CAA-NRC વિરોધ : ત્રણ લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ અને હજારો લોકોની અટકાયત

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે એમાં 3 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં એક વ્યક્તિનું તો કર્ણાટકના મેંગ્લુરુમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

મેંગલુરુમાં 2 લોકોનાં મૃત્યુ પોલીસ ફાયરિંગમાં થયાં છે.

કર્ણાટકના ગૃહ મંત્રી બસવરાજ બોમ્માઈએ આને મોટું ષડયંત્ર ગણાવ્યું છે. એમણે કહ્યું કે પડોશના રાજ્ય કેરલમાંથી આવેલા લોકોએ હિંસક વિરોધ કર્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો.

ઉત્તર પ્રદેશમાં પ્રદર્શન દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. જોકે, રાજ્યના ડીજીપી ઓપી સિંહનું કહેવું છે કે પોલીસે ફાયરિંગ કર્યું નથી. એમણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની વાતથી પોતે અજાણ હોવાનું કહ્યું છે.

અનેક સ્થળોએ હિંસાના સમાચારોની વચ્ચે મુંબઈમાં ખૂબ જ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન થયું છે.

ગુજરાતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધપ્રદર્શનો થયા તેમાં અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસાની ઘટના ઘટી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ પોલીસ પર પથ્થરમારાની ઘટના ઘટી છે અને તેને પગલે ટિયરગૅસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

આ સમયે તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે 32 લોકોની અટકાયત કરવામાં આવી છે અને અમે ફરિયાદ દાખલ કરી રહ્યા છીએ. કુલ 19 પોલીસકર્મીઓને ઇજા થઈ છે. અમે કસૂરવારોને સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી રહ્યા છે.

એસીપી આર. બી. રાણા પણ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ થનારા તમામ લોકોને નાની-મોટી ઈજાઓ સાથે નજીકની એલ. જી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે રાજ્યની શાંતિ ડહોળાય નહીં તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

શાહેઆલમમાં શું થયું?

શાહેઆલમથી શકીલ કુરેશીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, દિવસ દરમિયાન અમે શાંતિથી વિરોધ કરતા હતા. લગભગ 5.30-6 વાગે અમે લોકો દરગાહમાં ભેગા થયા હતા અને શાંતિ વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે અમને આગળ વધવા ન દીધા. અમારા આગેવાનને પોલીસ પકડીને લઈ ગઈ. પોલીસે અમારા પર લાઠી ચાર્જ કર્યો.

લાઠી ચાર્જ થયો અને અનેક લોકો ઘાયલ થયા. આ ધર્મને નામે નથી, આ કાયદાની વાત છે. અહીં પહેલાંથી શાંતિપૂર્ણ વિરોધની માહિતી હતી. અમે એક જગ્યા નક્કી કરી હતી. જ્યારે અમે ભેગા થયાં ત્યારે અમારા નેતા સની બાબાને પકડી લેવામાં આવ્યા. અમે તેનો વિરોધ કર્યો અને પછી પોલીસે લાઠી ચાર્જ કર્યો.

લોકોએ પોતાના બચાવમાં ઘર્ષણ થયું એમ સ્થાનિકો જણાવે છે.

સ્થાનિકોએ કહ્યું કે લોકો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા અને આગેવાનને પકડીને લઈ જવામાં આવ્યા. તેઓ ક્યાં છે તેની ખબર નથી.

આ ઘટનાને પગલે શાહઆલમથી ચંડોળા તરફ જનારી એએમટીએસ બસોના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

પોલીસ હિંસા કરનારની શોધખોળ કરી રહી છે.

આ દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની શિવરંજની ચાર રસ્તા પાસેથી પોલીસે અટકાયત કરી છે.

આ દરમિયાન દેશભરમાં વિરોધપ્રદર્શનને લઈને ગૃહ મંત્રાલયે તાકીદની બેઠક બોલાવી છે.

સના ગાંગુલીની ટ્વીટ ઇમરાન ખાને ટાંકી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સૌરવ ગાંગુલીનાં પુત્રી સના ગાંગુલીની વાતને ટાંકીને ટિપ્પણી કરી છે.

ઉલ્લેખનીય છે કે સના ગાંગુલીએ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર ખુશવંત સિંહના પુસ્તક 'ધ ઍન્ડ ઑફ ઇન્ડિયા'નો એક અંશ પ્રસ્તુત કર્યો હતો.

એ અંશ થકી તેમણે ફાસીવાદને નિશાના પર લીધો હતો.

એમની એ પોસ્ટને વર્તમાન સ્થિતિ અને નવા નાગરિકતા કાયદાના વિવાદ સાથે જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે 'તેમને રાજકારણમાં ન ઢસેડો.'

સના ગાંગુલીએ પોસ્ટ પાછળથી ડિલિટ કરી દીધી હતી.

ઇમરાન ખાને સના ગાંગુલીએ કરેલી પોસ્ટને રિટ્વીટ્ કરી છે અને કહ્યું કે ભારત વંશિય ચરમપંથ તરફ જઈ રહ્યું છે જેની ખુશવંત સિંહે ભવિષ્યવાણી કરી હતી.

ચેતન ભગતનો મોદી સરકાર પર હુમલો

જાણીતા લેખક ચેતન ભગતે નરેન્દ્ર મોદી સરકાર સામે નિશાન સાધ્યું છે.

એમણે ગીતાનો શ્વોક ટ્વીટ કર્યો છે.

આ ઉપરાંત એમણે નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ સિટિઝન રજિસ્ટ્રીને સાથે મૂકીને તે કઈ રીતે હિંદુ-મુસ્લિમને લાભ-નુકસાન કરે છે તેની વાત કરી છે.

નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં દેશભરમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે માનવઅધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ડિયાએ આ કાયદાને ધર્માંધ ગણાવી સરકાર લોકોનો વિરોધ કરવાનો અધિકાર છીનવી રહી હોવાનો આરોપ મૂક્યો છે.

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, નોર્થ-ઇસ્ટ એમ અનેક સ્થળોએ આ કાયદા સામે વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે.

બેંગલુરુમાં જાણિતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની અટકાયત કરવામાં આવી છે.

બીજી બાજુ, દિલ્હીમાં પ્રદર્શનોને કારણે અમુક વિસ્તારમાં મોબાઇલ સેવા બંધ કરી દેવામાં આવી છે.

નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનના વિરુદ્ધમાં ગુજરાતનાં વિવિધ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે.

દિલ્હી ઉપરાંત ચંદીગઢ, ચેન્નાઈ અને બેંગલુરુમાં પણ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.

કચ્છના મુસ્લિમો નાગરિકતા સંશોધન કાયદા વિશે શું કહે છે. જુઓ વીડિયો

CAA એક ધર્માંધ કાયદો છે : ઍમનેસ્ટી ઇન્ડિયા

માનવઅધિકાર માટે કામ કરતી સંસ્થા ઍમનેસ્ટી ઇન્ડિયાએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે નાગરિક સુધારા કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર કાયદાકીય કાર્યવાહી અટકાવવી જોઈએ. મોટાભાગની રાજ્ય સરકારોએ કાં તો પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે, કાં તો પ્રતિબંધક કલમો લગાવી છે.

ઍમનેસ્ટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અવિનાશ કુમારે જણાવ્યું "CAA એક ધર્માંધ કાયદો છે, જે ધર્મના આધારે ભેદભાવને ન્યાયિક ઠેરવે છે. દેશના લોકોને આ કાયદાનો વિરોધ કરવાનો અને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે. શાંતિપૂર્ણ એકઠા થવાનો અધિકાર માત્ર અભિવ્યક્તિની આઝાદી જ નહીં, જાહેર ચર્ચાની પણ મોકળાશ આપે છે."

ગુજરાતમાં બંધનું એલાન

અમદાવાદથી સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખ જણાવે છે કે શહેરના દરિયાપુર, જમાલપુર, શાહઆલમ, દાણીલીમડા, લાલ દરવાજા જેવા મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ છે અને બંધની ભારે અસર જોવા મળી રહી છે.

અમદાવાદમાં કાયદાનો વિરોધ કરનારાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો પણ અહેવાલ છે.

બંધ દરમિયાન અણછાજતી ઘટના રોકવા માટે ગુજરાત પોલીસના ડીજીપીએ સ્ટેટ રિઝર્વ પોલીસના તમામ કમાન્ડન્ટને એક કંપની/પ્લાટુનને 'સ્ટેન્ડ ટુ' રાખવા માટેના આદેશ આપ્યા છે.

ગોધરાથી સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહ જણાવે છે કે શહેરના મુસ્લિમ બહુમતીવાળા સિગ્નલ ફળિયા, પોલાન બજાર, રાણી મસ્જિદ વિસ્તાર અને સૈયદવાડામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે.

ગુજરાતમાં બનાસકાંઠાંમાં છાપીમાં મોટાપાયે લોકોઓ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો છે. પાલનપુરમાં પોલીસ અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો છે.

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિરોધ પ્રદર્શનની તસવીરો મૂકી છે. એમણે ટીમના સાથીઓની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી પણ આપી છે.

આગમચેતીના પગલારુપે અહીં ચાંપતો સુરક્ષાબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અલ્પસંખ્યક અધિકાર મંચના સંયોજક શમશાદ પઠાણે જણાવ્યું છે કે તેમના સંગઠને અન્ય કેટલાંક સગંઠનો સાથે મળીને બંધનું આહ્વાન આપ્યું છે.

ભીમ આર્મીના પ્રદેશ વડા જગદીશ ચાવડાએ સંગઠનવતી આ બંધને સમર્થન આપ્યું છે.

આ ઉપરાંત બિનસંગઠિત લેબર કૉંગ્રેસના અશોક પંજાબીએ પણ આ બંધને સમર્થન આપ્યું છે, તેમના જણાવ્યા પ્રમાણે, ઑટોરિક્ષાના ડ્રાઇવરો કામથી અળગા રહેશે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, લઘુમતી સમુદાયે બંધ દરમિયાન કામથી અળગા રહેવું એવા મતલબનો સંદેશ ગોધરામાં વાઇરલ થયો છે.

દેશભરમાં ઉગ્રપ્રદર્શન

કર્ણાટકના બેંગલુરુમાં જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની પોલીસે અટકાયત કરી છે. અહીં લગભગ 30 પ્રદર્શનકારીને અટકાયતમાં લેવાયા છે.

એનડીટીવી સાથેની વાતચીતમાં ગુહાએ જણાવ્યું, "હું ગાંધીના પોસ્ટર સાથે બંધારણની વાત કરી રહ્યો હતો ત્યારે મારી અટકાયત કરવામાં આવી હતી."

વિરોધપ્રદર્શનને કારણે દિલ્હીના અમુક વિસ્તારમાં મોબાઇલ સેવાઓ ઠપ થઈ છે. મોબાઇલ સેવા આપતી કંપની ઍરટેલે આ વાતની પુષ્ટિ કરી હતી.

દિલ્હીમાં CAA અને NRC વિરુદ્ધ ઉગ્રપ્રદર્શનો થઈ રહ્યાં છે. સ્વરાજ અભિયાનના યોગેન્દ્ર યાદવની લાલ કિલ્લા ખાતે અટકાયત કરવામાં આવી છે, યાદવના કહેવા પ્રમાણે, એમના સાથે 1000 અન્યની પણ અટકાયત કરવામાં આવી છે.

CrPCની કલમ 144નો ભંગ કરવા બદલ તેમની અટકાયત કરવામાં આવી હતી.

12 વાગ્યાની સ્થિતિ મુજબ 16 મેટ્રોસ્ટેશન બંધ કરી દેવાયાં છે. અહીં મુસાફરોની અવરજવર અટકાવી દેવાઈ છે.

દિલ્હી પોલીસે દેખાવકારોને મંજૂરી મળી હોય તે જગ્યાએ જ પ્રદર્શન કરવા અપીલ કરી છે.

હૈદરાબાદ, ચેન્નાઈ અને ચંદીગઢમાં પણ CAA વિરુદ્ધ પ્રદર્શનની ઘટનાઓ નોંધાઈ છે.

ડાબેરી પક્ષો દ્વારા આજે ભારત બંધનું આહ્વાન

નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં ડાબેરી પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ભારત બંધનું આહ્વાન આપ્યું છે.

સીપીએમ, સીપીઆઈ, સીપીઆઈ(એમએલ), ફૉરવર્ડ બ્લૉક અને આરએસપીએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે આ દરમિયાન દેશભરમાં વિરોધપ્રદર્શનો યોજવામાં આવશે.

આ વિરોધને કેટલાક વિપક્ષોએ પણ સમર્થન આપવાની જાહેરાત કરી છે.

સમગ્ર ઉત્તર પ્રદેશ, કર્ણાટકના બેંગલુરુ અને મેંગલુરુમાં તંત્રએ પરિસ્થિતિ ન કથળે એ માટે 144 લાગુ કરી દેવાઈ છે.

કર્ણાટક હાઈકોર્ટમાં 144ની કલામ લાદવા વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી, જેની ઉપર શનિવારે સુનાવણી હાથ ધરાશે.

બંધને પગલે કર્ણાટકના કેટલાય જિલ્લામાં શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો