અમેરિકામાં 'બર્થ ટૂરિઝમ' એટલે શું? જન્મજાત નાગરિકતા સામે ટ્રમ્પે આપેલા નવા આદેશની શું અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગ્રેસ એલિઝા ગુડવિન
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં કથિત "બર્થ ટૂરિઝમ"ને સમાપ્ત કરવા અને કેટલાંક ચોક્કસ જૂથોને માટે જન્મના આધારે મળતી નાગરિકતા પર મર્યાદા મૂકવા માટેના નવા ઍક્ઝિક્યુટિવ ઑર્ડરની જાહેરાત કરી છે.
આ પગલું તેમની સરકાર દ્વારા અમેરિકાની નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને સીમિત કરવાનો એક નવા પ્રયાસનો ભાગ માનવામાં આવે છે. આ પહેલાં જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના આ સંબંધિત પ્રથમ પ્રયાસને ફગાવી દીધો હતો.
બર્થ સિટીઝનશિપ એટલે (કેટલાક અપવાદો સિવાય) અમેરિકાની ધરતી પર જન્મ લેનાર કોઈપણ વ્યક્તિને આપોઆપ અમેરિકી નાગરિકતા મળી જાય છે.
બર્થ ટૂરિઝમ એટલે શું?
જ્યારે વિદેશી નાગરિકો ખાસ કરીને પોતાના બાળકને અમેરિકાની નાગરિકતા અપાવવાના હેતુથી બાળકના જન્મ સમયે અમેરિકા આવી જાય, તેને બર્થ ટૂરિઝમ કહેવામાં આવે છે.
ટ્રમ્પના નવા આદેશમાં શું છે?

ગુરુવારે, ટ્રમ્પે બે ઍક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી હતી. આ એવા સરકારી લેખિત આદેશો છે જે કેન્દ્રીય સરકાર માટે હોય છે અને તેને લાગુ કરવા માટે યુએસ કૉંગ્રેસ (સંસદ)ની મંજૂરીની જરૂર હોતી નથી.
તેમાંથી એક બિલ બિન-નાગરિકોની હાલની વ્યાખ્યાઓને વધુ વિસ્તૃત કરે છે, જેમનાં બાળકો જન્મજાત નાગરિકતા માટે લાયક બનતા નથી.
આ આદેશ અનુસાર, અમેરિકામાં જન્મેલાં તેવાં બાળકોને આપમેળે નાગરિકતા આપવાથી અટકાવે છે, જેમનાં માતાપિતામાંથી કોઈ એક વ્યક્તિ અમેરિકાના નાગરિક નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1. કોઈ વિદેશી આતંકવાદી સંગઠનનો સભ્ય હોય.
2. કોઈ વિદેશી સરકારનો કર્મચારી હોય.
3. છેતરપિંડી (ફ્રૉડ કરીને) દ્વારા નાગરિકતા મેળવવાનો પ્રયાસ કર્યો હોય.
4. તેવાં અમેરિકી ક્ષેત્રોમાં રહેતા હોય જ્યાં ફેડરલ કાયદા દ્વારા નાગરિકતાની ખાતરી આપવામાં આવતી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જન્મજાત નાગરિકતા અંગેના વર્તમાન નિયમો હેઠળ આમાંથી કેટલીક શ્રેણીઓને પહેલાથી જ બાકાત રાખવામાં આવી હતી.
જો કે, સ્વતંત્ર અને બિન-પક્ષપાતી રિસર્ચ સેન્ટર 'માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ' (એમપીઆઈ)નાં નીતિ વિશ્લેષક કૉલીન પુત્ઝેલ-કાવાનૉઘના જણાવ્યા અનુસાર, વિદેશી આતંકવાદી જૂથોની સદસ્યતા સાથે જોડાયેલી શ્રેણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
પુત્ઝેલ-કાવાનાઘે ચેતવણી આપી હતી કે આ સભ્યપદ કેવી રીતે, ક્યારે અને કોના દ્વારા નક્કી કરવામાં આવશે તે સ્પષ્ટ કરવું મુશ્કેલ છે.
તેમણે એ પણ સંકેત આપ્યો કે કોઈ વ્યક્તિ આ જૂથોની સભ્ય છે કે નહીં તે ચકાસવાની જવાબદારી સરકાર પર રહેશે કે તે વ્યક્તિએ પોતે તે સભ્ય નથી તે સાબિત કરવાનું રહેશે, તે હજુ સ્પષ્ટ નથી.
બીજો ઍક્ઝિક્યુટિવ ઑર્ડર સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના નિયમો કડક કરવા અને આ પ્રવૃત્તિ સામે નિરીક્ષણ વધારવાના નિર્દેશો આપીને બર્થ ટૂરિઝમની પ્રથાને સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે.
હાલમાં, બાળકોના જન્મના ચોક્કસ હેતુથી અમેરિકાની મુસાફરી કરવી એ ગેરકાનૂની છે.
આ માપદંડ અનુસાર, બર્થ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી કંપનીઓ વિદેશી નાગરિકોને અમેરિકામાં જન્મ આપવા માટે આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતોનો ઉપયોગ કરે છે.
ઑર્ડરના લખાણમાં જણાવાયું છે કે, "તેઓ નાગરિકતા, જાહેર સુવિધાઓ અને વિશિષ્ટ સુવિધાઓ, હોટલો અથવા ભાડાનાં મકાનોમાં અસ્થાયી રોકાણનું વચન આપે છે, પરંતુ અવારનવાર આ વચનો પૂરાં કરવામાં નિષ્ફળ જાય છે."
અમેરિકામાં જન્મથી નાગરિકતાની વ્યાખ્યા

ઇમેજ સ્રોત, Getty Images
જન્મથી નાગરિકતાનો સિદ્ધાંત, જેને કાયદાકીય ભાષામાં "જમીનનો અધિકાર" તરીકે ઓળખવામાં આવે છે, તે યુએસ બંધારણના 14મા સુધારામાં સમાવવામાં આવ્યો છે.
મૂળભૂત રીતે, આ જોગવાઈનો ઉદ્દેશ ગૃહયુદ્ધ પછી અમેરિકી ક્ષેત્રમાં જન્મેલા પૂર્વ ગુલામોને નાગરિકતા આપવાનો હતો.
હાલમાં, અમેરિકામાં જન્મેલી લગભગ તમામ વ્યક્તિઓ આપોઆપ અમેરિકી નાગરિકતા મેળવે છે, પછી ભલે તેમનાં માતાપિતાનું ઇમિગ્રેશન સ્ટેટસ ગમે તે હોય. જોકે. તેમાં કેટલાક અપવાદો છે.
તે અપવાદો નીચે મુજબ છે:
1. અમેરિકામાં જન્મેલા વિદેશી રાજદ્વારીનાં બાળકો.
2. અમેરિકી ક્ષેત્ર પર શત્રુતામાં કબજા દરમિયાન દુશ્મન સૈનિકોનાં પેદા થયેલાં બાળકો.
3. અમુક બિન-સમાવિષ્ટ ક્ષેત્રોમાં જન્મેલા લોકો જ્યાં ફેડરલ કાયદાએ સ્પષ્ટપણે નાગરિકતાનો અધિકાર આપ્યો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
ઉદાહરણ તરીકે, પ્યુર્ટો રિકો, ગુઆમ અથવા યુએસ વર્જિત આઇલૅન્ડ્સમાં જન્મેલા લોકો આપોઆપ નાગરિકતા મેળવે છે. આનાથી વિપરીત, અમેરિકન સમોઆમાં જન્મેલા લોકોને તે આપોઆપ મળતી નથી અને તેમને "નૉન સિટીઝન નૅશનલ" માનવામાં આવે છે.
અમેરિકામાં કેટલા બર્થ ટૂરિસ્ટ્સ છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ અઠવાડિયે, ટ્રમ્પે દાવો કર્યો હતો કે બર્થ ટૂરિઝમના પરિણામે અમેરિકામાં "લાખો" બાળકોનો જન્મ થયો છે.
જોકે, તેમણે કોઈ પુરાવા રજૂ કર્યા નથી અથવા આ આંકડો વાર્ષિક છે કે કુલ એકત્રિત છે તે સ્પષ્ટ કર્યું નથી.
અમેરિકામાં બાળકને જન્મ આપવા માટે ટૂરિસ્ટ વિઝા પર આવતી મહિલાઓ અંગે કોઈ ચોક્કસ સરકારી આંકડા નથી. જોકે, દેશમાં બાળકોને જન્મ આપનાર વિદેશી નિવાસીઓ અંગેનો ડેટા ઉપલબ્ધ છે.
સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના તાજેતરના અંદાજ અનુસાર, 2024માં નોંધાયેલાં વિદેશી સરનામાં ધરાવતી માતાઓથી 9,500થી વધુ બાળકોનો જન્મ થયો હતો.
તેની સરખામણીમાં, તે જ વર્ષે અમેરિકામાં કુલ 37 લાખ જન્મો નોંધાયા હતા. તેથી વિદેશી રહેઠાણ ધરાવતી માતાઓનાં બાળકોનો જન્મ કુલ જન્મોના લગભગ 0.25% હતો.
જોકે, માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટનું માનવું છે કે આ ડેટા કદાચ વાસ્તવિકતા કરતાં ઓછો લાગે છે, કારણ કે કેટલાક વિદેશીઓ જન્મની નોંધણી કરતી વખતે તેમના સામાન્ય રહેઠાણને બદલે યુએસ સરનામાનો ઉપયોગ કરી શકે છે.
એમપીઆઈનો અંદાજ છે કે બર્થ ટૂરિઝમના પરિણામે દેશમાં વાર્ષિક 20,000થી 26,000 બાળકોનો જન્મ થાય છે, જે દર વર્ષે નોંધાયેલા તમામ જન્મોના 0.5%થી 0.7%ની સમકક્ષ છે.
આ ગણતરી યુએસ વસ્તી ગણતરીના ડેટાના વ્યાપક વિશ્લેષણ પર આધારિત છે, જોકે અભ્યાસ પોતે સ્વીકારે છે કે ચોક્કસ આંકડા જાણવા મુશ્કેલ છે.
નિષ્ણાત પુત્ઝેલ-કાવાનાઘના જણાવ્યા અનુસાર, બર્થ ટૂરિઝમ "મૂળભૂત રીતે બાળકના જન્મ માટે અમેરિકા મુસાફરી કરવાના વ્યક્તિના ઇરાદા પર આધારિત છે અને ડેટા દ્વારા તે ઇરાદાને પકડવો મુશ્કેલ છે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે ઉમેર્યું કે કેટલીક મહિલાઓ અન્ય કારણોસર મુસાફરી કરતી હોઈ શકે છે અને તબીબી કટોકટીના કારણે અમેરિકામાં જન્મ આપવા માટે મજબૂર થઈ શકે છે ભલે તેઓ શરૂઆતમાં પોતાના દેશમાં જ જન્મ આપવાનો ઇરાદો ધરાવતી હોય.
સુપ્રીમ કોર્ટમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલમાં જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે ટ્રમ્પ સરકારે જન્મજાત નાગરિકતા સામેની તેમની મોટાભાગની દલીલો આ પ્રથાનો અંત લાવવાની જરૂરિયાત પર આધારિત કરી હતી.
ઍટર્ની જનરલ ડી. જૉન સૉયર દલીલ કરી હતી કે યુએસની ધરતી પર જન્મેલી દરેક વ્યક્તિને નાગરિકતા આપવાથી બર્થ ટૂરિઝમ ઉદ્યોગને પાંખો મળી છે અને "દેશ સાથે કોઈ અર્થપૂર્ણ જોડાણ ન ધરાવતા તેવા વિદેશમાં પણ અમેરિકાના નાગરિકોની આખી પેઢી" ઊભી થઈ છે.
સુનાવણી દરમિયાન એક તબક્કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સે સૉયરને પૂછ્યું કે શું તેઓ એ વાત સાથે સંમત છે કે બર્થ ટૂરિઝમની "અમારી સામેની હાલની કાનૂની વિશ્લેષણ પર કોઈ પ્રભાવ નથી પડતો."
સાઉરે જવાબ આપ્યો કે બર્થ ટૂરિઝમનું અસ્તિત્વ દર્શાવે છે કે 14મો સુધારો એવા અણધાર્યા પરિણામો ઉત્પન્ન કરે છે જેને તેના ઘડવૈયાઓએ ક્યારેય મંજૂરી આપી ન હોત.
તેમણે ઉમેર્યું: "આપણે હવે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં 8 અબજ લોકો યુએસ નાગરિક હોય તેવાં બાળકને જન્મ આપવાથી માત્ર એક ફ્લાઇટ દૂર છે."
હાઇકોર્ટના મોટાભાગના ન્યાયાધીશોની જેમ રૉબર્ટ્સે તે અર્થઘટનને ફગાવી દીધું હતું અને જવાબ આપ્યો હતો: "આ એક નવી દુનિયા છે. પણ બંધારણ એ જ છે."
અન્ય કયા દેશોમાં જન્મથી નાગરિકતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે યુનાઇટેડ સ્ટેટ્સ એવા કેટલાક પ્રમુખ દેશોમાંથી એક છે જે જન્મના આધારે નાગરિકતા આપે છે.
જો કે, 30થી વધુ દેશો આપોઆપ અને વ્યવહારિક રીતે કોઈ નિયંત્રણો વિના આ સિદ્ધાંત લાગુ કરે છે. જેમાં આર્જેન્ટિના, બ્રાઝિલ અને મૅક્સિકો તેમજ મોટાભાગના મધ્ય અમેરિકન દેશોનો સમાવેશ થાય છે.
ઇન્ટરનૅશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા વિકસિત અર્થતંત્ર માનવામાં આવતા દેશોમાં માત્ર યુએસ અને કૅનેડા જ એવા દેશો છે જે જન્મથી નાગરિકતા મોટાભાગે અપ્રતિબંધિતિતતા જાળવી રાખે છે.
અન્ય દેશો, જેમ કે યુનાઇટેડ કિંગડમ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો સુધારેલા મૉડેલો લાગુ કરે છે જેમાં જો માતાપિતામાંથી ઓછામાં ઓછું એક નાગરિક અથવા કાયમી નિવાસી હોય તો જ જન્મથી નાગરિકતા આપોઆપ આપવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























