You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના ભાજપના સંસદસભ્યને ગુજરાત હાઈકોર્ટનું સમન, ઉમેદવારીને કોર્ટમાં પડકારાઈ- ન્યૂઝ અપડેટ
સુરતની બેઠકના ભાજપના ઉમેદવારની બિનહરીફ ચૂંટણીને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે, જેના પગલે અદાલતે ભાજપના સંસદસભ્ય મુકેશ દલાલને નોટિસ કાઢી છે અને નવમી ઑગસ્ટ સુધી જવાબ આપવા જણાવ્યું છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ જેસી દોશી સમક્ષ તા. 25 જુલાઈએ આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી.
સુરત સંસદીય મતવિસ્તારના ચાર કૉંગ્રેસી કાર્યકરોએ બે અરજી દાખલ કરીને રિટર્નિંગ ઑફિસરના ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકાર્યો છે.
અરજદારોનું કહેવું છે કે સહીની ખરાઈ કરવાનું કામ કલેક્ટરનું નથી. કૉંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે એટલે તેની પાસે ઉમેદવારોના પ્રસ્તાવક તરીકે સહી કરે તેવા લોકોનો તોટો નથી.
ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરનારા કૉંગ્રેસના નેતા કલ્પેશ બારોટે બીબીસીનાં સહયોગી શીતલ પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું, "ભાજપે 'શામ-દામ-દંડ અને ભેદ'થી સુરતની બેઠક જીતી હતી. ભાજપે કાવતરું કરીને લાખો મતદારોને મતદાનથી વંચિત રાખ્યા હતા. અમે ભાજપના નેતાઓની સામે કાયદાકીય લડાઈ લડીશું. અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર અમારી તરફેણમાં ચુકાદો આપશે."
શીતલ પટેલ સાથે વાત કરતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલના સભ્ય ઍડ્વૉકેટ ઝમીર શેખે જણાવ્યું, "ગુજરાત હાઈકોર્ટમાં બે પિટિશન દાખલ કરવામાં આવી છે. એક પિટિશન કૉંગ્રેસના હોદ્દેદારો કમલેશ બારોટ, ફિરોઝ મલેક તથા અશોક પીપરે દ્વારા કરવામાં આવી છે. જ્યારે બીજી અરજી હિતેશ સોસા દ્વારા કરવામાં આવી છે."
મુકેશ દલાલે પટેલ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું, "હજુ સુધી મને કોઈ સમન્સ મળ્યું નથી. મને મીડિયા તરફથી જ આ માહિતી મળી છે. જો સમન્સ આવે, તો અમે જવાબ આપવા તૈયાર છીએ. પાર્ટી જેમ માર્ગદર્શન આપશે તેમ ઍડ્વોકૅટ રોકીને કાયદાકીય રીતે આગળ વધીશું."
ઉલ્લેખનીય છે કે તા. 22મી એપ્રિલે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે રિટર્નિંગ ઑફિસેરે કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કર્યું હતું. કુંભાણીના નામનો પ્રસ્તાવ મૂકનારાઓનું કહેવું હતું કે તેમની સહી ખોટી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પછી અન્ય પક્ષના તથા અપક્ષ ઉમેદવાર ખસી ગયા હતા, જેના કારણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ એ જ દિવસે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
તા. સાતમી મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 26માંથી 25 બેઠક મળી હતી અને સતત ત્રીજી વખત તમામે તમામ બેઠક જીતવાનો રેકૉર્ડ બનાવતા ચૂકી ગયો હતો.
શ્રીલંકા સામે ભારતે ટી-20 શ્રેણી જીતી
રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 મૅચ રમાઈ હતી, જેમાં ભારતનો સાત વિકેટે વિજય થયો છે. યજમાન દેશ શ્રીલંકાએ પહેલાં બેટિંગ કરી હતી અને ભારતને 162 રનનો ટાર્ગૅટ આપ્યો હતો.
આ પછી ડકવર્થ લુઇસ નિયમ (ડીએલએસ) મુજબ, ભારતે વિજય મેળવવા માટે આઠ ઓવરમાં 78 રન કરવાના હતા, જે ત્રણ વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા.
ભારતના ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસવાલે સૌથી વધુ 30 રન બનાવ્યા, જ્યારે કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 12 બૉલમાં 26 રનની ઇનિંગ રમી હતી.
શ્રીલંકા તરફથી કુસલ પરેરાએ સૌથી વધુ 53 રન ફટકાર્યા. આ સિવાય પથુમ નિસંકાએ 32 તથા કમિંદુ મેંડિસે 26 રનની નોંધપાત્ર ઇનિંગ રમી હતી. ભારત તરફથી રવિ બિશ્નોઈએ ત્રણ વિકેટ ખેરવી હતી.
ભારતે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ તેની ઇનિંગની મક્કમ શરૂઆત કરી હતી, પરંતુ એ પછી નિયમિત રીતે વિકેટો પડતી રહી હતી.
ભારતીય ટીમ શ્રીલંકામાં ત્રણ ટી-20 અને ત્રણ એક-દિવસીય મૅચની શ્રેણી રમવા પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે પહેલી મૅચમાં ભારતે યજમાન દેશને 43 રને પરાજય આપ્યો હતો. આમ 2-0થી શ્રેણી જીતી લીધી છે.
હિઝબુલ્લાહે કિંમત ચૂકવવી પડશે - ઇઝરાયલ
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમનો અમેરિકાનો પ્રવાસ અધૂરો મૂકીને સ્વદેશ પરત ફર્યા છે. ઇઝરાયલમાં તેમણે સુરક્ષા સંબંધિત કૅબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં લેબનનસ્થિત ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે નેતન્યાહૂ તથા સંરક્ષણમંત્રી યેઆવ ગૅલેંટને અધિકૃત કરવામાં આવ્યા હતા.
દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકનનું કહેવું છે કે ગોલાન હાઇટ્સ પર જે રૉકેટ છોડવામાં આવ્યાં હતાં, તે હિઝબુલ્લાહ દ્વારા જ છોડવામાં આવ્યાં હોવાના પૂરતા પુરાવા છે.
શનિવારે ગોલાન હાઇટ્સ પરના એક ફૂટબૉલ મેદાન પર રૉકેટ છોડવામાં આવ્યાં હતાં, જેમાં 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને મોટાં ભાગનાં બાળક હતાં.
આ ઘટના બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે હિઝબુલ્લાહે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. આ પછીની અમુક કલાકોમાં ઇઝારાયલની સેનાએ લેબનન પર હુમલા કર્યા હતા.
ગત ઑક્ટોબર મહિનામાં હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો એ પછી ઇઝરાયલે ગાઝામાં સૈન્ય અભિયાન હાથ ધર્યું છે અને ત્યારથી જ ઇઝરાયલ સાથે પણ તણાવ પ્રવર્તમાન છે.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધના મંડાણ થવાનાં એંધાણ છે તથા જો તે પૂર્ણ સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરશે તો મધ્યપૂર્વ એશિયામાં વ્યાપક અશાંતિ ફેલાવાની આશંકા છે.