You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાને ઓમાનમાં ઑઇલ ટેન્કર પર હુમલો કર્યો, એક ભારતીયનું મોત – ન્યૂઝ અપડેટ
મધ્યપૂર્વમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષમાં એક ભારતીયનું મોત થયું છે. ઓમાનમાં ઈરાની ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે.
સલ્તનત ઑફ ઓમાનના મેરીટાઇમ સિક્યૉરિટી સેન્ટરે આ વાતની પુષ્ટિ કરી છે.
મેરીટાઇમ સિક્યૉરિટી સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, "માર્શલ આઇલૅન્ડ્સના ધ્વજવાળા ઑઇલ ટેન્કર 'એસકેડી વ્યોમ' પર ડ્રોનથી થયેલા હુમલામાં એન્જિન રૂમમાં આગ લાગી અને વિસ્ફોટ થયો હતો. તેમાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે."
નિવેદનમાં કહેવાયું કે, "ટેન્કરના 21 ક્રૂ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યુક્રેનિયન નાગરિકનો સમાવેશ થાય છે."
ઈરાને હુમલા દરમિયાન કહ્યું- ટ્રમ્પની મનમાનીએ વિસ્તારને જંગમાં ધકેલી દીધો
ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે કહ્યું કે તેમણે તેમની "અમેરિકા ફર્સ્ટ" નીતિ છોડી દીધી છે. ઈરાનનો આરોપ છે કે ટ્રમ્પની મનસ્વી વિચારધારાએ સમગ્ર વિસ્તારને એક અર્થહીન જંગમાં ધકેલી દીધો છે.
ઈરાનના સુરક્ષા વડા અલી લારીજાનીએ ઍક્સ પર લખ્યું, "ટ્રમ્પે 'અમેરિકા ફર્સ્ટ' છોડી દીધી છે અને 'ઇઝરાયલ ફર્સ્ટ' અપનાવી છે."
અલી લારીજાનીએ બીજી પોસ્ટમાં લખ્યું, "ટ્રમ્પની મનસ્વી વિચારધારાએ સમગ્ર વિસ્તારને એક અર્થહીન જંગમાં ધકેલી દીધો છે. હવે તેઓ અમેરિકાના લોકોનાં મૃત્યુની ચિંતા કરે છે."
"આ ખરેખર દુખદ છે કે તેઓ અમેરિકાના પૈસા અને અમેરિકાના લોકોના જીવ જોખમમાં મૂકીને નેતન્યાહૂની ગેરકાયદે વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાઓને આગળ વધારી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ ઈરાનના સુરક્ષા વડા અલી લારીજાનીએ ઍક્સ પર લખ્યું હતું, "અમે અમેરિકા સાથે સમાધાન નહીં કરીએ."
હકીકતમાં અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલમાં એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ઈરાન ઓમાનની મદદથી અમેરિકા સાથે વાતચીત કરવા માગે છે.
તાલિબાન સરકારનો દાવો, 'પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાં ઉપર હુમલાનો દાવો'
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું કહેવું છે કે તેણે "રાવલપિંડી ખાતે નૂર ખાન બેઝ, 12મી બલૂચિસ્તાન આર્મી કોર, મોહમ્મદ ખયબર પખ્તૂનખ્વાહ વુમન્સ કૅમ્પ તથા ગની ખેલ મિલિટરી બેઝ ઉપર હુમલો કર્યો છે."
તાલિબાન સરકારનું કહેવું છે કે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, બગરામ તથા અન્ય વિસ્તારો ઉપર હવાઈહુમલા કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
તાલિબાનની સેના દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "વ્યાપક નુકસાન" થયું છે. જોકે, કેટલું નુકસાન થયું છે.
તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, "જો સાર્વભૌમત્વનો આદર કરવામાં નહીં આવે અને ભંગ કરાશે તો વધુ ગંભીર જવાબ આપવામાં આવશે."
તાલિબાન સરકારના અધિકારીઓએ બીબીસી સંવાદદાતા એમ્મા બરાઝને જણાવ્યું હતું કે રવિવારે રાત્રે પાકિસ્તાનના વિમાન દ્વારા રાજધાની કાબુલ ઉપર હવાઈ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. જેને નિષ્ફળ કરી દેવાયો હતો.
પાકિસ્તાન સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે પાકિસ્તાનની સેના દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી હતી.
ફેસબુક પોસ્ટમાં તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાની કાર્યવાહીમાં 415 તાલિબાની માર્યા ગયા છે અને 580 ઘાયલ થયા છે.
તેમણે કહ્યું હતું કે તાલિબાનની 182 ચોકીઓ, 185 ટૅન્ક અને બખ્તરબંધ ગાડીઓ તોડી પાડવામાં આવ્યાં હતાં. જ્યારે 31 ચોકીઓ કબજે કરી લેવામાં આવી છે.
પાકિસ્તાન સરકારના મંત્રીના કહેવા પ્રમાણે, દેશના વાયુદળે અફઘાનિસ્તાનના અલગ-અલગ 46 ઠેકાણાં ઉપર હવાઈહુમલા કર્યા હતા.
તાલિબાનની સરકારનો આરોપ છે કે પાકિસ્તાન દ્વારા નાગરિક વિસ્તારો ઉપર નિશાન સાધવામાં આવે છે.
બીબીસી બંને પક્ષના દાવાઓ વિશે સ્વતંત્ર પુષ્ટિ નથી કરતું.
મધ્ય-પૂર્વમાં અશાંતિના કારણે સેન્સેક્સમાં 1600 પૉઇન્ટ વધુનો કડાકો
મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ભારતીય શૅરબજારને આજે અપેક્ષા મુજબ જ આંચકો લાગ્યો હતો અને શેરબજારમાં લગભગ બે ટકાનો ઘટાડો થયો હતો.
બપોરે એક વાગ્યાની આસપાસ 30 શૅરનો સેન્સેક્સ 1620 પૉઇન્ટ ઘટીને 79674 પર હતો જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 485 પૉઇન્ટ ઘટીને 24693 પર હતો.
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા તથા વળતા જવાબરૂપે અમેરિકાના મિત્ર દેશો પર ઈરાનના મિસાઇલ હુમલાના કારણે બજારમાં ગભરાટનો માહોલ છે.
બૅન્ક, મેટલ, ટેકનૉલૉજી, ઉડ્ડયન, ઑટોમોબાઇલ, આઈટી સહિત તમામ સેક્ટરની કંપનીઓના શેર સાત ટકાથી એક ટકા સુધી ઘટ્યા હતા. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાંથી ઑઇલ પુરવઠો ખોરવાઈ ગયો છે.
પહેલી માર્ચે ખાડીમાંથી તેલનું વહન કરતા એક ટૅન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો.
ક્રૂડ ઑઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હોવાથી ભારતીય અર્થતંત્રને ફટકો પડવાનો ડર છે.
બીજી તરફ ડિફેન્સ કંપનીઓના શેરના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે.
ઈરાને કહ્યું 'અમે અમેરિકા સાથે વાત નહીં કરીએ'
ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કહ્યું કે તેમનો દેશ 'અમેરિકા સાથે વાત નહીં કરે.'
લારીજાનીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ઈરાની અધિકારીઓ અમેરિકા સાથે વાટાઘાટોને ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તો તેમણે આ બાબતે જવાબ આપ્યો હતો.
લારીજાની ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ છે અને તેઓ ઈરાની સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના સલાહકાર રહ્યા છે.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનેઈ રવિવારના ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં માર્યા ગયા હતા.
ઇઝરાયલે લેબનોનનાં કેટલાંક શહેર અને ગામ ખાલી કરાવવાનું કહ્યું, હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ વધ્યો
ઇઝરાયલે લેબનોનનાં 50થી વધારે શહેરો અને ગામના રહેવાસીઓને હુમલાથી બચવા માટે ઘર ખાલી કરવાની ચેતવણી આપી છે.
તસ્વીરોમાં જોઈ શકાય છે કે ચેતવણી બાદ બૈરુત અને સિડોન શહેરથી લોકો જઈ રહ્યા છે, જેને કારણે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ચેતવણીમાં જણાવાયું છે કે લોકો ઓછામાં ઓછા એક હજાર મીટર દૂર ખુલ્લા વિસ્તારમાં જતા રહે.
એવું પણ જણાવવામાં આવ્યું છે કે, "પોતાની સુરક્ષા માટે તમારે તરત ઘર છોડવું પડશે અને ગામોમાં કમ સે કમ એક હજાર મીટર દૂર ખુલ્લા વિસ્તારમાં જવાનું રહેશે."
આ ઉપરાંત જણાવાયું છે કે, "જે પણ હિઝબુલ્લાના સભ્યો, તેમનાં મથકો અને સૈન્ય સાધનો પાસે હશે, તેઓ પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે."
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે દુનિયાભરમાં તેલના ભાવમાં ઉછાળો
અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર હુમલા બાદ દુનિયામાં તેલના ભાવમાં ઝડપથી ઉછાળો આવ્યો છે.
એશિયામાં સોમવાર સવારે જ્યારે બજાર ખૂલ્યાં તો બ્રેન્ટ ક્રૂડ અને નાયમેક્સ લાઇટ સ્વીટ ઑઇલ બંનેમાં10 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો, જોકે પછી ભાવ થોડા નીચે આવ્યા.
સવારે પાંચ વાગ્યા સુધી બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ 9 ટકા વધીને 79.30 ડૉલર પ્રતિ બૅરલની આસપાસ હતા, જ્યારે નાયમેક્સ લગભગ 8.5 ટકાના ઉછાળા સાથે 72.70 ડૉલર પ્રતિ બૅરલની આસપાસ રહ્યા.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બંને દેશો એક બીજા પર હુમલા કરી રહ્યા છે. સૌથી પહેલાં ઇઝરાયલ અને અમેરિકાએ શનિવાર સવારે ઈરાન પર હુમલો કર્યો હતો.
અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થઈ ગયું છે. તેની સાથે ઈરાની સેનાના ચીફ ઑફ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસવી અને રક્ષા મંત્રી મેજર જનરલ અઝીઝ નાસિરજાદેહનું પણ મૃત્યુ થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - 'હજુ વધુ અમેરિકન લોકોનાં મૃત્યુ થશે'
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલે સૈન્ય હુમલા વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'જ્યાર સુધી બધાં લક્ષ્યો હાંસલ નથી થઈ જતાં, અમેરિકા હુમલા ચાલુ રાખશે'.
તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે, "અમારું સૈન્ય અભિયાન પૂર્ણ તાકાત સાથે ચાલી રહ્યું છે. દુર્ભાગ્યથી સંભાવના છે કે વધુ અમેરિકન લોકોના જીવ જાય."
તેમણે એવું પણ કહ્યું કે, "લડાઈમાં આવું જ થાય છે."
ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું કે, "જે લોકોએ સંપૂર્ણ માનવતાની વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે અમેરિકા આતંકવાદીઓને સૌથી કડક સજા આપશે અને જે નિર્દોષના લોકોના જીવ ગયા છે તેમના મૃત્યુનો બદલો લેશે."
ટ્રમ્પે આગળ ચેતવણી આપી કે, "હું ફરી રિવૉલ્યુશનરી ગાર્ડ્સ અને ઈરાની સૈન્ય પોલીસને આગ્રહ કરું છું કે તે હુમલા રોકી દો અને સુરક્ષિત રહો. અથવા આવનારા સમયમાં મૃત્યુ માટે તૈયાર રહો."
ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સત્તાપરિવર્તન જરૂરી છે અને તેના માટે તેમણે ઈરાનની જનતાને વિનંતી કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન