TOP NEWS : સરકાર રાહત ન આપે તો વોડાફોન-આઇડિયા બંધ : બિરલા

ઇમેજ સ્રોત, Getty Images
વોડાફોન-આઇડિયાના ચૅરમૅન કુમાર મંગલમ બિરલાએ શુક્રવારે જણાવ્યું કે જો સરકાર રાહત નહીં આપે તો વોડાફોન-આઇડિયાએ 'સ્ટોર બંધ કરી દેવો પડશે.' બિરલા ઍડજસ્ટેડ ગ્રૉસ રૅવન્યૂ (એજીઆર) મુદ્દે રાહત ઇચ્છી રહ્યા છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર 'એચટી લીડરશીપ સમિટ 2019' દરમિયાન બિરલાએ કહ્યું "મને લાગે છે કે આપણે સરકાર પાસેથી વધારે પ્રોત્સાહનની અપેક્ષા રાખી શકીએ કારણ કે ક્ષેત્ર બચી રહે એ માટે એ જરૂરી છે."
"જો અમને કંઈ પણ નહીં મળે તો મને લાગે છે કે વોડાફોન આઇડિયાની કહાણી ખતમ થઈ જશે"
આ મામલે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, એક સ્રોતને ટાંકીને અખબારે જણાવ્યું છે કે આ મામલે સરકારનું વલણ સ્પષ્ટ છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે તે આ મામલે કંઈ પણ કરી શકે એમ નથી.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગત સપ્તાહે સંસદમાં જણાવ્યું હતું કે એજીઆર મામલે આવેલા ફેંસલાને પગલે ટેલિકોમ કંપનીઓને કરજમાફી આપવાની સરકારની કોઈ યોજના નથી.

અપહરણ કરીને ચાર મહિના સુધી સગીરા પર બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images
બનાસકાંઠામાં એક આદિવાસી સગીરાનું અપહરણ કરીને ચાર મહિના સુધી ગોંધી રાખવાની અને ત્રણ શખ્સો દ્વારા બળાત્કાર ગુજરાવાની ઘટના ઘટી છે.
ગોંધી રખાયાના ચાર મહિના બાદ પોલીસે સગીરાને મુક્ત કરાવી હોવાનું સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને 'ફ્રી પ્રેસ જનરલ'ના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ અનુસાર સગીરાનું રાજસ્થાનમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.
આ મામલે સગીરાને ધાનેરા તાલુકાના એક ખેતરમાં ગોંધી રાખનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પઠાણવાડાના સબ-ઇન્સ્પેક્ટર એલ. જી. વાળાએ જણાવ્યું, "આરોપી અને તેનો ભાઈ જે ખેતરમાં મજૂરી કરતા હતા ત્યાં સગીરાને રાખવામાં આવી હતી."
પોલીસ આ મામલે આરોપીના ભાઈની પણ પૂછપરછ કરી રહી છે. ખેતરના માલિકને સગીરાની હાજરી શંકાસ્પદ લાગી હતી અને તેમણે આ મામલે જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર સગીરાનું વતન ડુંગરપુર છે અને ઑગસ્ટ મહિનામાં ચાર અજાણ્યા શખ્સો દ્વારા મોટરકારમાં તેમનું અપહરણ કરાયું હતું.

આણંદમાં અશાંત ધારો લાગુ

ગુજરાત સરકારે શુક્રવારે આણંદ શહેરના અમુક વિસ્તારોમાં અશાંત ધારો (ડિસ્ટર્બ એરિયા ઍક્ટ) લાગુ કર્યો છે.સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સંપત્તિના ખરીદ-વેચાણ ઉપર આ કાયદો નિયંત્રણો લાદે છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર શુક્રવારે સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ મામલે જિલ્લાના કલેટક્ટર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સહમતી દર્શાવી હતી.
અહેવાલમાં જણાવ્યા અનુસાર મોટી ખોડિયાર, લાભવેલ રોડ, રેલવેસ્ટેશનની સામનો વિસ્તાર, ગુજરાતી ચોક, માયફૅર રોડ, 100 ફીટ રોડ, નવા બસ-સ્ટેન્ડનો વિસ્તાર, મહાવીર પાર્ક, જૈન સોસાયટી, આણંદ-વિદ્યાનગર રોડ, ટાઉનહૉલ વિસ્તાર, 80 ફીટ રોડ, ડી. ઝેડ હાઇસ્કૂલ અને એચ. એમ. પટેલ સ્ટેચ્યૂ નજીકનો વિસ્તાર અશાંત ધારા હેઠળ આવરી લેવાયો છે.
નોંધનીય છે કે આણંદમાં પ્રથમ વખતે અંશાત ધારો લગાવાયો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























