ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો, હવે ચાર દિવસ સુધી કયા જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઉત્તર ભારતમાં જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ છે ત્યારે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા, નવસારી અને સુરત જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગની જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ વરસાદ છે.

26 ઑગસ્ટની સવારથી 27 ઑગસ્ટની સવાર સુધીના 24 કલાકમાં ગુજરાતમાં 63 તાલુકાઓમાં થોડો ઘણો વરસાદ નોંધાયો છે. તેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધારે 2.32 ઇંચ, ડાંગના સુબીરમાં 1.85 ઇંચ, ડાંગ-આહવામાં 1.50 ઇંચ, નવસારીના વાંસદામાં 1.10 ઇંચ, છોટા ઉદેપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલ, વડોદરા, સુરત, દાહોદમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડ્યો છે. એકંદરે છેલ્લા બે દિવસમાં વરસાદ ધીમો પડ્યો હોય તેવું લાગે છે.

ચોમાસામાં અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે?

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે બંગાળની ખાડી અને ઓડિશાના દરિયાકિનારે એક લૉ-પ્રેશરનો એરિયા રચાયો છે. તેને સંલગ્ન સાઇક્લૉનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સ્થિત છે. આગામી બે દિવસમાં તે પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધીને વધારે મજબૂત બને તેવી શક્યતા છે.

હરિયાણા અને ઉત્તરપૂર્વ રાજસ્થાન પર 5.8 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.

હાલમાં જે મોન્સૂન ટ્રફ રચાયો છે તે ગંગાનગર, સિરસા, આગ્રા, સિંધી, સાંબલપુરથી લઈને બંગાળની ખાડી અને ઓડિશાના દરિયાકિનારા સુધી જાય છે.

હવે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે?

અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 ઑગસ્ટ, બુધવારે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છનો સમાવેશ થાય છે.

28 ઑગસ્ટે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

તેવી જ રીતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગુરુવારે કેટલાંક સ્થળે હળવો વરસાદ પડવાની સંભાવના છે.

29 ઑગસ્ટે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

30 ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અમુક સ્થળો પર ભારે વરસાદ પડશે જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.

ડૅમમાં પાણીનું પ્રમાણ વધ્યું

હાલમાં ઉત્તર ગુજરાતના 15 મોટા ડૅમમાંથી ત્રણ ડૅમ છલકાઈ ગયા છે. આ મધ્ય ગુજરાતના 17માંથી 5 ડૅમ, સાઉથ ગુજરાતના 13માંથી નવ ડૅમ, કચ્છમાં 20માંથી પાંચ ડૅમ અને સૌરાષ્ટ્રના 141માંથી 51 ડૅમ છલકાઈ ગયા છે.

રાજ્યના 206 ડૅમમાંથી 73 ડૅમ છલકાઈ ગયા છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ 89 ટકા ભરાઈ ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન