યુપી : વરસાદમાં મહિલા સાથે ગેરવર્તન બાદ આખું પોલીસ સ્ટેશન સસ્પેન્ડ, CM યોગીએ આરોપીનાં નામ લેતાં હોબાળો

વાયરલ વીડિયોમાં ભીડ એક બાઇક સવાર પુરૂષ અને મહિલા પર પાણી ઉડાડતા જોવા મળી હતી

ઇમેજ સ્રોત, SOCIALMEDIA

ઇમેજ કૅપ્શન, વાયરલ વીડિયોમાં ભીડ એક બાઇકસવાર પુરુષ અને મહિલા પર પાણી ઉડાડતાં જોવા મળી હતી
    • લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા, લખનઉ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના ગોમતીનગર વિસ્તારમાં બુધવારે ભારે વરસાદ દરમિયાન એક બાઇકસવાર યુવક અને તેમની પાછળ બેઠેલાં મહિલા સાથે ગેરવર્તનના આરોપમાં પોલીસે 16 લોકોની ધરપકડ કરી છે.

આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ પર કાયદો-વ્યવસ્થાને લઈને સતત સવાલો થઈ રહ્યા હતા.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 16 આરોપીઓ પૈકી માત્ર બે જ આરોપીનાં નામ લીધાં હતાં. આ કારણે વિપક્ષે તેમના પર સવાલો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે મુખ્ય મંત્રી આ મામલે પણ રાજકારણ કરી રહ્યા છે.

યોગી આદિત્યનાથ સરકારે દબાણ વધતાં ડીસીપી, એડીસીપી અને એસપીની બદલી કરી છે. આ ઉપરાંત એસએચઓ સહિત સ્ટેશન ઇન્ચાર્જ અને કેટલાક કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

યોગી સરકારે કહ્યું કે આરોપીઓને કોઈ છૂટ આપવામાં આવી રહી નથી.

પોલીસે પવન યાદવ અને સુનીલકુમાર નામની વ્યક્તિઓને સીસીટીવીના આધારે તો અરબાઝ અને વિરાજ સાહુને ટિપ મળ્યા પછી પકડ્યા હતા. પોલીસે કહ્યું કે આ ઘટનામાં સામેલ બાકી લોકોની શોધખોળ પણ ચાલુ છે.

જોકે, આ મામલે બંને પીડિત હજુ સુધી સામે આવ્યા નથી.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

શું છે સમગ્ર મામલો?

વાયરલ વીડિયોમાં ભીડ એક બાઇક સવાર પુરૂષ અને મહિલા પર પાણી ઉડાડતા જોવા મળી હતી

ઇમેજ સ્રોત, ANI

લખનૌમાં બુધવારે કલાકો સુધી થયેલા વરસાદને કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજ હોટલની પાસે આવેલા બ્રિજની નજીક લગભગ ડઝનેક લોકો પાણીમાં મસ્તી કરી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન બાઇક પર એક પુરુષ અને મહિલા ત્યાંથી પસાર થાય છે. ત્યાં હાજર કેટલાક યુવાનોએ તેમના પર પાણી ઉડાડવાનું શરૂ કરે છે અને બાઇકને નીચે પાડી દે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ત્યાર બાદ પોલીસ સક્રિય થઈ અને રાતે જ કેટલાક લોકોની ઓળખ કરીને ધરપકડ કરી હતી.

આ મામલો ઉત્તર પ્રદેશની વિધાનસભામાં કૉંગ્રેસનાં નેતા આરાધના મિશ્રા મોનાએ ઉઠાવ્યો હતો. આ મામલે યોગી સરકારે કહ્યું કે આરોપીઓને કોઈ છૂટ આપવામાં નથી આવી રહી.

વિધાનસભામાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, "પ્રદેશની ગોમતીનગરની ઘટના પર અમે લોકોની જવાબદારી નક્કી કરી છે. પ્રથમ આરોપી પવન યાદવ અને બીજો આરોપી મહંમદ અરબાઝ છે."

"આ સદ્ભાવનાવાળા લોકો છે અને તેમના માટે સદ્ભાવના ટ્રેન નહીં પણ બુલેટ ટ્રેન ચાલશે. અમે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે."

સમાજવાદી પાર્ટીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરૂલ હસને બીબીસીને જણાવ્યું, "ગુનાને ગુનાની રીતે જોવો જોઈએ, ધર્મ કે જાતિના આધારે નહીં. મુખ્ય મંત્રીએ બે આરોપીનાં નામ જણાવ્યાં, પરંતુ બાકીના આરોપીઓનાં નહીં. સમાજવાદી પાર્ટીનું વલણ છે કે જે વ્યક્તિએ ગુનો આચર્યો છે તો તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, પછી તે ભલે ગમે સમાજના ગમે તે તબક્કામાંથી હોય."

સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય ડિમ્પલ યાદવે પણ આ ઘટના અંગે પ્રક્રિયા આપી હતી. તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું, "સરકારે કાર્યવાહી કરવી જોઈએ. વીડિયો રેકૉર્ડિંગ થકી સરકાર સરળતાથી ઓળખ કરી શકે છે કોણ ગેરવર્તન કરી રહ્યું હતું."

પીડિતો સામે નથી આવી રહ્યાં

વાયરલ વીડિયોનું દ્રશ્ય

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA

ગોમતીનગર પોલીસે પીડિતોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસને ગુરુવાર બપોર સુધી તેમના વિશે જાણકારી મળી નથી. પોલીસે કહ્યું કે બાઇકનો નંબર સીસીટીવીમાં આવ્યો નથી. આ કારણે તેમની ઓળખ થઈ શકી નથી. આ કારણે પોલીસે પોતાના સબ ઇન્સ્પેક્ટરની ફરિયાદ પર કેસ દાખલ કર્યો હતો.

બીબીસીની ટીમ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે આરોપીના પરિવારજનો મળ્યા. તેમણે દાવો કર્યો કે તેમના દીકરાને ફસાવવામાં આવ્યા છે.

જોકે, પોલીસ કહે છે કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની તસવીર સીસીટીવીમાં આવી છે અને તે આધારે જ કાર્યવાહી થઈ રહી છે.

લખનૌ પોલીસને પ્રવક્તા ડીસીપી રવીના ત્યાગીએ મીડિયાને કહ્યું, "સીસીટીવીના આધારે ઍક્શન લેવામાં આવી રહી છે. બીજા લોકોની ઓળખ કરવા માટે પ્રયત્નો હજુ ચાલુ છે. પોલીસની ત્રણ ટીમો કામ કરી રહી છે."

સામાજિક કાર્યકર્તા પ્રોફેસર રૂપરેખા વર્માએ કહ્યું, "લખનૌ પહેલાં આવું ન હતું. જોકે, જે પ્રકારે તોફાની લોકોની મહિમા કરવામાં આવે છે તેને કારણે સમગ્ર વાતાવરણ બગડી રહ્યું છે. પોલીસની કાર્યવાહી તરત જ થાય છે, પરંતુ પાછળથી કંઈ થતું નથી. આ કારણે જ લોકો આ પ્રકારનાં કામો કરે છે."

સામાજિક કાર્યકર્તા અને પૂર્વ પોલીસ અધિકારી એસ આર દારાપુરીના મત પ્રમાણે, "આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે પોલીસની કોઈ બીક નથી. આ બાઇકવાળી ઘટના હોય કે કાંવડિયાઓની લોકો અને પોલીસને માર મારવાની ઘટના હોય. આ બધી જ વાતો પુરવાર કરે છે કે હોબાળો કરનાર લોકો કેટલી હદે નિર્ભય છે."

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના ડેટા પ્રમાણે, 2022માં આખા દેશમાં મહિલાઓ વિરુદ્ધ લગભગ ચાર લાખ 45 હજાર કેસો નોંધવામાં આવ્યા હતા. એટલે કે દર કલાકે 51 એફઆઈઆર નોંધાઈ હતી. આ આંકડો 2021માં ચાર લાખ 28 હજાર 278 હતો. કૂલ કેસોમાં લગભગ 19 ટકા કેસો છેડતી અને સાત ટકા મામલાઓ રેપના હતા.