You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીરામ વિદ્યાકેન્દ્રમાં બાળકો પાસે બાબરી મસ્જિદ તોડી પાડવાનું નાટક કરાવાયું
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
કર્ણાટકના દરિયાકિનારે આવેલા શહેર મેંગ્લુરુની એક શાળામાં બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનાને અપાયેલા નાટકીય રૂપનો વીડિયો સોશિયલ વીડિયા પર વાઇરલ થઈ ગયો છે. જોકે, શાળાનું તંત્ર આને 'રાષ્ટ્રીય ગૌરવ વધારવાનો પ્રયાસ' ગણાવી રહ્યું છે.
રવિવારે આયોજિત શાળાના વાર્ષિક રમત તેમજ સાંસ્કૃતિક દિવસ સમારોહમાં વિદ્યાર્થીઓએ બાબરી મસ્જિદના મોટા પોસ્ટરને ફાડી નાખ્યું. આ દરમિયાન કથાકારો ઐતિહાસિક સંરચનાને ધ્વંસ કરતી વખતે લોકો ઉત્સાહ મનાવી રહ્યા છે એવું વર્ણન કરતા રહ્યા.
કથાકાર કહે છે, "એ ઊંચા ઢાંચાને તોડી પાડવા માટે લોકોએ જે હાથમાં આવી એ વસ્તુનો ઉપયોગ કર્યો. હનુમાનભક્તો સમગ્ર જોશ સાથે બાબરી મસ્જિદના ઢાંચાને તોડી પાડે છે. બોલો! શ્રી રામચંદ્રની જય."
આ વ્યાખ્યાન બાદ બાળકો પોસ્ટરને નીચે પાડી દે છે અને તેઓ ઉત્સાહ અને હર્ષ સાથે કૂદવાનું શરૂ કરી દે છે. શ્રીરામ વિદ્યાકેન્દ્રની આ ઇવેન્ટના મૅનેજિંગ ટ્રસ્ટી કલ્લાદકા પ્રભાકર ભટ છે જેઓ કર્ણાટકના રિયાકિનારે આવેલા જિલ્લામાં આરએસએસના શક્તિશાળી નેતા છે. આ કેન્દ્રને હિંદુત્વની પ્રયોગશાળા ગણવામાં આવે છે.
'બાળકોની નિર્દોષતાને નુકસાન'
ભટ બીબીસીને જણાવે છે, "ઢાંચાનો વિધ્વંસ, જેને આપણે બાબરી મસ્જિદ નહીં પણ બાબરીનો ઢાંચો ગણીએ છીએ, તે એક ઐતિહાસિક ઘટના છે. મુસલમાનો વિરુદ્ધ કંઈ નથી કહેવાયું. આ અંગે કંઈ બોલવાની પણ જરૂર નહોતી. આમાં માત્ર ધ્વંસની ઘટનાને દર્શાવાઈ છે."
જોકે, પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથન આ નાટકની પ્રસ્તૃતિમાં બાળકોના ઉપયોગને 'ઘૃણાસ્પદ' ગણાવે છે. જોકે, પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી અને ટિપ્પણીકાર શિવ વિશ્વનાથન આ નાટકની પ્રસ્તૃતિમાં બાળકોના ઉપયોગને 'ઘૃણાસ્પદ' અને 'બાળકોની નિર્દોષતાને નુકસાન પહોંચાડનારો' ગણે છે.
ભટ જણાવે છે, "દર વખતે અમે મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું મંચન કરીએ છીએ. ગઈ વખતે ચંદ્રયાનનું મંચન કરાયું હતું અને આ વર્ષે બાબરી મસ્જિદ પર કોર્ટના નિર્ણય પર મંચન કરાયું હતું. એટલે આ પ્રસ્તુતિમાં એલ. કે. અડવાણીનું ભાષણ, શિલાન્યાસ, ઢાંચાને તોડી પાડવો અને પાંચ જજોએ આપેલા ફેંસલાને દર્શાવવામાં આવ્યાં છે.
