You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલકીસબાનો કેસમાં 11 દોષિતોની સજામુક્તિ વિરુદ્ધ કરાયેલ પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, હવે આગળ શું?
ભારતની સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો કેસમાં 11 દોષિતોની સજામુક્તિને પડકારતી પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે.
ધ હિંદુના એક અહેવાલ અનુસાર આ કેસના દોષિતોએ કરેલ અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે 13 મેના રોજ કરેલ નિર્ણય સામે બિલકીસબાનોએ અરજી કરી હતી.
અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને દોષિતોની અરજી પર 9 જુલાઈ, 1992ના રોજની સજામાફીની નીતિ અંતર્ગત બે માસની મર્યાદામાં વિચાર કરવા જણાવ્યું હતું.જે બાદ તમામ દોષિતોને ગુજરાત સરકારે છોડી મૂક્યા હતા.
નોંધનીય છે કે વર્ષ 2002માં થયેલાં ગુજરાતનાં રમખાણો સમયે બિલકીસબાનો સામૂહિક બળાત્કારનો ભોગ બન્યાં હતાં, તેમજ દોષિતોએ તેમના પરિવારજનોનાં પણ મૃત્યુ નિપજાવ્યાં હતાં.
જસ્ટિસ અજય રસ્તોગીના વડપણવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 13 ડિસેમ્બરે આ પિટિશન ડિસમિસ કરી દીધી હતી. આ બેન્ચમાં જસ્ટિસ વિક્રમનાથ પણ હતા.
સુપ્રીમ કોર્ટમાં બિલકીસબાનોનાં વકીલ શોભા ગુપ્તાને સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતની જાણકારી અપાઈ હતી, જેનું આધિકારિક કૉમ્યુનિકેશન બીબીસી પાસે પણ છે.
'મને સુપ્રીમ પાસેથી આ અપેક્ષા નહોતી'
આ દરમિયાન પુનર્વિચાર અરજી ફગાવાતાં બિલકીસબાનોના પતિ યાકુબભાઈએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, " આ નિર્ણયથી અમને ભારે નવાઈ થઈ છે. હવે અમારી બધી આશા રિટ પિટિશન પર રહેલી છે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટે અમારી વાત સાંભળશે અને અમને ન્યાય અપાવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિલકીસનાં વકીલ શોભા ગુપ્તાએ બીબીસીના સહયોગી સુચિત્ર મોહંતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ આશ્ચર્યચકિત અને દિગ્મૂઢ છે. તેમની પાસે આ નિર્ણય અંગે વાત કરવા શબ્દો નથી.
તેઓ કહે છે કે, “હું દિગ્મૂઢ અને અશાંત છું. આ મારા માટે ખૂબ જ ચોંકાવનારું છે. મને સુપ્રીમ કોર્ટ પાસેથી આવી અપેક્ષા નહોતી.”
તેમણે આગળ કહ્યું કે તેઓ હજુ ઑર્ડરની નકલની રાહ જોઈ રહ્યાં છે. નોંધનીય છે કે પુનર્વિચાર પિટિશન ડિસમિસ કરાયા બાદ વ્યક્તિ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી શકે છે.
ઍડ્વોકેટ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “હું ઑર્ડર જોઈને આગળ શું કરવું, ક્યુરેટિવ પિટિશન દાખલ કરવી કે નહીં તે અંગે નિર્ણય કરીશ.”
હવે ન્યાય માટે તેઓ આગળ શું કરી શકે?
જ્યારે ઍડ્વોકેટ ગુપ્તાને બિલકીસબાનો માટે ન્યાય મેળવવા બાબતે પ્રશ્ન પુછાયો ત્યારે તેમણે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટ પાસેથી બિલકીસને ન્યાય મળવાનું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.
શોભા ગુપ્તાએ કહ્યું, “હું બિલકીસબાનોની રિટ પિટિશન પર આધાર નથી રાખી રહી, કારણ કે તેની સુપ્રીમ કોર્ટમાં 2 જાન્યુઆરીના રોજ સુનાવણી થવાની છે. મને આ સુનાવણીથી ઘણી આશા છે.”
તેઓ વાત કરતાંકરતાં ભાવુક થઈ જાય છે. તેઓ આગળ જણાવે છે કે તેમને સુપ્રીમ કોર્ટ પાસેથી સારો અને તેમના પક્ષમાં હોય તેવો નિર્ણય આવશે તેવી આશા હતી.
“સુપ્રીમ કોર્ટે ઑર્ડર પાછો ખેંચવો જોઈએ અને 11 દોષિતોને ફરી પાછા જેલમાં મોકલવા જોઈએ. કારણ કે તેમના માટે એ જ યોગ્ય જગ્યા છે અને આ નિર્ણય સમાજ માટે પણ સારો હોત.”
તેમણે કહ્યું કે આખા દેશની નજર આ કેસ પર હતી અને અરજી ડિસમિસ કરવાના ઑર્ડરથી બધા આશ્ચર્યચકિત છે.
નોંધનીય છે કે અગાઉ આ પુનર્વિચાર અરજીની સુનાવણીમાંથી જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ પોતાની જાતને અલગ કરી લીધાં હતાં.
નોંધનીય છે કે બિલકીસબાનોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ગુજરાત સરકારને આ મામલાના દોષિતોની સજામુક્તિની અરજી પર વિચાર કરવાના સુપ્રીમ કોર્ટના ઑર્ડર પર પુનર્વિચાર કરવા અરજી કરી હતી.
સ્થાપિત પ્રક્રિયા અનુસાર સર્વોચ્ચ ન્યાયલયના નિર્ણયો પર પુનર્વિચાર કરવાના મામલે જજોની ચૅમ્બરમાં સુનાવણી થતી હોય છે.
બિલકીસે આ પુનર્વિચાર અરજીમાં કહ્યું હતું પોતાને દોષિતો તરફથી કરાયેલ સજામુક્તિ માટેની અરજી કે તેના પર થઈ રહેલી કાર્યવાહીની કોઈ જાણકારી નહોતી.
અરજી અનુસાર, ગુજરાત દ્વારા કરાયેલ સજામાફીના ઑર્ડર કાયદાની જરૂરિયાતની બાબતની ઉપેક્ષા કરીને યાંત્રિકપણે લેવાયેલ છે.
પુનર્વિચાર અરજીમાં આગળ કહેવાયું હતું કે, આ પ્રકારના જઘન્ય અપરાધમાં સજામાફી એ જાહેર હિતની બિલકુલ વિપરીત અને લોકોના અંતરાત્માના અવાજને એક ફટકો કહેવાશે. તેમજ આ પગલું સર્વાઇવરનાં હિતોની વિપરીત પણ હશે.
નોંધનીય છે કે ગુજરાત સરકારે 15 ઑગસ્ટે બિલકીસબાનો ગૅંગરેપ અને તેમના પરિવારજનોની હત્યાના કેસમાં જનમટીપની સજા પામેલ 11 દોષિતોને છોડી મૂક્યા હતા. આ માટે તેમને વર્ષ 2008માં જ્યારે દોષિત ઠેરવાયા તે સમયે લાગુ સજામાફીની નીતિનો આધાર લીધો હતો.