You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હવે આ તારીખ પછી વાવણીલાયક વરસાદ થશે, ચોમાસું ક્યારે આગળ વધશે?
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગયા બાદ મોટા ભાગના વિસ્તારો હાલ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વાવણી માટે ખેતરો તૈયાર કરીને બેઠેલા ખેડૂતો ચોમાસું આગળ વધવાની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં સમય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને પવન ફૂંકાઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી, 15 જૂન એ ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ છે. એટલે આ વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમય કરતાં વહેલી થયેલી ગણવામાં આવશે.
કેરળથી ગુજરાત સુધી ખૂબ ઝડપથી આગળ વધેલું ચોમાસું હવે નબળું પડ્યું છે અને અરબી સમુદ્રની શાખા હાલ આગળ વધી રહી નથી.
ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે થશે?
ગુજરાતમાં 8થી 11 જૂન સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે, ક્યાંક છૂટોછવાયો તો ક્યાં મધ્યમ અને ગણ્યાંગાઠ્યાં સ્થળોએ મધ્યમ કરતાં વધારે વરસાદ થયો છે.
અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો નથી.
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 13 અને 14 જૂનના રોજ ગુજરાતમાં હજી વરસાદનું જોર રહેવાની શક્યતા છે, પરંતુ તે બાદ વરસાદનું જોર રાજ્યમાં ઘટી જશે અને ખૂબ ઓછા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈ અને કોકણના વિસ્તારોમાં ચોમાસું પહોંચ્યું ત્યારે અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હતો, એટલે કે વાવણી માટે તે પૂરતો વરસાદ ગણાય.
જોકે, ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારે અને તે પહેલાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ન હતી એટલે કે રાજ્યમાં વાવણીલાયક વરસાદની શક્યતા ઓછી હતી.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે.
જોકે, ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવો ઉલ્લેખ હવામાન વિભાગે પણ તેના બુલેટિનમાં કર્યો નથી. હજી પણ આવનારા પાંચથી સાત દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની શક્યતા દેખાતી નથી.
હાલની સ્થિતિ પ્રમાણે હવામાનનાં જે મૉડેલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે 20 તારીખ પછી કદાચ ચોમાસું ફરી મજબૂત બને અને રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ચોમાસું નબળું છતાં ગુજરાતમાં વરસાદની ક્યાં શક્યતા?
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ચોમાસું નબળું પડી ગયા છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.
13 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ થતા ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને દક્ષિણ ગુજરાત થતા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે, રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના ખૂબ ઓછી છે.
16 જૂનથી વરસાદ ખૂબ ઘટી જશે અને નવસારી, વલસાડ તથા અમરેલી અને ગીર-સોમનાથના કોઈ વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. જ્યાં પણ વરસાદ પડશે ત્યાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડશે, એટલે કે વાવણી કરી શકાય એટલો પૂરતો વરસાદ થવાની સંભાવના હાલ ઓછી છે.
ચોમાસું હવે ક્યાં આગળ વધશે? ભારતમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે શાખાઓમાં આગળ વધે છે, હાલ બંને શાખાઓ નબળી પડી છે એટલે ચોમાસું પ્રગતિ કરી રહ્યું નથી.
આવનારા દિવસોમાં એવી સંભાવના છે કે બંગાળની ખાડી તરફની શાખા આગળ વધશે એટલે કે ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના વિસ્તારો તથા બિહાર તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે.
15 જૂન બાદ બંગાળ તરફની શાખા ફરી મજબૂત બનશે અને તે આગળ વધવાનું શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફની શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી છે, હવામાનનાં મૉડલો જે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ શાખાને મજબૂત બનતાં હજી થોડા દિવસો સુધીનો સમય લાગે તેવી સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને મધ્ય પ્રદેશ તથા બીજા વિસ્તારોમાં ચોમાસું ઝડપથી પ્રગતિ કરે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે.
સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના અંત સુધીમાં તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેતું હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે. જોકે, આ સ્થિતિમાં પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે.
ચોમાસું હવે ક્યાં આગળ વધશે?
ભારતમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે શાખાઓમાં આગળ વધે છે, હાલ બંને શાખાઓ નબળી પડી છે એટલે ચોમાસું પ્રગતિ કરી રહ્યું નથી.
આવનારા દિવસોમાં એવી સંભાવના છે કે બંગાળની ખાડી તરફની શાખા આગળ વધશે એટલે કે ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના વિસ્તારો તથા બિહાર તરફના વિસ્તારોમાં ચોમાસું આગળ વધતું જોવા મળી શકે છે.
15 જૂન બાદ બંગાળ તરફની શાખા ફરી મજબૂત બનશે અને તે આગળ વધવાનું શરૂ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફની શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી છે, હવામાનનાં મૉડલો જે દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે આ શાખાને મજબૂત બનતાં હજી થોડા દિવસો સુધીનો સમય લાગે તેવી સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને મધ્ય પ્રદેશ તથા બીજા વિસ્તારોમાં ચોમાસું ઝડપથી પ્રગતિ કરે તેવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના અંત સુધીમાં તમામ વિસ્તારોને ચોમાસું આવરી લેતું હોય છે.
હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવના છે. જોકે, આ સ્થિતિમાં પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે.