You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL : હરાજીમાં સૌથી ઊંચી બેઝ પ્રાઇઝે ગુજરાતના ત્રણ ખેલાડી કયા છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
આઈપીએલની 13મી સિઝન માટેની હરાજી રસપ્રદ બની રહેશે કારણ કે બે કરોડની બેઝ પ્રાઇઝ સાથે ભારતનો કોઈ ખેલાડી હરાજીમાં નથી.
1.5 કરોડની બેઝ પ્રાઇઝમાં 10 ખેલાડીઓ છે, જેમાં એક માત્ર ભારતીય ખેલાડી રોબિન ઉથપ્પા છે.
મહત્ત્વની વાત એ છે કે એક કરોડની બેઝ પ્રાઇઝમાં 23માંથી માત્ર ત્રણ જ ભારતના ખેલાડીઓ છે. તે તમામ ગુજરાતના છે અથવા ગુજરાતથી રમતા ખેલાડીઓ છે. યુસુફ પઠાણ, પીયૂષ ચાવલા અને જયદેવ ઉનડકટની બેઝ પ્રાઇઝ એક કરોડની છે.
આઈપીએલની હરાજીમાં આ વખતે ખર્ચવા માટે સૌથી વધારે રૂપિયા કિંગ્સ ઇલેવન પંજાબ (42.70 કરોડ) પાસે છે. જ્યારે સૌથી ઓછા રૂપિયા મુંબઈ ઇન્ડિયન્સ (13.05 કરોડ) પાસે છે.
આઈપીએલની હરાજીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સૌથી વધારે ખેલાડી ખરીદી શકે છે. તેઓ 18 ખેલાડીઓ ખરીદી શકે છે, જેમાં 6 વિદેશી ખેલાડી ખરીદી શકે છે.
ગુજરાતના ક્યાં ખેલાડીઓ છે હરાજીમાં
આ વર્ષે આઈપીએલમાં 1 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવનાર માત્ર ત્રણ જ ખેલાડી છે. જે તમામ ગુજરાતના છે.
ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રણજી ટ્રૉફી રમતા પીયૂષ ચાવલા, બરોડા ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રમતા યુસુફ પઠાણ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રમતા જયદેવ ઉનડકટનો પણ સમાવેશ કરાયો છે.
જયદેવ ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ પ્રદર્શન સારું ન લાગતા ટીમે તેમને આ વખતે કરારમુક્ત કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુસુફ પઠાણ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ગત સિઝનમાં રમ્યા હતા. પીયૂષ ચાવલાને કોલકાતા નાઇટ રાઈડર્સે કરારમુક્ત કર્યા છે.
પાર્થિવ પટેલ 1.7 કરોડની કિંમત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં યથાવત્ છે.
ગુજરાતના અન્ય ખેલાડીઓ
પ્રિયાંક પંચાલ રાઇટ આર્મ બૅટ્સમૅન છે અને તેમની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે અને તેઓએ ફર્સ્ટ ક્લાસ ટી-20માં 43 મેચમાં 125ના સ્ટ્રાઇક રેટથી 1073 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રમતા રૂશ કલેરિયા વિજય હઝારે ટ્રૉફીમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. લેફ્ટ આર્મ ફાસ્ટ મિડિયમ બૉલરની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
આ ઉપરાંત ગુજરાતના 22 વર્ષના અરઝાન નાગવાસવાલા અને 24 વર્ષીય રીપલ પટેલની બેઝ પ્રાઇઝ 20 લાખ છે.
બરોડાના ખેલાડી
બરોડાના સ્ટાર હાર્દિક પંડ્યા 11 કરોડ અને કૃણાલ પંડ્યા 8.80 કરોડની સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં યથાવત્ છે.
બરોડાથી રમતાં ધમાકેદાર બૅટ્સમૅન યુસુફ પઠાણને સનરાઈઝર્સ હૈદરાબાદે મુક્ત કર્યા છે. તેઓ હરાજીમાં 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝ સાથે ઉતરશે.
બરોડાના દીપક હુડ્ડા ગત વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યા હતા. 2018માં હૈદરાબાદે 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
ગત સીઝનમાં તેઓ 11 મેચમાં 64 રન જ બનાવી શક્યા હતા. આ વર્ષે હૈદરાબાદે તેમને મુક્ત કર્યા છે.
સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં 8 ઇનિંગ્સમાં 342 રન બનાવનાર બરોડાના વિકેટકીપર કેદાર દેવધરની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
લુકમન હુસેન મેરિવાલા લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બૉલર છે. તેમણે સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીમાં 7 મૅચમાં 13 વિકેટ લીધી હતી. તે 20 લાખની બેઝ પ્રાઇઝમાં છે.
બરોડા ક્રિકેટ ઍસોસિયેશન બૅટ્સમૅન વિષ્ણુ સોલંકી, લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ-બૉલર સફવાન પટેલ અને ઑલરાઉન્ડર સ્વનિલ સિંઘ 20 લાખની કૅપની સાથે ઉતરશે.
સૌરાષ્ટ્રના ખેલાડી
સૌરાષ્ટ્રમાંથી ભારતીય ટેસ્ટ ટીમના મહત્ત્વના બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા હરાજીમાં છે. તેમની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે.
સૌરાષ્ટ્રના વિકેટકીપર શૅલ્ડન જૅક્સનની બેઝ પ્રાઇઝ 20 લાખ છે. આ ઉપરાંત અવી બારોટ, લેફ્ટ આર્મ ફાસ્ટ મીડિયમ બૉલર ચેતન સાકરિયા અને ઑલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજાની 20 લાખ બેઝ પ્રાઇઝ છે.
2020માં યોજાનારી આઈપીએલની 13મી સિઝનની હરાજીમાં ભાગ લેવા માટે 971 ખેલાડીએ દાવેદારી કરી છે.
જેમાંથી લોકોની ફ્રેન્ચાઈઝીની માગના આધારે 258 ખેલાડીઓનું છેલ્લું લિસ્ટ નક્કી કરવામાં આવ્યું હતું.
2 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવનાર સાત ખેલાડીમાંથી પાંચ ઑસ્ટ્રેલિયાના
2 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવનાર સાત વિદેશી ખેલાડીઓમાં પાંચ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાના છે.
જેમાં ફાસ્ટ બૉલર પૅટ કમિન્સ, જૉશ હૅઝલવૂડ, બૅટ્સમેનમાં મિચલ માર્શ અને ગ્લૅન મૅક્સવેલ છે, જ્યારે ઑલરાઉન્ડર મિચલ માર્શની પણ આ બેઝ પ્રાઇઝ છે.
આફ્રિકાના ડૅલ સ્ટેયન અને શ્રીલંકાના ઍન્જેલો મૅથ્યુઝની બેઝ પ્રાઇઝ 2 કરોડની છે.
વિરાટ કોહલી 17 કરોડ રૂપિયા સાથે આરસીબીમાં યથાવત્
17 કરોડ મેળવીને ટીમમાં યથાવત્ - વિરાટ કોહલી (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર)
15 કરોડ મેળવનાર ખેલાડી - મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ), રિષભ પંત (દિલ્હી કેપિટલ્સ), રોહિત શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ)
12.50 કરોડ મેળવીને ટીમમાં યથાવત્ - સુનિલ નારાયણ(કોલકાતા નાઇટ રાઈડર્સ), સ્ટિવ સ્મિથ (રાજસ્થાન રૉયલ્સ), બૅન સ્ટૉક્સ (રાજસ્થાન રૉયલ્સ), ડૅવિડ વૉર્નર (સનરાઈઝર્સ હૈદરાબાદ)
11 કરોડ મેળવી ટીમમાં યથાવત્ - સુરેશ રૈના (ચેન્નાઇ સુપર કિંગ્સ), કે. એલ. રાહુલ (કિંગ્સ ઇલેવન પંજાબ), હાર્દિક પંડયા (મુંબઇ ઇન્ડિયન્સ), એબી ડિલિવર્સ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર), મનીષ પાંડે (સનરાઈઝર્સ હૈદરાબાદ)
75 લાખની બેઝ પ્રાઇઝમાં રહેલાં 16માંથી એક પણ ખેલાડી ભારતનો નથી. 50 લાખની બેઝ પ્રાઇઝ સાથે 78 ખેલાડીઓ છે, જેમાં 69 ખેલાડીઓ વિદેશના અને 9 ભારતના છે.
કંઈ ટીમે કેટલાં ખેલાડી ખરીદ્યા, કેટલાં ખરીદી શકે છે કેટલું ભંડોળ બાકી છે?
(કૌંસમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા છે. જે બહારની કિંમતમાં ઉમેરેલી જ છે. એક ટીમમાં 25 ખેલાડી હોય છે. જેમાં 8 ખેલાડી વિદેશી ટીમ ખરીદી શકે છે.)
સૌથી વધારે બચેલી રકમ કિંગ્સ ઇલેવન પંજાબની પાસે છે. તેમની પાસે સ્લોટ પણ માત્ર 9 ખેલાડીઓના છે. માટે મોટા ખેલાડીઓ પંજાબ ખરીદી શકશે.
આઈપીએલમાં યુવા સ્ટાર્સ
બીબીસી મરાઠીના સંવાદદાતા પરાગ પાઠક જણાવે છે કે આ આઈપીએલમાં ત્રણ યુવા ખેલાડી રમી રહ્યા છે.
વિજય હઝારે ટ્રૉફીમાં બેવડી સદી નોંધાવનાર મુંબઈના યશસ્વી જૈસવાલ આ વર્ષે હરાજીમાં છે. તેમની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
તેઓ પોતાની અગ્રેસિવ બૅટિંગ માટ જાણીતા હોવાથી અનેક ટીમ તેમને લેવા તલપાપડ છે.
આગામી વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રિયમ ગર્ગ પણ આઈપીએલની હરાજીમાં ભાગ લેશે.
પ્રિયમ સતત રન બનાવી રહ્યા છે. ત્યારે તેમને જોવા રસપ્રદ બનશે.
ગત વર્ષે બેંગ્લોરે પ્રયાસ રાય બરમાનને ટીમમાં સ્થાન આપ્યું હતું, પરંતુ આ વખતે કરારમાંથી તેમને મુક્ત કર્યા છે. ત્યારે જોવાનું થાય કે કોણ તેમને પોતાની ટીમમાં ખરીદે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો