મહારાષ્ટ્ર : શિંદે - ઉદ્ધવ ઠાકરેના સત્તાસંગ્રામનો નિર્ણય સુપ્રીમની લાર્જર બેન્ચ કરશે , જાણો ખાસ વાતો

પ્રકાશિત

મહારાષ્ટ્રમાં શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે સરકાર બનાવનાર, એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યોનાં ભાવિ પર નિર્ણય કરવાનો મામલો, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે વધુ વિચારણા માટે લાર્જર કૉન્સ્ટિટ્યુશનલ બેન્ચને (વધુ જજ ધરાવતી મોટી બંધારણીય બેન્ચને) આપવાનો નિર્ણય કર્યો છે.

આ મામલાના અંતિમ ફેંસલા પર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેની ખુરશી પણ ટકેલી છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, સ્પીકરને હટાવવાની નોટિસ અયોગ્યતાની નોટિસ જારી કરવાની સ્પીકરની સત્તાને પ્રતિબંધિત કરશે કે કેમ તે જેવા મુદ્દાઓની મોટી બૅંચ દ્વારા તપાસ કરવાની જરૂર છે.

ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે સુપ્રીમ કોર્ટમાં છેલ્લા લગભગ 10 મહિનાથી સુનાવણી ચાલી રહી હતી.

ગયા વર્ષે 21 જૂને તેમની જ પાર્ટીના 16 ધારાસભ્યોએ તત્કાલિન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો.

24 જૂને શિવસેનાએ વિધાનસભાના તત્કાલિન ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલને આ 16 ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માગ કરી હતી.

જીરવાલે એ 16 ધારાસભ્યોને નોટિસ મોકલી હતી, પરંતુ પછી ઉદ્ધવ ઠાકરેના રાજીનામાથી તેમની સરકાર પડી ગઈ છે.

એકનાથ શિંદેના જૂથે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી અને દાવો કર્યો હતો કે તેમનો જૂથ વાસ્તવિક શિવસેના છે.

આ માટે ચૂંટણી પંચમાં પાર્ટી ચિહ્નને લઈને લાંબી લડાઈ ચાલી છે.

ગયા ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી પંચે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને અસલી શિવસેના ગણાવી હતી અને પક્ષનું નામ અને ચિહ્ન 'ધનુષ તીર' શિંદે જૂથ પાસે રહેવાની મંજૂરી આપી હતી.

ચૂંટણી પંચના આ નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

ગત વર્ષે 23 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે ગંભીરતાને જોતા આ મામલો 5 સભ્યોની બંધારણીય બેંચને સોંપ્યો હતો.

આવો જાણીએ આ નિર્ણય સાથે જોડાયેલી મહત્ત્વની વાતો:

કેટલી અરજીઓ કરવામાં આવી?

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના બંને જૂથ મુખ્ય અરજીકર્તા છે. તે સિવાય અલગ-અલગ સંસ્થાઓએ પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમાં કેટલાક વકીલ અને કાર્યકરો પણ સામેલ છે.

જોકે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકારને પણ પ્રતિવાદી બનાવ્યા છે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં કુલ 4 મોટી અરજીઓ દાખલ કરવામાં આવી છે. પ્રથમ અરજી મુખ્ય મંત્રી એકનાથ શિંદેના જૂથની છે, જે 16 ધારાસભ્યોના સસ્પેન્શનને પડકારે છે.

બીજી અરજી ઉદ્ધવ ઠાકરે જૂથની છે, જેમાં બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે.

ત્રીજી અરજી ઉદ્ધવ ઠાકરે જૂથના 14 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા સાથે સંબંધિત છે.

ચોથી અરજી સુભાષ દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં 3-4 જુલાઈના રોજ યોજાયેલ સદનના વિશેષ સત્રને અમાન્ય કરવાની માગ કરવામાં આવી છે.

સુભાષ દેસાઈ ઠાકરે પરિવારના વિશ્વાસપાત્ર વ્યક્તિ છે, જોકે તેમના પુત્ર ભૂષણ દેસાઈએ એકનાથ શિંદે જૂથનો પક્ષ લીધો હતો. સુભાષ દેસાઈ મહા વિકાસ અઘાડી સરકારમાં ઉદ્યોગ અને ખાણ મંત્રી હતા.

ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા, જ્યારે શિંદે જૂથમાંથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, એનકે કૌલ અને મહેશ જેઠમલાણીએ દલીલો રજૂ કરી હતી.

કોર્ટમાં અત્યાર સુધી શું-શું થયું?

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ મામલે બંધારણીય સમસ્યા છે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે નબામ રેબિયા કેસનો નિર્ણય આ કેસને લાગુ પડે છે કે નહીં, તેના પર વિચાર કર્યા પછી જ તેની પર અંતિમ નિર્ણય લઈ શકાશે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, "માત્ર પક્ષની અંદર અસંતોષને કારણે રાજ્યપાલ માટે એ વિશ્વાસનો મત હાંસલ કરવાનું કહે એ યોગ્ય નથી."

ફેબ્રુઆરી મહિનામાં આ સંબંધે થયેલી સુનાવણીમાં બંધારણીય બૅંચે અલગ-અલગ અભિપ્રાયો અને નિવેદનો નોંધ્યાં હતાં.

ઉદ્ધવ ઠાકરે જૂથની દલીલ

કપિલ સિબ્બલે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરફથી વિશ્વાસમતના મતદાનને ગેરકાયદે ગણાવ્યું હતું.

તેમણે દલીલ કરી હતી કે શિવસેનાનાં બે જૂથો વચ્ચે જે કંઈ થયું તે વિધાનસભાના કાર્યક્ષેત્રમાં આવતું નથી. બંધારણ બંને પક્ષોને માન્યતા આપતું નથી, પછી ભલે તે લઘુમતીમાં હોય કે બહુમતીમાં.

એવી દલીલ પણ કરવામાં આવી હતી કે પક્ષ અને વિધાનસભા અલગ છે, જ્યારે શિંદે કેમ્પ તરફથી કહેવામાં આવ્યું હતું કે એવું નથી.

રાજ્યપાલ તરફથી કોર્ટમાં હાજર થયેલા ભારતના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે પ્રતિદ્વંદ્વી ધારાસભ્યોએ રાજ્યપાલને પત્ર લખીને તત્કાલીન સરકારથી અલગ થવાનું કહ્યું હતું અને રાજ્યપાલે ઠાકરેને બહુમતી સાબિત કરવા કહ્યું હતું.

રાજ્યપાલ પર પણ સવાલો ઊઠ્યા

સુનાવણી દરમિયાન તત્કાલિન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું હતું કે, "રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેની સરકારને જે શક્તિપ્રદર્શન બતાવવાનું કહ્યું તેનો આધાર શું હતો?"

"જ્યારે સદનમાં બહુમતી અસ્થિર જોવા મળે છે, ત્યારે રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ કહી શકે છે, પરંતુ શું આ પ્રકારનો કોઈ પણ સંકેત હતો?"

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે, "ધારાસભ્યોમાં મતભેદો કોઈપણ કારણોસર થઈ શકે છે. તે પક્ષના સિદ્ધાંતો વિશે પણ હોઈ શકે છે અને જો વિકાસ માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ ન કરવામાં આવતું હોય ત્યારે પણ થઈ શકે છે."

તેમણે સવાલ કર્યો હતો કે, "શું આ રાજ્યપાલ માટે ફ્લોર ટેસ્ટ કરાવવાનો સંતોષકારક આધાર બને છે? રાજ્યપાલ ચોક્કસ પરિણામ મેળવવા માટે તેમના પદનો ઉપયોગ કરી શકતા નથી.”

બંધારણીય બૅંચમાં કોણ કોણ છે?

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં બંધારણીય બૅંચ સુનાવણી કરી રહી છે.

આ સિવાય જસ્ટિસ એમ.આર. શાહ, જસ્ટિસ શ્રીકૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ નરસિમ્હા પણ સામેલ છે.

તે પાંચ જજોની બંધારણીય બૅંચ છે. ઉદ્ધવ ઠાકરે જૂથે માગ કરી હતી કે આ મામલો મોટી બૅંચને મોકલવામાં આવે, કારણ કે આ અંગેનો નિર્ણય હાલ પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ ભવિષ્યમાં પણ સંદર્ભિત કરવામાં આવશે.

હાલમાં સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી છે અને હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય સંભળાવશે.

એકનાથ શિંદેની ખુરશીને ખતરો

કોર્ટના નિર્ણય પર જ રાજ્યમાં શિંદે-ફડણવીસ સરકારનું ભવિષ્ય નિર્ભર કરે છે.

જો શિંદે કૅમ્પની વિરુદ્ધમાં નિર્ણય આવશે, તો એકનાથ શિંદેનું સભ્યપદ પણ છીનવાઈ જશે અને મુખ્ય મંત્રીની ખુરશી પણ જશે.

કાનૂની નિષ્ણાત ઉલ્હાસ બાપટ કહે છે, "જો 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવે, તો એકનાથ શિંદે મુખ્ય મંત્રી તરીકે રહી શકશે નહીં. બંધારણના 91માં સંશોધન મુજબ, જો કોઈ ધારાસભ્ય અયોગ્ય છે, તો તે મંત્રી બની શકે નહીં.

તેમનું કહેવું છે કે, "બંધારણ મુજબ, જો મુખ્ય મંત્રી ન રહે તો સરકાર પડી જાય છે."