ગુજરાત: એ કારણો જેને લીધે 15 દિવસમાં જ ડુંગળીના ભાવ 60 ટકા વધી ગયા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
“વાતાવરણમાં વારંવાર પલટો આવ્યા કરે છે. જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે વરસાદ પડતો નથી. તેના કારણે ખેડૂતોને પાકમાં બહુ નુકસાન વેઠવું પડે છે. આ વર્ષે ઓછા ઉત્પાદન પાછળ વરસાદની અનિયમિતતા જવાબદાર છે.”
અમદાવાદની જમાલપુર એપીએમસીના સેક્રેટરી સંજય પટેલના આ શબ્દો છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડુંગળીના ભાવમાં છેલ્લા 15 દિવસથી થઈ રહેલા સતત વધારાને કારણે ડુંગળીના ભાવ બમણા કરતાં પણ વધુ થઈ ગયા છે. હજુ પણ આ ભાવ સતત વધશે તેવી ભીતી સેવાઈ રહી છે.
ખેડૂતો અને શાકભાજીના વેપારીઓ સહિત ગ્રાહકોમાં ડુંગળીના ભાવમાં ઓચિંતા વધારો કેમ થયો તેની ચર્ચા છે.
સામાન્ય રીતે નવો ખરીફ પાક આવે તે પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થતો હોય છે.
પરંતુ ગ્રાહક સુરક્ષા મંત્રાલયના આંકડાઓ અનુસાર ગત વર્ષની સરખામણીએ ઑક્ટોબરના સમયગાળામાં ડુંગળીના ભાવ સરેરાશ 10 રૂપિયા વધુ છે. કેટલાંક રાજ્યોમાં ગત વર્ષની સરખામણીએ આ સરેરાશ ત્રણ ગણા થવામાં છે.
ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 26 ઑક્ટોબરે 3,112 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે જે ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં 2,506 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
ભાવમાં થયેલો વધારો

ઇમેજ સ્રોત, Getty Images
ડુંગળીના ભાવ ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વધારો થયો છે. કારણ કે ડુંગળી માટે દેશના મોટાભાગનાં રાજ્યો એકબીજા પર નિર્ભર છે. ગુજરાત મહારાષ્ટ્ર પર તો મહારાષ્ટ્ર ઘણેખરે અંશે દક્ષિણ ભારતનાં રાજ્યો પર નિર્ભર છે, જ્યાં છેલ્લા બે વર્ષથી સતત ખેડૂતોને ડુંગળીના પાકમાં નુકસાન જઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ધી ઇકોનોમિક ટાઇમ્સ'ના એક રિપોર્ટ પ્રમાણે એક કિલો ડુંગળીનો ભાવ દિલ્હી અને મહારાષ્ટ્રમાં 50ને પાર પહોંચી ચૂક્યો છે. જે હજુ દસેક દિવસ પહેલાં જ 25 રૂપિયા પ્રતિ કિલો હતો.
અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો મહત્તમ જથ્થાબંધ ભાવ (પ્રતિ ક્વિન્ટલ) 28 ઑક્ટોબરના દિવસે 6 હજાર સુધી પહોંચી ગયો છે. હજુ એક મહિના પહેલાં આ ભાવ 2,700 રૂપિયા હતો. એટલે કે છૂટક ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર છે.
ડીસા એપીએમસીની વાત કરીએ તો આજનો જથ્થાબંધ મહત્તમ ભાવ (પ્રતિ મણ) 1,300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે છૂટક બજારમાં ઓછામાં ઓછા 60થી 65 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચાય છે. હજુ મહિના પહેલાં જ આ ભાવ 25 રૂપિયે કિલો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડમાં જે ડુંગળીનો ભાવ ગયા મહિને મહત્તમ 20થી 22 રૂપિયા પ્રતિ કિલો હતો એ આજે 46 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. છૂટક ભાવ તો તેનાથી પણ વધુ છે.
આમ, ડુંગળીના ભાવમાં છેલ્લા 15 દિવસોમાં ઓછામાં ઓછો બમણો વધારો અને સરેરાશ 60 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે અને તે સતત વધી રહ્યો છે.
મહારાષ્ટ્રથી થતી ડુંગળીની આવકની શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહારાષ્ટ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં મોખરે આવતું રાજ્ય છે. નાસિક જેવા અનેક વિસ્તારોમાંથી ડુંગળીનો ખરીફ અને રવિ પાક ગુજરાતમાં આવે છે.
