You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આજે ચંદ્રગ્રહણ, ભારતમાં ક્યારે અને ક્યાં દેખાશે?
મંગળવાર, 8 નવેમ્બર,2022 એ પૂર્ણ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ચંદ્રગ્રહણ ચંદ્રોદયના સમયથી જ ભારતના વિવિધ સ્થાનો પર દેખાશે.
આ વર્ષ 2022નું અંતિમ પૂર્ણ ચંદ્રગ્રહણ પણ હશે. નાસા અનુસાર આ ચંદ્રગ્રહણ બ્લડમૂન પણ હશે અને એ દરમિયાન ચંદ્ર લાલ દેખાશે.
ચંદ્રોદયના વખતે ગ્રહણ ભારતમાં જોઈ શકાશે પણ ગ્રહણની આંશિક તેમજ પૂર્ણાવસ્થાનો આરંભ ભારતમાં કોઈ પણ સ્થાને નહીં દેખાય. એનું કારણ એવું છે કે આ ઘટનાનો ભારતમાં ચંદ્રોદય પહેલાં જ આરંભ થઈ જશે.
ગ્રહણની પૂર્વાવસ્થા તેમજ આંશિક અવસ્થાનો અંત દેશના પૂર્વ ભાગમાં જોવા મળશે. જ્યારે બાકીના વિસ્તારોમાં આંશિક અવસ્થાનો માત્ર અંત જ જોવા મળશે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર, દેશના પૂર્વ ભાગનાં શહેરો કોલકતા, ગૌહાટીમાં ચંદ્રોદયના વખતે ગ્રહણની પૂર્વાવસ્થા ચાલી રહી હશે. કોલકતામાં ચંદ્રોદય વખતથી લઈને પૂર્વાવસ્થાના અંત સુધીની સમયમર્યાદા 20 મિનિટની હશે અને ચંદ્રોદયના સમયથી લઈને ગ્રહણની આંશિક અવસ્થાના અંત સુધીની સમયમર્યાદા 1 કલાક 27 મિનિટ હશે.
ગૌહાટીમાં ચંદ્રોદયના વખતથી લઈને પૂર્ણાવસ્થાના અંતની સમયાવધિ 38 મિનિટની હશે. જ્યારે ચંદ્રોદયના વખતે ગ્રહણની આંશિક અવસ્થાના અંત સુધીની અવધિ 1 કલાક 45 મિનિટની હશે. અન્ય શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચૈન્નઈ તેમજ બેંગલુરુમાં પૂર્ણાવસ્થાના અંત ઉપરાંત ચંદ્રોદય થશે એ વખતે આંશિક ગ્રહણ ચાલી રહ્યું હશે અને આ શહેરોમાં ચંદ્રોદયના સમયથી લઈને ગ્રહણની આંશિક અવસ્થાના અંત સુધીની અવધિ અનુક્રમે, 50 મિનિટ, 18 મિનિટ, 40 મિનિટ તેમજ 29મિનિટ હશે.
તમે જોઈ શકશો ચંદ્રગ્રહણ?
વિજ્ઞાન પ્રસારમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ટીવી વેંકટેશ્વરનના જણાવ્યા પ્રમાણે, “આ ઉપછાયા ગ્રહણ છે, એટલે ગ્રહણની અસર વધારે જોવા નહીં મળે. ચંદ્ર પર આછો પડછાયો જોવા મળશે. સાથે જ એ માત્ર ચંદ્રના 58% ભાગને જ કવર કરશે.”
ટીવી વેંકટેશ્વરન કહે છે કે આ ગ્રહણ આટલી સહેલાઇથી જોવા નહીં મળે. જો ચંદ્રગ્રહણનો પૂરપૂરો પ્રભાવ હોય અને ખૂબ જ ધ્યાનથી જોવામાં આવે તો ચંદ્રના ઉત્તર અને દક્ષિણ ભાગની ચમકમાં થોડું અંતર જોઈ શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્રની છાયા
ટીવી વેંકટેશ્વરનના જણાવ્યા પ્રમાણે પહેલા એ સમજવું જરૂરી છે કે છાયા બે પ્રકારની હોય છે. કોઈ પણ વસ્તુ, જે પ્રકાશ રોકે છે તે બે પ્રકારની છાયા ઉત્પન્ન કરશે.
એક જેમાં અંધકાર હોય એની છાયા ખૂબ કાળી હોય છે તેને ‘અમ્બ્રલ’ કહેવામાં આવે છે. બીજી છાયા, જે આછી અને ફેલાયેલી હોય છે, તેને ‘પીનમ્બ્રલ’ કહેવાય છે.
આ બન્ને વચ્ચેનું અંતર છે : જો તમે અમ્બ્રલ ક્ષેત્રમાં ઊભા છો, તો સંપૂર્ણ પ્રકાશ સ્રોત કવર થઈ જશે. પરંતુ જો તમે પીનમ્બ્રલ ક્ષેત્રમાં ઊભેલા છો તો સમગ્ર પ્રકાશ સ્રોત કવર નહીં થાય.
ક્યારે થાય છે ચંદ્રગ્રહણ?
