You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'આ ભાવનાનો મૂળ સંદેશ એ જ છે કે કોઈ ભૂખ્યું ન રહે', મફત ભોજન આપતી શ્રીલંકાની 'દાંસલ' પરંપરાનો શું છે ઇતિહાસ?
- લેેખક, ઝિનારા રથનાયકે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
બૌદ્ધ શિક્ષણ આધારિત શ્રીલંકાના રસ્તાની બાજુમાં આવેલ 'દાંસલ' અજાણ્યા લોકોને મફત ખોરાક અને પીણાં આપે છે. આ વર્ષે વધતી મોંઘવારી અને અસહ્ય ગરમી વચ્ચે આ પરંપરા વધુ પ્રાસંગિક લાગી રહી છે.
જ્યારે હું શ્રીલંકામાં નાની બાળકી તરીકે મોટી થઈ રહી હતી, ત્યારે હું હંમેશાં મે મહિનાની આતુરતાથી રાહ જોતી હતી. એ સમય એવો હતો જ્યારે હું અને મારા પિતા મળીને વેસાક ઉજવવા માટે અષ્ટકોણીય વાંસનાં ફાનસો શણગારતાં. વેસાક એ બુદ્ધનાં જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણની સ્મૃતિમાં ઉજવાતો પવિત્ર દિવસ છે. એ જ સમય દરમિયાન મોસમની પ્રથમ દાંસલ પણ રસ્તાઓ પર જોવા મળતી.
'દાંસલ' એટલે શ્રીલંકાના રસ્તાની બાજુમાં ઊભી થયેલી ઉદારતાની પરબો. કામચલાઉ કિઓસ્ક અને ઇમ્પ્રુવાઇઝ્ડ કાઉન્ટરો ત્યાંથી પસાર થતા અજાણ્યા લોકોને મફતમાં ભોજન, પીણાં અને અન્ય આવશ્યક વસ્તુઓ આપે છે.
બૌદ્ધ ધર્મની દાનની પરંપરામાંથી ઉદ્ભવેલી આ પ્રથામાં બદલાની જરા પણ અપેક્ષા રાખવામાં આવતી નથી.
આ પ્રથા પોયા (ટાપુ પર પૂર્ણિમાના દિવસોમાં આવતી રજાઓ) દરમિયાન ખાસ કરીને મેથી લઈને જુલાઈ સુધીના સમયગાળામાં ઉજવવામાં આવે છે.
મારા બાળપણની દાંસલની યાદો આજે પણ મારા ચિત્તમાં અકબંધ છે. સફેદ પોશાકમાં સજ્જ પુરુષો અને સ્ત્રીઓ બાફેલા કસાવા માટે કતારમાં ઊભાં રહેતાં. બાળકો પસાર થઈ રહેલાં વાહનોને રોકવા મોટા ધ્વજ લહેરાવતાં અને જાહેર બસો ધીમે રહીને સ્ટૉપ પર થોભતી ત્યારે તેમને નાનકડા પ્યાલાઓમાં પૅશનફ્રૂટનું મીઠું પીણું આપવામાં આવતું.
પરંતુ આ વર્ષે આ પરંપરા વધુ અર્થસભર અને હૃદયસ્પર્શી લાગી રહી છે.
તાજેતરના મહિનાઓમાં શ્રીલંકાના કેટલાક ભાગોમાં તાપમાન 39C સુધી પહોંચી ગયું છે, અને લાંબા શુષ્ક સમયગાળાને કારણે કેટલાક શહેરી વિસ્તારોમાં પાણીના પુરવઠામાં ઘટાડો થયો છે. વળી આ વર્ષની શરૂઆતમાં ઊર્જાના ભાવમાં વધારો થવાથી ઈંધણ, વીજળી અને ખાદ્યપદાર્થોના ખર્ચામાં પણ ભારે વધારો થયો છે, જેના કારણે ઘણા શ્રીલંકાવાસીઓનું દૈનિક જીવ ખૂબ મુશ્કેલ બની ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2026માં દાંસલનો અનુભવ
વેસાક સપ્તાહ (27 મે-2 જૂન 2026): વેસાક એ દાંસલ જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે. કોલંબોમાં, ગંગારામાયા મંદિર વિસ્તાર અને બૌદ્ધલોક માવાથા જેવા વેસાકના મુખ્ય માર્ગો પર મોટેભાગે દાંસલના સ્ટોલ જોવા મળે છે.
પોસોન (29 જૂન 2026): પોસોન શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના આગમનની ઉજવણી કરતો તહેવાર છે. મિહિંતલે અને અનુરાધાપુરા નજીકનાં સ્થળો મુખ્ય ધાર્મિક કેન્દ્રો છે, જ્યાં યાત્રાળુઓના માર્ગમાં ઘણી વાર દાંસલ ગોઠવવામાં આવે છે.
એસાલા (29 જુલાઈ 2026): બુદ્ધના પ્રથમ ઉપદેશના સન્માનમાં પૂર્ણિમાના દિવસે એસાલા ઉજવવામાં આવે છે. ત્યારે પ્રવાસીઓ કૅન્ડી અને કટારાગામામાં દાંસલનો અનુભવ કરી શકે છે. ત્યાં પવિત્ર ધાર્મિક શોભાયાત્રાઓ નીકળે છે.
આ સમયે લોકોની ઉદારતાનાં નાનાં નાનાં કામો પણ બહુ મોટું મૂલ્ય ઊભું કરે છે.
માર્ચમાં જ્યારે કોલંબોમાં ભીષણ ગરમી શરૂ થઈ, ત્યારે ઘણા બધા લોકોને પગપાળા ચાલવું પડ્યુંં, અથવા તો જાહેર પરિવહન પર આધાર રાખવો પડ્યો. એ સમયે રાજધાનીના અનેક વ્યવસાયિકોએ ત્યાંથી પસાર થતા લોકો માટે મફત પાણીની પરબો શરૂ કરી દાંસલની ભાવના અપનાવી.
એપ્રિલમાં સિંહાલી અને તામિલ નવવર્ષ પહેલાં, જે દેશના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને જેમાં પરિવારો એક અઠવાડિયા સુધી ઉજવણી માટે ભેગા થાય છે, બિસ્કિટ બનાવતી કંપની મુન્ચીએ કોલંબોના રેલવે સ્ટેશન પર 25,000 ટ્રેન ટિકિટોનું મફત વિતરણ કર્યું, જેથી રજાઓ દરમિયાન મુસાફરીનો આર્થિક બોજ ઓછો થાય.
બ્રિટિશ પ્રવાસી જોઆન લુઇઝ, જેઓ પોતાના શ્રીલંકન પતિ સાથે દર વર્ષે કેટલાક મહિના શ્રીલંકામાં વિતાવે છે.
તેઓ જણાવે છે, "હવે તમને વધુ વ્યવહારુ દાંસલ જોવા મળશે, જેમ કે ભાત અને શાકભાજીનું વિતરણ. ગરમીની લહેર પછી લોકોને હવે એકબીજાની સંભાળ રાખવી વધુ જરૂરી લાગે છે."
આ વર્ષે વેસાક દરમિયાન સ્થાનિક સમુદાયો વિદ્યાર્થીઓને મફત નોટબુકો અને સગર્ભા સ્ત્રીઓને સૂકું રાશન પણ આપી રહ્યાં છે.
બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં બૌદ્ધ અધ્યયનના વરિષ્ઠ અધ્યાપિકા ડૉ. રીટા લેંગર, જેઓ 35 કરતાં પણ વધારે વર્ષોથી શ્રીલંકાની મુલાકાત લઈ રહ્યાં છે, તેમના માટે આ મદદ કરવાની ઘટના જરા પણ આશ્ચર્યજનક નથી.
તેઓ કહે છે, "પશ્ચિમી દેશોની તુલનામાં શ્રીલંકાના લોકો તેમની આસપાસના લોકો અને તેમની જરૂરિયાતો વિશે ખૂબ જ જાગૃત હોય છે, પશ્ચિમી દેશોમાં તો આવી જવાબદારીઓ ઘણી વાર સખાવતી સંસ્થાઓને સોંપી દેવામાં આવે છે. અહીં તો ઘણી વાર કોઈ આંખના ડૉક્ટર આખી રાત મફત આંખની સારવાર કરતા જોવા મળશે, તો હૅર-ડ્રેસર મફતમાં વાળ કાપતા પણ દેખાશે, અથવા લોકો સાધ્વિઓના આશ્રમને સેનિટરી પેડનું દાન કરતા પણ જોવા મળશે."
સૂચન:
દાંસલ મફત અને દરેક માટે ખુલ્લું હોય છે, પરંતુ મુલાકાતીઓએ સન્માન તથા શિસ્તપૂર્વક કતારમાં ઊભા રહેવું જોઈએ, અને ફક્ત તે જ સ્વીકારવું જોઈએ જેની જરૂર હોય.
2022માં શ્રીલંકાના આર્થિક સંકટ દરમિયાન લોકો ઈંધણ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેનારાઓને નાસ્તો અને પીણાં વહેંચતા હતા. અને આ નિઃસ્વાર્થ ભાવના માત્ર પોતાના દેશ પૂરતી જ સીમિત નથી. આ વર્ષની શરૂઆતમાં મુંબઈમાં શ્રીલંકાના કૉન્સ્યુલેટે શહેરના ભારે ઉનાળાના તાપમાં સંઘર્ષ કરી રહેલા લોકોને ઠંડા પીણાં પીરસ્યાં હતાં.
સામાજિક સંશોધક અમલિની દે સાયરાહ જણાવે છે કે, "દાંસલ એ આપણા સમાજની ઉદારતાની ભાવનાની અભિવ્યક્તિ છે, જે એક આખા સમુદાયને સાથે લઈને ચાલે છે. તે આપણી સાથે મળીને રહેવાની ભાવના સાથે જોડાયેલી છે."
અપેક્ષા વિનાનું દાન
શ્રીલંકાના ઐતિહાસિક ગ્રંથ મહાવંશ અનુસાર, આ પરંપરા 1લી સદી ઈ.સ. પૂર્વેથી ચાલી આવે છે.
19મી અને 20મી સદીમાં શ્રીલંકાની બૌદ્ધ સુધારાવાદી ચળવળ દરમિયાન આ પરંપરા વધુ સુવ્યવસ્થિત અને સંગઠિત બની.
તે સમયગાળામાં શ્રીમંત બૌદ્ધ પરિવારો અને મંદિર સમુદાયોએ પવિત્ર તીર્થધામોની યાત્રા કરતા યાત્રાળુઓ માટે વિશ્રામગૃહો અને ખાદ્ય સ્ટોલ સ્થાપ્યાં હતાં. તેમાં દાન તરીકે ભોજન, પીણાં અને આશ્રય આપવામાં આવતો હતો. સમય જતાં આ દાન કરવાની રીત તીર્થસ્થળોના માર્ગોથી નીકળીને મહોલ્લા, શેરીઓ અને ટ્રેન સ્ટેશનો સુધી વિસ્તરી ગઈ અને શ્રીલંકામાં જાહેર ઉદારતાની સૌથી મોટી ઓળખ બની ગઈ.
એલા નજીક આવેલા મહામેવનાવા બૌદ્ધ મઠ(જે યુવાન સ્વયંસેવકોની મદદથી દૈનિક દાંસલનું આયોજન કરે છે અને તેમાં ઘણીવાર મંદિરનાં ધ્યાનસત્રોમાં આવતા લોકો પણ ભાગ લે છે)માં રહેતા નેલુવે જ્ઞાનવિમાલા થેરો જણાવે છે કે, "બૌદ્ધ ધર્મમાં શીખવવામાં આવે છે કે મુશ્કેલ સમયમાં કરાયેલું દાન સૌથી મૂલ્યવાન હોય છે, કારણ કે તેનો અર્થ એ છે કે તમારી કરુણા માત્ર તમારી સમૃદ્ધિ સુધી સીમિત નથી."
