તેલંગણામાં 48,000 લોકોની નોકરી પર ખતરો, સીએમે કહ્યું હડતાલ કરનારાને પરત નહીં લેવાય

ઇમેજ સ્રોત, Getty Images
તેલંગણામાં રાજ્ય પરિવહન નિગમના 48,000 કર્મચારીઓની નોકરી જાય તેવી શક્યતા છે.
રાજ્યના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું છે કે જે લોકો હડતાલ પર ગયા છે તેમને ફરીથી નોકરીમાં પરત લેવામાં આવશે નહીં.
જોકે, આ મામલે હજી સુધી કોઈ પણ સરકારી ઑર્ડર બહાર પાડવામાં આવ્યો નથી.
પરિવહન નિગમના કર્મચારીઓ શુક્રવારથી હડતાલ પર હતા અને સરકારે તેમને શનિવાર સાંજ સુધીમાં હડતાળ પરત ખેંચી લેવાનો સમય આપ્યો હતો.
જોકે, કર્મચારીઓએ સરકારે નક્કી કરેલી સમયમર્યાદા પ્રમાણે હડતાલ પરત ખેંચવાનો ઇનકારી કરી દીધો હતો.
આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે તેને અક્ષમ્ય ગુનો ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે આ એક અક્ષમ્ય ગુનો છે. કર્મચારીઓ તહેવારના સમયે હડતાલ પર ગયા છે. આ હડતાલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે પરિવહન નિગમે 1,200 કરોડની ખોટ કરી છે અને તેના પર 5,000 કરોડનું દેવું છે.

કર્મચારીઓ કેમ હડતાળ પર ગયા હતા?

ઇમેજ સ્રોત, TELANGANA I&PR
વિવિધ યુનિયનોએ સાથે મળીને કરેલી આ હડતાળમાં રાજ્યના હજારો કર્મચારીઓ જોડાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર સાથે રાજ્ય પરિવહન નિગમના મર્જર અને અન્ય માંગોને લઈને જોઇન્ટ ઍક્શન કમિટીએ આ હડતાલની જાહેરાત કરી હતી.
જેના કારણે રાજ્યભરમાં સરકારી બસો બંધ રહી હતી, દશેરાના તહેવારના કારણે મુસાફરોને મુશ્કેલી પડી હતી.
રવિવારે કર્મચારીઓએ અનેક જિલ્લાઓમાં પ્રદર્શનો કર્યાં હતાં અને રેલીઓ કાઢી હતી.
યુનિયનના નેતાઓએ ચેતવણી આપી હતી કે જો તેમની માગ પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ સોમવારે એક દિવસના ઉપવાસ કરશે.
જોકે, આ મામલે હવે તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે કડક પગલાં ભરતાં 48,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી હતી.
એનડીટીવીના અહેવાલ મુજબ આશરે 50,000 કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા. જેમની કુલ 26 માગણીઓ હતી.
યુનિયનના નેતાઓનું કહેવું છે કે એક મહિના પહેલાં તેમણે સરકાર સમક્ષ માગણીઓ મૂકી હતી, જોકે અત્યાર સુધી તેના પર કોઈ ચર્ચા થઈ નથી.

સરકારે બસો ભાડે લીધી

આ મામલે રાજ્યના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું છે કે સરકાર બ્લેકમેઇલ કરવાની કોઈ પણ ટેકનિકને સહન નહીં કરી લે.
તેમણે કહ્યું, "હવે આરટીસી પાસે માત્ર 1,200 કર્મચારીઓ રહ્યા છે. જે લોકો હડતાલ પર ગયા છે તેમને પરત લેવામાં આવશે નહીં. જલદી જ નવી ભરતી શરૂ કરવામાં આવશે. જોકે, નવી ભરતીમાં એવા લોકોને જ લેવામાં આવશે જેઓ કોઈ યુનિયનમાં નહીં જોડાવાની ખાતરી આપે."
જોકે, આ વાત મુખ્ય મંત્રીએ કરી છે, હજી સુધી આ મામલે કોઈ સરકારી ઑર્ડર આવ્યો નથી.
તેલંગણાની સરકારે હડતાલને કારણે ઊભી થયેલી હાલાકીને પહોંચી વળવા માટે 2,500 બસોને ભાડે લીધી છે. જેથી તહેવારના સમયમાં મુસાફરોની હાલાકી ઓછી કરી શકાય.
સરકારના કહેવા પ્રમાણે 15 દિવસમાં સ્થિતિ પૂર્વવત થઈ જશે.
તેલંગણાની હાઈકોર્ટે પણ આ મામલે સરકાર પાસેથી અહેવાલ માગ્યો છે અને સરકારને આ મામલે જરૂરી વૈકલ્પિક પગલાં લેવાનું કહ્યું છે, જેથી મુસાફરોને તકલીફ ના પડે.
એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં આશરે 1 કરોડ લોકો આરટીસીની 10,400 બસોનો ઉપયોગ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