લાવન્યા બલ્લાલે જ્યારે ટ્વીટ કર્યું ત્યારે આ વીડિયો વાઇરલ થઈ ગયો. ટ્વિટર પર તેમણે લખ્યું, "તેઓ નફરતનાં બીજ કઈ રીતે રોપે છે? જુઓ, કલાદકા પ્રભાકર ભટ સ્કૂલમાં (ગઈ) કાલે શું થયું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિધ્વંસની ઘટનાની અસર બાળકોનાં મગજ કેવી પડે?
ભટ જણાવે છે, "આની અસર એવી થશે કે બાળકો દેશ માટે જીવતા શીખશે. બાળકોને એવું પણ બતાવાયું છે કે રાષ્ટ્રના અપમાનને કઈ રીતે ભૂંસવું જોઈએ. સાથે જ આ રાષ્ટ્રીય ગૌરવને પણ વધારશે."
તેઓ ઉમેરે છે, "મુસ્લિમવિરોધી બાબતોને પ્રોત્સાહન આપવાને અને આને કંઈ લાગતું વળગતું નથી. અમે ડૉ. એપીજે અબ્દુલ કલામ અને જ્યૉર્જ ફર્નાન્ડિઝે સ્થાપેલી પરંપરાઓમાં વિશ્વાસ કરીએ છીએ. આ દર્શાવે છે કે કસાબ જેવા આતંકવાદીઓને પ્રોત્સાહિત ન કરવા જોઈએ અને કોઈ પણ રીતે આ રાષ્ટ્રવિરોધી નથી."
જોકે, સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથન કહે છે, "તેઓ નિર્દોષતાનો ડોળ કરે છે. મને લાગે છે કે આનાથી બાળકોની નિર્દોષતા પ્રભાવિત થાય છે."
"જ્યારે બાળકો મોટા પ્રમાણમાં પ્રદર્શિત આ ઘટનાનું મંચન જુએ છે ત્યારે તેમાનો એક મોટો વર્ગ આને સત્ય માનવા લાગે છે અને પોતાના મનમાં સાચવી રાખે છે. એક રીતે આ જ શિખામણ આગળ જઈને ઉશ્કેરાયેલા ટોળાના વર્તનમાં જોવા મળે છે."
વિશ્વનાથન માને છે કે જ્યારે આ પ્રકારના નાટકમાં બાળકોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે મૂળ ત્રણ બાબતો સામે આવે છે - "જન-ઉશ્કેરણી સમાજના એક બહુ મોટા તબક્કામાં પ્રવેશી જાય છે. શિક્ષણને પ્રૉપેગૅન્ડાના રૂપમાં રજૂ કરવામાં આવે છે અને આ બાળકોની નિર્દોષતાને નુકસાન પહોંચે છે."
વિશ્વનાથ આશ્ચર્ય સાથે જણાવે છે, "આજકાલ એવી કેટલીય પ્રવૃતિઓ જોવા મળે છે કે જે પ્રજાસત્તાક સિદ્ધાંતો કે વિવિધતા કે નાગરિકત્વ કે ઇતિહાસની પૂર્ણ રીતે અવગણનાને દર્શાવે છે અને લોકો તેને સામાન્ય ગણી લે છે."
કેટલાક મનોચિકિત્સકોએ આ અંગે વાત કરવાનો ઇન્કાર કર્યો છે કારણ કે "આ એક સંવેદનશીલ મુદ્દો છે."
જોકે, એમાંથી એકે નામ ન છાપવાની શરતે જણાવ્યું, "આ પ્રકારની પ્રવૃતિમાં ભાગ લેવાને કારણે બાળકોમાં આક્રમતા આવશે. તેઓ આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર અલગઅલગ પાસાંને સમજી નહીં શકે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો