You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘મેં દરિયામાં જાળ નાખી અને માછલીને બદલે બાળકનો દેહ ફસાઈ ગયો’ગરીબીથી બચવા પરદેશ જવા નીકળેલા લોકોનાં મડદાં જ્યાં તણાઈ આવે છે
- લેેખક, માઇક થોમસન
- પદ, બીબીસી ન્યૂઝ, સ્ફાક્સ
- પ્રકાશિત
યુરોપમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા માઇગ્રન્ટોની સંખ્યા વધવાની સાથે મેડિટેરેનિયન સમુદ્રમાં થતાં મૃત્યુનો આંક પણ વધતો જઈ રહ્યો છે.
યુરોપિયન યુનિયનના અધિકારીઓ સ્થળાંતર રોકવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ટ્યુનિશિયાના કાંઠે ગરીબી અને શોષણથી બચીને નાસી છૂટતા લોકોએ વેઠવી પડતી યાતનાઓનાં નિશાન પથરાયેલાં પડ્યાં છે.
પૂર્વ કાંઠે ક્ષિતિજ પર સૂર્યોદયની કિરણો દેખાવાનું શરૂ થાય ત્યારથી જ માછીમાર ઓસામા ડબ્બેબી પોતાની જાળ સમેટવામાં જોતરાઈ જાય છે. આવું કરતી વખતે જાળમાં ફસાયેલી વસ્તુઓને ખૂબ ધ્યાનપૂર્વક જુએ છે, કારણ કે ઘણી વાર તેમના જાળમાં માત્ર માછલી જ નથી ફસાતી.
"માછલીના સ્થાને ઘણી વાર મને માનવ મૃતદેહો મળી આવે છે. જ્યારે પહેલી વખત આવું બન્યું ત્યારે હું ખૂબ ગભરાઈ ગયો હતો, પરંતુ સમયાંતરે મને આની ટેવ પડી ગઈ. થોડા સમય બાદ મડદાં ખેંચી કાઢવાનું કામ માછીમારી જેવું જ લાગવા માંડ્યું."
ટોપીવાળું જાકીટ અને શૉર્ટ્સમાં માછીમારી કરતા 30 વર્ષીય ઓસામા જણાવે છે કે તેમના જાળમાં પાછલા ત્રણ જ દિવસમાં માઇગ્રન્ટનાં 15 મડદાં મળી આવ્યાં છે.
"મને આવી રીતે એક વાર એક બાળક મળી આવ્યું હતું. એણે શું કર્યું હશે? એ રડી રહ્યું હતું."
"પુખ્ત વયની વ્યક્તિઓ માટે આ અનુભવ અલગ હોય છે કારણ કે તેમણે જીવન જીવ્યું છે. પરંતુ બાળકે તો હજુ દુનિયામાં કંઈ જ જોયું નથી હોતું."
ડબ્બેબી દસ વર્ષની વયથી ટ્યુનિશિયાના બીજા સૌથી મોટા શહેર સ્ફાક્સની નજીકના પાણીમાં માછલી પકડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે આ કામ ઘણા લોકો કરતા હતા, પરંતુ હવે ઘણા લોકોએ માનવતસ્કરો પોતાની હોડીઓ સારા મસમોટી રકમ બદલે વેચી દીધી છે.
"ઘણા માનવતસ્કરોએ મને મારી હોડી વેચવા માટે અવિશ્વસનીય રકમ ચૂકવવાની ઑફર કરી છે. પરંતુ હંમેશાં તેમની આ ઑફર નકારી દઉં છું, કારણ કે જો તેઓ મારી બોટનો ઉપયોગ કરે અને તેમાં કોઈનું મૃત્યુ થાય, તો હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકું."
માઇગ્રન્ટોનાં ધાડેધાડાં
થોડે દૂર દક્ષિણ સુદાનથી માઇગ્રન્ટનું એક જૂથ ધીરેધીરે બંદર તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2011માં સ્વતંત્રતા બાદથી આ દેશ સશસ્ત્ર ઘર્ષણ, ક્લાઇમેટ સંબંધિત આપત્તિઓ અને ભોજન સંબંધિત અસુરક્ષાથી ગ્રસ્ત છે. ત્યાંથી આ પ્રવાસ ખેડનાર બધાને અંતે તો યુકે પહોંચવું છે.
આ જૂથમાંથી એક વ્યક્તિએ કહ્યું કે તેમણે ઇટાલીને પાર કરવા માટેનો બીજો પ્રવાસ કમને પડતો મૂક્યો, તેમણે આના માટે ખરાબ વાતાવરણ અને વહાણમાં વધુ પડતી ભીડનું કારણ આપ્યું.
"એ નાનકડી બોટ પર ખૂબ ભીડ હતી. તેમજ ખૂબ ગતિથી પવન પણ ફૂંકાઈ રહ્યો હતો."
ટ્યુનિશિયન નેશનલ ગાર્ડ અનુસાર આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ સ્ફાક્સ નજીક લગભગ 13 હજાર માઇગ્રન્ટો ‘તેમની ભીડભાડવાળી બોટ પડતી મૂકીને’ કાંઠે પરત ફરવા માટે મજબૂર બન્યા હતા.
યુએન રૅફ્યૂજી એજન્સીએ જાહેર કરેલી માહિતી અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ માસ દરમિયાન 24 હજાર લોકો ટ્યુનિશિયાના દરિયાકાંઠેથી કામચલાઉ બોટોમાં પ્રવાસ ખેડીને ઇટાલી પહોંચ્યા હતા.
હવે આ દેશ યુરોપ પહોંચવાનો પ્રયાસ કરનાર માઇગ્રન્ટ માટે મુખ્ય પ્રસ્થાન બિંદુ બની ગયો છે. પહેલાં આ વણજોઈતું બહુમાન લિબિયાના ભાગે હતું. પરંતુ માઇગ્રન્ટો વિરુદ્ધ હિંસા અને ગુનાખોર ટોળકીઓ દ્વારા અપહરણની ઘટનાઓને કારણે હવે ઘણા લોકો યુરોપ જવા માટે ટ્યુનિશિયાનો રસ્તો લેવા લાગ્યા છે.
જોકે, જૂન માસના મધ્ય ભાગમાં ગ્રીક દરિયાકાંઠે થયેલા ગોઝારા અકસ્માતમાં કે શિપ પર સવાર જેમાં 78 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં તેમજ 500 લોકો ગુમ થઈ ગયા હતા, એ લિબિયાથી ઊપડી હતી.
સ્ફાક્સના બંદર પાસે માઇગ્રન્ટો દ્વારા ઉપયોગમાં લેવાયેલી બોટો કાં તો જળમગ્ન અવસ્થામાં અથવા તો વહાણના ઢગલા સ્વરૂપે પડેલી જોવા મળે છે. આ દૃશ્ય વિશ્વના સૌથી જોખમી માઇગ્રેશન રૂટ સાથે વણાઈ ગયું છે.
એટલાં મૃત્યુ કે સ્મશાનમાં જગ્યા ખૂટી પડી
આ બાબતની યાદ વધુ એક દૃશ્ય શહેરના છેવાડે આવેલા સ્મશાનમાં પણ જોવા મળે છે. સ્મશાનના નવા વિસ્તરણના ક્ષેત્રમાં સંખ્યાબંધ કબરો ખોદી રખાઈ છે, આવું વધુ એક દુર્ઘટનાની રાહમાં કરાયું હોય એવો આભાસ થાય છે.
પરંતુ આ કબરો ખૂટી પડશે. માઇગ્રન્ટ માટે એક નવું સ્મશાન ઊભું કરવાનું આયોજન કરાઈ રહ્યું છે.
આ વર્ષે બે અઠવાડિયાંમાં અહીંના સમુદ્રમાંથી માઇગ્રન્ટના 200 મૃતદેહ મળી આવ્યા હતા.
વર્ષ 2014થી અત્યાર સુધી મેડિટેરેનિયનની આસપાસ વર્ષ 2014થી યુરોપ પહોંચવાના પ્રયાસમાં 27 હજાર લોકોનાં મૃત્યુ થયાં હોવાનું નોંધાયું છે.
