો મળતી રહેશે એ પ્રમાણે પ્લાન બનાવીશું.

સેનાપ્રમુખે એમ પણ કહ્યું કે કાશ્મીરની સ્થિતિ ઘણી સુધરી છે. પાંચ ઑગસ્ટ પછી ઘણું સારું થયું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

સતત બીજા મહિને GSTનું કલેક્શન એક લાખ કરોડથી ઉપર

જીએસટીનું કલેક્શન સતત બીજા મહિને પણ એક લાખ કરોડ રૂપિયાથી વધુનું રહ્યું છે.

એનડીટીવીના અહેવાલમાં નોંધ્યું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ડિસેમ્બર મહિનામાં જીએસટી સંગ્રહ 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.

એક વર્ષ અગાઉ જ આ મહિનામાં જીએસટી સંગ્રહ 97,276 કરોડ રૂપિયા હતો. જ્યારે ગત મહિને (નવેમ્બર 2019) આ આંકડો 1,03,492 કરોડ રૂપિયા હતો.

એક સત્તાવાર નિવેદન પ્રમાણે આ વખતે ડિસેમ્બરમાં કુલ 1,03,184 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે.

ડિસેમ્બર મહિનામાં ઘરેલુ લે-વેચથી થયેલા જીએસટીસંગ્રહમાં 16 ટકાનો વધારો નોંધાયો છે.

ચીનની ફૉર્મ્યુલા તાઇવાને ફગાવી

તાઇવાનનાં રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેને બુધવારે કહ્યું કે તેઓ ચીનના 'એક દેશ, બે વ્યવસ્થા'વાળા પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે.

ચીને તાઇવાન સામે આ એક રાજકીય ફૉર્મ્યુલા મૂકી હતી જેને તાઇવાને ફગાવી દીધી છે.

તાઇવાનનું કહેવું છે કે આ ફૉર્મ્યુલા હૉંગકૉંગમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. આથી તેને સ્વીકારવાનો સવાલ જ પેદા થતો નથી.

ચીન દાવો કરે છે કે તાઇવાન તેનો હિસ્સો છે અને જરૂર પડ્યે બળપ્રયોગ કરીને તેને પોતાને આધીન કરી શકે છે. જ્યારે તાઇવાનનું કહેવું છે કે તે એક સ્વતંત્ર દેશ છે.

તાઇવાનમાં 11 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને સાઈ ફરીથી ચૂંટણીમેદાનમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો