કોરોના : ગુજરાતમાં BF.7 વૅરિયન્ટના કેસ અંગે આરોગ્યવિભાગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના આરોગ્યવિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોના- ઓમિક્રૉનના BF 7 વૅરિયન્ટનો હાલ એક પણ સક્રિય કેસ નથી. જોકે, રાજ્યમાં જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વૅરિયન્ટના કેસ નોંધાયા હતા.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોરોનાપૉઝિટિવ આવતાં સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે ગાંધીનગર ખાતે સરકારી ટેસ્ટિંગ લૅબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
ઉપરાંત વડોદરાનાં 61 વર્ષીય મહિલાનો કોવિડ રીપોર્ટ પૉઝિટિવ આવતાં જીનોમ સિકવન્સિંગ સેમ્પલ 19 નવેમ્બરે પૉઝિટિવ આવ્યું હતું. જ્યારે અમદાવાદના 57 વર્ષના પુરુષ દર્દીનો રિપોર્ટ 20 ડિસેમ્બરે પૉઝિટિવ આવ્યો હતો. જોકે, આ તમામ દર્દીઓ ઘરે જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા હોવાનું ગુજરાતનું માહિતીખાતું જણાવી રહ્યું છે.
આ દરમિયાન આરોગ્ય વિભાગની આ સંદર્ભે એક બેઠક યોજાઈ હતી અને કોરોના સામેની તૈયારી તથા વ્યવસ્થાની સમિક્ષા કરવામાં આવી હતી.

વડોદરામાં BF.7નો કેસ, અમેરિકાથી આવેલ મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ, તંત્રે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં ઓમિક્રૉનના જે સબવૅરિયન્ટના કારણે એકાએક કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે. એ BF.7 સબવૅરિયન્ટનો વડોદરામાં એક પૉઝિટિવ કેસ નોંધાયો છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારપરિષદ સંબોધીને આ અંગે માહિતી આપી હતી.
વડોદરામાં નોંધાયેલો કેસ 61 વર્ષીય મહિલાનો છે. આ મહિલા 11 સપ્ટેમ્બર 2022ના રોજ અમેરિકાથી આવી હતી. એક અઠવાડિયા બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મહિલા વિદેશમાંથી આવી હોવાથી તેમનાં સૅમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતાં. જેનું પરિણામ 21 ડિસેમ્બરે આવતાં BF.7થી સંક્રમિત હોવાનું પુરવાર થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મહિલાએ કોરોના વૅક્સિનના ત્રણેય ડોઝ લીધા હતા અને હોમ આઇસોલેશનમાં રહીને સારવાર લીધી હતી.
મહિલા હાલમાં ઘરે જ હોવાનું અને તેમની તબિયત સામાન્ય હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
આ દરમિયાન 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ' ગાંધીનગરના નિદેશક ડૉ. દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જેટલું વધારે સિક્વન્સિંગ થશે, તેટલી વધારે માહિતી બહાર આવશે કે આ વૅરિયન્ટ કેટલો જોખમી છે. પરંતુ ચીનમાંથી જે સમાચાર મળી રહ્યા છે, તે સારા નથી.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “એ પણ જોવાનું રહેશે કે આ નવા વૅરિયન્ટ સામે આપણી ભારતીય વૅક્સિન કેટલી કારગર છે. આ માટે તકેદારી તો રાખવી જ પડશે. કારણકે ચિંતાનું કારણ તો છે જ.”

કોરોના :ચીનમાં ફરીથી કેર મચાવનારા BF.7 વૅરિયેન્ટના બે કેસ ગુજરાતમાં નોંધાયા?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચીનમાં કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર કોરોનાના સબ વૅરિયન્ટ બીએફ.7ના ત્રણ કેસ ભારતમાં નોંધાઈ ચૂક્યા હોવાનું સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને 'એનડીટીવી' જણાવે છે.
BF.7નો પ્રથમ કેસ ઑક્ટોબર મહિનામાં ગુજરાત બાયોટેકનૉલૉજી રિસર્સ સેન્ટરને મળી આવ્યો હતો. અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં ગુજરાતમાં આ વૅરિયન્ટના બે કેસ નોંધાયા છે જ્યારે ત્રીજો કેસ ઓડિશામાં નોંધાયો હતો.
આ દરમિયાન કોરોના વાઇરસના જોખમને જોતાં બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી, પરંતુ દેશ દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
મનસુખ માંડવિયાએ કહ્યું, "કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસ વધતા આજે વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી. કોવિડ હજુ ખતમ થયો નથી. મેં બધા સંબંધિત પક્ષોને સતર્ક રહેવા અને ચુસ્ત નિરીક્ષણ રાખવાના નિર્દેશ આપ્યા છે. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છીએ."
ચીનમાં કોરોનાની ગંભીર લહેર આવી છે અને તેના કારણે ભારતમાં પણ ચિંતા વધી ગઈ છે.ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

ચીનમાં 80 કરોડ લોકોના સંક્રમિત થવાની સંભાવનાથી ફફડાટ, ભારત સહિત વિશ્વમાં ચિંતા વધી

ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. ચીનમાં કોવિડની સૌથી મોટી લહેર આવી છે અને સંક્રમણ સતત વધી રહ્યું છે.
ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં ચીનમાં કોવિડ 19ને કારણે 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે. એનપીઆરની રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોનાથી મરનારાની સંખ્યા પાંચ લાખ થઈ શકે છે.
જોકે હાલમાં ચીને જે મૃત્યુના અધિકારિક આંકડા આપ્યા છે તે આ સંખ્યાથી ઘણા ઓછા છે.
ચીનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મંગળવારે ચીનમાં કોવિડને કારણે પાંચ જ્યારે કે સોમવારે માત્ર 2નાં મોત થયાં. જોકે મનાય છે કે ચીન જે પ્રકારે કોરોનાના મૃત્યુની ગણના કરે છે તે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માનકોથી વિપરીત છે. મોટેભાગે ચીન શ્વાસની બીમારીને કારણે થએલા મોતને જ કોવિડથી થએલું મોત ગણાવે છે.
ચીન સિવાય, અમેરિકા, બ્રાઝિલ, જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ચીન સહિત દુનિયામાં કોરોના વાઇરસને કારણે ચિંતા વધતા ભારત પણ સતર્ક થયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આરોગ્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.
કેન્દ્ર સરકારે રાજ્યોને કોવિડ પૉઝિટિવ સૅમ્પલ્સમાં જિનોમ સિક્વન્સિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવા વૅરિયન્ટની તપાસ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૅમ્પલ આઈએનએસએસીઓજી લૅબોરેટરીમાં મોકલવાનું કહ્યું હતું.
કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેેશ ભૂષણે કહ્યું હતું કે, "જાપાન, અમેરિકા, બ્રાઝિલ, કોરિયા અને ચીનમાં કોરોનાના કેસ વધતાં પૉઝિટિવ કેસનું સાર્સ-કોવ-2 જિનોમ કૉન્સોર્શિયમ નેટવર્ક મારફતે જિનોમ સિક્વન્સિંગ જરૂરી છે."



























