ભાજપે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠકની ટિકિટ આપી

પ્રકાશિત

ભારતીય જનતા પક્ષે (ભાજપ) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની ચોથી યાદીમાં વધુ 12 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.

ભાજપના વિરોધ બાદ કૉંગ્રેસમાંથી ચૂંટાઈને ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરને ભાજપે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે ટિકિટ આપી છે.

ગુજરાતમાં 5 નવેમ્બરના રોજ યોજાનારા ચૂંટણીના બીજા તબક્કામાં સમાવેશ થતી બેઠકો પર ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા છે, તેમની બેઠક અનુસાર યાદી નીચે મુજબ છે.

  • રાધનપુર – લવિંગજી ઠાકોર
  • પાટણ- ડૉ. રાજુલબહેન દેસાઈ
  • હિંમતનગર – વી. ડી. ઝાલા
  • ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
  • ગાંધીનગર ઉત્તર – રિટાબહેન પટેલ
  • કલોલ – બકાજી ઠાકોર
  • વટવા – બાબૂસિંહ જાધવ
  • પેટલાદ – કમલેશ પટેલ
  • મહેમદાવાદ – અર્જુનસિંહ ચૌહાણ
  • ઝાલોદ (એસટી) – મહેશ ભૂરિયા
  • જેતપુર (એસટી) – જયંતીભાઈ રાઠવા
  • સયાજીગંજ – કેયુર રોકડિયા

મોરબી પુલ દુર્ઘટના: સુપ્રીમ કોર્ટ પીઆઈએલને ટૂંક સમયમાં યાદીમાં સમાવવા સંમત

સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, તે ટૂંક સમયમાં વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીને યાદીમાં સમાવશે.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં કોર્ટની દેખરેખ હેઠળની ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે, આ પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં અને 100 લોકો ઘાયલ થયા હતા.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેંચે કહ્યું કે, અમે ટૂંક સમયમાં આ મામલાને યાદીમાં લઈશું.

તેમણે કહ્યું હતું કે અરજી મોડી રાત્રે મારી સમક્ષ આવી હતી તેથી આજે સુનાવણી માટે યાદીમાં લેવી શક્ય બની નથી.

વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટની બેન્ચને આજે સુનાવણીની વિનંતી કરતા કહ્યું હતું "આ કેસ તાકીદનો છે, કારણ કે દેશભરમાં આવા ઘણા જૂના માળખા છે અને આ અદાલતે તેની તાકીદે સુનાવણી કરવી જોઈએ."

આના પર સીજેઆઈએ કહ્યું, "આ કલમ 32 હેઠળની અરજી છે. તેમાં તાકીદ જેવું શું છે. અમે તેને સૂચિબદ્ધ કરીશું. અમે તારીખ આપીશું.

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ઉદય ઉમેશ લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, અમે આ અરજી પર 14 નવેમ્બરે સુનાવણી કરીશું.

જાડેજાએ જણાવ્યું કે રીવાબા ભાજપમાં કેમ જોડાયાં?

ભારતીય ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા જામનગરમાં આજે કેસરી કુર્તામાં ભાજપનાં સ્થાનિક ઉમેદવાવાર અને તેમનાં પત્ની રીવાબા જાડેજા સાથે પક્ષનાં એક કાર્યક્રમમાં જોવા મળ્યા.એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં રવીન્દ્રે પત્રકારો સાથે વાત કરી.

જાડેજાએ કહ્યું, "લોકોની મદદ કરવાનો એમનો સ્વભાવ છે અને એટલે તેઓ રાજકારણમાં જોડાયાં છે. લોકોને મદદ કરવાના વડા પ્રધાનના પથ પર તેઓ ચાલવા માગતાં હતાં. લોકોની મદદ કરવાની ભાજપની જે વિચારધારા છે એ જ વિચારધારામાં મારાં પત્ની માને છે. "

ભાજપે 160 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે એમાં રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.વર્ષ 2019માં જાડેજાનાં પત્ની ભાજપમાં જોડાયાં હતાં.

રવિવારે જાડેજાએ તેમનાં પત્નીને ચૂંટણીમાં જિતાડવા માટે હાકલ કરતો વીડિયો પણ ટ્વટિર પર પોસ્ટ કર્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી: સવારે એનસીપી છોડનારા કાંધલ જાડેજા બપોરે સમાજવાદી પાર્ટીમાં જોડાયા

કુતિયાણા વિધાનસભા બેઠક પરથી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) તરફથી ટિકિટ ન મળવાને કારણે આજે સવારે પાર્ટી ના તમામ પદો પરથી રાજીનામું આપી દેનારા કાંધલ જાડેજા બપોરે સમાજવાદી પાર્ટી (સપા)માં જોડાઈ ગયા છે.

હવે તેઓ સમાજવાદી પાર્ટીના નેજા હેઠળ કુતિયાણા વિધાનસભા બેઠક માટે ઉમેદવારી કરશે.

ઉલ્લેખનીય છે કે કાંધલ જાડેજા 'ગોડમધર' તરીકે ઓળખાતાં સંતોકબહેન જાડેજા અને સરમણ જાડેજાના પુત્ર છે. તેઓ કુતિયાણા બેઠક પરથી બે વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યા છે.