સુરત : 'ઝેરી દવાવાળું' પાણી પીતાં 118 હીરાકામદારોની તબિયત બગડવાના મામલામાં અત્યાર સુધી શું-શું થયું?

ઇમેજ સ્રોત, Rupesh Sonawane
બુધવારે સવારે સાડા દસ-અગિયાર વાગ્યાની આસપાસ સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હીરા કંપનીમાં 100 કરતાં વધુ રત્નકલાકારોની અચાનક તબિયત બગડતાં તમામને આસપાસની ખાનગી હૉસ્પિટલોમાં સારવાર લેવી પડી હોવાનું માલૂમ પડ્યું હતું.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર અસરગ્રસ્ત રત્નકલાકારોએ કોઈએ કંપનીના પીવાના પાણીના ફિલ્ટરમાં અનાજમાં નાખવાની દવા નાખી દીધી હોવાનો આરોપ કર્યો હતો.
સમગ્ર મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે જવાબદાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની વાત કરી છે.
આ ઘટનાને પગલે રત્નકલાકારોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટના અંગે પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર કુલ 118 રત્નકલાકારોને આ 'ઝેરી દવાયુક્ત' પાણી પીવાને કારણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. તમામ હાલ ખતરાથી બહાર છે. પોલીસ અને ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેકટરીની પીવાની પાણીની ટાંકીમાં કોઈક વ્યક્તિએ અનાજમાં જીવાત પડતી અટકાવવા માટેની સેલ્ફોસ ગોળીનું પડીકું તોડીને નાખી દીધું હતું. નોંધનીય છે કે આ એક ઝેરી રસાયણ હોય છે.
જોકે, આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ પણ થઈ નહોતી.
અસરગ્રસ્ત હીરાકામદારો સહિત પોલીસ અને રાજનેતાઓનું કહેવું છે કે સમગ્ર મામલે ફેકટરીના માલિકે તાત્કાલિક તમામ અસરગ્રસ્તોને હૉસ્પિટલે મોકલી આપ્યા હતા. જોકે, આ સમગ્ર મામલે વાત કરવા માટે ફેકટરી માલિકનો સંપર્ક થઈ શક્યો નહોતો.
સમગ્ર ઘટના અંગે અત્યાર સુધી શું શું થયું એ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પાણી પીધા બાદ ચક્કર આવવા માંડ્યા, પેટ ખરાબ થઈ ગયું'

ઇમેજ સ્રોત, Rupesh Sonawane
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ઝેરી દવાવાળું' પાણી પીધા બાદ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક રત્નકલાકાર નટવરભાઈએ પીવાના પાણીમાં કોઈક 'ઝેરી' દવા હોવાની ખબર કઈ રીતે પડી એ અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "આજે સવારે બધાએ પાણી પીધું. જેમાંથી વાસ આવતી હતી. અમે આની વાત શેઠને કરી. તપાસ કરતાં ખબર પડી કે પાણીમાં દવા છે. કેટલાક કારીગરોને ચક્કર ચઢવા લાગ્યા હતા, અને પેટ સંબંધિત તકલીફ થવા માંડી હતી. તાત્કાલિક શેઠે અમને બધાને દવાખાને એડમિટ કરી દીધા. હાલ દવાખાને બધાની સ્થિતિ સારી છે."
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "હાલ અસરગ્રસ્ત કોઈ કારીગરને કોઈ તકલીફ નથી. શરૂઆતમાં ઘણા લોકોને માથાના દુખાવા જેવી સમસ્યાઓ થતી હતી, પરંતુ તરત દાખલ થઈ જતાં હવે વાંધો નથી."
સુરત ઝોન-1 ડીસીપી આલોકકુમારે આ સમગ્ર ઘટન અંગે વાત કરતાં કહ્યું કે, "આજે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે વિસ્તારની અનભ જેમ્સ નામની કંપનીમાં પાણીની ટાંકીમાં કોઈ અસામાજિક તત્ત્વે સેલ્ફોસ નામની ઝેરી દવાનું પૅકેટ તોડીને નાખી દીધું હતું. સેલ્ફોસના પૅકેટમાં બે પડીકી હોય છે, સદ્નસીબે તેમાંથી અંદરની ખરી દવાવાળી પડીકી ફાટી નહોતી."

ઇમેજ સ્રોત, Rupesh Sonawane
તેઓ કંપનીના માલિકે હીરા કામદારોની ફરિયાદ બાદ કરેલી કાર્યવાહી અંગે જણાવતાં કહે છે કે, "કર્મચારીઓએ કંપનીના માલિકને ફરિયાદ કરતાં તેમણે તમામને નજીકની કિરણ હૉસ્પિટલ અને ડાયમંડ હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા."
તેમના જણાવ્યા મુજબ આ ઘટનામાં જાનમાલની હાનિ નથી થઈ.
"આ ખૂબ જ ગંભીર ઘટના હોઈ અમે આની તપાસ કરી રહ્યા છીએ, અમે ફૉરેન્સિકની ટીમ પણ બોલાવી છે. અમે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આ ઘટનાની જવાબદાર વ્યક્તિ સામે અમે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરીશું."
સુરત : શિક્ષણમંત્રીએ કહ્યું, 'જવાબદારો સામે કાર્યવાહી થશે'

ઇમેજ સ્રોત, Rupesh Sonawane
બીમાર પડેલા રત્નકલાકારોને જ્યાં સારવાર આપવામાં આવી હતી એ કિરણ હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, "બુધવારે સવારે લગભગ સાડા બાર વાગ્યે અમને એક ડાયમંડ ફેકટરીમાંથી ફોન આવ્યો હતો. આ કૉલ દરમિયાન અમને કહેવાયું હતું કે ફેકટરીમાં 120 જેટલા દર્દીઓ પ્રદૂષિત પાણી પી ગયા છે. અમને આપેલી પ્રાથમિક માહિતી અનુસાર એક વૉટર ટૅન્કમાં ઝેરી દવાના કારણે આ પાણી પ્રદૂષિત થયું હતું."
"120 દર્દીમાંથી લગભગ 104 દર્દી અમારી હૉસ્પિટલમાં આવ્યા હતા. આ બધા દર્દીને અમે સારવાર આપી છે, તમામ હવે ખતરાથી બહાર છે. 104માંથી 102 દર્દી જનરલ વૉર્ડમાં છે, જ્યારે બે દર્દી આઇસીયુમાં છે."

ઇમેજ સ્રોત, Rupesh Sonawane
ડૉક્ટરે સમગ્ર બનાવ અંગે તેમની પાસે રહેલી માહિતી આપતાં કહ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિએ પીવાના પાણીમાં સેલ્ફોસ નામની દવા, જે અનાજને જીવાત વગેરેથી બચાવવા માટે મૂકવામાં આવે છે, નાખી દીધી હતી. જેના કારણે પાણી પ્રદૂષિત થઈ ગયું હતું.
આ ઘટનાની જાણ થતાં ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પણ હૉસ્પિટલ જઈ અસરગ્રસ્ત કામદારોની મુલાકાત લીધી હતી.
તેમણે એક વીડિયો જાહેર કરીને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, "આજે સુરતમાં વરાછા વિસ્તારમાં એક ડાયમંડ ફેકટરીમાં કોઈ બદમાશે પીવાના પાણીમાં ઝેર ભેળવી દીધું હતું. આ ઝેરી પાણી પીનાર તમામ રત્નકલાકારો હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ તમામ હવે ખતરાથી બહાર છે."
"પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ખૂબ જ ખતરનાક કૃત્ય હતું. જેના કારણે 118 લોકો હાલ દાખલ છે. જવાબદારને જરૂર સજા કરાશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























