'પોલીસે મને પટ્ટેપટ્ટે મારી, હવે ન્યાય અપાવો,' અમરેલી નકલી લેટર કેસમાં પાટીદાર યુવતી પાયલે કેવા આક્ષેપો કર્યા?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FARUK QADRI

ઇમેજ કૅપ્શન, જામીન મળ્યા બાદ પાટીદાર યુવતી પાયલ ગોટીનું સ્વાગત કરાયું હતું, બાદમાં તેમણે પોતાના નિવાસસ્થાને પત્રકારપરિષદ યોજી હતી
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

અમરેલીના લેટર પ્રકરણમાં ભારે હોબાળો થયા પછી જામીન પર છૂટેલાં પાયલ ગોટીએ હવે ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને સંબોધીને ત્રણ પાનાંનો પત્ર લખ્યો છે.

તેમાં તેમણે આરોપ મૂક્યો છે કે અમરેલી પોલીસ તેમને મધરાતે ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, જ્યાં તેમને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો.

આ મામલે તેમણે વેકરિયાને 'મોટા ભાઈ' તરીકે સંબોધીને ન્યાય માંગ્યો છે અને જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના નાયબ દંડક કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં લખાયેલ એક પત્ર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી આ પ્રકરણ નવા નવા વળાંક આવતા જાય છે, જેમાં પોલીસે સૌથી પહેલા ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અને 'રિકન્સ્ટ્રક્શન'ના નામે તેમનો 'વરઘોડો' કાઢ્યો હોવાનો આરોપ છે.

બીબીસી ગુજરાતી અમરેલી પત્ર ભાજપ પાયલ ગોટી સરઘસ વિવાદ

ઇમેજ સ્રોત, FARUK QADRI

ઇમેજ કૅપ્શન, જામીન પર છૂટેલાં પાયલ ગોટીએ હવે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને સંબોધીને પત્ર લખ્યો છે

આ જ કાર્યવાહીમાં પાયલ ગોટી નામનાં એક પાટીદાર યુવતીની પણ કથિતપણે રાત્રે ધરપકડ કરાઈ અને તેમનો 'વરઘોડો' કાઢવામાં આવ્યો, તેના કારણે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો.

આ ઘટના બાદ ભારે હોબાળો મચ્યા પછી પાયલ ગોટીને સેશન્સ કોર્ટમાં જામીન મળી ગયા છે, જ્યારે આ કેસમાં અન્ય સહઆરોપી એવા ભાજપના અગ્રણી મનીષ વઘાસિયા, અશોક માંગરોળિયા અને જિતુ ખાત્રાને જામીન નથી મળ્યા.

પાયલ ગોટીને જામીન મળી ગયા ત્યાર પછી તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના બે દિવસ બાદ તેમણે અચાનક પોતાના વતન વિઠ્ઠલપુર ગામમાં પોતાના નિવાસસ્થાને પત્રકારપરિષદ યોજી હતી.

પાયલે મીડિયાને જણાવ્યું હતું કે ગયા શુક્રવારે તેઓ જૉબ પરથી આવીને સૂઈ ગયાં હતાં. તેમણે રાજકારણમાં કોઈ રસ ન હોવાનો દાવો કરવાની સાથે પોલીસ પર આક્ષેપ કરતાં ન્યાયની માગણી કરી હતી.

તેમણે કહ્યું, "રાતે પોલીસે ઘરનો દરવાજો ખખડાવ્યો અને મારા પિતાને મને ઉઠાડવા કહ્યું. તેઓ મને સવારે ઘરે મૂકી જઈશું એમ કહીને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. હું કોઈને ઓળખતી નથી. મારા ભવિષ્ય માટે ન્યાય મળે તે માટે મુખ્ય મંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી છે. પોલીસ દ્વારા મને માર મારવામાં આવ્યો છો. મને રાજકારણમાં કોઈ રસ નથી."

પાટીદાર યુવતી પાયલ ગોટીએ પત્ર લખીને પોતાની કથિત 'ખોટી રીતે' ધરપકડ અને 'કસ્ટડીમાં પોલીસ દ્વારા ગેરવર્તન'ના આરોપો અંગે બીબીસી ગુજરાતીના સહયોગી ફારુક કાદરી સાથે વાત કરતાં અમરેલી જિલ્લાના પોલીસ અધીક્ષક સંજય ખરાટે કહ્યું હતું કે, "પોલીસ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરશે."

કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ આરોપો બાદ ભાજપના નેતા અને પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા, જ્યારે ભાજપે આ સમગ્ર મામલાને 'રાજકીય રૂપ' અપાઈ રહ્યો હોવાનો આરોપ કર્યો હતો.

સામેની બાજુએ જિલ્લા પોલીસે આ મામલે 'નિષ્પક્ષ તપાસ' કરવાની વાત કરી હતી.

પાયલ ગોટીએ પત્રમાં શું લખ્યું?

બીબીસી ગુજરાતી અમરેલી પત્ર ભાજપ પાયલ ગોટી સરઘસ વિવાદ

ઇમેજ સ્રોત, FARUK QADRI

ઇમેજ કૅપ્શન, નીચલી અદાલતે 15 હજારના બૉન્ડ પર મહિલા આરોપીને જામીન પર મુક્ત કર્યાં છે

પાયલ ગોટીએ રવિવારે સાંજે પત્રકારપરિષદ બોલાવીને પોતે લખેલા પત્ર અંગે જાણ કરી હતી. જે બાદમાં સોશિયલ મીડિયામાં પણ વાઇરલ કરાયો હતો.

તેમણે પત્રમાં લખ્યું છે કે તેઓ ગરીબ પરિવારમાં ઉછરેલાં અને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરતાં મહિલા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને તેમની અડધી રાતે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવ્યાં હતાં.

તેમણે આક્ષેપ કરતાં આ પત્રમાં આગળ લખ્યું હતું કે તેમના સાથીદારોને દંડા ફટકારીને તેમને ભયભીત કરાયાં હતા. કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ પર લેવાયાં હતાં અને તેમને પોલીસે નિર્દયતાથી પટ્ટા ફટકાર્યા હતા.

બીબીસી ગુજરાતી અમરેલી પત્ર ભાજપ પાયલ ગોટી સરઘસ વિવાદ

ઇમેજ સ્રોત, FARUK QADRI

ઇમેજ કૅપ્શન, પાયલ ગોટીએ લખ્યું કે, "હું બહુ જ વ્યથિત છું અને દુઃખ તથા શરમની લાગણી અનુભવું છું."

પાયલ ગોટીએ પત્રમાં આગળ લખ્યું છે કે, "પોલીસે મારો વરઘોડો કાઢ્યો હતો જે નારીશક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટના હતી, જેનાથી ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે."

તેમણે લખ્યું છે કે, "હું બહુ જ વ્યથિત છું અને દુઃખ તથા શરમની લાગણી અનુભવું છું."

"આ દેશમાં અબળાની આબરૂ દાવ પર મુકાઈ ત્યારે શ્રીકૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યાં છે અને દરબારીઓ ચૂપ રહ્યા ત્યારે મહાભારતના મંડાણ થયા છે."

પાયલ ગોટીએ આ પત્રમાં વેકરિયાને પોતાના 'મોટા ભાઈ' તરીકે સંબોધ્યા છે અને અપેક્ષા વ્યક્ત કરી છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો સામે તત્કાળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

પત્રના ત્રીજા અને અંતિમ પાના પર તેમણે લખ્યું છે કે, તેઓ ન્યાયની લડાઈ લડી રહ્યાં છે જેમાં પરિણામ સુધી સહયોગ આપવા માટે તેમણે તમામ રાજકીય આગેવાનોને અપીલ કરી છે.

આ પત્રની નકલ મુખ્ય મંત્રીની કચેરીને પણ મોકલવામાં આવી છે તેવું અંતમાં લખેલું છે.

ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ પત્રનો વિવાદ શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Faruq Kadri

ઇમેજ કૅપ્શન, પોલીસે દાવો કર્યો હતો કે તેઓ આરોપી પાટીદાર યુવતીને 'બનાવના સ્થળે' લઈ જઈ રહ્યા હતા, એ દરમિયાન એવા આરોપ લગાવાયા હતા કે પોલીસે આરોપી પાટીદાર યુવતીનું 'સરઘસ' કાઢ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

થોડા દિવસ પહેલાં કથિતપણે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે એક બનાવટી પત્ર બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો, જેમાં કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા.

જોકે, આ પત્ર કાનપરિયા દ્વારા લખવામાં આવ્યો ન હતો તેવો દાવો થયો અને પછી 28 ડિસેમ્બરે અમરેલી સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

આ આરોપમાં તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, પાયલ ગોટી, જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા અને અન્ય એક વ્યક્તિ જિતુ ખાત્રાની ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલમાં પાયલે કથિતપણે માત્ર પત્ર ટાઇપ કરીને તેની પીડીએફ ફાઇલ બનાવી હોવાનો આરોપ હતો, આ આરોપમાં કથિતપણે તેમની રાત્રે ધરપકડ થવી અને પછી વરઘોડો કાઢવાની ઘટનાનો પાટીદાર સમાજમાં ભારે વિરોધ થયો હતો.

કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્ય મંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે ભાજપના નેતાના અહમને સંતોષવા પોલીસે આવી કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે પાટીદાર દીકરીએ માત્ર તેમના માલિકની સૂચના પ્રમાણે કામ કર્યું હતું.

આ દરમિયાન કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દો હાથમાં લીધો અને પોલીસ કાર્યવાહીની આકરી ઝાટકણી કાઢી હતી. ઘણા પાટીદાર નેતાઓએ પણ પાયલ સામેની ફરિયાદ પાછી ખેંચવાની માંગણી કરતી બેઠકો યોજી હતી.

વિપક્ષોના આરોપ અને ભાજપનો બચાવ

બીબીસી ગુજરાતી અમરેલી પત્ર ભાજપ પાયલ ગોટી સરઘસ વિવાદ

ઇમેજ સ્રોત, FACEBOOK/PARESHDHANANI

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો દાવો છે કે ભાજપમાં સંગઠનમાં આંતરિક મહાસંગ્રામ ચાલે છે

સાવરકુંડલાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કૉંગ્રેસના પ્રતાપ દૂધાતે બીબીસી ગુજરાતીને આ વિશે જણાવ્યું કે, "એક મહિલાની રાતે ધરપકડ કરવામાં આવી તેના કારણે કોર્ટમાં જજે પણ પોલીસને ઝાટકી હતી. પોલીસે સ્વયં કબૂલવું પડ્યું છે કે ખોટી રીતે કાર્યવાહી થઈ છે. પોલીસે માત્ર વટ પાડવા માટે અને પોતાનો રુઆબ જમાવવા માટે આ કાર્યવાહી કરી હતી."

તેમણે એવું પણ કહ્યું કે, "પોલીસે પત્રની એફએસએલમાં તપાસ કરાવ્યા વગર કઈ રીતે નક્કી કર્યું કે પત્ર બનાવટી છે? પોલીસે ફરિયાદીની સહી અને લેટરપેડમાં કરાયેલી સહીને મૅચ કરવી જોઈએ. મારા માનવા પ્રમાણે પત્ર અસલી જ છે અને તેમાં કરવામાં આવેલા આરોપો પણ સાચા છે."

પ્રતાપ દૂધાતે આરોપ મૂક્યો હતો કે, "અમરેલી જિલ્લા પોલીસે છેલ્લા એક વર્ષથી માત્ર ભાજપનો ખેસ પહેરવાનું બાકી રાખ્યું છે અને સત્તાધારી પક્ષના ઇશારે જ કામ કરે છે. આ કેસમાં મહિલાની જે રીતે ધરપકડ કરવામાં આવી અને જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું તેના કારણે આખું પ્રકરણ બહાર આવ્યું. બાકીના ત્રણ આરોપીને પકડીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હોત તો કદાચ આખી વાત બહાર આવી ન હોત. જિલ્લામાં દારૂનું બેફામ વેચાણ, ખનીજચોરી થાય છે પણ તેમાં ગુનેગારોને પકડવામાં નથી આવતા."

બીજી તરફ ગુજરાત મહિલા કૉંગ્રેસનાં પ્રમુખ જેનીબેન ઠુમ્મરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "સૌથી પહેલા તો આ પત્રની એફએસએલ તપાસ કરવામાં આવે તો સ્પષ્ટ થઈ જશે કે પત્ર પણ સાચો છે અને તેમાં લખાયેલી વિગતો સાચી જ છે. પોલીસે પાટીદાર યુવતી પાયલને તથા તેના માલિકને પણ ખૂબ માર માર્યો છે. ભાજપના ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના આરોપનો મૂળ મુદ્દો એક બાજુ મૂકીને હવે આખો મુદ્દો યુવતી તરફ ડાઇવર્ટ કરવામાં આવી રહ્યો છે."

કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીનું પણ કહેવું છે કે "એક અસલી પત્રને નકલી સાબિત કરવા માટે આખી ફરિયાદ કરવામાં આવી છે. નાના ખેડૂતના દીકરી અને મહિને સાત હજાર રૂપિયાના પગારે કામ કરતા પાયલે તો માત્ર પત્ર ટાઇપ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને માર માર્યો છે એટલું જ નહીં, તેમની નજર સામે બીજા ત્રણ આરોપીઓને પણ પોલીસે ફટકાર્યા છે."

પરેશ ધાનાણીનો આરોપ છે કે વાસ્તવમાં ભાજપમાં સંગઠનમાં આંતરિક મહાસંગ્રામ ચાલે છે અને તેના ભાગરૂપે આખી વાતને અલગ પાટે ચઢાવવામાં આવી રહી છે.

બીબીસીએ ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આ પત્ર સાચો છે કે ખોટો તે પોલીસ તપાસનો વિષય છે અને જે સત્ય હશે તે બહાર આવશે. કૉંગ્રેસને આ મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી, છતાં તે એક ક્રાઇમની બાબતને રાજકીય અને જ્ઞાતિવાદનો રંગ આપવા માંગે છે."

તેમણે કહ્યું કે, "આ કેસમાં પત્રની એફએસએલ દ્વારા તપાસ થવી જોઈએ અને પોલીસ એ કરશે જ. કૉંગ્રેસ માત્ર પબ્લિસિટી મેળવવા માટે આ મુદ્દાને જ્ઞાતિના મુદ્દે લઈ જઈ રહી છે."

પાટીદાર યુવતી પાયલ ગોટીએ પત્ર લખીને પોતાની કથિત 'ખોટી રીતે' ધરપકડ અને 'કસ્ટડીમાં પોલીસ દ્વારા ગેરવર્તન'ના આરોપો અંગે બીબીસી ગુજરાતીના સહયોગી ફારુક કાદરી સાથે વાત કરતાં અમરેલી જિલ્લાના પોલીસ અધીક્ષક સંજય ખરાતે કહ્યું હતું કે, "પોલીસ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.