IND vs BAN : T-20 ની બીજી મૅચમાં ભારતનો વિજય

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકોટમાં રમાયેલી ટી20 મૅચમાં ભારતનો 8 વિકેટ વિજય થયો છે.
બાંગ્લાદેશે પ્રથમ દાવ લઈને 153 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 20 ઓવરમાં 153 રન કરવાના હતા.
ભારત તરફથી ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ 43 બૉલમાં 85 રન બનાવ્યા હતા.
બીજી તરફ તેમની શિખર ધવને 27 બૉલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છે અને વરસાદની અસર મૅચ પર પણ થવાની હતી. જોકે વરસાદના સંકટ વચ્ચે રાજકોટમાં મૅચ શરૂ થઈ હતી.

રાજકોટમાં ભારતીય ટીમનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
આ અગાઉની મૅચોનાં પરિણામો પર નજર કરીએ તો રાજકોટમાં ભારતીય ટીમનું પ્રદર્શન વધારે સારું રહ્યું નથી.
આ મેદાન પર ભારતીય ટીમ બે ટેસ્ટ, બે વન ડે ઇંટરનેશનલ અને બે ટી20 મૅચ રમી ચૂકી છે.
આ પૈકી બે મૅચમાં ભારતીય ટીમની જીત થઈ હતી અને ત્રણ મૅચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો, જ્યારે એક મૅચ ડ્રૉ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમ આ મેદાન પર બે વર્ષ પછી ટી20 ઇંટરનેશનલ મૅચ રમવા માટે ઊતરી હતી અને બાંગ્લાદેશને હરાવ્યું હતું.

એ ચાર બૉલ જેના કારણે ભારત પહેલી મૅચ હાર્યું

ઇમેજ સ્રોત, Twitter/@bcci
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મૅચમાં 17 ઓવર સુધી બાજી કોના પક્ષમાં જશે તે કહી શકાય તેમ નહોતું.
કોહલી ટીમમાં ન હોવાથી કપ્તાની કરી રહેલા રોહિત શર્માએ 17મી ઓવર ખલીલ અહમદને આપી. ત્યાં સુધી બાંગ્લાદેશની 2 જ વિકેટ પડી હતી.
ખલીલે 17મી ઓવરમાં 9 રન આપીને બાંગ્લાદેશના પીચ પર સેટ થયેલા બૅટ્સમૅન સૌમ્ય સરકારને બૉલ્ડ કરી દીધા.
આ સાથે જ ભારત જીતશે તેવી આશા બંધાઈ હતી. જોકે, તે બાદ 18મી ઓવર યુઝવેન્દ્ર ચહલને આપવામાં આવી, જેમાં તેમણે 13 રન આપ્યા.
હવે બે ઓવરમાં એટલે કે 12 બૉલમાં બાંગ્લાદેશને જીતવા માટે 22 રનની જરૂર હતી.
છેલ્લી ઓવરમાં વિકેટ લઈ ગયેલા ખલીલ અહમદને ઓવર આપવામાં આવી. ખલીલના પ્રથમ બે બૉલમાં એક-એક રન આવ્યા.
1 રન સાથે જ સ્ટ્રાઇકમાં બાંગ્લાદેશના જીતના હીરો રહેલા મુશફિકુર આવ્યા. જેમણે 19મી ઓવરના ત્રીજા બૉલમાં સ્ક્વેર લેગમાં ચોગ્ગો ફટકાર્યો.
જે બાદ ચોથા બૉલમાં શોટ ફાઇન લેગમાં ચોગ્ગો ફટકાર્યો, પાંચમો બૉલ એકદમ લૉ ફૂલટૉસ હતો, જેમાં મુશફિકુરે શાનદાર સ્કેવર ડ્રાઇવ ફટકારીને બૉલને બાઉન્ડરી બહાર ફેંકી દીધો.
19મી ઓવરના છેલ્લા બૉલમાં મુશફિકુરે બેકવર્ડ પૉઇન્ટ અને શૉર્ટ થર્ડ મૅનની વચ્ચેથી ચાર રન ફટકાર્યા.
19મી ઓવરમાં કુલ 18 રન આવ્યા, જે આ મુજબ હતા 1,1,4,4,4,4.
20મી ઓવરમાં જીતવા માટે ચાર રનની જરૂર હતી, જેમાં ત્રીજા બૉલે સિક્સ મારીને બાંગ્લાદેશે પ્રથમ વખત ટી-20માં ભારતને હરાવી દીધું.
આ પહેલાં બંને ટીમ વચ્ચે રમાયેલી 8 મૅચમાં બાંગ્લાદેશ ભારત સામે જીતી શક્યું ન હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























