TOP NEWS: PM મોદીએ રશિયાના સુદૂર પૂર્વના વિકાસ માટે 1 અબજ ડૉલરની 'લાઇન ઑફ ક્રૅડિટ'ની જાહેરાત કરી

ઇમેજ સ્રોત, PMO India
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજીત ઇસ્ટર્ન ઇકૉનૉમિક ફોરમને સંબોધતા કહ્યું કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિઝનથી પ્રભાવિત છે અને રશિયાની આ સફરમાં ભારત તેમની સાથે છે.
મોદીએ એવું પણ કહ્યું કે ભારત દુનિયાનું પ્રથમ એવું રાષ્ટ્ર બન્યું છે જેણે વ્લાદિવોસ્તોક શહેરમાં દૂતાવાસ ખોલ્યું છે. તેમણે વ્લાદિવસ્તોકને યુરેશિયા અને પેસિફિકનું સંગમ પણ ગણાવ્યું.
વડા પ્રધાને ઉમેર્યું, 'રશિયાનો લગભગ એક ચતુર્થાંશ ભાગ એશિયન છે અને ફાર ઇસ્ટ આ મહાન દેશની એશિયન ઓળખને મજબૂત કરે છે.'
તેમણે જણાવ્યું, '2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવાનો અમે જીવ લગાવી રહ્યા છે.'
આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ રશિયાના સુદૂર પૂર્વનો વિકાસ કરવા માટે 1 અબજ ડૉલરની 'લાઇન ઑફ ક્રૅડિટ'ની પણ જાહેરાત કરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

રાજ્યમાં આ વખતે સરેરાશ 100 ટકા વરસાદ પડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં દસ વર્ષના વરસાદની 100 ટકા સરેરાશને આ વર્ષે વટાવી દેવાઈ છે. આ વખતે રાજ્યમાં સરેરાશ 100 ટકા કરતાં વધારે વરસાદ થયો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતના હવામાનવિભાગના ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં સરેરાશ 100 ટકા વરસાદ પડ્યો છે.
તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આ વર્ષ અપવાદજનક સારું રહ્યું છે અને એક પણ જિલ્લો એવો નથી રહ્યો કે જ્યાં વરસાદની ઘટ જોવા મળી હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાનવિભાગ દ્વારા આગામી બે દિવસમાંસૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો છે.

કલમ 370 અનંત કાળ માટે ઘડાઈ જ નહોતી : શશી થરુર

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા સાંસદ અને કૉંગ્રેસના નેતા શશી થરુરે બુધવારે કહ્યું, "કૉંગ્રેસ અનુચ્છેદ 370ને અનંતકાળ સુધી અમલમાં રાખવાની તરફેણમાં નથી કારણ કે અનંત કાળ માટે તેની રચના જ થઈ નથી."
ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, "જે રીતે કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યો એ બંધારણની ભાવનાનું ઉલ્લંઘન હતું."
"નહેરુજીએ પણ કહ્યું હતું કે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી 370 રહેવી જોઈએ, હંમેશાં માટે નહીં. નેશનલ કૉન્ફરન્સ જેવા પક્ષો તેની તરફેણમાં કેમ નથી તે સમજાવવાની તેમને તક મળવી જોઈતી હતી."
"આપણે જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે એવું જ વર્તન કર્યું જેવું પાકિસ્તાન ગિલગિટ, બાલ્ટિસ્તાન કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર સાથે કરી રહ્યું છે."
તેમનું નવું પુસ્તક 'ધ હિન્દુ વે' પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે તેમણે કહ્યું કે અયોધ્યામાં રામમંદિર બાબતે ઊંડી શ્રદ્ધા સંકળાયેલી છે. "અન્ય ધર્મના ધાર્મિક સ્થળને દૂર કર્યા વિના આદર્શ રીતે ત્યાં એક મંદિર હોવું તો જોઈએ."

એવા નેતૃત્વની જરૂર જે નીડર થઈને પીએમ સાથે દલીલ કરી શકે - મુરલી મનોહર જોશી

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ મંગળવારે કહ્યું કે ભારતને એવા નેતાની જરૂર છે જે વડા પ્રધાન સામે નીડર થઈને વાત કરી શકે અને દલીલ કરી શકે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પક્ષની મર્યાદાથી બહાર નીકળીને ચર્ચા કરવાની પરંપરા લગભગ ખતમ થઈ ગઈ છે અને તેને ફરી શરૂ કરવી પડશે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ આ પહેલાં જુલાઈ મહિનામાં કૉંગ્રેસના નેતા જયપાલ રેડ્ડીના અવસાન બાદ તેમની શ્રદ્ધાંજલિ વખતે પણ આ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "મારું માનવું છે કે એવા નેતૃત્વની જરૂર છે જે બેબાક થઈને વડા પ્રધાન સાથે સિદ્ધાંતો આધારીત ચર્ચા કરી શકે, વડા પ્રધાન ખુશ થશે કે નારાજ એવી કોઈ પણ પરવાહ કર્યા વગર."

પાકિસ્તાન ખીણમાં ઘૂસણખોરી કરાવી રહ્યું છે- આર્મી

ઇમેજ સ્રોત, Getty Images
બે પાકિસ્તાની ઘૂસણખોરને પકડીને તેમની કબૂલાત અંગેનો એક વીડિયો બુધવારે ભારતીય સેનાએ એક પત્રકારપરિષદમાં દર્શાવ્યો.
આ પ્રસંગે 15 કૉર્પ્સના જનરલ ઑફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ જે. એસ. ઢિલ્લોને જણાવ્યું કે હતાશ પાકિસ્તાન ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઘૂસણખોરી કરાવી રહ્યું છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ શ્રીનગરમાં લૉ ઍન્ડ ઑર્ડરના એડિશનલ ડીજી મુનીર ખાન સાથે સંયુક્ત પરિષદમાં તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ 21 ઑગસ્ટના રોજ ગુલમર્ગના સૅક્ટર 21માંથી બે વ્યક્તિની ધરપકડ કરી છે, જેમણે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબા સાથે સંબંધ હોવાનું કબૂલ્યું છે.
સેનાએ કહ્યું કે 5 ઑગસ્ટ બાદ પાકિસ્તાને ઘણા પ્રયત્નો કર્યા છે અને 21 ઑગસ્ટે તેમનો આવો જ એક પ્રયત્ન નિષ્ફળ બનાવી દેવાયો.
આર્મીએ પકડાયેલી બંને વ્યક્તિની કબૂલાત અંગેનો વીડિયો પણ દર્શાવ્યો. વીડિયોમાં એકે પોતાનું નામ મોહમ્મદ નઝીમ જણાવ્યું છે અને બીજાએ મોહમ્મદ ખલીલ. તેઓ રાવલપિંડી, પાકિસ્તનના વતની છે.
આ ધરપકડ વિશે પાકિસ્તાનને જાણ કરી દેવામાં આવી છે.

ઈરાન પોતાની પરમાણુ સંધિઓ તોડવા સજ્જ

ઇમેજ સ્રોત, EPA
ઈરાન વિશ્વસત્તાઓ સાથે વર્ષ 2015માં કરાયેલી પરમાણુ સંધિની પ્રતિબદ્ધતા ઘટાડવા જઈ રહ્યું છે.
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે યુરેનિયમને સમૃદ્ધ કરવા માટે શુક્રવારથી સેન્ટ્રીફ્યુજ વિકસાવવાનું શરૂ કરાશે.
ગત વર્ષ અમેરિકાએ ઈરાન સાથેનો સંબંધિત કરાર તોડી તેના પર દંડનીય નિયંત્રણો લાદ્યાં હતાં.
તેના જવાબમાં ઈરાને જૂલાઈમાં અન્ય બે સમજૂતી રદ્દ કરી નાખી હતી.
ઈરાને 300 કિલો ગ્રામ શુદ્ધ યુરેનિયમના જથ્થાની મર્યાદા પણ વધારી દીધી છે.
નોંધનીય છે કે ઈરાન હંમેશાં કહેતું આવ્યું છે કે તેનો અણુકાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે જ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























