ગુજરાતમાં ત્રણથી ચાર દિવસમાં ફરી વરસાદની આગાહી, ક્યાં ક્યાં વરસી શકે?

પ્રકાશિત

ગુજરાતમાં પાછલા અમુક દિવસથી વરસાદે વિરામ લીધો છે. છૂટાછવાયાં સ્થળો પડેલા વરસાદને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વરસાદે થોડા સમય માટે વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પરંતુ હવે ફરીથી ગુજરાતમાં વાતાવરણ પલટાય તેવી તેમજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાવા લાગી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના ટ્રૅકમાં થોડો ફેરફાર થતાં ગુજરાતમાં ફરી વાર મેઘમહેર જોવા મળી શકે છે.

આ બદલાવને કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એક વાર પલટો આવે તેવી અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.

ફેરફારને કારણે કયાં સ્થળોએ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે? શું વરસાદનો નવો રાઉન્ડ લાંબો ચાલશે? કયા જિલ્લામાં ભારે અને ક્યાં મધ્યમથી હળવી કક્ષાનો વરસાદ પડવાની શક્યતા છે? આ તમામ પ્રશ્નોના જવાબ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

કેવી રીતે બદલાઈ રાજ્યમાં વરસાદની સ્થિતિ?

અગાઉનાં અનુમાનો અનુસાર બંગાળની ખાડીમાં પાછલા દિવસો દરમિયાન લૉ-પ્રેશર એરિયા સર્જાયું હતું.

તે બાદ આ લૉ-પ્રેશર એરિયા ‘મેઇનલૅન્ડ ઇન્ડિયા’ તરફ આગળ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.

પરંતુ પ્રારંભિક અનુમાનો અનુસાર આ ફેરફાર આગળ વધવાની અસર ગુજરાત પર થવાની નહોતી, કારણ કે સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાવાની વાત કરવામાં આવી હતી.

જોકે, તાજેતરમાં મળી રહેલ માહિતી અનુસાર લૉ-પ્રેશર વિસ્તાર મધ્યપ્રદેશના મધ્ય ભાગ સુધી સિસ્ટમ આવે તેવું દેખાઈ રહ્યું છે.

જો આવું થાય તો ગુજરાતના કેટલાક ભાગો પર તેની અસર થાય એ પણ સ્વાભાવિક છે.

તેના કારણે તાજેતરમાં કરાયેલાં વરસાદ ન પડવાનાં અનુમાનોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

નવી સ્થિતિ પ્રમાણે લૉ-પ્રેશર એરિયા, અરબી સમુદ્ર તરફથી આવતા પવનો અને પશ્ચિમ ઘાટ તરફના વાતાવરણમાં આવેલા બદલાવોની અસરને કારણે મુંબઈમાં પણ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.

નોંધનીય છે કે આ પહેલાં મુંબઈ પર વરસાદ પડવાની ઓછી શક્યતા દેખાઈ રહી હતી. તેના સ્થાને હવે નવા બદલાવોને કારણે મુંબઈમાં પણ ઑગસ્ટ માસના અંતમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

વરસાદે વિરામ લીધા બાદ હવે ગુજરાતમાં ખેડૂતો પાકની સારી ઊપજ માટે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો સિસ્ટમ અનુમાન પ્રમાણે આગળ વધવાને કારણે પહેલાં દક્ષિણ-પૂર્વ અને પછી કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે.

આજથી ગુજરાતમાં ત્રણથી ચાર દિવસ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, સુરત, નર્મદા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, આણંદ, ખેડા અને વડોદરાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને સૌરાષ્ટ્રના બાકીના તમામ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ હળવો વરસાદ વરસે તેવી સંભાવના છે.

તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. અહીંના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં અને કેટલાક તાલુકામાં વરસાદની શક્યતા છે.

આ સિવાય ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવો અને મધ્યમ વરસાદ વરસી શકે છે.