મોદી અટક માનહાનિ કેસ : રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, @INCINDIA

પ્રકાશિત

મોદી અટક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી છે.

એ બાદ રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ યોજીને આ મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું, "આજ નહીં તો કાલે, કાલ નહીં પરમદિવસે... સત્યનો વિજય થાય છે. જોકે જે પણ થાય, મારો રસ્તો સ્પષ્ટ છે કે મારે શું કરવું છે! મારું શું કામ છે! એને લઈને મારા મગજમાં સ્પષ્ટતા છે. જેમણે અમારી મદદ કરી, જનતાએ જે પ્રેમ અને સમર્થન આપ્યાં, એ માટે આભાર."

આ પહેલાં રાહુલ ગાંધી ટ્વીટ કરીને લખ્યું હતું, 'ગમે તે થાય, મારી ફરજ એ જ રહેશે... આઇડિયા ઑફ ઇન્ડિયાનું રક્ષણ કરવું.'

આ દરમિયાન કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગએ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહતને લઈને તેમના સંસદના સભ્યપદ અંગે ટિપ્પણી કરી.

ખડગેએ કહ્યું, "રાહુલ ગાંધીને સંસદસભ્યના રૂપે અયોગ્ય ઠેરવવા માટે માત્ર 24 કલાકનો સમય લેવાયો હતો. હવે જોઈએ કે તેમનું સંસદસભ્યપદ કેટલા સમયમાં બહાલ કરવામાં આવે છે, કેમ કે તેમને અયોગ્ય ઠેરવવામાં સમય નહોતો લાગ્યો. આ દિલ્હીમાં લેવાયેલો ફેંસલો છે. ગુજરાતમાંથી આવેલા આદેશમાં તો તેમને 24 કલાકની અંદર જ અયોગ્ય ઠેરવવાની સાથે જ બહાર કાઢવાનાં પગલાં પણ ભરાયાં હતાં."

તેમણે એવું પણ કહ્યું, "સુપ્રીમ કોર્ટ અને સંસદ વચ્ચે માત્ર છ કિલોમીટરનું અંતર છે. ગુજરાત તો બે-અઢી હજાર કિલોમીટર દૂર હતું. એવામાં કદાચ રાતે તેમનું સભ્યપદ બહાલ કરવામાં આવે. કાં હાલ જ કરે. કેટલો સમય લે એ હવે આપણે જોવું રહ્યું અને રાહ જોઈશું. હવે આટલી રાહ જોઈ તો તેમના આદેશની પણ રાહ જોઈશું."

આ પહેલાં તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લોકશાહીનો વિજય ગણાવતાં કહ્યું, "હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. હજુ બંધારણ જીવે છે. ન્યાય મળી શકે છે, એનું આ મોટું ઉદાહરણ છે. આ બંધારણ, લોકશાહી અને ભારતના સામાન્ય લોકોનો વિજય છે. આ માત્ર રાહુલ ગાંધીનો જ વિજય નથી, આ બંધારણનાં મૂલ્યોનો પણ વિજય છે."

નોંધનીય છે કે ‘મોદી અટક’ કેસ મુદ્દે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્રણ જજ જસ્ટિટ બીઆર ગવાઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારે અરજી પર સુનાવણી હાથ ધરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અત્રે નોંધવું કે, આ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા કરી હતી. જેના લીધે તેમનું સંસદસભ્ય તરીકેનું સભ્યપદ ગેરલાયક ઠેરવી રદ કરી દેવાયું હતું. રાહુલ ગાંધીએ સજા સામે રાહત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમને રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં માનહાની કેસ મુદ્દે એક સોગંદનામું દાખલ કર્યું હતું અને કહ્યું કે કેસને રફેદફે કરવા તેઓ માફી નહીં માગે. તેમણે એમ પણ કહ્યું કે સુરત અદાલતે આપેલી સજા યોગ્ય નથી અને તેમને સંપૂર્ણ આશા છે કે દેશની સર્વોચ્ચ અદાલતમાં તેમની અપીલ સફળ પુરવાર થશે.

આ પહેલીવાર છે કે જ્યારે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેઓ માફી નહીં માગે. તેમણે કહ્યું કે ભલે તેઓ એ ઇચ્છે કે આ સજા પર રોક લગાવવામાં આવે અને તેમનું સંસદસભ્ય ફરીથી તેમને પ્રાપ્ત થાય પરંતુ તેઓ આના માટે માફી નહીં માગવા તૈયાર નથી.

પોતાના જવાબી સોગંદનામામાં રાહુલ ગાંધીએ ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદીની ટીકા કરી હતી. ફરિયાદી પુર્ણેશ મોદીએ અદાલતમાં રજૂ કરેલા ઍફિડેવિટમાં રાહુલ ગાંધીએ પોતાના નિવેદન બદલ માફી ન માગવાના કારણે તેમને ‘અહંકારી’ ગણાવ્યા હતા.

ગ્રે લાઇન

કોર્ટમાં શું થયું?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી દલીલોમાં રાહુલ ગાંધીના વકીલે તેમના બચાવમાં કહ્યું કે રાહુલ ગાંધીએ કોઈની પ્રતિષ્ઠા ખરડી નથી અને અપમાન નથી કર્યું.

તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, “રાહુલ ગાંધી સામે ગુજરાત અને બિહાર સહિતના રાજ્યોમાં કરવામાં આવેલા કેસ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા થયા છે. પૂર્ણેશ મોદીએ ખુદ કીધું છે કે મોદી તેમની મૂળ અટક નથી. વ્યક્તિની નૈતિક અથવા ઇન્ટલેક્ચૂઅલ કૅરેક્ટરને હાની ન થઈ હોય ત્યાં સુધી વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન થયું ન ગણાય. લોકશાહનીમાં વિરોધ મત ધરાવી શકાય છે. રાહુલ ગાંધીનો ઇરાદો કોઈ વર્ગ કે વ્યક્તિનું અપમાન કરવાનો નહોતો. આ કેસ પૂર્વાગ્રહ ધરાવતો છે. રાજનીતિમાં પરસ્પર માનસન્માન હોવાં જોઈએ.”

“રાહુલ ગાંધીએ 3 સંસદ સત્ર ગુમાવ્યા છે. નવી ચૂંટણીનું નોટિફિકેશન ઇસ્યૂ થવાનું છે. રાહુલ ગાંધી સામે કોઈ પુરાવા નથી. તેમનું ભાષણ અપમાનજનક નથી. પૂર્ણેશ મોદી ભાજપના કાર્યકર્તા છે અને તેમને રાહુલ ગાંધીની ટિપ્પણીથી કોઈ નુકસાન નથી થયુ.”

જોકે, સામે પક્ષે પૂર્ણેશ મોદીના વકીલ મહેશ જેઠમલાણીએ દલીલ કરી કે રાહુલ ગાંધીનું આખુંય ભાષણ પુરાવો છે અને ચૂંટણીપંચ પાસે તેનો રૅકર્ડ છે.

તેમણે કહ્યું, “50 મિનિટનું ભાષણ છે. ભાષણમાં પ્રથમ દૃષ્ટિ જઈએ તો અપમાનજનક ટિપ્પણી છે. તમનો ઈરાદો મોદી અટકવાળા તમામ વ્યક્તિનું અપમાન કરવાનો હતો. રાહુલ ગાંધીને જ્યારે પૂછ્યું ત્યારે તેઓ મોદી અટકવાળી ટિપ્પણીનો સ્વીકાર કરવામાં પણ નિષ્ફળ ગયા. રાહુલ ગાંધી સામે પુરાવા છે.”

જજ ગવઈએ સવાલ કર્યો કે શું 2 વર્ષની સજા કરાઈ એમાં કોઈ કારણ નથી અપાયું.

જેઠમલાણીએ કહ્યું, “રાહુલ ગાંધી દયા માગવા કે રાહત કે માફી માટે પણ તૈયાર નથી. દેશમાં ઉચ્ચ પદ પર રહેલી વ્યક્તિએ કાળજી રાખીને બોલવું જોઈએ. તેઓ પછી પણ ચોકીદાર પીએમ ચોર છે એવી ટિપ્પણી જાહેરમાં કરતા રહ્યા છે. તેમના વર્તનમાં કોઈ બદલાવ નથી આવ્યો.”

ગ્રે લાઇન

‘મેં મોટી કિંમત ચૂકવી છે’

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ગુરુવારે આનો જવાબ આપતાં રાહુલ ગાંધી તરફથી રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહ્યું, “કોઈ ભૂલ વગર જ અરજીકર્તા પર અપરાધિક કેસ કરીને, લોક પ્રતિનિધિત્ત્વ અધિનિયમ હેઠળ સભ્યપદ રદ કરીને કોઈને માફી માગવા માટે મજબૂર કરવું ન્યાયિક પ્રક્રિયાનો ઘોર દુરુપયોગ છે અને આ કોર્ટે તેનો સ્વીકાર ન કરવો જોઈએ.”

આ કેસમાં રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત સેન, રજિંદર ચીમા અને અભિષેક મનુ સિંઘવી કેસ લડી રહ્યા છે.

એ સિવાય કૉંગ્રેસ નેતાએ કહ્યું કે તેમને સંપૂર્ણ આશા છે કે આ કોર્ટમાં તેમને સફળતા મળશે કેમ કે આ એક ‘અસાધારણ મામલો’ છે. જ્યાં એક મામૂલી વાતની મોટી કિંમત ચૂકવવી પડી છે અને ચૂંટાયેલા સાંસદ તરીકે તેમને લાંબો સમય અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની સજા પર રોક લગાવવાની અપીલ કરતાં રાહુલ ગાંધીએ કોર્ટને ઝણાવ્યું કે પૂર્ણેશ મોદીએ તેમના કથિત અપરાધિક ઇતિહાસને દર્શાવવા માટે તેમના વિરુદ્ધના કેટલાય પડતર કેસોનો સહારો લીધો છે પરંતુ તેમને અન્ય કોઈ પણ મામલામાં દોષિત નથી ઠેરવવામાં આવ્યા અને મોટા ભાગના કેસોમાં સામો પક્ષ રાજકીય પક્ષોના નેતાઓ તરફથી દાખલ કરવામાં આવેલા કેસ છે.

એફિડેવિટમાં કહ્યું, “અરજીકર્તા એક સાંસદ અને વિપક્ષના નેતા છે અને આ માટે સત્તામાં બેઠેલા લોકોનું ટીકાત્મક મૂલ્યાંકન કરવું જરૂરી હતું. માનહાનિનો ઇરાદો હતો કે નહીં એ સમજવા માટે આખું ભાષણ મસજવું જરૂરી છે. એ સિવાય એ સ્પષ્ટ છે કે માનહાની એક નોન-કોગ્નિઝેબલ અને જામીનપાત્ર અપરાધ છે.”

ગાંધીએ કહ્યું કે સુરતની અદાલતે આપેલી 2 વર્ષની મહત્તમ સજાનો નિર્ણય અસાધારણ છે અને તેની રોક પર વિચારણા કરવામાં આવે.

આશા છે કે જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી પીઠ 4થી ઑગસ્ટના રાહુલ ગાંધીની અપીલ પર સુનાવણી કરશે.

21 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના એ આદેશ વિરુદ્ધ ગાંધીની અપીલ પર એક નોટિસ ઇસ્યૂ કરી હતી. જેમાં તેમને મળેલી 2 વર્ષની સજા પર રોક લગાવવાનો ઇન્કાર કરી દેવાયો હતો.

ગ્રે લાઇન
બીબીસી ગુજરાતી

રાહુલ ગાંધીની સંસદ સદસ્યતાનું શું થશે

બીબીસી ગુજરાતી

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા ફટકારવામાં આવી ત્યાર બાદ તેમની લોકસભાની સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવી છે તો તેમની લોકસભાની સદસ્યતાનું શું થશે એ જાણવા માટે બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી.

બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવે લોકસભાના સેક્રેટરી જનરલ પીડીટી અચારેએ કહ્યું કે, "આગળની પ્રક્રિયા પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા (સદસ્યતા રદ કરવાનો નિર્ણય પર રોકનો) ઑર્ડર બહાર પાડવામાં આવે તો આપોઆપ સદસ્યતા રદ થવાનો આદેશ રદબાતલ થઈ જશે. અને સદસ્યતા બહાલ થઈ જશે."

"લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સજા પર રોક લાગવાના નિર્દેશ બાદ હવે તેમની સદસ્યતા બહાર કરવાનું નોટિફિકેશન બહાર પાડવું પડશે. આ તત્કાલિક કરવું જોઈશે. સચિવાલયે એટલી જ તત્પરતા સાથે તેમની સદસ્યતા બહાલ કરવી પડશે જેવી તેમને દોષિત જાહેર કરાયા બાદ તેમની સદસ્યતા રદ કરવામાં આવી હતી. "

"તેઓ સોમવારથી સંસદના સત્રમાં સામેલ થઈ શકશે. અને જો તેમની સજાને લઈને મામલો લંબિત રહેશે તો તેઓ આગામી લોકસભા ચૂંટણી લડી શકશે."

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી પરંતુ લોકસભામાં તેમની સદસ્યતા વિશે હજુ પરિસ્થિતિ સ્પષ્ટ નથી.

કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે આ મુદ્દે મીડિયાને કહ્યું, આ મામલે હવે સ્પીકરે નિર્ણય લેવાનો છે. સમગ્ર દેશ અને દુનિયાની નજર સ્પીકર પર છે. રાહુલ ગાંધીની સદસ્યતાને નિરસ્ત કરવાનો નિર્ણય તરત પરત લેવો જોઈએ. લોકસભામાં અમારા વિપક્ષના નેતા આદેશની કૉપી સાથે અધ્યક્ષ સામે આધિકારિક રીતે વિનંતી કરશે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારના પોતાના આદેશમાં કહ્યું કે ટ્રાયલ જજે પર્યાપ્ત કારણો અને આધાર વિના બે વર્ષની અધિકતમ સજા ફટકારી હતી.

કોર્ટે રાહુલ ગાંધીને કથિત ટિપ્પણી કરતી વખતે સાવધાન રહેવાનું પણ કહ્યું છે.

બીબીસી ગુજરાતી

પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું હતું?

પૂર્ણેશ મોદી

ઇમેજ સ્રોત, FACEBOOK/PURNESHMODI

સુરત પશ્ચિમ બેઠક પરથી ધારસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીના મોદી અટકવાળા નિવેદન વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો, જેમાં તેમને બે વર્ષની સજા મળી છે ઉપરાંત તેમનું સંસદસભ્ય પણ રદ કરી દેવામાં આવ્યું.

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારના કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે.

રાહુલ ગાંધીની સજા પર રોક લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ''ટ્રાયલ જજે પર્યાપ્ત કારણો અને આધાર વિના બે વર્ષની અધિકતમ સજા સંભળાવી છે.''

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કેસી કૌશિકે કહ્યું, ''કોર્ટે સજા પર રોક લગાવી છે... સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે કોર્ટે કહ્યું છે કે આ કોઈ વ્યક્તિનો મામલો નથી બલ્કે જે લોકોએ રાહુલ ગાંધીને સંસદમાં પહોંચાડ્યા છે તેમના અધિકારોનું હનન છે.''

રાહુલ ગાંધી પર આ માનહાનિનો કેસ ગુજરાતના ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ પૂર્ણેશ મોદીએ પણ મીડિયા સાથે વાત કરી હતી.

પૂર્ણેશ મોદીએ સમાચાર સંસ્થા એએનએઆઈને કહ્યું, ''આજે સુપ્રીમ કોર્ટેમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી છે. અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરી છીએ. હવે અમે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં કેસ લડીશું.''

પૂર્ણેશ મોદીના વકીલે કહ્યું, ''અત્યારે કોર્ટનો જે આદેશ આવ્યો છે, તેનું અમે સન્માન કરીએ છીએ. સંસદની સદસ્યતા બહાલ કરવાનું કામ કાયદા હેઠળ થશે, તેના પર અમે ટિપ્પણી નહીં કરીએ.''

અગાઉ અદાલતની નોટિસનો જવાબ આપતાં પૂર્ણેશ મોદીએ 31 જુલાઈના રોજ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિ રાહુલ ગાંધીની વ્યક્તિગત નફરતના કારણે તેમને એ લોકોનું ઘોર અપમાન કર્યું જેમની અટક સંયોગવશ વડા પ્રધાનની અટક છે.

કોર્ટમાં રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનો કેસ ‘અસાધારણ’ની શ્રેણીમાં ન રાખી શકાય.

પૂર્ણેશ મોદીના ઍફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, “ટ્રાયલ કોર્ટે જ્યારે સજા સંભળાવી હતી ત્યારે રાહુલ ગાંધીના ચહેરા પર પસ્તાવાની જગ્યાએ અહંકાર દેખાઈ રહ્યો હતો. અરજીકર્તાએ દુર્ભાનવાપૂર્ણ રીતે એક નિર્દોષ વર્ગ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.”

પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે ગાંધી ‘દેશના ચૂંટાયેલા વડા પ્રધાન પ્રતિ વ્યક્તિગત ધૃણા’થી પ્રેરિત છે એટલે આવું નિવેદન આપ્યું.

જોકે, આ નિવેદન નિર્દોષ વર્ગના વિરુદ્ધ આપવામાં આવેલું છે, આથી તેઓ કોઈ દયાને પાત્ર નથી.

ગ્રે લાઇન

રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે આપેલા નિવેદનનો શું છે વિવાદ?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, CONGRESS

વાયનાડથી સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીએ કથિતપણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના કોલારમાં નિવેદન આપ્યું હતું.

તેમણે કથિતપણે કહ્યું હતું કે, "આ તમામ ચોરોનું ઉપનામ (સરનેમ) મોદી કેમ છે?" ત્યાર બાદ સુરતમાં ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી.

રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત મામલો દાખલ કરાયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 499માં ગુનાહિત બદનક્ષી મામલે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે.

રાહુલ ગાંધીની વકીલોની ટીમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોઈ પણ સમુદાયને પોતાના નિવેદનથી નારાજ કરવા માગતા નહોતા.

ગ્રે લાઇન

રાહુલ ગાંધી સામે કેસ કરનાર પૂર્ણેશ મોદી કોણ છે?

પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. બી.કૉમ અને એલએલબીની ડિગ્રી ધરાવતા પૂર્ણેશ મોદી વ્યવસાયે વકીલ પણ છે.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા થયા હતા.

જોકે, ઑગસ્ટ 2022માં તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ 02 સરકારમાં તેમને કોઈ મંત્રીપદું આપવામાં નહોતું આવ્યું.

રાહુલ ગાંધીના મોદી સરનેમ બદનક્ષી કેસની સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદીની અટક વિશે પણ પ્રશ્ન ઊઠ્યો હતો.

રાહુલ ગાંધીના તરફથી બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદીની અટક મોદી નહીં પરંતુ ભૂતવાલા છે, આથી જે પ્રકારે તેઓ કહે છે કે રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે તે દલીલ ખોટી છે.

પૂર્ણેશ મોદીના મિત્ર અને રાજકીય ટેકેદાર અશોક ગોહિલ કહે છે, "તેમના વડવાઓ સુરતની ભૂત શેરીમાં રહેતા હતા એટલે તેમના વડવાની અટક ભૂતવાલા હતી. તેમના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમની અટક ભૂતવાલા જ હતી, પરંતુ તેમણે ત્યારબાદ અટક બદલાવીને મોદી કરી."

તેઓ જ્યારે મંત્રી હતા ત્યારે ચોમાસા દરમિયાન રોડ-રસ્તા તૂટી ગયા ત્યારે તેમણે વિવાદિત નિવેદન કર્યાં હતાં કે ચોમાસામાં રસ્તાઓ તૂટી જવા એ સામાન્ય બાબત છે.

તેમણે કહ્યું કે "ડામર અને પાણી વચ્ચે બનતું નથી તેથી રસ્તાઓ તૂટી જાય છે અને મીડિયાએ તેને વધારે પડતું ન ચગાવવું જોઈએ." આ નિવેદન બાદ વિવાદ થયો હતો.

ઉપરાંત વ્યક્તિગત ઍપ બનાવીને પોતાની લોકપ્રિયતા વધારવાની કોશિશ કરતા હોવાના આરોપો પણ લાગ્યા.

રેડ લાઇન
રેડ લાઇન