અમદાવાદની જમાલપુર એપીએમસીના સેક્રેટરી સંજય પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “આ ભાવવધારો 15થી 17 દિવસમાં જ થયેલો છે. ડુંગળીની આવક ઘટીને લગભગ અડધી થઈ ગઈ છે. એ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ચોમાસાને અંતે ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે. હજુ ગયા મહિને જ ત્યાંથી 8 હજાર ક્વિન્ટલ જેટલો ડુંગળીનો માલ આવતો હતો તે ઘટીને 4 હજાર ક્વિન્ટલ થઈ ગયો છે.”
ગોંડલ એપીએમસીના સેક્રેટરી તરૂણભાઈ આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “છેલ્લા અઠવાડિયાથી જ ડુંગળીમાં આ ભાવ વધ્યો છે. નાસિક કે મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી ડુંગળીની જે આવક થવી જોઇએ તે થઈ રહી નથી. સૌરાષ્ટ્રમાં ઓછા પાણીને લીધે ક્યાંક વાવેતર પણ ઓછું થયું છે. સામાન્ય રીતે આ સમયગાળામાં ડુંગળીની આવક વધારે થતી હોય છે પરંતુ આ વખતે એવું નથી.”
બનાસકાંઠામાં ડુંગળીના વેચાણ સાથે સંકળાયેલા જિગ્નેશ કુમારનું કહેવું છે કે, “ છેલ્લા દસ દિવસમાં ભાવ બમણો થઈ ગયો છે. નાસિક અને મહારાષ્ટ્રમાંથી આવતી ડુંગળી પર પણ આપણો આધાર છે, વરસાદ પર પણ આપણો આધાર છે એટલે ભાવમાં વધઘટ થતી રહે છે.”
ગુજરાતમાં અનિયમિત વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખૂબ અનિયમિત રહ્યો છે. ચોમાસા પહેલાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં પહેલેથી જ વ્યાપક વરસાદ પડ્યો હતો.
ત્યારબાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં પહેલા મહિનામાં જ ભારે વરસાદ પડ્યો હતો. પરંતુ તે પછીના દોઢ મહિનામાં નહીંવત્ વરસાદ વરસ્ચો હતો.
ચોમાસા પહેલાં પણ ગુજરાતમાં સમગ્ર ઊનાળાની ઋતુ દરમિયાન કમોસમી માવઠાં સતત ચાલુ રહ્યાં હતાં.
પ્રતિકૂળ હવામાનને લીધે ડુંગળીના પાક સહિત અનેક શાકભાજીને આ વર્ષે વ્યાપક નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રમાં ડુંગળીના સૌથી મોટા વેચાણ કેન્દ્ર ગણાતા મહુવા માર્કેટ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણી જણાવે છે, “ગત મહિના સાથે સરખામણી કરીએ તો ડુંગળીનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે. તેના પાછળનું મુખ્ય કારણ ડુંગળીની ઓછી આવક છે. અત્યારે સૌરાષ્ટ્રમાં જે મોટાભાગની ડુંગળી આવે છે તે પહેલેથી, એટલે કે ચાર-પાંચ મહિના અગાઉથી સંગ્રહ થયેલી હોય છે. આ સ્ટૉક ખૂટી જવા આવ્યો છે જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હજી નવી ડુંગળી આવતા બે મહિના જેટલો સમય લાગશે.”
તેમનું કહેવું છે કે, “હકીકત તો એવી છે કે જ્યારે આટલો ભાવ વધ્યો ત્યારે ખેડૂતોને હવે થોડોઘણો ભાવ મળશે કે ફાયદો થશે. છેલ્લાં 3 વર્ષથી ખેડૂતોએ આ નુકસાની વેઠવી પડે છે. સારી સિઝનમાં પણ ખેડૂતોને 3 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચી દેવી પડતી હતી. આ એકાદ મહિનો તેમને થોડો ફાયદો થાય છે.”
ભાવનગર શહેરમાં ડુંગળીનું વેચાણ કરતા નાનુભાઈ કહે છે કે, “અત્યારે ડુંગળી 60 રૂપિયે કિલો સુધી વેચાઈ રહી છે જે હજુ થોડા દિવસો પહેલા જ 35 રૂપિયે કિલો વેચાતી હતી. છેલ્લે વરસાદ ખેંચાયો તેની અસર ડુંગળી પર જોવા મળી છે. પહેલા વરસાદ જોરદાર આવ્યો અને પછી લગભગ દોઢ-બે મહિના સુધી આવ્યો જ નહીં. અમુક જગ્યાએ પાક તૈયાર થઈ જાય તેના પછી વરસાદ આવ્યો જેના કારણે તૈયાર પાક પણ બગડ્યો જેના કારણે ભાવ વધી ગયો છે. દિવાળી સુધી ભાવ ઊંચો રહે તેવી સંભાવના છે.”
ડીસામાં શાકભાજીના વેચાણ અને અને ઉત્પાદન બંને સાથે સંકળાયેલા રૂપાજી માળી કહે છે, “હજુ 15 દિવસ પહેલાં 25 રૂપિયે કિલો વેચાતી ડુંગળી અત્યારે 55 રૂપિયે કિલો સુધી વેચાઈ રહી છે. આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે ભાવ વધી ગયો છે. અનિયમિત વરસાદને કારણે ઘણા લોકોને ડુંગળીનો પાક આ વર્ષો સારો નથી થયો. જે ખેડૂતો 25 ટન ડુંગળી પકવતા હતા તેમને ત્યાં આ વર્ષે 10 ટન જેટલી જ ડુંગળી પાકી છે. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા પછી પણ આવેલા ભારે વરસાદે મોટું નુકસાન પહોંચાડ્યું છે. ધીમેધીમે નવી ડુંગળી આવશે એટલે આ ભાવવધારો ઓછો થશે.”
સરકારે શું પગલાં ભર્યાં?
પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે ડુંગળીના ભાવ વધશે તેવી ભીતીમાં સરકારે જ ઑગસ્ટ મહિનામાં જ ડુંગળીની નિકાસ પર 40 ટકા જેટલી ડ્યૂટી લગાવી દીધી હતી. જેથી સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ પર નિયંત્રણ મૂકી શકાય. સરકારના આદેશ પ્રમાણે આ ડ્યૂટી 31 ઑક્ટોબર સુધી ચાલુ રહેશે.
જ્યાં સુધી ઑક્ટોબરમાં નવો પાક ન આવે ત્યાં સુધી સરકારે ઑગસ્ટ મહિનામાં તત્કાલ પ્રભાવથી જ ડુંગળીના બફર સ્ટૉકને અમુક વિસ્તારોમાં ઠાલવવાનું કહ્યું હતું. એ અંતર્ગત 1.7 લાખ ટન ડુંગળીનો બફર સ્ટૉક સરકારે મુક્ત કર્યો હતો, પરંતુ ઑક્ટોબરમાં અપેક્ષિત નવો પાક આવતા હજુ દોઢથી બે મહિના લાગશે તેવી સંભાવના છે.
ગ્રાહક સુરક્ષા બાબતોના સેક્રેટરી રોહિતકુમારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “સરકારે ડુંગળીનો બફર સ્ટોક ઑગસ્ટ મહિનાથી જ બજારમાં આપવાનું ચાલુ કરી દીધું હતું. એ સિવાય પણ ડુંગળીના છૂટક ભાવમાં નિયંત્રણ આવે અને ગ્રાહકોને રાહત મળી રહે તેના માટે સરકાર ઝડપથી પગલાં લઈ રહી છે.”
ડુંગળીનો પાક ક્યારે લેવાય છે?

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં ડુંગળીની મોટાભાગની આવક રવિ પાક પર નિર્ભર છે. ભારતમાં 65 ટકા ડુંગળીનું ઉત્પાદન રવિ પાક પર જ આધારિત છે.
રવિ પાકની લણણી સામાન્ય રીતે એપ્રિલથી જૂનના સમયગાળામાં થાય છે. આ સમય દરમિયાન આવતી ડુંગળી જ્યાં સુધી નવો ખરીફ પાક ન આવે ત્યાં સુધી લોકોની જરૂરિયાત સંતોષે છે.
ડુંગળીના ખરીફ પાકની લણણી ઑક્ટોબર મહિના દરમિયાન શરૂ થાય છે અને તેના પર વરસાદી ઋતુની અસર થતી હોય છે.
ભારતમાં ડુંગળી ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં ઉગાડવામાં આવે છે તે પૈકી મહારાષ્ટ્રનો હિસ્સો વિસ્તારના 20 % અને ઉત્પાદનના 30 % જેટલો છે.
ડુંગળીના છોડને બીજથી કંદ તૈયાર થવા સુધીમાં એક ઋતુ લાગે છે, પરંતુ બીજથી ફરી બીજ તૈયાર થવા માટે બે ઋતુ એટલે કે બે વર્ષ જેટલો સમય લાગે છે. એટલે ડુંગળીનો પાક દ્વિવાર્ષિક પાક કહેવાય છે.
સામાન્ય રીતે ડુંગળી ઠંડી ઋતુનો પાક ગણાય છે. તેને સૂકું હવામાન માફક આવે છે. ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત દેશના ટોચના પાંચ રાજ્યોમાં આવે છે.























