ગુજરાત : દલિત હોવાના લીધે દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર? ચોતરફ સડેલી માછલી ને મધમાખી જેવા મચ્છરો

વાવ તાલુકાના મોરીખા ગામમાં ભારે વરસાદ બાદ એક અનોખી સમસ્યા ઊભી થઈ ગઈ છે. આખું ગામ મૃત માછલીઓની દુર્ગંધથી પરેશાન છે.
જુલાઈ મહીનામાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો હતો અને ઠેર-ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.
ત્યારે વાવ તાલુકાના મોરીખા ગામમાં આવેલું તળાવ છલોછલ ભરાઈ ગયું અને તેનું પાણી તળાવના કાંઠે આવેલાં ઘરોમાં ઘૂસી ગયું હતું. આ તો લગભગ દર વર્ષની વાત છે.
પરંતુ આ વર્ષે તળાવના પાણી સાથે મૃત માછલીઓ પણ તણાઈને જાહેર રસ્તાઓ, ઘરોમાં આવતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે.
કૂતરાં પણ ઘરમાં આ મૃત માછલીઓ ખેંચી લાવે છે.
ગામલોકોનું કહેવું છે કે દુર્ગંધને કારણે ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને લોકોને રોગચાળો ફાટી નીકળવાની બીક છે.
વાવના આ ગામમાં દસ વર્ષથી ગામમાં તળાવનાં પાણી ઘૂસી જવાની સમસ્યા

ઇમેજ સ્રોત, paresh padhiyar/bbc
ઉત્તર ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારમાં જુલાઈ મહિનામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
અહીં જુલાઈમાં કેટલાંય ગામોમાં ઘરો, શાળાઓ, પંચાયતો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. અંદાજે 12 ઇંચ જેટલા વરસાદથી અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે આવા જ એક ગામ મોરીખાના સ્થાનિકોનું કહેવું છે કે અહીં હજુ પણ પાણી ઓસર્યાં નથી, બંધિયાર પાણીથી જીવાત પેદા થઈ રહી છે અને આ પરિસ્થતિમાં ચાંદીપુરા વાયરસનો પણ ભય છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાતના આરોગ્ય વિભાગ અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા શંકાસ્પદ કેસોમાંથી 22 બાળકોનાં ચાંદીપુરા વાઇરસથી મોત થયાં છે.
તંત્ર તરફથી, આરોગ્ય વિભાગે મોરીખા ગામની મુલાકાત લઈ દવાનો છંટકાવ કર્યો હતો.
બીજી તરફ, આ ગામમાં 10 વર્ષથી પાણી ઘૂસી જવાની સમસ્યાનો નિકાલ ન થતાં ગામલોકોએ દલિત વસ્તી હોવાથી આ પ્રકારની સમસ્યા થાય છે તેવો આરોપ લગાવ્યો છે.
સ્થાનિકનું કહેવું છે "આ પાણીમાં મચ્છરો એટલા મોટા છે કે મધમાખી જેવા લાગે છે"

ઇમેજ સ્રોત, paresh padhiyar/bbc
વાવ તાલુકાના મોરીખા ગામે તળાવ કિનારેનાં ઘરોમાં વરસાદી પાણી ભરાયાં છે અને અહીં મૃત માછલીઓ પણ તણાઈ આવી છે, અહીં જાહેર રસ્તાઓ, ઘરોમાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ છે.
બીબીસી સહયોગી પરેશ પઢિયાર સાથેની વાતચીતમાં ગામના લોકોનું કહેવું છે કે આ ગામ 10 વર્ષથી પાણીની આ સમસ્યાનો સામનો કરે છે. અને હવે જ્યારે મૃત માછલીઓ સડી રહી છે ત્યારે આ ગામમાં રહેવું મુશ્કેલ બન્યું છે.
ગામના સ્થાનિક ગીગાભાઈ રાઠોડ કહે છે કે આ પાણીમાં મચ્છરો એટલા મોટા છે કે મધમાખી જેવા લાગે છે.
તેમને સૌથી મોટી બીક વાયરસની લાગે છે.
અન્ય એક રહીશ વાજાભાઈ પરમારનું કહેવું છે કે બાળકોને શાળામાં મૂકવા લેવા જવું હોય તો પણ પાણીને કારણે તેડીને લઈ જવા પડે છે.
વાજાભાઈ પરમાર કહે છે કે, "આવી પરિસ્થિતિ અમારી આખી જિંદગીમાં થઈ નથી. અત્યંત કફોળી સ્થિતિ છે."
"સરકારને રજૂઆત કરી કરીને અમે થાક્યા છીએ, હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ પરિસ્થિતિમાંથી અમને બહાર કાઢે."
"આ પાણી નિકાલ કરવામાં લાખો કરોડોનો ખર્ચો નથી કરવાનો તો પણ તંત્ર બેદરકાર છે."
"અમારા પગ પણ આ બંધિયાર પાણીમાં સળી ગયા છે"

ઇમેજ સ્રોત, paresh padhiyar/bbc
ગામનાં સ્થાનિક મહિલા ગોમતીબહેનનું કહેવું છે કે અમારે સરકાર પાસેથી કોઈ મોટી માંગ નથી માત્ર આ પાણીનો નિકાલ થાય એ જ અમે માંગીએ છીએ.
"અમારાં ખેતરો પણ પાણીમાં ગરકાવ છે, બાળકોને શાળામાં કેવી રીતે મોકલવાં, અનાજ દળાવવા અને શાકભાજી ખરીદવા કેવી રીતે જઈએ આટલાં ગંદાં પાણીમાં તે વિકટ પ્રશ્ન છે"
ગોમતીબહેનનું કહેવું છે કે અમારા પગ પણ આ બંધિયાર પાણીમાં સળી ગયા છે.
"આ પાણીમાં કેટલાય સાપ સહિત ઝેરી જીવજંતુઓ છે તેમ છતાં આ પાણીમાંથી અમે ચાલવા મજબૂર બન્યા છીએ."
તેમનું કહેવું છે કે, "પાણીનો નિકાલ થાય તો અમારી દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય."
"પણ આ વખતે આ પાણીમાં મૃત માછલીઓનો પણ ઢગલો હાલતને વધારે ખરાબ કરે છે, તેની દુર્ગંધ અમને બીમાર કરી શકે છે."
"મારો દીકરો પરદેશ રહે છે, અમે એકલા રહીએ છીએ અહીં ઘણી વખત આ જગ્યા અમને ડરાવે છે."
"આ પાણીમાં સડીને માછલીઓનાં ચીથડાં ઊડી ગયાં છે"

ઇમેજ સ્રોત, paresh padhiyar/bbc
મોરીખાના રહીશ વાજાભાઈ પરમાર બીબીસી ગુજરાતીને જણાવે છે, "અમે છેલ્લાં 10 વર્ષથી આ પરિસ્થતિમાં રહીએ છીએ જ્યાં અમારાં બાળકોનો અભ્યાસથી લઈને આખું અમારું જીવન ખૂબ ખરાબ પરિસ્થતિમાં છે."
"આ પાણીમાં એટલી માછલીઓ મરી ગઈ છે તે હવે આ પાણીમાં સડીને તે માછલીઓનાં ચીથડાં તરી રહ્યાં છે."
"તળાવમાંથી તણાઈ-તણાઈને ગામમાં અસંખ્ય માછલીઓ અહીં આવી છે. અને ગંદાં પાણીમાં તે પણ જીવી શકી નહીં. એટલી જીવાત છે કે સારું જીવન જીવવું અઘરું છે."
"ઘરમાં રહી શકાય તેવું પણ નથી અને કોઈ આ પાણીના નિકાલ તરફ ધ્યાન આપતું નથી."
"કપરા સમયમાં અમારે કેટલા સમય જીવવું તે સતાવે છે, 10 વર્ષ થયાં છે પણ હજુ પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી."
તેમની માંગ છે કે અમને સરકાર કોઈ સારા વસવાટમાં લઈ જાય અથવા આ પાણીનો સરકાર નિકાલ કરે એવી અમારી અરજ છે.
"આ સમસ્યાનો નિકાલ એટલા માટે ઝડપથી નથી આવી રહ્યો કે આ એક દલિત-વાલ્મીકિ વિસ્તાર છે "

ઇમેજ સ્રોત, paresh padhiyar/bbc
અન્ય એક સ્થાનિક હમીરભાઈનું કહેવું છે, ગામમાં 50 ઘર છે.
અન્ય એક સ્થાનિક મહિલા જણાવે છે, "અમારે પૈસા નથી જોઈતા બસ આ પાણીનો નિકાલ કરો અમે અમારાં ખેતર વેચી નાખીને પૈસા તમને આપીશું, બસ આ પાણીનો નિકાલ કરો એવી અરજ છે."
"અહીં કોઈ કમાણી નથી, અમને સતત એ ચિંતા રહે છે કે તળાવમાં અમારાં બાળકો ડૂબી ન જાય તેની ચિંતા અમે બહાર કંઈક કમાવવા પણ નથી જઈ શકતા. અમારાં કપડાં પણ બગડી ગયાં છે. તંત્ર તરફથી ગઈ કાલે અધિકારીઓ આવ્યા હતા. એ લોકો આવીને જોઈને જતા રહ્યા છે."
મહિલા જણાવે છે કે રાત્રે ઊંઘ નથી આવતી કે પાણી વધી જશે અને અમે ડૂબી જઈશું.
ગામના પૂર્વ સરપંચ ગીગાભાઈ રાઠોડનું કહેવું છે કે આ બાબતમાં અહીં સમસ્યાનો નિકાલ એટલા માટે ઝડપથી નહીં આવી રહ્યો કે આ એક દલિત-વાલ્મીકિ વિસ્તાર છે.
તેમનો દાવો છે કે અતિશય ગરીબ વિસ્તાર છે અને અહીં ગંદકીનું નિરાકરણ નથી આવી રહ્યું.
ગામના લોકોને ચાંદીપુરા વાયરસનો છે ભય, તંત્રની શું છે પ્રતિક્રિયા?

ઇમેજ સ્રોત, paresh padhiyar/bbc
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગામના સ્થાનિકોનું કહેવું છે કે અહીં હજુ પણ પાણી ઊતર્યાં નથી, બંધિયાર પાણીથી જીવાત પેદા થઈ રહી છે અને આ પરિસ્થતિમાં ચાંદીપુરા વાયરસનો પણ ભય લાગે છે.
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં ચાંદીપુરા રોગના કેસો વધારો જોવા મળ્યો હતો.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ચાંદીપુરા વાઇરસની માખી કાચાં મકાનોમાં જ રહેતી હોય છે અને ત્યાં રહેતા પરિવારનાં બાળકોને આ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે.
ડૉક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા જેટલું હોય છે, જે આ બીમારીની તીવ્ર ગંભીરતા અને જોખમનો નિર્દેશ કરે છે.
સ્થાનિકોનું કહેવું છે કે, મૃત માછલીઓના કારણે રોગચાળો ફેલાયો છે, તેની પાછળ જવાબદાર તંત્ર સત્વરે યોગ્ય પગલાં ભરે નહીંતર ઘોડા છૂટયે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાશે.
ત્યારે બીબીસી ગુજરાતીના સ્થાનિક સહયોગી પરેશ પઢિયાર જણાવે છે કે ટીડીઓ અને આરોગ્યવિભાગના અધિકારીઓએ આ ગામની મુલાકાત લીધી હતી. અહીં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને સ્થાનિકોમાં ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગે મોરીખા ગામની મુલાકાત લઈ દવાનો છંટકાવ કર્યો હતો.
લોકોને સલાહ સૂચન પણ આપ્યું હતું. આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું કે, અગાઉ પણ મોરીખા ગ્રામપંચાયતને લેખિતમાં શું શું કરવું તેનું માર્ગદર્શન પણ આપ્યું હતું.
મોરીખા ગામના લોકોએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે પણ મરેલી માછલીઓના નિકાલ કરવા કે પરિસ્થિતિ જોવા કોઈ આવ્યું નથી.

ઇમેજ સ્રોત, paresh padhiyar/bbc
આરોગ્ય અધિકારી ડૉ. રાજીવ કુવરસિંહે બીબીસી સહયોગી પરેશ પઢિયારને જણાવ્યું હતું કે અહીં પાણીમાં માછલીઓ મરી જાય છે અને તે પાણી ભરાઈ રહે છે, તેનો નિકાલ ગ્રામ પંચાયતે કરવો પડે પણ એ નિકાલ નથી થતો.
"પરંતુ અમારા તરફથી દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે. જો કે તે કાયમી ઉપાય તો નથી. મુખ્ય તકલીફ પાણી ભરાવવાની છે, તેનો નિકાલ થાય તો જ આ સમસ્યાનું સમાધાન થાય."
તેમણે ઉમેર્યું "અમે આ બાબતે ગ્રામપંચાયતને બે વખત લેખિતમાં જાણ પણ કરી છે."
ગ્રામજનોની ચાંદીપુરાની ચિંતા વિશે તેમણે કહ્યું કે, ચાંદીપુરા તે પાણીમાં ન થાય તે માટીના કાચા મકાન હોય ત્યાં થાય.
વાવના મામલતદાર કે એલ ગોસ્વામી બીબીસી સહયોગી પરેશ પઢિયારને જણાવ્યું હતું કે એમાં સિંચાઈ ખાતાને જાણ કરી છે તેઓ આજે કે કાલે આવી શકે છે. અમે આ પાણી નિકાલ માટે મોટર લગાવવા કહ્યું છે.
"દલિત ગામ હોવાને કારણે આ હેરાનગતિ થતાં હોવાના આરોપ સામે તેમણે કહ્યું કે એવું નથી આમાં ગામલોકોનાં ઘર તળાવના કિનારે છે તેથી પાણી ભરાયું છે. આગામી બેથી ત્રણ દિવસમાં તેનો નિકાલ આવી જશે."
"માછલીઓના સડી જવાને કારણે આવતી દુર્ગંધ દૂર કરવા અમે દવા છંટાવી છે."
મોરીખા ગામના હાલના સરપંચ દેસાઇ ખુમાભાઈ બીબીસીને જણાવે છે, અમારા ગામમાં 2015, 2017 અને 2025ના પૂર્ણ પાણીનો પ્રશ્ન હજુ યથાવત્ છે.
"નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે આસપાસની જમીન પણ બિનઉપજાઉ બની ગઈ છે."
"સરકારને અમારી વિનંતી છે કે ગામમાં નાનકડું પમ્પિંગ સ્ટેશન આપે તો પણ પાણીનો નિકાલ થશે."
"2015થી અમે તાલુકા અને જિલ્લા ઑફિસ સિંચાઇ વિભાગથી લઈને ટીડીઓ સૌને રજૂઆત અમે કરી ચૂક્યા છીએ."
"ગયા વર્ષે મોટર મુકાવીને આ પાણી નિકાલની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ આ હજુ પણ યથાવત્ છે."
"તંત્ર આવીને જાય છે પણ કઈ થતું નથી. માછલીઓ તળાવમાં હતી પણ બહારનું પાણી પણ અહીં આવી જવાને કારણે માછલીઓ મરી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























