'આ મુશ્કેલ હતું', સૂર્યકુમાર યાદવને ભારતની ટી20 ટીમમાંથી પડતા મૂકવાનું કારણ આપતાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ 2026 માટે ટી20 ટીમની જાહેરાત કરી દીધી હતી.

આ જાહેરાતમાં બે વાતો મુખ્ય રહી. બંને સિરીઝ અને એશિયન ગેમ્સની ટીમ માટે વૈભવ સૂર્યવંશીની ભારતની સિનિયર ટીમમાં પસંદગી કરાઈ છે. તેમજ તાજેતરમાં ટી20 વર્લ્ડકપમાં જીત અપાવનારા સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બહાર કરી દેવાયા છે.

ભારતીય ટીમની જાહેરાત પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને બીસીસીઆઇ સચિવ દેવજિત સૈકિયાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કરી હતી.

નોંધનીય છે કે સૂર્યકુમાર યાદવને સ્થાને ટી20 ટીમની આગેવાનીની જવાબદારી શ્રેયસ અય્યરને અપાઈ છે.

આ સિવાય તિલક વર્માને ટીમના ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ત્રણેય ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યા પણ ટીમનો ભાગ નહીં હોય.

સૂર્યકુમાર યાદવને કેમ ટીમમાંથી બહારનો રસ્તો બતાવાયો?

સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને ટી20ના કૅપ્ટન બનાવવાની વાત અંગે મુખ્ય પસંદગીકાર પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "અમે જોયું છે કે તેમણે પાછલાં કેટલાંક વર્ષોમાં અલગ અલગ ફ્રૅન્ચાઇઝીને લીડ કરતી વખતે શું કર્યું છે. તેમણે એક વાર (આઇપીએલ ટાઇટલ) જીત્યું, શાનદાર શરૂઆત બાદ આ વર્ષે તેમની સિઝન વધુ મુશ્કેલ રહી. તેમણે એ બધું જોયું છે જે એક કપ્તાન જોઈ શકે છે."

આ સિવાય અજિત અગરકરે કહ્યું, "તેમનું પ્રદર્શન પણ ખૂબ સારું રહ્યું છે. તેમજ ટી20 વર્લ્ડકપ ટીમમાં પણ જગ્યા બનાવવાની ખૂબ નિકટ હતા, પરંતુ સૂર્યા હજુ ટીમમાં છે, તેમના માટે કોઈ જગ્યા નહોતી. મારા મતાનુસાર તે એક ઘણા અનુભવી હોવાની સાથે 'સ્ટેન્ડ-આઉટ કૅન્ડિડેટ' છે. આ સ્પષ્ટપણે એક અલગ પડકાર હશે."

"સૂર્યકુમારની વાત કરીએ તો આ મુશ્કેલ હતું, તેમની આગેવાનીમાં હાલમાં જ ટીમ ટી20 વર્લ્ડકપ જીતી છે, પરંતુ જેવું કે બધા વર્લ્ડકપ પછી થાય છે, તમારે તમારા માટે આગળનો કયો રસ્તો સૌથી શ્રેષ્ઠ છે એ અંગે ફરીથી ગણતરીઓ માંડવાની હોય છે. આંશિક રીતે તેનું પોતાનું ફૉર્મ, પરંતુ આગામી વર્લ્ડકપ સુધી બે વર્ષ કે તેનાથી થોડા વધુ સમય માટેનું ચક્ર જોતાં અમને આ આગળ વધવા માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો લાગ્યો."

"મેં જેમ પહેલાં કહ્યું એમ શ્રેયસ એક યોગ્ય ઉમેદવાર હતો."

સૂર્યકુમારને ડ્રૉપ કરવા અંગે ક્રિકેટ નિષ્ણાતોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

આકાશ ચોપરાએ કહ્યું, "બધાને ખ્યાલ હતો કે 2028ના વર્લ્ડકપમાં સૂર્યકુમાર યાદવ નહીં હોય, તમે અન્ય કોઈની તરફ જવાના છો. તમે તેમને સમય આપવા માગો છો. શ્રેયસને જે મળી રહ્યું છે એ તેના માટે યોગ્ય છે, પરંતુ મારા મત પ્રમાણે, છેલ્લે જ્યારે ભારત રમ્યું, ત્યારે સૂર્યકુમારના હાથમાં ટ્રૉફી હતી અને તેઓ કપ્તાન હતા. અત્યાર સુધી ભારત માટે ચાર કપ્તાનોએ જ વર્લ્ડકપ ઉઠાવ્યો છે. જો આ જ કપ્તાન હોય તો શું તમારે આ વર્લ્ડકપ જીત બાદ શું એક સિરીઝનો સમય તેમને નહોતો આપવો જોઈતો, કારણ કે હજુ આગામી વર્લ્ડકપ માટે બે વર્ષનો સમય છે અને આપણે 50-60 ટી20 મૅચો રમીશું. તો શું તેમને એક ગૌરવપૂર્ણ વિદાય નહોતી આપવી જોઈતી."

વૈભવ સૂર્યવંશીની પસંદગી કેમ કરાઈ?

વૈભવની ટીમ ઇન્ડિયામાં ઍન્ટ્રી પર વરિષ્ઠ રમતગમત પત્રકાર અયાઝ મેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "વૈભવ સૂર્યવંશી માટે આઇપીએલની સિઝન ખૂબ જ શાનદાર રહી. તેમણે 700થી વધુ રન બનાવ્યા. ખાસ વાત તો તેમની રન બનાવવાની સ્ટાઇલ હતી. એ આશા કરતાં વધુ હતું."

"તેમણે ઉંમર અંગે ઊઠી રહેલા તમામ સવાલોનો જવાબ આપી દીધો. સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, માઇકલ ક્લાર્ક જેવા દિગ્ગજોનું માનવું હતું કે તેમને ટી20 માટે ટીમ ઇન્ડિયામાં લાવવા જોઈએ. આ નિર્ણય યોગ્ય છે. જો બે-ત્રણ વર્ષ બાદ આ નિર્ણય આવ્યો હોત તો તેઓ નિરાશ થઈ ગયા હોય. વૈભવનું ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સ્વાગત છે."

અયાઝ મેમણે સૂર્યકુમારની કપ્તાની જવા અને શ્રેય અય્યરને કમાન મળવાની વાત અંગે પણ લખ્યું.

તેમણે કહ્યું, "જો તમે ટીમમાં પોતાની જગ્યા નથી બનાવી શકી રહ્યા, તો તમને કપ્તાન તરીકે કઈ રીતે જાળવી રાખી શકાય. સૂર્યકુમાર યાદવ રન નહોતા બનાવી શકી રહ્યા, પછી ભલે એ વર્લ્ડકપ હોય કે એની પહેલાં અને હવે આઇપીએલ. સ્પર્ધા તો જુઓ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, ઈશાન કિશન, અભિષેક શર્મા અને તિલક વર્મા અને હવે શ્રેયસ અય્યર જેઓ કપ્તાન પણ બની ગયા છે."

એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ

શ્રેયસ અય્યર, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશકુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપસિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી

ઇંગ્લૅન્ડ અને આયર્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ

શ્રેયસ ઐયર, તિલક વર્મા, રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશકુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપસિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન