ગુજરાત પર નવી વરસાદી સિસ્ટમની અસર, ચાર દિવસ સુધી આ 10 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદ

પ્રકાશિત

ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ગુજરાતના આઠ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ આપ્યું છે, એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે.

ગુજરાતમાં 15 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, સુરતના ઉમરપાડામાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે કેટલાંક ગામો પણ સંપર્કવિહોણા બની ગયાં હતાં.

15 જુલાઈના રોજ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ, ભરૂતના નેત્રંગમાં 7.5 ઇંચ, ભરૂચના ગરુડેશ્વરમાં 5.84 ઇંચ, નર્મદા જિલ્લાના નાંદોદમાં 5.24 ઇંચ, તિલકવાડામાં 4 ઇંચ, નવસારી જિલ્લાના ચીખલીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

આ સિવાય ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. હવે આજે ફરીથી વરસાદનું જોર વધશે અને વધારે જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

10 જૂનના રોજ ગુજરાતમાં શરૂ થયેલા ચોમાસા બાદ જુલાઈના ત્રીજા અઠવાડિયામાં હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા?

બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે.

આ લૉ પ્રેશર એરિયા અને દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી અરબી સમુદ્ર પર બનેલી ઑફ શૉર ટ્રફ રેખાને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે અને ત્રણથી ચાર દિવસ સુધી અતિભારે વરસાદની શક્યતા છે.

15 જુલાઈથી શરૂ થયેલો આ નવો વરસાદી રાઉન્ડ 22 જુલાઈ સુધી ચાલે તેવી શક્યતા છે અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.

ગુજરાતમાં ઘણા વિસ્તારો હજી પણ વરસાદની ઘટ છે પરંતુ આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં જ્યાં ઓછો વરસાદ છે, ત્યાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

ગુજરાતના કયા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા?

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, એટલે કે અહીં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે, એટલે તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે.

હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આગામી બેથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે ભારે વરસાદ પડી શકે છે.

16 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લામાં પણ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

16થી 18 જુલાઈની વચ્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લાઓમાં પણ કોઈ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. મહિસાગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે, તો કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

હાલ ઓડિશા પર રહેલો લૉ-પ્રેશર એરિયા આગળ વધીને ગુજરાત પર આવશે, જેના લીધે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, તો કોઈ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનો ખતરો પણ રહેલો છે.

હવામાનના વિવિધ મૉડલો પ્રમાણે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત અને વધારે વરસાદ ચાલુ રહેશે અને પછી કચ્છ જિલ્લામાં ભારે વરસાદ શરૂ થશે.