રાજકોટ : ત્રણ જુદાં રાજ્યોથી આવેલા શખ્સોએ મળીને આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ લાખોની લૂંટ કેવી રીતે ચલાવી

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
30 જુલાઈની સવારે રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા પ્રાઇમ ઍન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીની ઑફિસમાં બે બંદૂકધારી લૂંટારાઓ ઘૂસી ગયા અને રૂપિયા 19 લાખ રોકડા લઈને નાસી છૂટ્યા.
આ ઘટનાના 11 દિવસ બાદ 10 ઑગસ્ટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશથી એક એક વ્યક્તિને પકડી આ લૂંટના તાણાવાણાને ઉકેલી નાખ્યાનો દાવો કર્યો છે.
પોલીસ કહે છે કે એક આંતરરાજ્ય ગૅંગે મળીને આ લૂંટ ચલાવી હતી. પરંતુ આ ગુનાનું પગેરું રાજકોટના ઇમિટેનશન જવેલરી એટલે કે ઇમિટેશન ઘરેણાં બનાવવાના ઉદ્યોગ સાથે જોડાયેલું છે.
પોલીસ કહે છે કે આ ગુનામાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોના કુલ ચાર પુરુષો સંડોવાયેલા છે અને તેમાંની એક પુરુષ ત્રણ મહિના પહેલાં રાજકોટ આવી ગયો હતો અને રાજકોટની ઇમિટેશન જવેલરી ઉત્પાદન ઉદ્યોગમાં કામ કરવા લાગ્યો હતો. આ જ શખ્સે પછીથી ધોળા દિવસે લૂંટના બનાવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પશ્ચિમ બંગાળથી દિલ્હી અને દિલ્હીથી રાજકોટના ઉદ્યોગમાં

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
રાજકોટ સીટી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ જગદીશ બાંગરવાએ સોમવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે આંગડિયા લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે રમઝાનઅલી ઉર્ફે રાજુ રાહુલ શેખ અને પ્રવીણ ખજીઓ નામના બે લોકોની ધરપકડ કરી છે.
પોલીસે કહ્યું કે 32 વર્ષના રમઝાનઅલી પશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણા જિલ્લાના વતની છે જયારે 28 વર્ષના પ્રવીણ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વતની છે.
બીબીસી સાથે વાત કરતા ડીસીપીએ જણાવ્યું કે રમઝાનઅલી ઇમિટેશન જવેલરીના કારીગર છે.
ડીસીપી બાંગરવાએ કહ્યું કે રમઝાનઅલી દિલ્હીમાં ઇમિટેશન જવેલરીમાં કામ કરતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્રણેક મહિના પહેલાં તે રાજકોટ આવ્યો હતો અને રાજકોટમાં ઇમિટેશન જવેલરી ઉદ્યોગમાં મજૂર તરીકે કામ કરવા લાગ્યો હતો."
"લૂંટ થઈ તેના વીસેક દિવસ અગાઉ લૂંટારાઓ માટે તેણે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું. એ મકાનમાં રહીને આરોપીઓ રાજકોટ શહેરમાં ફર્યા અને લૂંટ થઈ શકે તેવાં સ્થળોની માહિતી એકઠી કરી અને પછી ભાવનગર રોડ પર આવેલી આંગડિયા પેઢીની ઑફિસમાં લૂંટ ચલાવવાનો પ્લાન ઘડ્યો."
ડીસીપીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના સંખ્યાબંધ કારીગરો રાજકોટના ઘરેણાં બનાવવાના ઉદ્યોગમાં કામ કરે છે.
ત્રણ રાજ્યોના લૂંટારા રાજકોટ પહેલાં ક્યાં ભેગા થયા હતા?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સોમવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 30 જુલાઈએ પ્રાઇમ ઍન્ટરપ્રાઇઝની ઑફિસમાં જે બે શખ્સો ઘૂસી જઈને રૂપિયા 19 લાખ રોકડા લઈને નાસી છૂટ્યા હતા તેમની ઓળખ આસુ ઉર્ફે આસ મોહમ્મદ અયૂબ અને અરુણ ઉર્ફે ઇલુ બિશનસિંહ ખટીક તરીકે થઈ છે.
પોલીસે કહ્યું કે આસુ ઉત્તર પ્રદેશનો વતની છે જયારે ઇલુ મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો વાતની છે પરંતુ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં સ્થાયી થયો છે.
પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા જગદીશ બાંગરવાએ કહ્યું કે આરોપીઓની મુલાકાત દિલ્હીમાં થઈ હતી.
તેમણે કહ્યું હતું કે, "રમઝાનઅલી ઉર્ફે રાજુ મૂળ પશ્ચિમ બંગાળના 24 પરગણાનો રહેવાસી છે. તે પહેલાં દિલ્હી ખાતે ઇમિટેશન જવેલરીમાં કામ કરતો હતો અને અહીં છેલ્લા ત્રણ, સાડા ત્રણ મહિનાથી રાજકોટમાં કામ કરતો હતો."
"દિલ્હીમાં જયારે કામ કરતો હતો ત્યારે આસુ ઉર્ફે આસ મોહમ્મદ અને બીજા, જે પ્રવીણ અને ઇલુ એ ત્રણેય આરોપીઓ તેના સંપર્કમાં આવ્યા હતા."
ડીસીપીએ કહ્યું કે 30 જુલાઈએ લૂંટ ચલાવી તેના વીસેક દિવસ પહેલાં આસુએ રમઝાન અલીને ફોન કરીને તેમના માટે રાજકોટમાં એક રૂમ શોધવાનું કહ્યું હતું. તે મુજબ રમઝાન અલીએ ભગવતીપરામાં તેમના માટે એક રૂમ ભાડે રાખીને પછી ચારેયે ભેગા મળીને લૂંટને અંજામ આપ્યો હતો.
19 લાખ લઈને લૂંટારા કઈ રીતે ભાગી ગયા?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
આ ઘટનાના સીસીટીવી ફુટેજમાં બે લૂંટારા પ્રાઇમ ઍન્ટરપ્રાઇઝની ઑફિસમાં આવતા નજરે ચડે છે.
તેમાંનો એક લૂંટારો આંગડિયા પેઢીના કર્મચારી અલ્કેશ દવેનો કાંઠલો પકડી, તેને ધક્કો મારી રોકડા રૂપિયા ભરેલા થેલાને ઝૂંટવી લેવા પ્રયાસ કરતો નજરે ચડે છે. અન્ય એક લૂંટારો અલ્કેશ દવે સામે બંદૂક તાકતો દેખાય છે. છેવટે, બંને લૂંટારા રૂપિયા ભરેલો થેલો લઈને નાસી જતા દેખાય છે.
જગદીશ બાંગરવાએ કહ્યું કે લૂંટના સમયે બંદૂક સાથે દેખાતો આરોપી આસુ છે જયારે થેલો ઝૂંટવી લેવાની કોશિશ કરતો શખ્સ ઇલુ છે.
બીબીસી સાથે વાત કરતા ડીસીપીએ કહ્યું, "આ આરોપીઓએ લૂંટના પ્લાનના એક ભાગ રૂપે એક ચોરાયેલી મોટર સાઇકલમાં એક ખોટી નંબર પ્લેટ લગાડી દીધી હતી."
"રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ પોતે સીસીટીવી કૅમેરામાં દેખાય ન જાય તે રીતે અંતરિયાળ રસ્તાનો ઉપયોગ કરી સુરેન્દ્રનગર પહોંચ્યા અને ત્યાંથી ટ્રેનમાં બેસીને દિલ્હી ભાગી ગયા."
આરોપીઓએ સુરેન્દ્રનગર સુધી પહોંચવા માટે જે મોટરસાઇક્લનો ઉપયોગ કર્યો હતો તે મોટરસાઇકલ પોલીસે કબ્જે કર્યું છે.
રમઝાનઅલીને લૂંટમાંથી કેટલા રૂપિયા ભાગમાં મળ્યા?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ડીસીપીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આસુ સામે પરવાનગી વગર હથિયાર રાખવા, ખૂનની કોશિશ, લૂંટ સહિતના 22 ગુના નોંધાયેલા છે અને તેની સામે ઉત્તર પ્રદેશના ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ પણ કેસ નોંધાયેલા છે.
પોલીસ અનુસાર તે જ રીતે પ્રવીણ સામે રાજસ્થાનમાં પરવાનગી વગર હથિયાર રાખવાનો એક કેસ અને લૂંટોનો એક કેસ એમ કુલ બે કેસ નોંધાયેલા છે.
જગદીશ બાંગરવાએ બીબીસને કહ્યું, "રમઝાનઅલીનો કોઈ ગુનાહિત ભૂતકાળ હાલ સામે આવ્યો નથી. પરંતુ રાજકોટની આ લૂંટના કેસમાં તેની સંડોવણી હતી."
"તે અને પ્રવીણ લૂંટના ગુનામાં આસુ અને ઇલુને મદદ કરતા હતા. રમઝાનઅલી અને પ્રવીણે પૂછપરછમાં જણાવ્યું છે કે તેમને આ લૂંટમાંથી બે લાખ રૂપિયા મળ્યા છે."
આ કેસની તપાસ કરી રહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. ચૌહાણે બીબીસીને જણાવ્યું કે 30 જુલાઈએ આસુ અને ઇલુ આંગડિયા પેઢી પર ત્રાટક્યા એટલે રમઝાનઅલી અને પ્રવીણ પણ રાજકોટ છોડીને જતા રહ્યા હતા.
ચૌહાણે કહ્યું કે, "આ બંને આરોપીઓએ રાજકોથી એક કારમાં બેસીને અમદાવાદ જતા રહ્યા અને અમદાવાદથી ટ્રેનમાં બેસીને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જતા રહ્યા હતા."
બાંગરવાએ કહ્યું કે આસુ અને ઇલુ હજુ ફરાર છે પરંતુ તેમને પકડવા માટે પોલીસ પ્રયાસો કરી રહી છે.
પોલીસે રમઝાનઅલીને સોમવારે અને પ્રવીણને મંગળવારે રાજકોટની કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આ બંને આરોપીના 14 ઑગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ કેસમાં રમઝાનઅલી અને પ્રવીણનો પક્ષ જાણવા બીબીસીએ તેમના વકીલ ચીમન સાકરિયાનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો.
વકીલ ચીમન સાકરિયાએ કહ્યું કે, "પોલીસ એવો આક્ષેપ કરે છે કે આ બંને લૂંટના પ્લાનમાં સામેલ હતા અને લૂંટની રકમમાંથી બે લાખ રૂપિયા તેમને તેમના ભાગ તરીકે મળ્યા હતા. પરંતુ આ પાયાવિહોણા આક્ષેપ છે. હકીકત એ છે કે આ બંને વ્યક્તિઓ ઘટનાસ્થળે હાજર ન હતા અને તેમને આ ગુના સાથે લેવાદેવા નથી."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