આ ત્રાસદી શહેર માટે પણ ખૂબ જ કપરી સ્થિતિ સર્જી રહી છે. પ્રાદેશિક સ્વાસ્થ્ય ઑથૉરિટી ડાયરેક્ટર ડૉ. હાતેમ છેરિફ જણાવે છે કે આટલાં બધાં મૃત્યુ અંગે વ્યવસ્થા કરવાનું શક્ય નથી.
હૉસ્પિટલના મડદાઘરમાં વધુમાં વધુ 35-40 મડદાં માટે જગ્યા છે. સામાન્ય રીતે આટલું પૂરતું હોય છે, પરંતુ હાલ મડદાં મળી આવવાની સંખ્યામાં થયેલ વધારા સાથે વ્યવસ્થા કરવાનું મુશ્કેલ બન્યું છે.”
તાજેતરમાં જ મડદાઘરમાં 250 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. મોટા ભાગના મૃતદેહોને પાસેના ફ્રીઝિંગ રૂમમાં એક ઉપર એક એમ મૂકવા પડ્યા હતા. જેને “ત્રાસદીની ચેમ્બર” તરીકે ઓળખવામાં આવે છે.
જોકે, ડૉ. શેરિફે એ વાત પર ભાર મૂક્યો હતો કે તમામ મૃતદેહોનને અલગ અલગ નંબરવાળી કબરમાં દફન કરાશે.
મૃત્યુ પામેલ લોકો પૈકી મોટા ભાગની ઓળખ થઈ શકી નથી. તેથી બધા મૃતદેહોની ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે, જેનાં પરિણામો ખૂબ કાળજીપૂર્વક જાળવી રાખવામાં આવ્યાં છે. આવું એટલા માટે કરાયું છે કે જેથી પોતાના ગુમ થયેલા સ્વજનને શોધનાર વ્યક્તિ જો તેમના સ્વજનને અહીં દફન કરાયા હોય તો એ અંગે માહિતી મેળવી શકે.
ભારે કિંમત
સ્ફાક્સની ઉત્તરપશ્ચિમ દિશાએ થોડે દૂર મધ્ય ટ્યુનિશિયામાં માઇગ્રેશન માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાની ઑફિસોની બહાર દેશની અશ્વેત લઘુમતીના કૅમ્પો આવેલા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો સમાવિષ્ટ છે.
દેશના રાષ્ટ્રપતિ કઈસ સઈદે ગત ફેબ્રુઆરી માસમાં વંશીય ભેદભાવને ઉશ્કેરનારું વક્તવ્ય આપ્યા બાદ આ લોકોને શહેરમાં તેમની નોકરીઓ ગુમાવવી પડી હતી અને તેમજ ઘરો છોડવા મજબૂર થવું પડ્યું હતું.
સઈદે આ વક્તવ્યમાં દાવો કર્યો હતો કે દેશની વસતિપ્રમાણને બદલવાના “ગુનાહિત” આયોજનના ભાગરૂપે “માઇગ્રન્ટોના ધાડેધાડાં” દેશમાં આવી રહ્યાં છે.
તેમનાં આ નિવેદનોને દેશની કથળતી જઈ રહેલી આર્થિક સ્થિતિથી ઢાંકપિછોડો કરવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે દેશની સ્થિતિને કારણે ઘણા નાગરિકો ટ્યુનિશિયા છોડવા મજબૂર બન્યા છે.
વર્ષ 2002ના ભીષણ ગૃહયુદ્ધની નકારાત્મક અસરોમાંથી બહાર આવવા હજુ સુધી ઝઝૂમી રહેલા સિએરા લિયોનથી આવેલા એક યુવાને તેમના હાથ પરનો ચપ્પુનો ઘા બતાવી કહે છે કે રાષ્ટ્રપતિના ભાષણ બાદથી સ્થાનિક યુવાનોએ અહીં ઘણા લોકો પર ચપ્પુ વડે હુમલા કર્યા છે.
"કેટલાક અરબી યુવાનો અહીં અમારા પર હુમલો કરવા આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે જો અમે અહીં રહીશું તો તેઓ અમારી સુરક્ષા કરશે. પરંતુ જો અને આ વિસ્તાર છોડીશું તો અમારી સુરક્ષા જોખમમાં મુકાશે."
દેશની ચિંતાજનક સ્થિતિ અને રાષ્ટ્રપતિ દ્વારા નાગરિક અધિકારો ધોવાણ સમી વિરોધીઓની ધરપકડની કાર્યવાહી યુરોપિયન યુનિયનના અધિકારીઓને મન જાણે માઇગ્રન્ટનો પ્રવાહ રોકવાના કામ સામે ઓછી પડકારજનક છે.
અત્યાર સુધી આ વર્ષ દરમિયાન ઇટાલીમાં 47 હજાર માઇગ્રન્ટ આવી ચૂક્યા છે. જે ગત વર્ષના આ સમયગાળામાં આવેલા માઇગ્રન્ટોની સંખ્યાની સરખામણીએ ત્રણ ગણું છે. આ વધારા સાથે જ આ દિશામાં નક્કર પગલાં લેવાની માગ વધતી જઈ રહી છે.
આ મહિનાની શરૂઆતમાં યુરોપિયન કમિશનનાં પ્રમુખ ઉર્સુલા વૉન ડર લિઅનની અધ્યક્ષતામાં ટૂંકી મુલાકાતે આવેલા દળે એક બિલિયન ડૉલરનું નાણાકીય સપૉર્ટ પૅકેજ આપવાનો વાયદો કર્યો હતો.
જો આ અંગે મંજૂરી મળે તો આ રકમનો દસમો ભાગ માનવ તસ્કરીના દૂષણ સામે પગલાં ભરવા માટે ઉપયોગમાં લેવાશે.
ગ્રીક દરિયાકાંઠે થયેલા શિપ અકસ્માતને કારણે આ હેતુ માટેની માગ વધી છે.
જોકે, સીમા પર કરવા તલપાપડ સંખ્યાબંધ માઇગ્રન્ટ અને માનવ તસ્કરીનો અતિ નફાકારક કામનું સંયોજનને કારણે હેતુ માટે ઉપયોગમાં લેવાતી સંખ્યાબંધ નાની બોટોને રોકવું સરળ નહીં હોય.
આફ્રિકા અને મધ્યપૂર્વના કેટલાક ભાગોથી આવેલા માઇગ્રન્ટો સ્ફાક્સની શેરીઓમાં શંકાસ્પદ સ્થળોએ ભેગા થાય છે.
આ પૈકી કેટલાક પાસે તો તસ્કરોને બોટ પર જગ્યા મેળવવા પૂરતા નાણાં આપવા માટે હોય છે, પરંતુ ઘણા લોકો પાસે ઘર કે ભોજન માટે પૂરતાં નાણાં નથી હોતાં, તેઓ અનિશ્ચિતતાનો સામનો કરવા મજબૂર બને છે.
આ પૈકી ઘણાના પાસપોર્ટ ગુમ થઈ ગયા છે અને ઘણાના પાસપોર્ટ ચોરાઈ ગયા છે. ઉપરાંત આ લોકોમાં એવા પણ કેટલાક સામેલ છે જેમની પાસે ક્યારેય પાસપોર્ટ હતા જ નહીં, તેઓ ગેરકાયદેસર રીતે પોતાના દેશમાંથી અહીં આવી પહોંચ્યા છે.
બધાએ યુરોપ પહોંચવા માગતા અસંખ્ય લોકોનાં મૃત્યુ વિશે સાંભળ્યું છે. પરંતુ ગીનીથી આવેલા એક યુવાને કહ્યું એમ નિરાશા જોખમને વામણું પુરવાર કરી રહી હોય એવું લાગે છે.
"અમારી પાસે નાણાં કે પાસપોર્ટ નથી, તેથી અમે અમારા દેશ પરત ન ફરી શકીએ. હું ગભરાતો નથી. હું ભૂખ્યો ટળવળી રહ્યો છું, અમારે ત્યાં એટલી બધી ગરીબી છે, મારાં માતાપિતા પાસે કશું નથી. હું મારાં બાળકો સાથે આવું જ બને એવું નથી ઇચ્છતો. મારે તો જવું જ છે."
ત્રાસદી એ છે કે સારું જીવન મેળવવા માટેની પ્રાથમિક માનવીય આકાંક્ષાની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.