લોકસભામાં ગૅલેરીમાંથી સદનમાં કૂદનાર બે પ્રદર્શનકારીઓ કોણ હતા, એમનો પરિવાર શું કહે છે?

ઇમેજ સ્રોત, ANI
ભારતીય સંસદની બહાર બુધવાર બપોરે રંગીન ધુમાડો છોડવાના મામલામાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. લોકસભાની અંદર બે લોકોએ વેલ તરફ ધસી જવાનો પ્રયાસ કર્યો હતો અને રંગીન ધુમાડો છોડ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ સાંસદોની ઉપરથી કૂદતાં સ્પીકર તરફ ધસી રહ્યો છે. આ શખ્સને પકડવાનો પ્રયાસ કરતાં સાંસદોને પણ જોઈ શકાય છે.
આ ઉપરાંત બહાર સૂત્રોચ્ચાર કરી રહેલા બે શખ્સોને પણ પકડી લેવાયા છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
એક મીડિયામાં એક મહિલા પોલીસકર્મી એક મહિલાને પકડીને લઈ જતાં જોવા મળે છે. વીડિયોમાં આ મહિલાને સૂત્રોચ્ચાર કરતાં જોઈ શકાય છે, "ભારતમાતાની જય, તાનાશાહી બંધ કરો. જય ભીમ-જય ભારત, સંવિધાન બચાવો. મહિલાઓ પર અત્યાચાર નહીં ચાલે"
ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓ આ મામલે ધરપકડ કરાયેલા ચાર લોકોની પૂછપરછ કરી રહ્યા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ગૅલરીમાંથી કૂદનારા બન્ને લોકોનાં નામ સાગર શર્મા અને મનોરંજન છે.
એએનઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું, "અમે એમના બૅકગ્રાઉન્ડ અંગે જાણકારી મેળવી રહ્યા છે. સાગર શર્મા મૈસૂરનો રહેવાસી છે અને બેંગલુરુની એક યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. બીજી વ્યક્તિ પણ મૈસૂરની જ છે."
આ દરમિયાન દિલ્હી પોલીસે ઘટના દરમિયાન સંસદની બહાર રંગીન ધુમાડો ઉડાવનારી મહિલા નીલમ અને એમના સાથીની માહિતી જાહેર કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એએનઆઈ અનુસાર દિલ્હી પોલીસે ટ્રાન્સપૉર્ટ ભવનની બહાર બે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી, જેમાંથી એક મહિલા છે અને એક પુરુષનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર બન્ને રંગબેરંગી ધુમાડા સાથે વિરોધપ્રદર્શન કરી રહ્યાં હતાં.
આરોપીનાં માતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
બીજી તરફ સંસદની બહાર પ્રદર્શન કરવા બદલ નીલમ નામનાં મહિલાની ધરપકડ કરી લેવાઈ.
ભારતીય સંસદભવનની બહાર બુધવારે રંગીન ધુમાડો છોડવાના મામલે અટકાયત કરાયેલ નીલમની સુરક્ષા એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. નીલમનો પરિવાર હરિયાણાના જિંદમાં રહે છે. નીલમનાં માતા અને નાના ભાઈએ કહ્યું કે તેમને નીલમના દિલ્હી જવા અંગે કોઈ જાણકારી નહોતી.
નીલમનાં માતાએ સમાચાર એજન્સી એએનઆઈનું કહ્યું છે કે તેમની પુત્રી નોકરી ન મળવાને લીધે ચિંતામાં હતી.
તેમણે જણાવ્યું, "બેરોજગારીને લીધે એ ભારે ચિંતામાં હતી. મેં એની સાથે વાત કરી હતી પણ મને દિલ્હી અંગે કંઈ નહોતું જણાવાયું. તે મને કહેતી કે તે આટલી ભણેલીગણેલી છે પણ નોકરી છે જ નહીં. આનાથી તો મરી જવું વધુ સારું."
નીલમના નાના ભાઈએ જણાવ્યું, "મોટાભાઈ થકી અમને નીલમની અટકાયત અંગે સૂચના મળી. તેમણે અમને ફોન કરીને જણાવ્યું કે ટીવી ઑન કરો... નીલમને પકડી લીધી છે."
મૈસૂરમાં મનોરંજનના પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગૅલરીથી લોકસભાના ફ્લોર પર કૂદનારા એક શખ્સનું નામ મનોરંજન છે.
બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશી અનુસાર, મનોરંજના પિતા દેવરાજુ ગૌડાએ મૈસૂરમાં પોતાના પુત્રની 'હરકત'ને 'નિંદનીય' ગણાવી છે.
દેવરાજુ ગૌડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ ખેડૂત છે અને તેમના પુત્રે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું કે મનોરંજન હાસન જિલ્લામાં આવેલા પોતાના ગામમાં પોતાની જમીન પર ખેતી કરતો હતો.
તેમણે કહ્યું, "સંસદ આપણી છે. આ સંસદભવન છે. જે થયું એ નિંદાને પાત્રને છે. તમે સંસદની બહાર પ્રદર્શન કરી શકો, પણ આવું ન કરી શકો."
દેવરાજુ ગૌડાએ કહ્યું, "અમે પ્રતાપ સિમ્હાના મતવિસ્તારમાં રહીએ છીએ. મનોરંજન સારો પુત્ર છે. અમને તેને સારા સંસ્કાર આપ્યા છે. તેણે આજે જે કર્યું એ કેમ કર્યું એ મને નથી ખબર."
"તેણે (મનોરંજન) વિવેકાનંદને ખૂબ વાંચ્યા છે. તે સમાજ માટે, વંચિતો માટે માત્ર સારું કરવા માગતો હતો. અમારા પડોશમાં કોઈને પણ પૂછી શકો છો. કોઈ પણ તેના વિશે એક પણ ખરાબ વાત નહીં કરે."
એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ મનોરંજને કોઈના અધીન કામ કર્યું નથી. તેઓ મરઘા, ઘેટાં અને માછલી પાળતા હતા.
પિતાએ જણાવ્યું કે તે દિલ્હી જતો હતો પણ ક્યારેય જણાવ્યું નથી કે ત્યાં શું કરતો હતો.
કર્ણાટક પોલીસના એસીપી રેન્કના એક અધિકારી તેમના ઘરે પરિવાર સાથે વાત કરવા ગયા હતા. તેમના પિતાએ પત્રકારોને મનોરંજનનાં પુસ્તકો પણ બતાવ્યાં હતાં.
આરોપીઓને પકડનારા સાંસદોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, IMRAN QURESHI
આ લોકોએ જ્યારે પ્રેક્ષક ગૅલરીમાંથી અંદર કૂદકો માર્યો ત્યારે પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદ ખાનેન મૂર્મુ બોલી રહ્યા હતા.
સદભવનની સુરક્ષાચૂકના મામલે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, "શૂન્યકાળ દરમિયાન ઘટેલી આ ઘટનાની લોકસભા પોતાના સ્તરે સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ સંબંધમાં દિલ્હી પોલીસને પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ અનુસાર આ માત્ર સાધારણ ધુમાડો હતો એટલે ચિંતાનો વિષય નથી."
આ દરમિયાન લોકસભાની કાર્યવાહી દરમિયાન સદનમાં કૂદરનારા શખ્સને પકડનારા કૉંગ્રેસના સાંસદ ગુરજિતસિંહ ઔજલા અને બસપાના સાંસદ મલૂક નાગરે ઘટના અંગે મીડિયામાં વાત કરી.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું, "એ જ્યારે ઉપરથી કૂદ્યા ત્યારે અમે આગળ બેઠા હતા. ઝીરો અવરનો લાસ્ટ ટાઇમ હતો. થોડો હોબાળો થયો એટલે અમારું ધ્યાન ગયું. એક શખ્સ પહેલા કૂદ્યો હતો અને બીજો પણ કૂદી રહ્યો હતો. પહેલો સ્પીકર તરફ વધી રહ્યો હતો. એ હોબાળો કરતો હતો."
"તેણે જોડાં ઉતારવાનું શરૂ કર્યું. જોડામાં કોઈ વસ્તુ હતી. એને બેનીવાલજીએ પકડી લીધો, એ પાસે જ હતા. મને લાગ્યું કે બીજું પણ છે ત્યાં. એમાં બૉમ્બ જેવું કંઈક હતું જેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. મારા હાથમાં એ જ લાગ્યું છે. મેં એને પકડીને બહાર તરફ ફેક્યું. ખબર નહોતી પડી કે એ શું છે. પણ એ સૌની સુરક્ષાનો મામલો હતો. એ બાદ એને પકડી લીધો."
સ્પીકરે શું કહ્યું?
આ ઘટના બની ત્યારે સ્પીકરની ખુરશી પર રાજેન્દ્ર અગ્રવાલ બેઠા હતા.
તેમણે સંસદની બહાર આવીને મીડિયાને કહ્યું, “પ્રેક્ષક ગૅલરીમાંથી એક વ્યક્તિએ કૂદકો માર્યો હતો. અમને એવું લાગ્યું કે તે પડી ગઈ છે. પરંતુ બીજી વ્યક્તિ રેલિંગ પકડીને કૂદી રહી હતી. તેમાંથી એક વ્યક્તિએ તેના પગરખામાંથી કંઈક બહાર કાઢીને ધુમાડો ફેલાવ્યો."
તેમણે વધુમાં કહ્યું, "થોડો અવાજ થયો. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેમને પકડી લીધા. તેમને લઈ જવામાં આવ્યા. હવે ખબર પડશે કે તેઓ કોણ છે, કયા સંગઠનમાંથી આવ્યા હતા.”
સમાચાર એજન્સી એએનઆઈએ શેર કરેલા એક વીડિયોમાં દિલ્હી પોલીસે કહ્યું હતું કે, “બે પ્રદર્શનકારીઓને ટ્રાન્સપૉર્ટ ભવનની બહારથી પકડી લેવામાં આવ્યા હતા. એ લોકો સ્મોગને સહારે પ્રદર્શન કરી રહ્યા હતા. આ ઘટના સંસદની બહાર બની છે.”
લોકસભામાં હાજર સાંસદોએ શું કહ્યું ?

ઇમેજ સ્રોત, ANI
તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે આ ઘટનાને સુરક્ષામાં ખામી ગણાવી છે.
કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મીડિયાને કહ્યું, "તેઓ ગૃહમાં અંદર સુધી આવી ગયા હતા. તેમના હાથમાં કંઈક હતું. ઘણો ગૅસ નીકળતો હતો. ગૃહની અંદરના તમામ સાંસદોએ બંનેને પકડી લીધા હતા. તેને કોઈ સુરક્ષાકર્મીઓએ નહીં પણ સાંસદોએ પકડ્યો હતો. એ પછી અમે બહાર આવ્યા. બાકી ગૃહ બે વાગ્યા સુધી બંધ છે. પરંતુ ધ્યાને લેવા જેવી વાત એ છે કે આજે સવારે જ અમે 2001માં ગૃહમાં હુમલો કરનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આજે ફરીથી જે હુમલો થયો છે તે અમારા મતે સુરક્ષામાં ખામી છે.”
ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયે મીડિયાને કહ્યું, "એ ખૂબ જ ભયાનક અનુભવ હતો. કોઈને ખબર નથી કે તેમનું લક્ષ્ય શું હતું અને એ લોકો આવું કેમ કરી રહ્યા હતા. અમે બધા ગૃહ છોડી ગયા. આ સુરક્ષામાં થયેલી ચૂક હતી. આવા તત્ત્વો ગૃહની અંદર કેવી રીતે આવી ગયા અને ધુમાડો કેવી રીતે છોડ્યો એ પણ સવાલ છે."
ડિમ્પલ યાદવે કહ્યું, "દરેક લોકો અહીં આવે છે. પછી તે મુલાકાતીઓ હોય કે પત્રકારો, તેમની પાસે ટૅગ્સ હોતા નથી. મને લાગે છે કે સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. આ સુરક્ષાની ચૂક છે.”
સાંસદ દાનિશ અલીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, "બે લોકોએ પબ્લિક ગૅલરીમાંથી કૂદકો માર્યો. તેઓ કૂદતાની સાથે જ ધુમાડો થવા લાગ્યો. અરાજકતા ફેલાઈ ગઈ. બધા દોડ્યા. તેમને પકડી લેવામાં આવ્યા. જ્યારે એક વ્યક્તિનો પાસ લેવામાં આવ્યો ત્યારે એ મળી આવ્યું છે કે તે મૈસૂરની છે. કદાચ તેનું નામ સાગર હતું. તે મૈસૂરના સાંસદના મહેમાન તરીકે આવી હતી. બીજા યુવક વિશે ખબર નથી, કારણ કે અમે બહાર આવી ગયા છીએ.”
આજે સંસદ પર હુમલાની વરસી પણ છે. 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.



























