You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધી લાલ કિલ્લા પરથી બોલ્યા, 'આ મોદી નહીં, અદાણી-અંબાણીની સરકાર'
શનિવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પર 'ભારત જોડો યાત્રા' પહોંચી તો રાહુલ ગાંધી સાથે મંચ પર દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા કલાકાર અને નેતા કમલ હાસન અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ હતા.
લાલ કિલ્લા પરથી લોકોને સંબોધતાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કઠેડામાં મૂકી અને આકરા પ્રહારો કર્યા. તેમણ 'નફરતના રાજકારણ' અને ચીનનો મુદ્દો પણ ઉઠાવ્યો.
આ પહેલાં દિલ્હીમાં યાત્રાના પ્રવેશ વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમની યાત્રા 'સાચા હિંદુસ્તાન'ના દર્શન કરાવી રહી છે.
તેમણે કહ્યું, "આ યાત્રામાં નફરત નથી. કોઈ પડી જાય તો સૌકોઈ એની મદદ કરે છે. સાચું હિંદુસ્તાન આ છે, ભાજપ અને આરએસએસનું નફરતથી ભરેલું હિંદુસ્તાન નહીં." તેમણે યાત્રામાં જોડાવા બદલ 'લાખો લોકોનો' આભાર પણ વ્યક્ત કર્યો.
રાહુલ ગાંધીએ શું કહ્યું? ભાષણના અંશો
- મીડિયામાં હવે હિંદુ-મુસ્લિમ, હિંદુ-મુસ્લિમ બતાવાઈ રહ્યું છે. એના થકી નફરત ફેલાવાઇ રહી છે. જોકે, આમાં વાંક મીડિયાવાળાઓનો નહીં પણ એમની પાછળ એમના જે માલિક છે, એમની તાકાત છે.
- હું 2800 કિલોમીટરના પ્રવાસ દરમિયાન લાખો લોકોને મળ્યો છું. લોકો એકબીજાને પ્રેમ કરે છે, નફરત નથી કરતા પણ મીડિયાવાળા એ બતાવતા નથી.
- હકીકત એ છે કે 24 કલાક મીડિયામાં નફરતના સમાચારો બતાવાય છે અને લોકોનું ધ્યાન ભટકાવીને જનતાના પૈસાથી એમના માલિકોનાં ખિસ્સા ભરાય છે. એ સૌ જાણે છે કે આ નરેન્દ્ર મોદીની સરકાર નથી, અદાણી-અંબાણીની સરકાર છે.
- જીએસટી એક પૉલિસી નથી પણ નાના વેપારીઓને મારવાનું હથિયાર છે. આવું કરવાથી થયું એવું કે યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. રમત સમજો. જીએસટી રોજગાર આપનારાઓ પર લગાવ્યો અને એમની કમર તોડી નાખી. હવે તેઓ કઈ રીતે યુવાનોને રોજગાર આપી શકે?
- ભાજપે ધર્મની વાત કરી છે તો હું હિંદુ ધર્મની વાત કરું છું. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે ગરીબ લોકોને કચડી નાખવા જોઈએ, કમજોરોને મારવા જોઈએ? મેં ગીતા વાંચી છે અને ઉપનિષદો પણ વાંચ્યા છે પણ આવું તો મેં ક્યાંય વાંચ્યું નથી.
- અદાણી-અંબાણી તરફ ઇશારો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન પર પણ લગામ લાગેલી છે.એ સમજવું જરૂરી છે કે બંદરો તેમનાં (અદાણી-અંબાણી), કંપનીઓ એમની, ફોન એમના પણ આપણી પાસે સચ્ચાઈ છે.
- ભાજપે મારી છબી ખરાબ કરવાનો પૂરો પ્રયાસ કર્યો. હું રાજકારણમાં આવ્યો હતો ત્યારે મીડિયાવાળા મારી પ્રશંસા કરતા હતા. પછી હું ભટ્ટા પરસોલ ગયો અને મેં ખેડૂતોની જમીનોનો મામલ ઉઠાવ્યો. એ બાદ તેઓ મારી પાછળ પડી ગયા
- વડા પ્રધાન અને ભાજપે હજારો-કરોડો રૂપિયા લગાવી દીધા મારી છબી બગાડવા માટે.
- હું શાંત રહ્યો. મેં કહ્યું કે જોઉં છું કેટલો દમ છે. એ પછી એક મહિનામાં સચ્ચાઈ બતાવી દીધી.
યુપીની મથુરા કોર્ટનો કૃષ્ણ જન્મભૂમિની શાહી ઈદગાહ સાઈટના સર્વેનો આદેશ
બીબીસી સંવાદદાતા સુચિત્ર મોહંતી અનુસાર, ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદના મામલામાં મથુરાની જિલ્લા અદાલતે અરજદારો પૈકી ‘હિન્દુ સેના’ની માંગણી મુજબ વિવાદિત સ્થળના સર્વેનો આદેશ આપ્યો છે.
મથુરા કોર્ટે તેમના આદેશમાં (બીબીસી પાસે આદેશની નકલ છે), હિંદુ સેના દ્વારા દાખલ કરાયેલા દાવામાં વિવાદિત જમીનનું સર્વેક્ષણ કરવા કોર્ટ ઑથોરિટીને નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે નકશા સહિતનો રિપોર્ટ 20 જાન્યુઆરી, 2023 સુધીમાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.આ આદેશ 'હિંદુ સેના' દ્વારા દાખલ કરાયેલા દાવા પર આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે વારાણસીમાં જ્ઞાનવાપી કેસમાં પણ આવો જ આદેશ આપ્યો હતો અને ઉત્તર પ્રદેશની મથુરા કોર્ટનો આ આદેશ એ જ તર્જ પર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મથુરાનાં સિવિલ જજ સોનિકા વર્માએ વચગાળાનો આદેશ પસાર કર્યો અને અરજદારોમાંના એક હિંદુ સેનાની માગણી મુજબ વિવાદિત સ્થળના સર્વેનો નિર્દેશ આપ્યો.
મથુરા સિવિલ જજ હિંદુ સેના દ્વારા શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગ કરતી અરજીની સુનાવણી કરી રહ્યાં હતાં,અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદને 13.37 એકરની જમીનમાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનાવવામાં આવી હતી.
હિંદુ પક્ષે વિવાદિત સ્થળના સર્વેક્ષણની માંગણી કરી હતી અને દાવો કર્યો હતો કે મસ્જિદમાં મંદિરનાં ચિહ્નો વિકૃત અથવા દૂર કરવામાં આવ્યાં છે.
શનિવારે, મથુરા કોર્ટે વિવાદિત સ્થળના સર્વેક્ષણ અને નકશા સાથે સર્વે રિપોર્ટ કોર્ટમાં 20 જાન્યુઆરી, 2023 સુધીમાં દાખલ કરવાનો આદેશ પસાર કર્યો હતો.
વિવાદ શું છે?
9 મેના રોજ, મથુરા કોર્ટમાં શાહી ઈદગાહ મસ્જિદમાં સર્વે કરવા માટે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જે કથિત રીતે 1669-70માં મોઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પાસે આવેલા કટરા કેશવદેવ મંદિરના 13.37 એકરના પરિસરમાં બનાવવામાં આવી હતી.
અરજદાર કોર્ટ કમિશનર તરીકે વરિષ્ઠ વકીલની નિયુક્તિની માંગ કરી રહ્યા હતા, જે જઈને જમીનનો સ્ટોક લઈ શકે અને વિવાદિત સ્થળ પર હાજર હિંદુ પ્રતીકોની તપાસ કરી શકે.
ટીવી અભિનેત્રી તુનિષા શર્માનો આપઘાત
થાણા જિલ્લાના વાલીવ પોલીસના સિનિયર ઇન્સપેક્ટરકૈલાસ બાર્વેએ બીબીસીને જણાવ્યું કે તુનિષા શર્માના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે.
ઇન્સપેક્ટરે જણાવ્યું કે સાંજે લગભગ 4 વાગ્યે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં, જ્યાં 4:20એ એમને મૃત જાહેર કરવામાં આવ્યાં.
તેમના જણાવ્યા અનુસાર શૂટિંગ દરમિયાન વિરામ વખતે તુનિષા પોતાના મેકઅપ રૂમમાં જતા રહ્યાં હતાં અને નક્કી કરાયેલા સમય બાદ પણ શૂટિંગ પર પહોંચ્યાં નહોતાં.
તેમણે કહ્યું, "એ બાદ કેટલાક લોકો જ્યારે તેમને જોવા ગયા તો અવાજ કરવા છતાં તેમણે દરવાજો નહોતો ખોલ્યો. એ બાદ જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તેઓ ફાંસી ખાધેલા જોવા મળ્યાં. એ બાદ લોકો તેમને તત્કાલ હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં."
તુનિષાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2015માં ટીવી સિરિયલ'ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ'થી કરી હતી.
એ બાદ તેમણે 'ચક્રવર્તી અશોક સમ્રાટ' સિરિયલમાં પણ કામ કર્યું, 'ઇશ્ક સુભાનઅલ્લાહ', 'ઇન્ટરનેટવાલા લવ' જેવાં સિરિયલોમાં પણ કામ કર્યું.
2016માં તેમણે ફિલ્મ 'ફિતૂર'થી બોલિવૂડ કૅરિયરની શરૂઆત કરી હતી.