2025ના ચોમાસાનું પૂર્વાનુમાન : આ વર્ષે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે ભારતમાં ચોમાસું સારું રહેશે અને મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા 2025 અંગેના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન 103% જેટલો વરસાદ થવાની શક્યતા છે.
આ અનુમાનમાં 5% વધારે-ઓછા વરસાદની ત્રુટી સીમા રાખવામાં આવી છે. એટલે કે હાલ જે પૂર્વાનુમાન કર્યું છે તેમાં 5 ટકા વધારો ઘટાડો થઈ શકે છે.
સ્કાયમેટનું કહેવું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધી એમ ચાર મહિનાના ગાળા દરમિયાન દેશમાં સારો વરસાદ થશે. જૂન મહિનામાં ચોમાસું શરૂ થયા બાદ જુલાઈ અને ઑગસ્ટમાં વરસાદ વધવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે અને 1 જૂન દેશમાં ચોમાસું બેસવાની આધિકારિક તારીખ છે. કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે 15થી 20 દિવસ જેટલો સમય લાગે છે.
ગુજરાતમાં 15 જૂન ચોમાસું બેસવાની તારીખ છે, પરંતુ ચોમાસું સામાન્ય રીતે ચોક્કસ તારીખે જ પહોંચે એવું હોતું નથી.
ચોમાસાના ચાર મહિનાના ગાળામાં સરેરાશ 96%થી 104% જેટલો વરસાદ થાય તો ચોમાસું સામાન્ય રહ્યું ગણાય એટલે કે સારો વરસાદ થાય.
ચોમાસામાં કયા મહિનામાં વધારે વરસાદ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
સ્કાયમૅટના પૂર્વાનુમાન અનુસાર જૂન મહિનામાં લાંબાગાળાની સરેરાશ પ્રમાણે 96% જેટલો વરસાદ થવાની શક્યતા છે. સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થયા બાદ તે આગળ વધે છે અને વધારે વિસ્તારોમાં પહોંચે છે. જેથી આ મહિનામાં સમગ્ર દેશની ગણના પ્રમાણે ઓછો વરસાદ રહેતો હોય છે.
જુલાઈ મહિનામાં લાંબા ગાળાની સરેરાશના સંદર્ભમાં 102% વરસાદ થવાની સંભાવના છે. આશરે 280.5 મિલીમીટર વરસાદ થવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑગસ્ટમાં મહિનામાં ચાર મહિનાના ગાળામાં સૌથી વધારે વરસાદની શક્યતા છે. પૂર્વાનુમાન પ્રમાણે ઑગસ્ટમાં 254.9 મિલીમીટર વરસાદ થવાની શક્યતા છે એટલે કે લગભગ 108% ટકા જેટલો વરસાદ થશે.
સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પરત ફરતું હોય છે. આ મહિનામાં પૂર્વાનુમાન પ્રમાણે 104% વરસાદ થવાની સંભાવના છે એટલે કે લગભગ 167.9 મિમી જેટલો વરસાદ થશે.
ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થતો હોય છે. જૂન મહિનો અડધો પૂરો થયા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થાય છે અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાની વિદાય થતી હોવાથી આ બંને મહિનામાં સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ વરસાદ ઓછો રહેતો હોય છે.
ચોમાસામાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારોમાં પડશે?
સ્કાયમૅટના ચોમાસું 2025 અંગેના પૂર્વાનુમાન પ્રમાણે પશ્વિમ અને દક્ષિણ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. એટલે કે ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે. જોકે, સ્કાયમૅટના આ પૂર્વાનુમાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના થોડાક વિસ્તારોને બાદ કરતાં મૉડલ વ્યવસ્થિત સિગ્નલ આપતું નથી.
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા મુખ્ય ચોમાસું વિસ્તારોમાં પણ આ વર્ષે પર્યાપ્ત વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પશ્ચિમ ઘાટ એટલે કે કેરળ, કર્ણાટકના અરબી સમુદ્ર તરફના કાંઠાના વિસ્તારો અને ગોવામાં સરેરાશ કરતાં વધારે વરસાદની સંભાવના છે.
જ્યારે પૂર્વોત્તર ભારત અને ઉત્તર ભારતનાં પહાડી રાજ્યો, જેમ કે મેઘાલય, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
લા-નીના અને અલ-નીનોની ચોમાસા પર શું અસર થશે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રશાંત મહાસાગરમાં લા-નીનાની સ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસું સારું રહે છે અને અલ નીનોમાં ચોમાસું થોડું નબળું રહે છે.
સ્કાયમૅટના મૅનેજિંગ ડાયરેક્ટર જતિન સિંહ અનુસાર હાલ જે લા નીના (La Nina)ની સ્થિતિ છે તે ધીરે-ધીરે નબળી પડી રહી છે અને તેની અસર ખતમ થઈ રહી છે. જ્યારે ભારતના ચોમાસાને પ્રભાવિત કરતા અલ-નીનો (El Nino)ની સ્થિતિ પેદા થાય તેવી શક્યતા ઓછી છે.
તેમના કહેવા પ્રમાણે આ વર્ષે તટસ્થ સ્થિતિ (ENSO-neutral) વધારે પ્રભાવી રહે તેવી શક્યતા છે. ઇન્ડિયન ઑશન ડાયપૉલ પણ સકારાત્મક રહેવાની શક્યતા છે. છેલ્લા વર્ષોના રેકૉર્ડ પ્રમાણે જ્યારે પ્રશાંત મહાસાગરમાં તટસ્થ સ્થિતિ હોય અને ઇન્ડિયન ઑશન ડાયપૉલ સકારાત્મક હોય ત્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે.
ગુજરાત અને ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન પડતો વરસાદ જ ખેતીનો મુખ્ય આધાર હોય છે. જેના પર જ ખરીફ અને રવીપાકનું ઉત્પાદન આધાર રાખે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