સૂર્યની પરિક્રમા દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય વચ્ચે એ રીતે આવે છે કે ચંદ્ર ધરતીના પડછાયાથી છૂપાઈ જાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકબીજાની એકદમ સીધી હરોળમાં આવી જાય.
પૂનમના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે તો તેનો પડછાયો ચંદ્ર પર પડે છે. તેનાથી ચંદ્રની છાયા વાળો ભાગ અંધકારમાં રહે છે.
જ્યારે આપણે આ સ્થિતિમાં ધરતી પરથી ચંદ્રને જોઈએ છીએ તો તે ભાગ કાળો જોવા મળે છે. એટલે જ તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
ગ્રહણ અંગેની ગેરમાન્યતાઓ
ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા-ગેરમાન્યતાઓ વણાયેલી છે. ગ્રહણ અંગે ઘણા લોકોના મનમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેમ કે, ઘણા લોકો ગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે એવું માને છે. તેમજ ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાથી મહિલાઓને ગર્ભપાત થઈ શકે એવી ગંભીર પ્રકારની માન્યતાઓ પણ લોકોમાં જોવા મળે છે.
ખોરાક અને તેની કેટલીક સામગ્રીને ગ્રહણ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે. વળી ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાની માન્યતા પણ પ્રવર્તે છે. આ સમય દરમિયાન પૂજાપાઠ પણ કરવામાં આવે છે.
લોકોમાં પ્રવર્તતી ગ્રહણને લગતી માન્યતાઓ શું ખરેખર સાચી છે અને તેને ગ્રહણ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે જાણવા બીબીસીએ ફિઝિક્સનાં પ્રોફેસર ડૉ. મીના તલાટી સાથે વાતચીત કરી હતી.
ભરૂચની કે. જે. પોલિેટેકનિક કૉલેજનાં ફિઝિક્સનાં પ્રોફેસર ડૉ. મીના તલાટીના જણાવ્યા મુજબ ખરેખર વિજ્ઞાનમાં આવાં કોઈ તારણો સંશોધન કે થિયરી નથી જે આ સંબંધિત માન્યતાઓ અને ગ્રહણ વચ્ચે સંબંધ હોવાનો પુરાવો આપે છે.
તેમણે આ વિશે જણાવતા કહ્યું, "ગ્રહણ એ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે. તેની પૃથ્વી પર સામાન્ય લોકોનાં શારીરિક-માનસિક લક્ષણો પર સીધી અસર માટે તર્ક આપવામાં આવતા હોય છે, પરંતુ તેમાં કોઈ પુરવાર થયેલી થિયરી નથી. ખરેખર ગ્રહણ એક ઘટના છે, જે પૃથ્વી સંબંધે ઘણી દુર્લભ છે. તેને માણવું જોઈએ અને આ બધી ઘટનાઓ વિશે જાણવું સમજવું જોઈએ."
"રહી વાત ગ્રહણ સમયે જમવું નહીં અને બહાર નહીં જવાની માન્યતાની, તો જૂના જમાનામાં કાચાં મકાનો રહેતાં અને વીજળી નહોતી. આથી ગ્રહણ સમયે અંધારું હોવાથી ઘરમાં બનાવેલા ખોરાક કે તેની સામગ્રીમાં કોઈ જંતુ ન પડી જાય એટલા માટે લોકો ખાવાનું ટાળતા હતા."
રેડિયેશનની માન્યતા
ડૉ. મીના તલાટી ઉમેરે છે, " માનવનો સ્વભાવ રહ્યો છે કે તે કોઈ પણ દુર્ઘટનાને એ દિવસના સંજોગો સાથે જોડી દે છે. આથી ગ્રહણ સમયે કંઈક નકારાત્મક ઘટના બની હોય, તો તેને હંમેશાં માટે અશુભ સમય માની લેવાય છે, જે તદ્દન ખોટી માન્યતા છે."
અત્રે નોંધવું રહ્યું કે, ગ્રહણ બાબતે લોકો એવી પણ માન્યતા ધરાવતા હોય છે કે તેની માનસિક અસર થવાથી પરિવારમાં કંકાસ થાય છે. ઉપરાંત વ્યક્તિ પર ખોટા આક્ષેપો પણ થતા હોય છે. જો કે વિજ્ઞાનના જાણકારો આ તમામ માન્યતાઓને ખોટી ગણાવે છે. આ સમગ્ર બાબત અંગે ડૉ. મીના તલાટીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રહણની ગુરુત્વાકર્ણ અને રેડિયેશન(કિરણોત્સર્ગ)ની અસર મામલે કોઈ ખાસ સંશોધન નથી થયાં.
"આ વિષયમાં સંશોધન ચાલુ છે. સાયન્સ આવી માન્યતાઓને ગ્રાહ્ય નથી રાખતું. ઉપરાંત આપણે પૃથ્વી પર રહીએ છીએ એટલે આપણને ગ્રહણો વારંવાર જોવા નથી મળતાં. જો મંગળ પર રહેતાં હોત તો વારંવાર આવાં સૂર્ય-ચંદ્રગ્રહણો જોવા મળતાં હોત." અવકાશમાં થતી આવી ઘટનાઓ અંગે લોકોમાં પ્રવર્તી માન્યાતાઓ સાથે વિજ્ઞાનનો કોઈ સીધો સંબંધ નથી.