ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે કેટલું વળતર આપશે સરકાર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્યમાં 26 અને 27 નોવેમ્બરે જબરદસ્ત કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે રાજ્યના ખેડૂતોએ કરેલી વાવણીને ભારે નુકસાન થયું હતું.
ગુજરાતમાં 24 લોકોના વીજળીથી મૃત્યુ થયાં હતા, અમુક જગ્યાએ પશુએ જીવ ગુમાવ્યો અને ખેડૂતોનો પાક પણ નાશ પામ્યો હતો. કેટલીક જગ્યાએ પશુપાલકોએ દાવો કર્યો કે તેમનાં પશુઓ માટે મૂકેલો ઘાસચારો પણ પલળી ગયો હતો.
પાછલા કેટલાક દિવસથી રાજ્યના સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાત પંથકમાં ઘણાં સ્થળે કમોસમી વરસાદે આફત સર્જી હતી. જેના કારણે ‘ખેડૂતો ખૂબ પરેશાન’ છે.
આ વિસ્તારના ખેડૂતો માટે ઘણા પાકની લણણી કરવાનું પણ ‘અશક્ય થઈ પડ્યું’ છે.
દક્ષિણ ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ સર્જાતાં ‘ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પણ પાણી ફરી વળ્યું’ છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ‘ભારે નુકસાન થયા’ની ફરિયાદ કરી રહ્યા છે.
કમોસમી માવઠાંને પગલે ખેડૂતને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તેથી ભોગ બનનારા પશુપાલકો અને ખેડૂતોએ માગ કરી હતી કે તેમને થયેલા નુકસાનીનો સરવે કરવામાં આવે અને તેમને સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવે.
આ નુકસાનને જોતાં, ગુજરાત સરકારે ખેડૂતોને વળતર આપવા સરવે કરવાનું શરૂ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરવે અને વળતર અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે માહિતી આપી હતી.
સરકાર સરવે ક્યારથી શરૂ કરશે અને વળતર ક્યારે મળશે?

ઇમેજ સ્રોત, FARUKH KADRI
ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે, "રાજ્ય સરકારે 27 નવેમ્બર, મંગળવારે, ગુજરાતમાં રવિવાર અને સોમવારે પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરવાની એક ઝુંબેશ શરૂ કરી છે."
તેમણે જણાવ્યું હતું કે લગભગ 20 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, એરંડા અને તુવેર જેવા લાંબા ગાળાના ખરીફ પાકને કમોસમી વરસાદથી અસર થઈ શકે છે.
"નુકસાનનો સરવે મંગળવારથી શરૂ થઈ ગયો છે અને અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે."
નુકસાની સામે કેટલું વળતર મળશે તે અંગે તેમણે જણાવ્યું હતું કે "સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડનાં ધોરણો મુજબ, જો ખેડૂતોના પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂત દીઠ બે હેક્ટરની ઉપલી મર્યાદા સાથે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 6,800 નું વળતર ચૂકવશે."
તેમણે ઉમેર્યું કે, "છેલ્લાં નવ વર્ષોમાં, રાજ્યની ભાજપ સરકાર દ્વારા 10,700 કરોડ રૂપિયા કુદરતી આફતોથી થયેલા નુકસાન સામે વળતર તરીકે ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે."
વરસાદની પાક પર કેટલી અસર થઈ છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, "ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં 236 તાલુકાઓમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. 236 તાલુકાઓમાંથી 34 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ નોંધાયો છે."
તેઓ વધુમાં જણાવે છે, "2023ની ખરીફ સિઝનમાં, ખરીફ પાકની વાવણી 86 લાખ હેક્ટરમાં નોંધાઈ હતી. કપાસ, એરંડા અને તુવેર સિવાયના બીજા બધા પાકોની કાપણી પૂર્ણ થઈ ગઈ હતી."
માત્ર કપાસ, તુવેર અને એરંડા એ ઊભા પાક છે જેની લણણી બાકી હતી.
"ગુજરાતમાં હાલ કપાસ, એરંડા અને તુવેરની વાવણી 25 લાખ હેક્ટર, 7 લાખ હેક્ટર અને 2 લાખ હેક્ટર નોંધાઈ છે. "
"કપાસનો પાક10 થી 15 લાખ હેક્ટરના અંદાજિત વિસ્તારમાં ઊભો છે અને પ્રથમ બે તબક્કામાં લણણી થઈ ચૂકી હતી. માત્ર છેલ્લી લણણી બાકી છે અને તેથી, તેમાં થોડું નુકસાન થવાની સંભાવના છે."
તેમનું કહેવું છે કે એરંડાની વાવણી લગભગ 7 લાખ હેક્ટરમાં નોંધાઈ હતી અને લણણી લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
તુવેરનું વાવેતર આશરે બે લાખ હેક્ટરમાં થયું હતું અને પાકમાં ફૂલ અને સીંગ બેસવાનો સમય છે. થોડા દિવસોથી પડતા ભીના હવામાન અને વાદળછાયા વાતાવરણને કારણે, છોડના ફૂલો અને શીંગો ખરી જવાની સંભાવના છે. તેથી તેની ઊપજની ગુણવત્તાને પણ અસર થઈ શકે છે.
એ ત્રણ ઊભા પાક જેને કુલ 3થી 4 લાખ હેક્ટરમાં નુકસાન થવાની આશંકા

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
જોકે, કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી રવિ સિઝનની વાત છે, ગુજરાતમાં 40થી 45 લાખ હેક્ટરમાં વાવણી થાય છે. રવિ પાકની વાવણી હજી શરૂ જ થઈ છે અથવા ચાલુ છે તેવા કિસ્સામાં કોઈ મોટા નુકસાનની આશંકા નથી.
તેમણે ઉમેર્યું કે, "આ વર્ષે, લગભગ 15થી 16 લાખ હેક્ટરમાં રવિ પાકની વાવણી નોંધવામાં આવી છે. ઘઉં, ચણા, સરસવ, શેરડી, ધાણા, જીરું, વરિયાળી, બટાટા અને શાકભાજી જેવા પાકો અંકુરણના તબક્કે અથવા વૃદ્ધિના પ્રાથમિક તબક્કામાં છે. તેથી, તેમને નુકસાન થવાની શક્યતા ઓછી છે."






