આજે આ ભાવના વંશીય અને ધાર્મિક ભેદરેખાઓને પાર કરી ગઈ છે.
મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ વેસાક દરમિયાન સ્ટોલનું આયોજન કરે છે. હિંદુ તહેવારો દરમિયાન પણ સાથસહકાર સાથે દાનપૂણ્ય કરવાની આવી પરંપરાઓ જોવા મળે છે.
ચા અને બિસ્કિટના સ્ટોલથી લઈને સંપૂર્ણ ભોજન (ભાત અને કરી) સુધી દાંસલમાં પીરસવામાં આવે છે. ઘણા લોકો મિત્રો અને પરિવાર સાથે એક સ્ટોલથી બીજા સ્ટોલ સુધી જઈને દાંસલનો આનંદ લે છે.
રજાઓની મોસમ દરમિયાન મુલાકાતીઓને મંદિરોની નજીક, તીર્થસ્થળોએ અને રેલવે સ્ટેશનો પર દાંસલ જોવા મળશે. અહીં સામાન્ય રીતે આખો દિવસ નાસ્તો તથા પીણાં આપવામાં આવે છે અને બપોરે અને રાત્રે સંપૂર્ણ ભોજન પીરસવામાં આવે છે. કોલંબોમાં આ દાંસલ અઠવાડિયા સુધી ચાલતા વેસાક વિસ્તારમાં અને પ્રકાશથી ઝળહળતા થોરાણા (બુદ્ધના પૂર્વજન્મની કથાઓ દર્શાવતા પંડાલો)ની આસપાસ જોવા મળે છે. અન્યત્ર, કોઈના ઘરની બહારના ટેબલ અથવા કાળજીપૂર્વક પૅક કરેલા ટેક-અવે લંચ પાર્સલ ઑફર કરતા નાનાં કિઓસ્ક પર પણ જોવા મળી શકે.
જૂન મહિનામાં પોસોન પૂર્ણિમાની રજાઓ દરમિયાન પવિત્ર શહેર અનુરાધાપુરા અને તેની આસપાસના વિસ્તારોમાં આવા જ ઉત્સવો જોવા મળે છે.
આ શહેર કોલંબોની ઉત્તરે લગભગ ચાર કલાકની ટ્રેનની મુસાફરીના અંતરે આવેલું છે. 'રુવાનવેલી મહા સેયા સ્તૂપ' જે એક ગુંબજ આકારનું સ્મારક છે, અને જ્યાં બુદ્ધના અવશેષો રાખવામાં આવ્યા છે. તેની બહાર 'ઇસિપથાના ભોજન દાંસલ' દ્વારા દરરોજ બપોરનું ભોજન પીરસવામાં આવે છે. પવિત્ર મંદિરો અન્ય લોકો સાથે શૅર કરવા માટે ભક્તો તાજાં ફૂલો અને સુગંધિત ધૂપ પણ સાથે લઈને આવે છે.
ગયા મજૂર દિવસ અર્થાત્ 1 મેના રોજ જ્યારે નાનાં બાળકોના એક જૂથે મને રોકી અને સાબુદાણાની ખીરનો એક કપ આપ્યો, ત્યારે મને યાદ આવ્યું કે દાનનું આ નાનકડું કાર્ય પણ અજાણ્યાઓને એકબીજાની નજીક લાવી શકે છે.
લેંગર જણાવે છે કે, "જો તમે દાંસલ દરમિયાન શ્રીલંકાની મુલાકાત લો તો તમે પણ તેનો ભાગ બની જાવ છો. આ ભાવનાનો મૂળ સંદેશ એ જ છે કે કોઈ ભૂખ્યું ન રહે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન