પેરિસ ઑલિમ્પિક: હૉકીમાં ગોલ્ડ મેડલ મેળવવાનું ભારતનું સપનું રોળાયું, સેમિફાઇનલમાં ભારત જર્મની સામે 3-2થી હાર્યું - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
પેરિસ ઑલિમ્પિકમાં પુરુષ હૉકીની સેમિફાઇનલ મૅચમાં ભારત જર્મની સામે હારી ગયું છે.
હાફ ટાઇમ સુધી ભારતીય ટીમ જર્મનીથી 1-2ના અંતરથી પાછળ હતી. પરંતુ ભારતે વળતો પ્રહાર કરતા ત્રીજા ક્વાર્ટર સુધી જર્મની સાથે 2-2ની બરાબરી કરી લીધી હતી.
જોકે, ચોથા ક્વાર્ટરમાં જર્મનીએ એક ગોલ કરીને 3-2થી બઢત બનાવી લીધી અને મૅચ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો.
ભારત ભલે આ મૅચ હારી ગયું હોય પરંતુ હવે તેની પાસે બ્રૉન્ઝ મેડલ જીતવાની તક છે. ટીમ બ્રોન્ઝ મેડલ માટે સ્પેન સામે રમશે. આ મૅચ 8મી ઑગસ્ટે રમાશે.
ત્રણ વર્ષ પહેલાં ભારતીય ટીમે ટૉક્યો ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલાં ભારતે 1980માં ઑલિમ્પિકમાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી : કમલા હૅરિસે ટિમ વૉલ્ઝને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીનાં કમલા હૅરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વૉલ્ઝને પોતાના રનિંટ મેટ એટલે કે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યા છે.
કમલા હૅરિસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, "મને એ વાતની ખુશી છે કે મેં ટિમ વૉલ્ઝને પોતાના રનિંગ મેટ બનવાનું કહ્યું હતું. મારી ટીમમાં તેમની હાજરી મોટી વાત છે."
મિનેસોટાના ગવર્નર ટિમ વૉલ્ઝ 12 વર્ષ સુધી અમેરિકન કૉંગ્રેસના પ્રતિનિધિ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૉલ્ઝ હાઈસ્કૂલના શિક્ષક અને ફૂટબૉલ કોચ રહ્યા છે.
ટિમ વૉલ્ઝે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાને 'જીવનનું સૌથી મોટું સન્માન' ગણાવ્યું છે.
અમેરિકન કૉંગ્રેસનાં પૂર્વ સ્પીકર નૅન્સી પેલોસીએ કમલા હૅરિસના આ નિર્ણયનું સ્વાગત કર્યું.
બાંગ્લાદેશમાં હોટલમાં આગ ચાંપી દેવામાં આવી, 24નાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશમાં એક હોટલને આગ ચાંપી દેવામાં આવી જેમાં 24 લોકોનાં મૃત્યુ થયાં છે. રિપોર્ટ્સ અનુસાર આ હોટલમાં સોમવારના આગ લગાવવામાં આવી હતી.
જબીર ઇન્ટરનેશનલ હોટલ અવામી લીગના એક સભ્યની હોટલ હતી.
બાંગ્લાદેશના અખબાર ડેલી સ્ટાર અનુસાર બચાવ દળને આ આગ પર કાબૂ મેળવવામાં 12 કલાકનો સમય લાગ્યો હતો.
અખબારના રિપોર્ટ અનુસાર પ્રદર્શનકારીઓએ ફાયર ફાઇટર્સને રોકી રાખ્યા હતા જેને કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો હતો.
આ હોટલ બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમમાં હાજર શહેર જસોરમાં છે. આ હોટલના માલિક શાહીન ચક્લદાર છે જે જસોર જિલ્લાના અવામી લીગ પાર્ટીના મહાસચિવ છે.
બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના 1980ના દાયકાથી અવામી લીગનાં પ્રમુખ રહ્યાં છે.
સોમવારના વિદ્યાર્થીઓના લાંબા પ્રદર્શન પછી શેખ હસીનાએ બાંગ્લાદેશના વડા પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હતું. શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત જતાં રહ્યાં છે.
ત્યાર બાદ સેનાએ વિદ્યાર્થઈઓ અને સામાન્ય લોકોને શાંતિ જાળવી રાખવાની વિનંતી કરી છે પરંતુ બાંગ્લાદેશના અલગ-અલગ વિસ્તારોમાં હિંસા, લૂચ અને આગચંપીના સમાચાર આવી રહ્યા છે.
શેખ હસીના અને બાંગ્લાદેશની સ્થિતિ વિશે સંસદમાં શું બોલ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર

ઇમેજ સ્રોત, Sansad TV
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાંગ્લાદેશની હાલની સ્થિતિ પર ભારતે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મામલે મંગળવારે સંસદમાં નિવેદન આપ્યું હતું.
તેમણે સૌથી પહેલાં રાજ્યસભામાં કહ્યું કે, "બાંગ્લાદેશમાં પરિસ્થિતિમાં જે રીતે પરિવર્તન આવ્યું છે તે બાબતે હું સંસદને માહિતગાર કરવા માટે આવ્યો છું. જાન્યુઆરી 2024માં યોજાયલી ચૂંટણી બાદ બાંગ્લાદેશના રાજકરણમાં ઘર્ષણ, વિભાજન અને ધ્રુવીકરણમાં વધારો થયો છે."
"જૂન મહિનામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું જે બાદ ત્યાં હિંસાનો દોર શરૂ થયો અને સાર્વજનિક મકાનો અને ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા શરૂ થઈ ગયા. સાથે-સાથે જાહેર ટ્રાન્સપોર્ટ અને રેલ મુસાફરીને પણ અસર થઈ હતી. અમે બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકો અને લઘમતી સમુદાયના લોકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ."
શેખ હસીનાનાં ભારત આવવાં વિશે તેમણે કહ્યું કે, "5મી ઑગસ્ટે શેખ હસીનાએ એકદમ શૉર્ટ નોટિસમાં થોડા સમય માટે ભારત આવવા માટે મંજૂરી માગી હતી. સાથે-સાથે બાંગ્લાદેશની વહીવટીતંત્રે પણ ફ્લાઇટ ક્લિયરન્સ માટે પરવાનગી માગી હતી જે અમે આપી હતી. હાલમાં શેખ હસીના દિલ્હીમાં છે."
બાંગ્લાદેશમાં હાજર ભારતીય નાગિરકો વિશે વિદેશ મંત્રીએ જણાવ્યું કે હજુ પણ 19 હજાર ભારતીયો ત્યાં છે જેમાંથી નવ હજાર વિદ્યાર્થીઓ છે.
પેરિસ ઑલિમ્પિક : કુસ્તીબાજ વીનેશ ફોગાટ સેમીફાઇનલમાં પહોંચ્યાં

ઇમેજ સ્રોત, Reuters
ભારતીય કુસ્તીબાજ વીનેશ ફોગાટ ઑલિમ્પિક ગેમ્સની સેમીફાઇનલ માટે ક્વૉલિફાય થયાં છે.
તેમણે ક્વાર્ટરફાઇનલમાં યુક્રેનની લિબાચ ઑક્સાનાને 7-5થી હરાવ્યાં છે.
તેમની સેમીફાઇનલ મૅચ આજે રાત્રે 10:25 મિનિટે રમાશે.
આ પહેલાં તેમણે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મૅચમાં વીનેશ 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ વર્ગમાં જાપાનનાં યુઈ સુસાકીને હરાવ્યાં હતાં.
વીનેશ ફોગાટ 2-0થી પાછળ ચાલી રહ્યાં હતાં ત્યારે આખરી 10 સેકન્ડમાં 3 પૉઇન્ટ મેળવીને જીતી ગયાં છે. 50 કિલોગ્રામ કેટેગરીની પ્રી ક્વાર્ટર ફાઇનલ મૅચમાં તેમણે જાપાનનાં કુસ્તીબાજ યૂઈ સુસાકીને હરાવી દીધાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કુસ્તીમાં બે વારનાં ઑલિમ્પિયન ખેલાડી વીનેશ ફોગાટે પોતાનાં ઑલિમ્પિક અભિયાનની ધમાકેદાર રીતે શરૂઆત કરી છે.
વીનેશ ફોગાટની જીત બાદ ઑલિમ્પિકમાં મેડલ જીતનારા બજરંગ પુનિયાએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "છોકરીએ કમાલ કરી."

ભારત માટે મંગળવારે બીજા સારા સમાચાર નીરજ ચોપરાએ આપ્યા છે. પેરિસ ઑલિમ્પિકમાં ભાલા ફેંકના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં તેમના પ્રથમ પ્રયાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 89.34 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
પોતાના પ્રદર્શનના કારણે નીરજ ચોપડાએ સરળતાથી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
તેમનો ફાઇનલ મુકાબલો ગુરૂવાર આઠ ઑગસ્ટના રોજ રાત્રે 11 વાગ્યાને 55 મિનિટે રમાશે.
બાંગ્લાદેશ : મહમદ યુનૂસ બને વચગાળાની સરકારના પ્રમુખ સલાહકાર - વિદ્યાર્થીઓ

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશમાં 'ભેદભાવવિરોધી વિદ્યાર્થી આંદોલન'ના નેતા નાહિદ ઇસ્લામે શેખ હસીનાના પદત્યાગ બાદ દેશ ચલાવવા માટે બનનારી નવી વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે નોબલ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી પ્રોફેસર મહમહ યુનૂસનું નામ સૂચવ્યું છે.
તેમણે રાષ્ટ્રપતિને જેમ બને તેમ જલદી પ્રોફેસર યુનૂસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બનાવવાનો આગ્રહ કર્યો. આંદોલનકારી અગ્રણીઓ પૈકીના એક નાહિદ ઇસ્લામે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક વીડિયો સંદેશમાં આ વાત કરી હતી.
તેમણે કહ્યું, “અમે પ્રોફેસર યૂનુસ સાથે પણ વાતચીત કરી છે તેઓ વિદ્યાર્થીઓની અપીલને કારણે આ જવાબદારી વહન કરવા સંમત થઈ ગયા છે.”
શેખ હસીનાને શરણ આપવાને લઈને શું બોલ્યું અમેરિકા?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના બાઇડન પ્રશાસને કહ્યું છે કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર લોકતાંત્રિક સિદ્ધાંતો, કાયદાના નિયમો તથા બાંગ્લાદેશી લોકોની ઇચ્છા મુજબની હોવી જોઈએ.
અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમને ખબર નથી કે શેખ હસીનાએ તેમની પાસે શરણ માગ્યું છે કે કેમ?
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારોને કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે ત્યાંના લોકો ત્યાની સરકારનું ભવિષ્ય નક્કી કરે.”
બ્રિટનમાં પ્રદર્શનો યથાવત્, 400થી વધુ લોકોની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં સપ્તાહથી ચાલી રહેલાં હિંસક પ્રદર્શનોમાં અત્યારસુધી લગભગ 400 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નેશનલ પોલીસ ચીફ કાઉન્સિલે કહ્યું છે કે આ ધરપકડની સંખ્યા વધતી જાય છે.
વડા પ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું છે કે હાલતને કાબૂમાં લેવા માટે વધારાનાં પોલીસદળોને તહેનાત કરવામાં આવ્યાં છે.
બ્રિટનમાં સાઉથપૉર્ટમાં મશહૂર સિંગર ટેલર સ્વિફ્ટની થીમની ડાંસ પાર્ટીમાં ચાકુ હુલાવવાની ઘટનામાં ત્રણ બાળકીની હત્યા બાદ હિંસક પ્રદર્શનો થયાં હતાં. જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
આ પ્રદર્શનો દરમિયાન જમણેણી, અપ્રવાસી વિરોધી અને અપ્રવાસી સમર્થકો આમને-સામને આવી ગયા હતા.






















