કૉંગો ફીવરથી ગુજરાતમાં ત્રણનાં મૃત્યુ, ડઝનબંધ લોકોની તબીબી દેખરેખ

ઇમેજ સ્રોત, District surveillance team/Bhavnagar
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
સુરેન્દ્રનગર તથા ભાવનગર જિલ્લામાં કૉંગો ફીવરની દેખાં બાદ સરકારી તંત્ર સક્રિય બન્યું છે.
પશુઓનાં કારણે ફેલાતાં આ રોગને નાથવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓ સક્રિય થયા છે.
તેમણે અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ટીમની સાથે વિશેષ અભિયાન નોંધાયું છે.
સુરેન્દ્રનગર (જામડી ગામ) તથા ભાવનગર (કમરેજ)માં પશુપલાન સાથે સંકળાયેલા ત્રણ પરિવારમાં કુલ ચાર પૉઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા આરોગ્ય પ્રધાન નીતિન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે 'કૉંગો ફીવર મુદ્દે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે, તથા તેમાં પશુપાલન વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે.'

સુરેન્દ્રનગરમાં કૉંગો સામે કવાયત

ઇમેજ સ્રોત, District surveillance team/Bhavnagar
સુરેન્દ્રનગરના લિંબડી તાલુકા હેઠળ આવતાં જામડી ગામમાં 130 ઘરોમાં લગભગ 700થી વધુ લોકો રહે છે.
તાજેતરમાં આ ગામની બે મહિલાઓનું કૉંગો ફીવરથી નિધન થયું છે.
અન્ય એક મહિલા કુંવરબહેન સિંધવને કૉંગો ફીવર હોવાનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિંધવ પરિવારનાં 21 સભ્યો જામડીમાં જ છે અને તેમનાં આરોગ્ય ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેનાં કારણે ગામમાં ભયનો માહોલ છે.
લિંબડીના મેડિકલ ઓફિસર જયમીન ઠાકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :
"આ તમામ લોકોને સતત ચકાસવામાં આવી રહ્યાં છે. તેમને તાવ ડાયેરિયા, ઊલટી કે ઍક્યૂટ બ્લડ ફ્લૉની ફરિયાદ ન થાય તેની તપાસ કરવામાં આવી રહી છે."
ઠાકર ઉમેરે છે કે હાલમાં તમામની તબિયત સામાન્ય છે.
જામડીના સૂકીબહેન કોળી પટેલ ગામમાં દાયણનું કામ કરતાં હતાં.
લીલુબહેનનાં પુત્રવધુ સગર્ભા હોવાથી 15મી ઑગસ્ટે તેમને ઘરે બોલાવેલાં. ત્યારબાદ તા. 20મી ઑગસ્ટે લીલુબહેન તથા સૂકીબહેનનું અવસાન થયું હતું.
આ બંને પરિવાર પશુપાલન સાથે સાથે સંકળાયેલો છે.

ગામ ન છોડવા આગ્રહ

ઇમેજ સ્રોત, Surendranagar Collector office
ડૉ. ઠાકરના કહેવા પ્રમાણે, બંને પરિવાર પશુપાલન સાથે સંકળાયેલાં છે, એટલે અહીં ક્યાંકથી તાવ આગળ વધ્યો હશે એવું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે.
CCHF (ક્રિમિયન- કૉંગો હેમરેજિક ફીવર) વાઇરસની 15 દિવસ સુધી અસર થઈ શકે છે.
આથી, તંત્ર દ્રારા જામડીનાં નિવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તે ગામની બહાર ન જાય અને બહારના લોકોની સાથે સંપર્કમાં ન આવે.

ઇમેજ સ્રોત, Getty Images
સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે. રાજેશના કહેવા પ્રમાણે:
"કૉંગો ફીવર વકરે નહીં તે માટે તંત્ર દ્વારા શક્ય તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે."
"ચાર લોકોને તાવ આવતો હતો, જેમાંથી બેનાં મૃત્યુ થયાં છે, એક સારવાર હેઠળ છે, જ્યારે અન્ય એકનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે."
"મૃત્યુ પામનારાંઓની સારવાર કરનાર તબીબોનાં CCHF રિપોર્ટ નૅગેટિવ આવ્યાં છે."
તંત્ર દ્વારા ગામમાં છ તબીબી ટીમો તહેનાત કરવામાં આવી છે અને સઘન રીતે તપાસ કરવામાં આવી રહી છે.

ભાવનગરમાં પણ ભણકાર

ઇમેજ સ્રોત, Getty Images
ભાવનગર જિલ્લાના કમરેજ ગામ ખાતે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.
ત્યારબાદ પરિવારના 25 સભ્યોને જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
ડિસ્ટ્રિક્ટ સર્વેઇલન્સ ઓફિસર પરવેઝ પઠાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું :
"આ પરિવાર પાસે છ પશુઓ છે, જેનાં કારણે ત્યાંથી તાવ આવ્યો હોય, તેવો અમારો પ્રાથમિક અંદાજ છે."
યુનાઇટેડ ન્યૂઝ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, અમુબહેનનું સરકારી હૉસ્પિટલમાં અવસાન થયું હતું અને તેમને કૉંગો ફીવર હોવાનું પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજીના રિપોર્ટમાં બહાર આવ્યું છે.
ભાવનગરના ડિસ્ટ્રિક ડેવલપમૅન્ટ ઓફિસર વરુણ બરનવાલના કહેવા પ્રમાણે, "મૃતકે તા. 17મી ઑગસ્ટે તાવની ફરિયાદ કરી હતી."
"જેના કારણે પહેલાં ગામમાં અને પછી વરતેજ ખાતે તેમણે સારવાર લીધી હતી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























