પગરખાં સાથે ઘરમાં કેવા બૅક્ટેરિયા આવે છે, કેવી બીમારીઓ થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેટ બોવી
- પદ, વર્લ્ડ સર્વિસ ગ્લોબલ હેલ્થ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
સર્બિયામાં રહેતા પેદ્જા ટ્રિફુનોવિક તેમની અમેરિકન ગર્લફ્રેન્ડ સોફિયાના ઘરે પહેલી વાર ગયા ત્યારે ઘરમાં પ્રવેશતાં પહેલાં તેમણે તેમનાં જૂતાં ઉતાર્યાં હતાં, પરંતુ તમે પગરખાં પહેરી રાખો એવું સોફિયાએ તેમને કહ્યું ત્યારે પેદ્જા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તેમણે સોફિયાને સવાલ કર્યો હતો કે "તમે લોકો ઘરમાં પણ પગરખાં પહેરો છો? મને તો આ બહુ અસંસ્કારી લાગે છે."
પેદ્જા એકલા આશ્ચર્યચકિત ન હતા. તેમનાં ગર્લફ્રેન્ડ (જે હવે તેમનાં પત્ની છે) સોફિયા પણ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. સોફિયાને એ વાતનું આશ્ચર્ય હતું કે પેદ્જા પગરખાં બહાર ઉતારીને ઘરમાં પ્રવેશે છે.
પછી સોફિયાએ પેદ્જાને વળતો સવાલ કર્યો હતો કે "તમે આખા ઘરમાં પગની દુર્ગંધ ફેલાવવા માંગો છો?"
બંનેએ પોતપોતાના વિચાર ઑનલાઇન શેર કર્યા ત્યારે બહુ બધી પ્રતિક્રિયા આવી હતી. તેનાથી જાણવા મળ્યું હતું કે સોફિયા અને પેદ્જા વચ્ચેની પગરખાં વિશેની આ ચર્ચા ખરેખર આખી દુનિયામાં થઈ રહી છે.
બંનેએ ટિકટૉક પર વીડિયો પોસ્ટ કર્યા હતા. તેમાં પેદ્જાએ ચંપલ પહેર્યાં હતાં અને સોફિયા તેમના ઍપાર્ટમેન્ટમાં ટ્રેનર જૂતાં પહેરેલાં જોવા મળ્યાં હતાં. એ વીડિયો પર સેંકડો કૉમેન્ટ્સ આવી હતી. લોકો એ ચર્ચા કરી રહ્યા હતા કે આ બેમાંથી કોણ વધારે હાઇજેનિક છે.
સવાલ એ છે કે આખરે સાચું શું છે? ઘરની અંદર પગરખાં પહેરી રાખવા સ્વાસ્થ્ય માટે જોખમી છે? આ સવાલનો જવાબ મેળવવા માટે બીબીસી વર્લ્ડ સર્વિસે એક માઇક્રોબાયોલૉજી લેબોરેટરીનો સંપર્ક કર્યો હતો.
અલગ-અલગ દેશોમાં પગરખાં પહેરવાના કેવા નિયમો છે?

ઇમેજ સ્રોત, Sophia Trifunovic
ઘરમાં પગરખાં પહેરી રાખવા કે બહાર ઉતારી નાખવા એ વિશે દરેક દેશમાં અલગ-અલગ મંતવ્ય હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત અને મોટાભાગના મધ્ય પૂર્વીય, એશિયન અને બાલ્કન દેશોમાં ઘરમાં પગરખાં પહેરી રાખવા તેને અસંસ્કારી માનવામાં આવે છે. યુરોપ અને અમેરિકાના કેટલાક ભાગોમાં તો મહેમાનોને તેમના પગરખાં ઉતારીને ઘરમાં પ્રવેશવાનું કહેવાને પણ અભદ્ર માનવામાં આવે છે.
જાપાનમાં પગરખાં બાબતે ખૂબ જ કડક નિયમો છે. ત્યાં મોટાભાગનાં ઘરોમાં એક ખાસ પ્રવેશદ્વાર હોય છે, જેને ગેનકન કહેવામાં આવે છે અને તેનાથી આગળ પગરખાં પહેરીને પ્રવેશવાની મનાઈ હોય છે.
લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાં હ્યુમેનિટીનાં વરિષ્ઠ પ્રોફેસર ડૉ. ફેબિયો ગિગી જણાવે છે કે કોઈ મહેમાન બહાર પગરખાં ઉતારવાનું ભૂલી જાય તો પ્રતિક્રિયા તીવ્ર હોય છે. લોકો તમારા પર લગભગ કૂદી પડે છે અને બરાડીને કહે છે કે થોભો. તમારાં પગરખાં ઉતારી નાખો.
તેમના મતાનુસાર, તેનું કારણ સ્વચ્છતાની સાથે-સાથે જાપાની સમાજની ફિલસૂફી પણ છે.
ડૉ. ગિગી કહે છે, "બહાર રહેવાને પ્રતીકાત્મક રીતે તમામ પ્રકારની ગંદકી, ભય અને પ્રદૂષણ સાથે સાંકળવામાં આવે છે."
તેઓ ઉમેરે છે કે, "અંદરની જગ્યાને તમે નિર્મળ રાખવા, પવિત્ર રાખવા ઇચ્છો છો."
આપણાં પગરખાં પર કયા બૅક્ટેરિયા હોય છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમે યુનાઇટેડ કિંગ્ડમના બ્રાઇટનની એક લેબોરેટરીમાં પગરખાંની એક જોડીનું પરીક્ષણ કરાવ્યું હતું, જેથી તેમાં કયા બેક્ટેરિયા છે તે જાણી શકાય.
બ્રાઇટન યુનિવર્સિટીના માઇક્રોબાયોલૉજિસ્ટ ડૉ. સારાહ પિટે જૂતાંની ઉપર તથા નીચેથી સૅમ્પલ્સ લીધાં હતાં. એ સૅમ્પલ્સને આખી રાત લેબોરેટરીમાં રાખવામાં આવ્યાં હતાં.
બીજા દિવસે એ સૅમ્પલ્સની માઇક્રોસ્કોપ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી અનેક પ્રકારના બેક્ટેરિયા મળી આવ્યા હતા.
તેમાં સ્ટેફિલોકોકસ ઓરિયસ નામના બૅક્ટેરિયા પણ હતા. આ બૅક્ટેરિયા સ્ટેફ ઇન્ફેક્શનનું કારણ હોય છે. ડૉ. પિટના જણાવ્યા મુજબ, તે સ્વસ્થ લોકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
તેમણે કહ્યું, "શરીરમાં ઉઝરડો હોય અને આ બૅક્ટેરિયા ત્યાં પહોંચી જાય તો પરુ ભરેલો મોટો ફોલ્લો થઈ શકે છે."
તેમણે ઉમેર્યું હતું કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ બૅક્ટેરિયા ન્યૂમોનિયા અને લોહીના પ્રવાહમાં ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
પગરખાં પરથી સ્ટેફિલોકોકસ એપિડર્મિડિસ બૅક્ટેરિયા પણ જોવા મળ્યા હતા. આ બૅક્ટેરિયા સામાન્ય રીતે માનવ ત્વચા પર હોય છે, પરંતુ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર ચેપનું કારણ બની શકે છે.
હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં પણ આ બૅક્ટેરિયા ઘણીવાર જોવા મળે છે.
અન્ય અભ્યાસોમાં પણ જાણવા મળ્યું છે કે પગરખાંમાં વિવિધ પ્રકારના ચેપી બૅક્ટેરિયા હોઈ શકે છે, જેમાં ઇ-કોલી જેવા મળથી ફેલાતા બૅક્ટેરિયાનો સમાવેશ થાય છે.
ડૉ. પિટના કહેવા મુજબ, પગરખાં પર દુનિયાના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના બૅક્ટેરિયા, ફંગસ અને પરોપજીવી જંતુઓ જોવા મળે છે.
બહારના બૅક્ટેરિયા આપણા ઘરમાં જીવતા રહી શકે?

બહારના બૅક્ટેરિયાને પગરખાં આસાનીથી ઘરની અંદર લાવતા હોવાનું અભ્યાસોમાં જાણવા મળ્યું છે.
ડૉ. સારાહ પિટ કહે છે, "બૅક્ટેરિયા ઘરની અંદર પણ જીવંત રહી શકતા હોવાના પાક્કા પુરાવા છે. તેને કારણે પરિવારના અન્ય સભ્યોમાં ચેપ ફેલાવાનું જોખમ સર્જાય છે."
તેઓ જણાવે છે કે આ બૅક્ટેરિયા ઘણા દિવસ સુધી જીવંત રહી શકે છે. કાર્પેટ ગરમ હોય તો બૅક્ટેરિયા લાંબા સમય સુધી જીવંત રહી શકે છે.
એ ઉપરાંત વ્યક્તિ ઘરની એ જ ફર્શ પર ચાલે ત્યારે કેટલાક બૅક્ટેરિયા ફરીથી સક્રિય થઈ શકે છે અને ચેપ ફેલાવવાની તેમની ક્ષમતા ફરી પ્રાપ્ત કરી શકે છે.
ડૉ. સારાહ પિટ કહે છે, "તમે તમારા બાળક સાથે કાર્પેટ પર ગોઠણભેર ચાલતા હો તો તેનાથી કાર્પેટ પર સર્જાતા દબાણથી બૅક્ટેરિયા ફરી સક્રિય થઈ શકે છે."
સ્વસ્થ વયસ્કોની સરખામણીએ નાનાં બાળકો અને વૃદ્ધો જેવા નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો પર તેનું જોખમ વધારે હોય છે.
અલબત, બૅક્ટેરિયાના સંપર્કમાં આવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ મળી શકે છે, એમ જણાવતાં ડૉ. સારાહ પિટ ઉમેરે છે કે આપણા રોજિંદા જીવનમાં આપણે પહેલાંથી જ ઘણા પ્રકારના બૅક્ટેરિયાના સંપર્કમાં આવતા હોઈએ છીએ.
પગરખાં પહેરી રાખવા કે બહાર કાઢી નાખવાં?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. સારાહ પિટના મતાનુસાર, અમારા સવાલનો જવાબ પેટ્રી ડિશની તપાસમાં મળ્યો જ મળી ગયો હતો.
તેઓ કહે છે, "ઘરમાં પગરખાં પહેરવાં એ અભદ્રતા જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે."
"તમે દુનિયામાં ભલે ગમે ત્યાં રહેતા હો, પણ ઘરમાં પ્રવેશતા પહેલાં તમારે પગરખાં ઉતારી નાખવા જોઈએ."
તમારે ઘરમાં પગરખાં પહેરી જ રાખવા હોય તો દરવાજા પર ડોરમેટનો ઉપયોગ કરો અને ઘરમાં ઓછામાં ઓછી કાર્પેટનો ઉપયોગ કરો. તેનાથી બૅક્ટેરિયાની સંખ્યા ઘટાડવામાં મદદ મળી શકે છે.
ડૉ. સારાહ પિટ કહે છે, "સૌથી સારી રીત સપ્તાહમાં ઓછામાં ઓછું એક વખત ઘરની સંપૂર્ણ સફાઈ કરવાની છે. તેનાથી બૅક્ટેરિયા, ધૂળ અને ગંદકીને નોંધપાત્ર રીતે નિયંત્રિત કરી શકાય છે."
લગ્ન પછી સોફિયા અને પેદ્જાએ આ મામલે એક સમજૂતિ કરી લીધી છે.
સોફિયા કહે છે, "મને ઘરમાં પણ સ્નીકર્સ પહેરી રાખવાનું ગમે છે, પરંતુ હું સર્બિયા જાઉં છું ત્યારે મારે ચપ્પલ પહેરવાં પડે છે."
સોફિયા અમેરિકામાંના તેમના ઘરમાં ઇન્ડોર સ્નીકર્સ પહેરે છે. તે બહાર જતી વખતે પહેરવાના હોતાં નથી.
સોફિયા કહે છે, "મને પગમાં તેનું વજન ગમે છે, કારણ કે મને બાળપણથી જ એવી આદત છે."
પેદ્જાએ પણ સોફિયાની કેટલીક આદતો અપનાવી લીધી છે.
પેદ્જા કહે છે, "હું ક્યારેક ઉતાવળમાં પગરખાં પહેરીને જ ઘરમાં આવી જાઉં છું."
આ સંદર્ભે સોફિયા કહે છે, "હું સંપૂર્ણપણે સર્બિયન બની જાઉં અથવા પેદ્જા સંપૂર્ણપણે અમેરિકન બની જાય એવા પ્રયાસ અમે કરતા નથી. અમારી બંનેની પોતપોતાની ઓળખ છે અને અમે તેના સંયોજનના પ્રયાસ કરી રહ્યા છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















