ટ્રમ્પે કૅનેડા પર લાગનારા 50% ટેરિફને કેટલા દિવસ માટે ટાળ્યો – ન્યૂઝ અપડેટ

ટ્રમ્પે કૅનેડા પર લાગનારા 50% ટેરિફને કેટલા દિવસ માટે ટાળ્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images

ઇમેજ કૅપ્શન, આ ઘોષણા એવા સમયે થઈ, જ્યારે કૅનેડાના સામાન પર નવો ટેરિફ લાગુ થવામાં બે કલાકથી ઓછો સમય બાકી હતો. (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડાથી આયાત થતા માલ પર લાદવામાં આવનારા 50% પ્રસ્તાવિત ટેરિફને ત્રણ દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "મેં કૅનેડા પર લાગુ થનારા 50% ટેરિફને ત્રણ દિવસ માટે રોકી દીધો છે. આ ટેરિફ આવતીકાલે સવારે અમલમાં આવવાનો હતો. તેને રોકવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે જરૂરી દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા બાદ કૅનેડા અને અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ ગઈ છે."

આ જાહેરાત એ સમયે કરવામાં આવી હતી જ્યારે કૅનેડાના માલ પર નવો ટેરિફ લાગુ થવામાં બે કલાકથી પણ ઓછો સમય બાકી હતો.

બંને દેશો વચ્ચે લાંબા સમયથી અનેક મુદ્દાઓને લઈને મતભેદ ચાલી રહ્યો હતો. તેમાં મુખ્યત્વે - અમેરિકન ઑટોમોબાઇલ્સ પર કૅનેડા દ્વારા લગાવવામાં આવેલો ટેરિફ, કૅનેડાના કેટલાક પ્રાંતો દ્વારા અમેરિકન દારૂના વેચાણ પર પ્રતિબંધ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ટ્રમ્પ અને કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની વચ્ચે આ અઠવાડિયામાં બે વખત વાતચીત થઈ હતી. ઉપરાંત, બંને દેશોના વાટાઘાટકારો જુલાઈ મહિનાથી સતત ચર્ચા કરી રહ્યા હતા.

ટ્રમ્પે અગાઉ 19 ઑગસ્ટની સમયમર્યાદા નક્કી કરીને નવા ટેરિફ લાગુ કરવાની ચેતવણી આપી હતી.

બીજી તરફ, કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેર કરેલા એક પત્રમાં જણાવ્યું, "વાટાઘાટોમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે, જોકે હજુ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કામ બાકી છે."

આ રીતે, બંને દેશો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓમાં પ્રગતિ થવાને કારણે હાલ 50% ટેરિફના અમલીકરણને ત્રણ દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળ : કોલકાતાની એક હોટલમાં ભીષણ આગ, નવ લોકોનાં મોત

પશ્ચિમ બંગાળ : કોલકાતાની એક હોટલમાં ભીષણ આગ, નવ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sanjay Das

ઇમેજ કૅપ્શન, ફાયર બ્રિગેટના એક અધિકારીએ જણાવ્યું કે અંદેશો છે કે આ આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મંગળવારે મોડી રાત્રે લાગેલી આગમાં એક બાળક સહિત ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયાં છે.

હૉસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લોકોનાં મોત ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી થયાં છે. હાલમાં અન્ય છ લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમને સરકારી એસએસકેએમ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ ફાયર બ્રિગેડનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મૃતકોમાં બાંગ્લાદેશના નાગરિકો પણ સામેલ છે. તેઓ સારવાર માટે અહીં આવ્યા હતા. જોકે, પોલીસે હજુ સુધી મૃતકોની ઓળખની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ફાયર બ્રિગેડનાં સૂત્રોએ જણાવ્યું કે રાત્રે લગભગ બે વાગ્યે હોટલના ત્રીજા માળે આગ લાગી હતી. આગનો ધુમાડો ધીમે ધીમે સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગયો. બાદમાં આગ આસપાસની ઇમારતો સુધી પણ ફેલાઈ ગઈ. નોંધનીય છે કે ફાયર બ્રિગેડની કચેરી પણ તેની બાજુમાં જ આવેલી છે.

આગ લાગ્યાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો તેમજ ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક અંદાજ મુજબ શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, પરંતુ આગ લાગવાનું વાસ્તવિક કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. હોટલના મૅનેજરને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, હોટલમાં ફસાયેલા લોકોમાં એક બાળક સહિત ઓછામાં ઓછા નવ લોકોનું શ્વાસ રૂંધાવાને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેમને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા તે પહેલાં જ તેમનું અવસાન થઈ ચૂક્યું હતું.

હાલમાં અન્ય છ લોકોની સારવાર ચાલી રહી છે અને તેમાંના કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ લાગતાં જ હોટલની લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેના કારણે હોટલમાં રોકાયેલા લોકોમાં બહાર નીકળવા માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક લોકો પોતાના રૂમમાં જ ફસાઈ ગયા હતા અને ધુમાડો ભરાઈ જતાં બેભાન થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં સોમવારે વહેલી સવારે બિરભૂમ જિલ્લામાં તારાપીઠ ખાતે આવેલી એક હોટલમાં લાગેલી આગમાં પણ નવ લોકોનાં મોત થયાં હતાં.

ફ્રાન્સે બે ઈરાની રાજદ્વારી કર્મચારીને દેશમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કેમ લીધો?

ફ્રાન્સે બે ઈરાની રાજદ્વારી કર્મચારીને દેશમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કેમ લીધો? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, LUDOVIC MARIN/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોયેલ બૅરોટ (ફાઇલ ફોટો)

ફ્રાન્સે બે ઈરાની રાજદ્વારી કર્મચારીને દેશમાંથી નિષ્કાસિત કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોયેલ બૅરોટએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અંગે માહિતી આપી હતી.

બીબીસી ફારસીના અહેવાલ મુજબ, આ નિર્ણય પહેલાં ઈરાને ફ્રાન્સના દૂતાવાસના બે ફ્રૅન્ચ કર્મચારીઓને ફરીથી ઈરાનમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો.

ઈરાનના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે જુલાઈમાં થયેલા એક રાજદ્વારી વિવાદ બાદ આ બંને ફ્રૅન્ચ કર્મચારીઓને ઈરાન પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

20 જુલાઈએ, ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોયેલ બૅરોટએ ઈરાનનાં સુરક્ષાદળો પર આરોપ મૂક્યો હતો કે તેમણે ફ્રૅન્ચ દૂતાવાસના બે કર્મચારીઓને "ડરાવ્યા અને ધમકાવ્યા" હતા.

બીજી તરફ, ઈરાને ફ્રાન્સ પર ઈરાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો અને પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઝારખંડ : વિદ્યાર્થી આંદોલન વચ્ચે સરકારે 44 ભરતી પરીક્ષાઓ રદ કરી

ઝારખંડ : વિદ્યાર્થી આંદોલન વચ્ચે સરકારે 44 ભરતી પરીક્ષાઓ રદ કરી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, HemantSorenJMM X/ANI

ઇમેજ કૅપ્શન, જેપીએસસી અને જેએસએસસીમાં ઇન્ટરનલ વિજિલન્સ સેલની રચના કરવામાં આવશે (ફાઇલ ફોટો : મુખ્ય મંત્રી હેમંત સોરેન)

ઝારખંડ સરકારે વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે મંગળવારે મોડીરાત્રે અનિયમિતતાઓને કારણે 44 ભરતી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સરકારે મોડીરાત્રે આ અંગે માહિતી આપતી આઠ અલગ-અલગ નૉટિફિકેશનો જાહેર કર્યાં હતાં. રદ કરાયેલી પરીક્ષાઓમાં ઝારખંડ લોક સેવા આયોગ (જેપીએસસી) અને આઉટસોર્સ એજન્સી ટીએસઆર ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ (ટીડીપીએલ) દ્વારા વર્ષ 2014 પછી આયોજિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

સરકારના નિર્ણય મુજબ નીચેનાં સહિત અનેક પદોની ભરતી માટે યોજાયેલી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે:

  • ડ્રગ ઇન્સ્પેક્ટર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ડેપ્યુટી કલેક્ટર
  • ડેન્ટલ ડૉક્ટર
  • આસિસ્ટન્ટ એન્જિનિયર
  • સિવિલ જજ
  • ઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર
  • ફૉરેસ્ટ રેન્જ ઑફિસર

આ ઉપરાંત, સરકારી પોલિટૅક્નિક સંસ્થાઓમાં:

  • લેક્ચરર
  • સિનિયર સાયન્ટિફિક ઑફિસર
  • આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ

સહિત અનેક વહીવટી અને ટેકનિકલ પદો માટે યોજાયેલી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલાં ન જણાવાયું છે કે જેપીએસસી અને જેએસએસસીમાં થયેલી અનિયમિતતાઓ સંબંધિત કેસોની ઝડપી સુનાવણી માટે હાઇકોર્ટને ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવા વિનંતી કરવામાં આવશે.

તેની સાથે જ જેપીએસસી અને જેએસએસસીમાં ઇન્ટરનલ વિજિલન્સ સેલ પણ સ્થાપવામાં આવશે.

બીજી તરફ, વરિષ્ઠ આઈએએસ અધિકારી અમિતાભ કૌશલની અધ્યક્ષતામાં જેપીએસસી અને જેએસએસસીમાં સુધારાઓ માટે રચાયેલી સમિતિને બે મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવાનો રહેશે.

ઈરાન સાથે મધ્યપૂર્વના આ દેશે વેપારી અને નાણાકીય વ્યવહારો સ્થગિત કર્યા

ઈરાન સાથે મધ્યપૂર્વના આ દેશે વેપારી અને નાણાકીય વ્યવહારો સ્થગિત કર્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Antonio Masiello/Getty Images

ઇમેજ કૅપ્શન, સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાન

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)એ ઈરાન સાથેના તમામ વેપારી અને નાણાકીય વ્યવહારો આગામી આદેશ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ, યુએઈના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રદેશમાં વધતા તણાવ તથા શાંતિ અને સુરક્ષા માટે ઊભા થયેલાં જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ જાહેરાતના થોડા કલાકો પહેલાં યુએઈના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે ઈરાને યુએઈ તરફ બે બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી.

જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ યુએઈના આ દાવાને ફગાવી દીધો છે.

બીજી તરફ, યુએઈનું કહેવું છે કે એક મિસાઇલ યુએઈના પ્રાદેશિક જળસીમા બહાર પડી હતી, જ્યારે બીજી મિસાઇલ દેશની જળસીમાની અંદર આવીને પડી હતી.

ઉલ્લેખનીય છે કે મધ્યપૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી યુએઈ એવા દેશોમાં સામેલ રહ્યું છે, જેને ઈરાનના હુમલાઓનો સૌથી વધુ સામનો કરવો પડ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન